કાલ ક્ષેપમ
કાલ ક્ષેપમ
' હેલો.. હું સમીર.... ગઈ કાલે ફોન કર્યો હતો.... ? તમે આજે ફરી ફોન કરવાનું કહ્યું હતું ને ? બહેન મેં તમને કીધું એમ મારો પ્રોજેક્ટ અટકી.....'
" પ્લીઝ તમે લાંબી વાત ના કરો. નરૂલ્લા હોટેલના રૂમ નંબર 504માં પહોંચી જજો તમારા પૈસા મળી જશે. હવે ફોન કરવની જરૂર નથી.
' બહેન તમે મારી વાત સમજો....'
ફોન કટ થઈ ગયો. સમીર ના ચહેરા પર બંધ થઈ ગયેલા ફોનને જોતા શિકારની દયા ખાતાં શિકારી જેવું સ્મિત આવી ગયું.
લગભગ એવા જ સ્મિત સાથે એણે રૂમ નંબર 504 ના દરવાજે આજુબાજુ સાવચેતીથી નજર નાખી દરવાજા પર ધીમા ટકોરા માર્યા. બહેન ને કહેવા માટે સમીરે શબ્દો ગોઠવી રાખ્યા હતા પણ બારણું ખુલતા એમાંનું કશું જ બોલી શકાયું નહીં. કેમ કે બારણું ખોલનાર કોઈ ઊંચા પગારની નોકરી કરતો હોય એવો પુરુષ હતો. અને બહુ સાહજિકતાથી પૂછ્યું સમીરભાઈ ને તમે ? પ્લીઝ કમ. સહેજ પણ ખચકાવાની જરૂર નથી. બી કમફોરટેબલ.
આગંતુકે કોઈ પણ પ્રકારનો ઉચાટ કે આશંકા ના રહે એવી રીતે સમીરને આવકાર આપી, બારણું બંધ કરી, સોફામાં બેસાડી ને એની લગોલગ ખુરશીમાં બેઠો.
સમીરની નજર રૂમમાં ચારે બાજુ ઘૂમતી હતી એ તેના ધ્યાન બહાર નહોતું. પણ તેણે એમ કરવા દીધું. સમીરને કશી ગરબડ નથી એવી લાગણી થાય તેટલા માટે એ જરૂરી હતું.
ફરતી ફરતી સમીરની નજર અંતે એમની વચ્ચે રહેલી ટીપોઇ પર પડેલા પેકેટ પર સ્થિર થઈ ત્યારે એણે સહજતાથી પૂછ્યું.
" ચા તો પીશો ને ?" જવાની ઉતાવળ હોય એમ સમીરે ડોકું ધૂણાવી કહ્યું "ના ના કશી જરૂર નથી."
" મેં મંગાવી છે હમણા જ આવી જશે. હવે તો ગ્રીન ટી નો જમાનો છે. બે ત્રણ કપ થઈ જાય તો પણ એસિડિટીની ચિંતા નહીં. થોડીક ક્ષણો પછી એણે પેકેટ ઉપાડી ને સમીરને આપતા કહ્યું ; " આ તમારું કવર.જેટલા કહેલા એટલા જ છે. ગણવા હોય તો...........સમીરે સંકોચ સાથે કહ્યું ; "એની કઈ જરૂર નથી."
બંને પક્ષે એકબીજા ને પૂછવું હોય પણ શું અને કેવી રીતે પૂછાય એની ગડમથલ થતી હોય એવી ગર્ભિત ચૂપકીદી એમની વચ્ચે હતી ત્યાં જ બારણે ટકોરા પડ્યા. " લો ; ચા આવી ગઈ. કહેતા એ ઊભો થયો.
આ વખતે બારણું ખુલતા સમીર માટે આશ્ચર્ય હતું. ગમે ત્યાં આવનજાવન કરવા ટેવાયેલી હોય એવી ફેશનેબલ વસ્ત્રોમાં સજ્જ એક આધુનિક યુવતી મારક્ણા સ્મિત સાથે પૂછી રહી હતી ; 'સમીરભાઈ ?'
આગંતુકે યુવતી સામે જોયા પછી સમીર સામે જોયું ત્યારે સમીર પેકેટ સાથે પોતાની જગ્યા પર સડાક દઈ ને ઊભો થઈ ગયેલો ને આગંતુકે માથું ધુણાવી સમીર સામે આંગળી ચીંધી ને યુવતી ને અંદર આવવા માટે જગ્યા આપી. યુવતી નિ:સંકોચ અંદર આવી ને આગંતુકે હળવેથી બહાર સરકીને બારણું બંધ કર્યું.
સમીર કઈ સમજે કે બોલે એ પહેલા ક્ષણ માત્રમાં બધું ગોઠવાયેલું હોય એમ સિફતથી બની ગયું અને 504 નંબર ના બંધ રૂમમાં મોહક સ્મિત સાથે યુવતી અને જાત બચાવવાનો માર્ગ શોધતો સમીર રહી ગયા.
' આ...આ બધું શું છે ? મને ફસાવવો છે ?'
સમીરનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો.એનો અવાજ જેટલો ઊંચો હતો એટલો જ યુવતીનો નીચો હતો. ' પણ તમે જ તો મને બોલાવી છે.'
' મેં...મેં...' સમીર ગુસ્સા ને કારણે આગળ બોલી ના શક્યો. હજી એ કોઈ પગલું વિચારે એ પહેલા તો યુવતી એની પર્સ પલંગ પર ફેંકી ને સમીરને વળગી પડી. આમ આલિંગન આપવાનો એનો અનુભવ દેખીતો હતો. એક હાથમા પેકેટ હોવાને લીધે અને અચાનક હુમલાથી ડઘાઈ ગયો હોવાથી સમીરને પ્રતિકાર કરી પોતાની જાત ને અળગી કરે એટલી વાર માં તો યુવતીએ થઈ શકે એટલા ચુંબનો સમીરને છોડી દીધા.
સમીર પેલી યુવતીનાં બાહુપાશમાંથી છૂટી ને સીધો બારણા તરફ ભાગ્યો ત્યાં બારણે ટકોરા પડ્યા. હાફ્ળાફાફળા સમીરે બારણું ખોલ્યું ત્યારે સામે સસ્મિત વદને વેઇટર બે જણ માટે ગ્રીન ટીની ટ્રે સાથે હાજર હતો.ને અંદર નજર નાંખતા ટેવવશ પૂછ્યું કે ; ' મેં આઈ કમ ઈન ?'
સમીરે પણ બહાર નીકળતા અંદર તો નજર નાંખી હતી કપડાં ઠીકઠાક કરતી યુવતીને એણે પણ જોઈ હતી. હવે એક ક્ષણ પણ વધુ રોકાવું જોખમી લાગતા એ ફાયર એક્ઝિટ ના દાદરા ઊતરી ગયો. કોટટાય અને ચોટાડેલા સ્મિત સાથે કાઉન્ટર સાચવતા રિસેપ્શનિસ્ટે લીફ્ટની જગ્યા એ ઝડપથી દાદરો ઉતરતા સમીરને સહજ રીતે જ પૂછ્યું. " એનીથિંગ રોંગ સર ?"
સમીરે માથું હલાવી ને એની પાસે પણ ન ઊભો રહ્યો. જોકે એણે જોનારો વેઇટર પછીનો આ બીજો સાક્ષી પણ ઊભો થઈ ગયો હતો.
બની ગયેલી અણધારી ઘટનાઓના આઘાત પ્રત્યાઘાતો વાગોળતો સમીર એના ઘરના પલંગમાં પડ્યો હતો ત્યાંજ મોબાઈલમાં એસએમએસ ફ્લેશ થયો જે કંઈક આવો હતો.
" મારી વિડીઓ ક્લીપીંગ મેળવીને તું મને બ્લેક મેલ કરતો હતો. હવે તારી વિડીઓ ક્લિપિંગ્સ મેળવી ને હું તને બ્લેકમેલ કરી શકું છું. બહેતર છે આ વ્યવહાર બંધ થાય."
મોકલનારનો નંબર સમીર માટે પરિચિત જ હતો.
