કાગળ-કલમની આત્મકથા
કાગળ-કલમની આત્મકથા


'હું તને કેટલી વાર કહું કે તું મારા વગર કઈ નથી અને હું તારા વગર.. તને સમજાતું નથી કે શું??', કાગળે ગુસ્સે થઈને કલમના સાથ પકડ્યા.
'સમજશક્તિ તો તારી પગની પાની સુધીની જ છે એ વાતમાં કઈ શંકાને સ્થાન નથી.', કલમે વળતો જવાબ આપ્યો.
કાગળ-કલમની ઝીભાજોડી લાઈબ્રેરીમાં બેઠેલા વરિષ્ઠ લેખક જોવે છે અને મનમાં જ હસી કાઢે છે.
'તને ખબર છે? દૂર પેલા લેખકના દફ્તરમાં હું કેવો સમાઈ જતો હતો?? મને હર-હંમેશ કેવા સાથે લઈને જ ફરતા હતા. સુખ-દુઃખ, ઠંડી-ગરમી, રાત-દિવસ કઈ પણ હોય હું એમનો સાથ ક્યારેય નહતો છોડતો. મને એમના જીવનમાં થતી દરેક ઘટનાની ખબર હોય. અમે બંને જાણે પાક્કા ભાઈબંધ. ક્યારેક તો એ મારી સાથે વાતો પણ કરતા પરંતુ હું એમને કઈ જવાબ ના આપી શકતો. બસ એમને એક સાથીની કમી ક્યારેય મહેસૂસ ના થવા દેતો. બહુ મહેનતુ છે મારા 'કાકુ'. અરે! હા, હું એમને લાડમાં 'કાકુ' કહેતો.', કાગળ પોતાના મનની વાત મૂકે છે.
'દોસ્ત, વાતમાં માલ છે. મારા વગર તો એ ઘરની બહાર પગ પણ ન મૂકે. સુતા-જાગતા, ઉઠતા-બેસતા, જતા-આવતા, ઘરે કે બહાર જ્યાં જાય ત્યાં મને લઈને જ જાય. એમને મારુ વળગણ પણ ઘણું હતું. મારી કિંમત એમના હાથની આંગળીઓમાં પરોવાઈને જ વધી ગઈ હતી. મારા સિવાય એ બીજી કોઈ કલમને એમના હૃદયની નજીક નહતા લાવતા. પરંતુ ઘણા સમયથી એમણે આપણને બંનેને સાવ અળગા જ કરી દીધા છે.', કલમ પણ પોતાના માનના ભાવો દર્શાવવા લાગી.
'તને મળ્યાનો આનંદ તો હજી અંતરમાં સમાયો નહતો,
તારા આંગળીના સ્પર્શ, તારા શબ્દોના સિંહાસનની શાન,
તને હજી ઘણો જાણવાનો બાકી હતો,
તારા સાથને જાણે મોસમ બનીને મેં મનાવ્યો હતો,
ત્યાં જ, અચાનક,
વાયરો થામી ગયો, કાળઝાળ ગરમી એ ભરડો લીધો,
તારા શબ્દો સમી લાગણીઓને કલમ સુધી પહોંચતા રોકી લીધો,
તારી લાગણીઓને અંતરમાં જ સમાવી લીધી,
બસ, તારા અને મારા વચ્ચે આ 'સમયે' બાજી મારી લીધી.'
'કલમ, તું તો આજે ચાલી પડી હો! દર્દની દવા બનતા-બનતા આંસુભરી ગઝલ રચી લીધી. તને છોડ્યાનું એ દર્દ તારા કરતા 'કાકુ'ને વધારે છે. જો તો એમની આંખોમાં નમી અને ઝળઝળિયાં છે કે નહિ?? એમની હથેળી મજબુરીની સાંકળ બાંધીને નથી બેઠી??? ચાલ હવે, હમણાં કોઈક નવું આવતું જ હશે. તને ફરી કામે લગાડશે અને ફરી નવી વાર્તાઓનું સર્જન તારા જ હાથે થશે.', કાગળ-કલમની વાતો.
'કોઈ આવે કે ના આવે, જે ગયું છે એની કમી કોઈ પુરી થોડી કરી શકશે?? ફરી ક્યારે મારી કલમ એ આંગળીઓના સ્પર્શને અનુભવશે?', કલમે સવાલની સીડી ઉભી કરી.
' 'કાકુ', બસ જવું જ છે??',કાગળ-કલમની એક સાથે નીકળેલી આહહહહ.....