Prashant Subhashchandra Salunke

Drama Fantasy Inspirational

4.0  

Prashant Subhashchandra Salunke

Drama Fantasy Inspirational

જવાબ

જવાબ

9 mins
233


“કોઈકે સાચું જ કહ્યું છે કે ઈર્ષાની ભયંકર આગ, બાળી નાખે સુખનો બાગ. ભૂતકાળમાં બીજા પર ઈર્ષા રાખી મેં તેનું જીવતર બગાડ્યું, તેનું સર્વસ્વ છીનવી મેં મારા અહમને સંતોષી અનેરો આત્મસંતોષ મેળવ્યો... ત્યારે હું ખૂબ ખુશ હતો... દુનિયા જીતી લીધી હોય તેવા ખોટા ભ્રમમાં જીવતો હતો... હા, પણ હવે…” હોસ્પિટલના વોર્ડરૂમ આગળ ઊભેલો વિનાયક ચિંતિત વદને બબડી રહ્યો હતો.

આ સાંભળી સમીપ ઊભેલા તેના દોસ્ત જીજ્ઞેશે પૂછ્યું, “હા, પણ હવે શું ?”

વિનાયકે વાત ફેરવવા કહ્યું “છોડ એ વાતને... મને એ કહે કે તું અહીં આ હોસ્પિટલમાં કેવી રીતે આવ્યો ?”

જીજ્ઞેશે જવાબ આપ્યો, “હું તને મળવા તારા ઘરે ગયો હતો પણ ત્યાં તાળું વાસેલું હતું. અડોશપડોશમાં પૂછપરછ કરતાં તારા પુત્ર શ્રવણને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાની માહિતી મળી એટલે હું તરત અહીં આવી પહોંચ્યો.”

વિનાયકે પૂછ્યું, “મને મળવા ! કેમ ?”

જીજ્ઞેશ, “મારો પુત્ર અવિનાશ ઉંમર લાયક થઇ ગયો છે. તારા ધ્યાનમાં કોઈક સુકન્યા હશે તો અવિનાશ જોડે તેની કુંડળી મેળવી જોઈશ એમ વિચારી હું તને મળવા આવ્યો હતો. જોકે એની ચર્ચા ફરી ક્યારેક કરીશું અત્યારે મને એ કહે કે આપણા શ્રવણની તબિયત કેવી છે ?”

વિનાયકે જવાબમાં જીજ્ઞેશને વોર્ડરૂમની અંદર આવવાનો ઈશારો કર્યો. વોર્ડરૂમની અંદર જીજ્ઞેશે જોયું કે પંદરેક વર્ષના શ્રવણને લોહીનો બાટલો ચડાવવામાં આવી રહ્યો હતો. તેના હાથ અને પગ પર અસંખ્ય કાપાના નિશાન પડેલા દેખાતા હતા અને તેના પેટમાં એક સોય પણ ભોંકેલી હતી.

વિનાયકે નિરાશાથી કહ્યું, “શ્રવણને થેલેસેમિયા મેજરની બીમારી છે એટલે કે તેના શરીરમાં સ્વસ્થ લાલ રક્તકણ ન હોવાને કારણે હિમોગ્લોબીનનું સર્જન થતું નથી. તે જીવતો રહે એ માટે તેને દર બે કે ત્રણ અઠવાડિયે લોહી ચડાવવું પડે છે.”

જીજ્ઞેશે આંગળી ચીંધીને કહ્યું, “શ્રવણના પેટ પર આ સોય કેમ લગાવેલી છે ?”

વિનાયકે જવાબ આપ્યો, “વારંવાર લોહી ચડાવવાને કારણે તેના શરીરમાં વધારાનું લોહતત્વ ભેગું થઇ ગયું છે જે ડોકટરો તેને ઈન્જેકશન આપીને કાઢી નાખશે. આઠથી દસ કલાક સુધી ચાલતા આ ઉપચાર દરમિયાન તેના પેટમાં વારંવાર સોય ભોંકવી ન પડે એ માટે ડોકટરોએ સોયને ત્યાંજ લગાવી રાખી છે.”

જીજ્ઞેશે કહ્યું, “આ બધામાં ખૂબ ખર્ચ થતો હશે નહીં ?”

વિનાયક, “હા એક વર્ષનો ખર્ચ દોઢથી બે લાખ જેટલો થાય છે પણ ખર્ચ કરતાં મારા દીકરાને રોજેરોજ સહેવી પડતી આ પીડા હવે મારા માટે અસહનીય બની ગઈ છે. મારા લોહીને આમ પારકા લોહી પર જીવતા જોઈ મારૂ હૈયું તડપી ઊઠે છે. રોજેરોજ પેટમાં ભોંકાતી સોય, લોહી ચડાવવા માટે નસ શોધવાના પ્રયાસમાં તેના હાથ અને પગ પર મરાતા કાપા મારાથી જોવાતા નથી. આટલું કરવા છતાંયે તેના જીવનનો કોઈ ભરોસો નથી, આજે છે અને કલાક પછી દુનિયામાં ન પણ હોય! મારા દુષ્કર્મોની સજા મારો દીકરો ભોગવી રહ્યો છે એ વિચારી હું ખૂબ વ્યથિત થઇ જઉં છું.”

જીજ્ઞેશે સાંત્વનાભર્યા સ્વરે કહ્યું, “વિનાયક, તને ભૂતકાળની કોઈક ઘટના સતાવી રહી હોય એમ લાગે છે જ્યાં સુધી તું એ કોઈને કહી નહીં સંભળાવે ત્યાં સુધી તારૂ હૈયું હળવું નહીં થાય.”

વિનાયકે ભૂતકાળને યાદ કરતા કરતા કહ્યું, “અમારા પડોશમાં કિશન નામનો એક સીધોસાદો અને ગરીબ છોકરો રહેતો હતો. સ્વભાવે એટલો સરળ કે ગમે તેવી પરિસ્થિતિમાં તેના મોઢા ઊપરથી માખ ન ઊડે. જોકે એ ભણવામાં ખૂબ હોંશિયાર હતો. મારા પિતાશ્રી કાયમ કિશનનું દ્રષ્ટાંત આપી મને ઠપકો આપતા પરિણામે હું કિશનને નફરત કરવા લાગ્યો.

કિશન ભણવામાં હોંશિયાર છે એ જાણી કોલેજની ઘણી છોકરીઓ તેની નિકટ આવવાનો પ્રયાસ કરતી પરંતુ એ બબુચકના મોઢા ઊપરથી ત્યારે પણ માખ ન ઊડે ! આખરે તે પ્રાંજલી નામની એક છોકરીના પ્રેમમાં પડ્યો. જયારે આ સમાચાર મેં સાંભળ્યા ત્યારે મને મારા કાન પર અને પ્રાંજલીને જોઈ ત્યારે આંખ પર વિશ્વાસ ન બેઠો ! રૂપરૂપના અંબાર સમી પ્રાંજલીને જોઈ હું તેના રૂપ પર મોહી ગયો.

મને કિશનની ખૂબ ઈર્ષા થવા લાગી. પ્રાંજલી જેવી રૂપસુંદરીને કિશન પાસેથી ઝુંટવી હું મારા અત્યાર સુધી થયેલા અપમાનનો બદલો લેવા માંગતો હતો. પ્રાંજલીને મારા પ્રેમની જાળમાં ફસાવવા હું તેને મારા રૂપિયાનો રૂઆબ દેખાડવા લાગ્યો પરંતુ તેની ધારી અસર થઇ નહીં. તે ઘડીએ મને ભાન થયું કે પૈસાથી દરેક વસ્તુ હાંસલ કરી શકાતી નથી ! પરંતુ હા, પૈસાની તાકાત વડે આપણે એ વસ્તુને પામવાને કાબિલ જરૂર બની શકીએ છીએ.

જયારે જયારે પ્રાંજલીને કિશન સાથે જોતો ત્યારે ત્યારે મારૂ અંગે અંગ સળગી ઊઠતું. હું દિવસ રાત પ્રાંજલીને પામવાની અને કિશનને નીચું દેખાડવાની યોજનાઓ વિષે વિચારતો રહેતો અને આખરે મને એક યોજના જડી ગઈ.”

જીજ્ઞેશે પૂછ્યું, “કેવી યોજના ?”

વિનાયકે કહ્યું, “કિશનનું જીવન છિન્નભિન્ન કરી પ્રાંજલીને પામવાની મારી યોજના. મારી એ યોજનાને મેં ત્રણ ચરણમાં વહેંચી હતી. પ્રથમ ચરણને અમલમાં લાવવા મેં સહુ પહેલા કિશન સાથે મારી દોસ્તી વધારી અને તેનો વિશ્વાસ જીતી લીધો. હું જાણતો હતો કે કોઈ યુવાનના જીવનમાં યુવતીનો પ્રવેશ થતાં તેના ખર્ચા ખૂબ વધી જતા હોય છે. કિશન ગરીબ હતો તેને આવા વધારાના ખર્ચા પોસાય તેમ નહોતા. આર્થિક સંકડામણને કારણે તે ક્યારેક ક્યારેક પ્રાંજલી સામે શરમજનક પરિસ્થિતિમાં પણ મૂકાતો હતો. હવે મેં તેને હાથખર્ચી આપવાનું શરૂ કર્યું. કિશન તે રૂપિયા વડે પ્રાંજલીને મોંઘીદાટ ભેટ આપતો તથા તેની જોડે હોટલમાં જમવા અને ચલચિત્રો જોવા પણ જતો હતો.”

જીજ્ઞેશે કહ્યું, “પરંતુ આમાં તને શું ફાયદો થતો હતો ?”

વિનાયકે કહ્યું, “મારી યોજના મીઠા ઝહેર સમાન હતી. મારી પાસેથી રૂપિયા લઇ પ્રાંજલીના શોખ પુરા કરવા જતા કિશન ધીમે ધીમે મારા અહેસાન નીચે દબાવા લાગ્યો હતો વળી તેનું ભણવા તરફનું ધ્યાન પણ ખૂબ ઓછું થતું ગયું હતું અને આખરે મારી યોજના પ્રમાણે જ થયું ! કિશનના એ વર્ષે ખૂબ ઓછા ગુણાંક આવ્યા જેથી તેના માતાપિતાએ તેને ખૂબ ઠપકો આપ્યો. આજદિન સુધી માનસન્માન મેળવતો કિશન આ અપમાનથી ખૂબ હતાશ થઈ ગયો.

આમ મહિનાઓના પ્રયાસ બાદ મારી યોજનાનું પ્રથમ ચરણ સફળતાપૂર્વક પાર પડ્યું. હવે મારી યોજનાનું બીજું ચરણ શરૂ થયું. કિશનને મેં ગમ ભૂલાવવા માટે શરાબ પીવાની સલાહ આપી તે માટે તેને રૂપિયા પણ આપ્યા. મારા અહેસાન નીચે દબાયેલા અને પરિસ્થિતિથી હતાશ થયેલા કિશને થોડી આનાકાની બાદ શરાબની બોટલ મોંઢે લગાડી.... આમ મારી યોજનાનું બીજું ચરણ પણ સફળ થયુ. એકવાર માણસ તેના ચારિત્ર્યથી લપસ્યો કે ત્યારબાદ તે દુષણોની ખાઈમાં લપસતો જ જાય છે. નશાની હાલતમાં કિશન જયારે કોલેજમાં આવતો ત્યારે સહુ કોઈ તેની મજાક ઊડાવતા. આ બધું સહન ન થતા પ્રાંજલીએ પણ તેની સાથેનો સબંધ તોડી નાખ્યો. આ ઘટના કિશન માટે આઘાતજનક હતી. આ ઘેરા આઘાતને જીરવવા કિશન અફીણ, ગાંજા અને ડ્રગ્સના રવાડે ચડી ગયો.... આ માટે મેં તેને રૂપિયાની કોઈ ખોટ જણાવવા દીધી નહીં... પાણીની જેમ પૈસો વાપર્યો અને આખરે કોલેજના એક સમયના ટોપરને વ્યસનના રવાડે ચડાવી મેં તેને જોકર બનાવી દીધો. મારી યોજનાના બંને ચરણ સફળ થતા મેં પણ કિશન સાથેના મારા સંબધો પર પૂર્ણવિરામ લગાવ્યું અને તેને રૂપિયા આપવાના બંધ કરી દીધા. અચાનક રૂપિયાની સહાય મળતી બંધ થતાં તેની હાલત કફોડી થઈ ગઈ. હવે તે નાની મોટી ચોરીઓ કરીને પોતાના વ્યસનને સંતોષવા લાગ્યો. દેશી દારૂ પીને તે કોઈક સડક કિનારે એવો બેશુદ્ધ પડી રહેતો કે તેના મોઢા ઊપરથી માખ પણ ન ઊડે.

હવે મેં મારી યોજનાનું ત્રીજું અને અંતિમ ચરણ અમલમાં મુક્યું. કિશન જયારે પ્રાંજલીને લઈને હોટેલ કે સિનેમાગૃહમાં જતો હતો તે સમયની કેટલીક પળો મેં મારા મોબાઈલમાં કેદ કરી લીધી હતી. હવે તે જ તસવીરની સહાયતાથી મેં પ્રાંજલીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. અનામી કોલ પર ધમકીઓ આપી આપીને મેં પ્રાંજલીના મનમાં એ ઠસાવી દીધું કે જો તેના આ પ્રેમ પ્રકરણની વાત સમાજમાં ફેલાશે તો તેની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહીં થાય અને ધારો કે તેના લગ્ન થઇ પણ ગયા તો શું તેનો પતિ તેના આ આડાસબંધને સહજતાથી સ્વીકારશે ? પ્રાંજલી આ ધમકીઓથી ખૂબ ગભરાઈ ગઈ. તે સતત ચિંતામાં અને મૂંઝવણમાં રહેવા લાગી.

આખરે એક દિવસ યોગ્ય તક જોઈ મેં તેની સામે મારો પ્રેમ પ્રસ્તાવ મુક્યો વળી ચાલાકીથી તેના ગળે એ વાત પણ ઊતારી દીધી કે ભૂતકાળમાં કિશન સાથે રાખેલા સબંધોથી મને કશો ફરક પડતો નથી. મારી આ વાત સાંભળી પ્રાંજલી આભારવશ મારા ચરણોમાં ઢળી પડી ! જે પ્રાંજલી રૂપિયાના દેખાડાથી અંજાઈ નહોતી એ જ પ્રાંજલી આજે રૂપિયાના પ્રભાવથી મારા ચરણોમાં ઢળી પડી હતી.

અમારા બંનેના પરિવારજનોને જયારે આ વિષે જાણ થઇ ત્યારે તેઓએ કોઈ વાંધો ઊઠાવ્યો નહીં. મારા પિતાએ અમારા બંનેની કુંડળી મેળવી જોઈ અને તે મળી જતા અમારા તાત્કાલિક લગ્ન પણ ગોઠવી દીધા.

કિશનને જયારે આ વાતની ખબર પડી ત્યારે એક ઝાટકે તેનો સઘળો નશો ઊતરી ગયો. આમ તો તે જન્મજાત હોંશિયાર તો હતો જ તેથી મારી યોજના સમજતા તેને જરાયે વાર ન લાગી. એક દિવસ ચિક્કાર દારૂ પીને તે મારા ઘરે આવ્યો અને મને ખૂબ ગાળો ભાંડવા લાગ્યો.

મારા પિતાજી એ સાંભળી ખૂબ રોષે ભરાયા. તેઓ ઝડપથી બારણું ખોલી ઘરની બહાર આવ્યા અને કિશનને બે લાફા ચોડી દેતા બોલ્યા, “દારૂડિયા, તારી હિંમત કેવી રીતે થઇ મારા સજ્જન દીકરા વિષે એલફેલ બોલવાની ?” મારા પિતાજીના મુખમાંથી ઉચ્ચારાયેલા એ શબ્દો સાંભળી હું ગદગદ થઇ ગયો હતો. વર્ષોથી મારા મનમાં સળગતી અપમાનની જ્વાળા એક ઝાટકે ઠરી ગઈ હતી. મારા પિતાજી કિશનને ખખડાવી રહ્યા હતા પરંતુ કિશનનો ચહેરો એટલો નિસ્તેજ જણાતો કે તેના મોઢા ઊપરથી માખ ન ઊડે.

મારી તરફ જોઇને ક્રોધિત સ્વરે કિશને કહ્યું, “નીચ, મારી આ દુર્દશા માટે તું જ જવાબદાર છે. તારા લીધે મેં મારો પ્રેમ ખોયો. યાદ રાખજે મારી હાય કદાપી ખાલી નહીં જાય જે રીતે હું હાલ તડપી રહ્યો છું... રીબાઈ રહ્યો છું... તે જ રીતે તું આખી જિંદગી તડપતો રહીશ... રીબાતો રહીશ. બસ અફસોસ રહેશે તો એટલો જ કે તારી એ હાલત હું નજરોનજર જોઈ નહીં શકું.”

એ રાતે જ કિશને ગળે ફાંસો લગાવી તેના લાચાર જીવનનો અંત આણ્યો હતો.

આમ પ્રાંજલી સાથે મારા લગ્ન ધામધૂમથી થયા ત્યારે હું ખૂબ ખુશ થયો હતો પરંતુ પાપના ભોગે મેળવેલી મારી આ ખુશી ઝાઝી ટકી નહોતી. ડીલીવરીના સમયે ડોકટરોના ધ્યાનમાં આવ્યું હતું કે પ્રાંજલીને થેલેસેમિયા માઈનોરની બીમારી હતી. શ્રવણને જન્મ આપતી વેળાએ વધુ પડતા થયેલા રક્તસ્ત્રાવને કારણે તેનું અકાળે જ અવસાન થયું હતું.” આંખમાં આવેલા આંસુને લુછતાં લુછતાં વિનાયકે આગળ કહ્યું, “મારા દુષ્કર્મોની સજા હું આજદિન સુધી ભોગવી રહ્યો છું. આજે જો કિશન જીવિત હોત તો મેં તેના પગે પડી તેની માફી માંગી હોત..”

જીજ્ઞેશે કહ્યું, “વિનાયક, તારૂ કૃત્ય અક્ષમ્ય અને નિર્મમ છે પરંતુ તેને કારણે તારા દીકરાને થેલેસેમિયા મેજર થયો છે એમ માનવું ભૂલ ભરેલું છે. ઈશ્વરે લખેલા નસીબ આગળ સહુ કોઈ લાચાર છે. ધારોકે પ્રાંજલીભાભીના લગ્ન કિશન જોડે થયા હોત તો તેમના સંતાનને થેલેસેમિયા મેજર નામની બીમારી ન જ થઈ હોત એમ તને કોણે કહ્યું ?”

વિનાયકે એક નિસાસો નાખી કહ્યું, “જીજ્ઞેશ, થેલેસેમિયા એ વંશપરંપરાગત બીમારી છે. તેના માઈનોર અને મેજર એમ બે પ્રકાર છે. જોકે થેલેસેમિયા માઈનોર એ કોઇ રોગ નથી. ભારતમાં અંદાજે ૩.૪% લોકોને થેલેસેમિયા માઈનોર છે. શ્રવણ ત્રણ માસનો થતાં તેને થેલેસેમિયા મેજર હોવાનું ધ્યાનમાં આવ્યું હતું ત્યારે ડોકટરોએ મારી પણ તબીબી તપાસ કરી હતી અને મને પણ થેલેસેમિયા માઈનોર હોવાનું ધ્યાનમાં આવ્યું હતું !”

જીજ્ઞેશે કહ્યું, “જો થેલેસેમિયા વંશ પરંપરાગત બીમારી હોય ત્યારે પ્રાંજલીભાભીના કે તારા કોઈની જોડે પણ લગ્ન થયા હોત તો પણ તમારા સંતાનોને એ બીમારી વારસામાં મળી જ હોત.”

 વિનાયકે હસીને કહ્યું, “જીજ્ઞેશ, શ્રવણને થેલેસેમિયા મેજર થવાનું મુખ્ય કારણ જ એ છે કે અમે બંને પતિપત્નીને થેલેસેમિયા માઈનોરની બીમારી હતી. પતિપત્ની બંનેને જયારે થેલેસેમિયા માઈનોરની બીમારી હોય ત્યારે જ તેમના સંતાનોને થેલેસેમિયા મેજર નામની ભયંકર બીમારી થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. થેલેસેમિયા મેજર રોગ ધરાવતા બાળકનો જન્મા થતો અટકાવવા માટે થેલેસેમિયા માઇનર પીડિતના લગ્ન સામાન્ય જોડીદાર સાથે જ થાય તે હિતાવહ છે. તેથી જ કહું છું કે પ્રાંજલીના કે મારા લગ્ન કોઈ બીજા સામાન્ય જોડીદાર સાથે થયા હોત તો અમારા સંતાનોને આવી ભયંકર બીમારી કદાપી ન થઇ હોત...” વિનાયકે જીજ્ઞેશના ખભા પર હાથ મૂકતા આગળ કહ્યું, “દોસ્ત, તારા દીકરાની કુંડળી કોઈ કન્યા જોડે મળતી નહીં હોય તો પણ ચાલશે પણ લગ્ન ગોઠવતા પહેલા તે બંનેની સ્વાસ્થ્ય કુંડળી અચૂક મેળવજે.”

જીજ્ઞેશ અવાચકપણે સાંભળી રહ્યો.

આસમાન તરફ ફરિયાદ કરતાં સ્વરે વિનાયક બોલ્યો, “હે ઈશ્વર! આ તારો કેવો ન્યાય ? મારા દુષ્કર્મોની સજા તું મારા દીકરાને કેમ આપી રહ્યો છે ! મને તડપાવવા માટે શું તારી પાસે બીજો કોઈ જ વિકલ્પ નહોતો ? આ કેવી કઠોર સજા તું મને આપી રહ્યો છે... મને દરરોજ આમ તડપતો અને રીબાતો જોવામાં શું તને આનંદ આવે છે ? આજ દિન સુધી તારી પાસે કશું માગ્યું નથી પરંતુ આજે હું મારા આ પ્રશ્નનો જવાબ તારી પાસે માગં છું.... જવાબ આપ ઈશ્વર... જવાબ આપ...” આમ બોલતા બોલતા વિનાયક શ્રવણના પગ પાસે આવીને બેઠો.

ઓચિંતી એક નર્સ વોર્ડમાં દાખલ થતાં બોલી, “પેશન્ટને આરામ કરવા દો... માંડ માંડ તેની તબિયતમાં સુધારો થયો છે. કાલ સુધી તેની હાલત ખૂબ ગંભીર હતી. તેને ચઢાવવામાં આવેલા ખરાબ લોહીને કારણે તેને ઇન્ફેક્શન થઈ ગયું હતું. સીધા ઊભા રહેવાની વાત જ છોડો પણ તે ઊઠી કે બેસી પણ શકતો નહોતો. અરે, તમે જોયું હોય તો એના મોઢા ઊપરથી માખ ન ઊડે....” નર્સના મુખમાંથી અનાયાસે નીકળેલા છેલ્લા વાક્યથી વિનાયકે ચોંકીને શ્રવણ તરફ જોયું. ટ્યુબલાઈટના ઝગમગ કરતા પ્રકાશમાં શ્રવણના ચહેરામાં જાણે પોતાના વેરનો બદલો વળતો જોઈ મનોમન ખુશ થઈ રહ્યો હોય તેવી કિશનના ચહેરાની આછી ઝલક દેખાયાનો વિનાયકને ભાસ થયો. આ સાથે પ્રચંડ આઘાતનો એક ઝટકો વિનાયકને લાગ્યો પરંતુ બીજી જ ક્ષણે તેની આંખમાંથી પ્રાયશ્ચિતતાનાં અશ્રુ વહી શ્રવણના પગને ભીંજવી રહ્યા. આખરે, વિનાયકને મળી ગયો હતો તેના પ્રશ્નનો જવાબ.

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Drama