જૂતાંની આત્મકથા
જૂતાંની આત્મકથા
મારી કહાની સંભળાવતાં મને જ અંતરથી શરમ આવે છે. મારા જન્મનો અંદાજ તો મનેય નથી. બસ, એટલું જ જાણું છું.. કે યુગો, સદીઓ પહેલાં કોઈ એક રાજા નગર ચર્ચા જોવા નિકળ્યા, ત્યારે રાજાના પગ ધૂળથી ખરાડાઈ ગયા. તેથી પ્રધાનને બોલાવી હુકમ કર્યો કે, રાજમાર્ગોને જાજમથી સજાવી દો. બુદ્ધિશાળી પ્રધાને ખુબ ઊંડો વિચાર કરીને નિર્ણય લીધો કે પગને જ સજાવી દઈએ તો...! પગનું રક્ષણ થઈ જાય અને ખર્ચ પણ બચી જાય.
એ કાળમાં વ્યવસાયકારોની મદદથી અમને "પગરખાં"નું નામ મળ્યું. ધીરે-ધીરે સમય બદલાતો ગયો એમ, ચામડાં, કપડાંના કકડાઓને જોડાતા ગયા, ને અમને નવો આકાર અને પ્રકાર મળતા થયા.
ચંપલ, સેન્ડલ, જોડા, રાજા-મહારાજાઓની મોજડી, ઋષિમુનિઓ અને સંત મહાત્માઓના ચરણકમળની "પાદુકા"ઓ બનવાની ઉમદા તક મળી. એ આજે પણ અમે નથી ભૂલી શકતાં. એ સિવાય ચંપલ, સેન્ડલ, જોડાને ખાસડાં જેવી જુદી-જુદી જાતોમાં અમારી ઓળખ અને વપરાશ થતી રહે છે..! ડાબા-જમણી એમ બેનું જોડ, જોડીમાં સર્જન થતું રહ્યું.
અમારા પર ખુબ પ્રેમ ઉભરાય ત્યારે આશિકો દ્વારા તારાલાઓથી વિવિધ રીતે મઢી દેવાય છે. માણસોની જેમ અમે પોતાના કે પારકાનો ક્યારેય ભેદ નથી રાખ્યો. જેટલા સમય સુધી અમે એમના પગોમાં રહ્યા, એટલો સમય ઈમાનદારીથી ફરજ બજાવી છે. ધારવાળા પથ્થરોના ઘા અમે છાતી પર ઝીલ્યા છે, ત્યારે એના વિરોધમાં અમે ઉહ્.... હરફ સુદ્ધાં નથી ઉચ્ચાર્યોં. તમે લોકોએ આટલા લાંબા સમયની અમારી તપસ્યા અને બલિદાનના બદલામાં આ શું આપી દીધું...?
અરે, અમારું તો કાળજુ બાળીને ખાખ કરી દીધું. યુવાનોના આક્રોશે અમને માધ્યમ બનાવી વેદના ઠાલવી. અત્યાર સુધી અમે ક્યારેક આશિકો પર પડતા રહ્યાં, અને અમારા માધ્યમથી પીટાઈ થતી, ત્યારે અમે થોડો રાજીપો અનુભવતા, પણ તમે અમારી વાહ વાહી કરવાને બદલે, આ ભ્રષ્ટ નેતાઓ પર ફેંકયું, ત્યારથી અમારી આખી નાત બદનામી વેઠી રહી છે. આખી નાતનું હડહડતું અપમાન થયું. લાંબા સમય સુધી અમે લોકચર્ચામાં રહ્યાં. લોકોએ એમની ખુશી વ્યક્ત કરી. કેટલાકે મિત્રોમાં, કેટલાકે મનોમન.
મારી સંવેદનાને તમે વ્યક્ત કરી ત્યારે, મારું હૈયું ભરાઈ આવ્યું, ને છાતી ફૂટતાં-કૂતતાં મારાથી ધ્રુસકે ધ્રુસકે રોઈ પડાયું...ને બોલાઈ ગયું..! કે તમારા જેવા લેખકે વર્ષોથી મારા અંતરમાં ભરેલી વેદનાને વાચા આપી. બાકી આખા ભારતવર્ષમાંથી કોઈએ મારી કદર સુદ્ધા નથી કરી.
કહું તો હું કહું કોને..? મારા દાઝેલા હૈયાનો બળાપો..! મારા અંતર આત્મામાં સળગતી જ્વાળાઓ તો જરા સાંભળો..!
લગ્ન સમારંભમાં સાળીને બનેવી વચ્ચે પ્રેમાળ સંબંધોનું અમે પ્રથમ પ્રતીક બન્યા. કોઈ પણ પ્રકારની વહાલા-દવલાની તરફેણ વગર, પર્વતારોહકોના સાથી બની ગીનીસબુકમાં નામ નોંધાવવામાં સહાય કરી, કેટલાય દિવ્યાંગોનો સહારો બની ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યા. આ ભ્રષ્ટ નેતાઓ કરતાં પણ, અમારો ઈતિહાસ ખુબ ગૌરવશાળી છે.
શાળાએ જતાં બાળકોનો અમે પહેલો આનંદ બન્યા, નાના-મોટા સૌ લોકોના પગમાં આરામ પહોંચાડ્યો, આજ સુધી કોઈના દિલને ઠેસ નથી પહોંચાડી. ખેતરોમાં જતા લોકો માટે મારગ શોધ્યો. શિયાળાની ઠંડી કે ઉનાળાની ગરમીમાં પણ લોકોને એમની નિર્ધારિત જગ્યાએ પહોંચાડ્યા.
જયારે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના ચરણોમાંથી ઉતર્યા, ત્યારે નિઃસ્વાર્થ ભાવે, કોઈ પણ પ્રકારના કાવાદાવા કે ફૂટનીતિ વગર, ચૌદ વર્ષ સુધી રીતિનીતિથી અયોધ્યાનગરીનું રાજ્ય ચલાવ્યું. રાજકારણ તો અમેય જોયુંને પચાવ્યું છે. આ અમારી "ખાનદાની" છે.
ધનિકો, ગરીબો, પીડિતો, શોષિતો વગેરે દરેકને મંદિરના પગથિયાં સુધી નિઃસ્વાર્થ ભાવે આજ સુધી પહોંચાડીએ છીએ. અમારો કયો ગુનો હતો..? કે જગત નિયંતા, જગતના નાથ..! એવા ભગવાનના શ્રી દર્શનનો લાભ(અધિકાર) આજ દિન સુધી નથી મળ્યો..!
હું "જુતું" આજે તમને પૂછું છું કે..! અમારા ઉપર થોડી ધૂળ, માટી, ગંદકી પડી છે, એટલે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચમાં પ્રવેશ નિષેધ છે..?
શું આ ગંદકીના કારણે અમારે બહારના પગથિયાં પાસે પડી રહેવું પડે..?
કેટકેટલીય છળકપટ, ઈર્ષા, બેઈમાની જેવા દુર્ગુણો મનમાં ભરી લઈને આપના જેવા અનેક લોકો સારી રીતે, ખુબ આરામથી મંદિરોમાં આજે પણ જાય છે.
અરે... આ વાતનો પણ અફસોસ નથી, અમને શું મળ્યું, ના મળ્યું, એ બધું ભૂલી જાઓ. હજી કાન ખોલીને સાંભળીલે મને...! ભલે તેઓ મનમાં દુર્ગુણો ભરીને જતા. છતાંય કેટલાક લોકોના દિલમાં તો આજેય, દેવતાઓ કરતાં અમારું સ્થાન ઊંચું છે. પરંતુ દર્શન કરવા જતા, મોટા ભાગના લોકોનું સૌથી વધારે ધ્યાન, ભગવાન કરતાં અમારી તરફ વિશેષ રહેતું હોય છે.
અમને કોઈ ફેર નથી પડતો, તોય એક છેલ્લી વાત જાણી લો, કે અમે ક્યાં ક્યાં નથી પહોંચ્યા..? એ વાતનો અમને આનંદ છે કે અમે ક્યાં ક્યાં સુધી પહોંચ્યા..! લોકોના મકાન, દુકાન, કારખાના, પ્રવાસ પર્યટન સુધી ગયા.
એથી વિશેષ અમે ભારતીય સૈનિકોના ચરણો થકી કારગિલ સુધી પહોંચ્યા છીએ. ભારતીય સૈનિકો પર પૂરો વિશ્વાસ છે અમને. એક હાથમાં ત્રિરંગોને બીજા હાથમાં બંદૂક લઈને દુશ્મનોને ખડેદતા. ત્યારે મારા વિશ્વાસની આશાનું એક કિરણ નીકળીને અંધારી ખીણમાં પડ્યું. દુશ્મનની એક ગોળી સનનનન... મારા ભરોસાને તોડી, એ ભારતીય સૈનિકના બુટને ચીરીને નીકળી ગઈ. ત્યારે મારા મોઢે પહેલીવાર મારી સંસ્કૃતિ ભૂલીને, એક અપશબ્દ (ગાળ) નીકળી ગયો. અરેરે..રે..! કોઈ ભ્રષ્ટ નેતાએ મારી ખરીદીમાં દલાલી લીધી હશે..! તો જ આવું બંને.
ભલે અમે ચામડાં, કપડાં, પ્લાસ્ટિક, રેગ્જિન, રબરના ટુકડાઓથી આકાર મળ્યો. અમને માર્યા, ફૂટ્યા, કાપ્યા, ચીર્યા, તપાવ્યા. ગમે ત્યાં, ગમે તેની સાથે જોડ્યા. પરંતુ કોઈ પણ પ્રકારની ફરિયાદ, હલ્લાબોલ, ધરણાં, આંદોલન કે હડતાલ પાડ્યા વગર, જાત ઘસીને જગતના માનવીઓના પગની ઈમાનદારીથી રક્ષા કરીએ છીએ.
સર્જક જયારે અમારું સર્જન કરે, તે વખતે જ, તું ડાબું/ડાબો (L), અને તું જમણું/જમણો (R) એવી મહોર પણ મારી દે છે. આ અમારી જાત ઓળખ. અને જણાવી દેતા... કે પતિ-પત્નિની જેમ સાથે જ જીવન વિતાવવાનું. સારી જિંદગી સાથે રહ્યા છતાં અમે ક્યારેય એકબીજાને આલિંગનથી નથી મળ્યા. સુંદર દેખાવ કે આકાર મળે, ત્યારે અમને કાચના ઝાકમઝોળ વાતનુકૂલિત શો રૂમમાં સ્થાન પણ મળતું રહે છે. કોઈ અમારો માલિકના બંને, ત્યાં સુધી ગોદમોના ઢગલા, દુકાનોના ખાના કે લારી પર પડ્યા રહેવું પડે છે. યુવાનીમાં અમારું લાલનપાલન પ્રેમથી થાય છે, જેમ-જેમ અમારું ઘડપણ નજીક આવે તેમ-તેમ બેદરકારી દાખવવામાં આવે છે. જોકે મંદિર કે જાહેર સ્થળોના દરવાજેથી ચોરીછૂપીથી ઊઠાંતરી થતી રહે છે.
તમારામાંથી ઘણા વપરાશકારો તો અમને "પનોતી" કહીને તિરસ્કાર કરે, ત્યારે કાપો તો લોહી ના નીકળે તેવી હાલત બની જાય છે. કદીક એમની ભૂલના કારણે જોડીમાંથી કોઈ એક જાત ઘસીને અંતિમ શ્વાસ લે, કે મરણ પામે ત્યારે અમને ત્યાં છોડી/ફેંકીને ચાલ્યા જાય છે. માણસની જેમ વિધિવત અંતિમ સંસ્કાર પણ અમારા નસીબમાં નથી. આજેય અમારી ભટકતી આત્મા જ્યાંને ત્યાં ડૂસકાં ભરતી ઠેસે ચડતી રહે છે.
