દિવાળી
દિવાળી
દિવાળી એટલે દીપોત્સવ. પ્રકાશનો તહેવાર. દિવાળીના દિવસે કોડિયામાં રૂની દિવેટ અને ઘીથી દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. આધુનિક સમયમાં વિવિધ પ્રકારના કોડિયા બજારમાં ઉપલબ્ધ થયા છે. સાથે વીજળીથી ચાલતા રંગબેરંગી વિવિધ ઉપકરણો અને મીણબત્તીઓ પણ બજારમાં તૈયાર મળે છે. લોકો તેનો ભરપૂર ઉપયોગ પણ કરે છે. ખરા અર્થમાં ઘીના દીવા યોગ્ય છે. બાકી બધો બાહ્ય આડંમ્બર.
બહારના દીવા તો પ્રગટાવવાના જ, પરંતુ ખરો દીવો તો દિલમાં પ્રગટવો જોઈએ. અંતરમાં જો અંધારું હોય, તો બહાર પ્રગટાવેલા દીવડાઓ અર્થવિહીન છે. દીવો એ જ્ઞાનનું પ્રતીક છે. માટે સાચો દીવો દિલમાં પ્રગટ થવો જોઈએ. માણસોએ ચોક્કસ પ્રકારની સમજણ પૂર્વક દિવાળીનો તહેવાર ( ઉત્સવ ) ઊજવવો જોઈએ.
દિવાળી એટલે વૈષ્યોના ચોપડા પૂજનનો દિવસ. આખા વર્ષનું સરવૈયું કાઢવાનો દિવસ. વેપાર, ઉદ્યોગ, ધંધા, વ્યવસાયનું તો ખરું જ. સાથે સાથે માણસે, માનવ જીવનનું પણ સરવૈયું કાઢવું જોઈએ. રાગ, દ્રેષ, વેર, ઝેર, ઈર્ષ્યા, મત્સર કે કટુતા ત્યાગવી જોઈએ. નવા વર્ષના ( નૂતન વર્ષે ) દિવસે પુરાંત ( સિલક ) માં પ્રેમ, શ્રદ્ધા તેમજ ઉત્સાહ વહેતો રહે તેનું ધ્યાન રાખવું જોઈએ.
દિવાળીના દિવસે કનક એટલે લક્ષ્મી તરફ પૂજ્ય ભાવે જોવાની દ્રષ્ટિ કેળવવી જોઈએ. મોહ નહીં પણ માતૃભાવે નિહાળવી જોઈએ. આ ભાવ મોહના અંધકારથી બચી માતૃદ્રષ્ટિ પૂજ્ય પ્રકાશ તરફનું પ્રયાણ. આપણી સંસ્કૃતિ આદર અને સન્માનની સંસ્કૃતિ છે. માનવ વિકારો દૂર કરી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતો તહેવાર એટલે દિવાળી.
આવી સુંદર સમજણ અને વ્યવહાર દર્શાવતો જ્ઞાન રૂપી દિપક ( દીવો ) હૈયામાં પ્રગટે તો આપણું જીવન સદૈવ દીપોત્સવી ( દિવાળી ) મહોત્સવ સમાન બની રહે. ઉરમાં ઊંચા આદર્શ રાખી, વીર થઈને સંસ્કૃતિ માટે નિયમ અપનાવવીએ, એટલે દિવાળીની સાચી ઉજવણી થાય. અંધકાર ( વિકાર ) તરફથી પ્રકાશ ( પવિત્ર જીવન ) તરફ જવાની દીક્ષા ( નિયમ ) લઈએ તો ખરા અર્થમાં દિવાળી ઉજવી કહેવાય.
બાકી, નવા કપડાં, મીઠાઈ, વીજળીથી ચમકતા ચમકારા એ ક્ષણિક આનંદ છે. વિવિધ પ્રકારના ફટાકડા અને એના અવાજો માત્ર પ્રદૂષણ ( વિકારો ) અને રોગો પેદા કરે છે. આમેય, દિવાળી તો આવતી, જતી પણ રહે છે.
સાચા અર્થમાં "પ્રકાશ" રૂપી જ્ઞાનનો દીવો પ્રગટે તો "દિવાળી" તહેવાર ( ઉત્સવ ) ઘન્ય જીવન જ છે.
