તરસ છે સરસ
તરસ છે સરસ
તરસ તો છે સરસ..!
નામ એના વટાવી વહે છે વરસ..!
જીવનમાં તરસ તો હોવી જ જોઈએ.
પણ, શરીરની આવશ્યકતા કે અભાવથી પડતા પાણીના શોષ પૂરતી હોય. એ આરોગ્ય તરસ.
એથી આગળ, કઈંક મેળવવાની તમન્ના, અભિલાષા, અપેક્ષા, આશા એ પણ તરસ જ છે. અને હોવી જોઈએ. જીવનમાં કઈંક નવિન, મને વધારે, મારું સારું, હું જ કરું એ અપેક્ષિત છે.
આજકાલ માણસ એમાં રચ્યોપચ્યો રહે છે. અને એમાંય અતિરેક થઈ હાથ કાળા કરવા માંડ્યો. આજે જ મેળવી લઉં, હાંસીલ કરી લઉં. આ અતિશય તરસ છે.
ખેર, જવા દો...
"મહેનત વગર મળતું નથી...
કદાચ મળી જાય, તો ટકતું નથી..!"
રીતિનીતિ અને સત્યના રાહે તરસ રાખવી સૌથી ઉત્કૃષ્ટ છે. આ તરસનો ભાવ અને પ્રભાવ માણસને ઉન્નતિ તરફ લઈ જાય છે. આ તરસથી તૃષ્ટિ મળે અને જીવન સાર્થક બને. એ નિર્વિવાદિત છે.
હવે એક વિશિષ્ટ તરસની વાત કરું. સૃષ્ટિ પરના બધા જીવોમાં માણસ સૌથી ઉપર છે. હું માણસ છું. સર્વ જીવોમાં સર્વોપરી છું..! કારણ કે આહાર, નિંદ્રા, ભય, મૈથુન સર્વ જીવોમાં સમાન છે. પણ લાગણી, રીતિનીતિ, સુખ, દુઃખ, વ્યવહાર, વેદના, મન, બુદ્ધિ, વિચાર શક્તિ વિગેરે ઈશ્વરે વધારાના ગુણો આપ્યા છે.
હવે થોડા ઊંડા ઉતરીએ..! કે માણસ છું. માણસના દેહમાં હું કોણ છું, ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, શું કરવા આવ્યો, શું કરી શકીશ, અને ક્યારે જવાનો છું.? એના પર મનોમંથન કરી આગળ વધવું. એ પણ એક "વિશિષ્ટ" તરસ છે.
આ વિશિષ્ટ તરસ, આધ્યાત્મિક માર્ગે વાળી સાધક બની આત્માનું કલ્યાણ કરવું, એ સૌથી શ્રેષ્ઠ તરસ છે.
મનુષ્ય જીવન મળ્યું છે, તો જેના "ગુરુના ગુરુ સિદ્ધ યોગી" હોય, એમના માર્ગદર્શન હેઠળ સાધક બનવાની પ્રથમ તરસ હોવી જોઈએ. ભવના ચોર્યાસી લાખ ફેરા ટાળવા સાધક બનીને સિદ્ધ થવાની તમન્ના બીજી તરસ હોવી જોઈએ. અને છેલ્લે સિદ્ધ થઈ, પરમપદ પ્રાપ્ત કરી "ભ્રહ્મ" માં ભળી જવાની ત્રીજી તરસ યથા યોગ્ય છે,અને રાખવી જ જોઈએ..! રાખીશ અને રાખું, એમ કહું તો પણ મારે માટે વિવેકી અને આદરભર્યું છે.
તરસોમાં ઉત્તમ તરસ રાખી જીવન સાર્થક થાય, એ તરસ સૌએ રાખવી. જગતના સૌ જીવોનું કલ્યાણ થાય, એમાં મારી તરસ એક ડગલું આગળ રહે એવી સાધના કરી, સાધક બની સાર્થક થાઉં, એવા આર્શીવાદ મેળવવાની અપેક્ષા સહ પ્રણામ..!
