જસ્ટ ચીલ
જસ્ટ ચીલ
આછા વાદળી આકાશે રંગ બદલવાનું શરૂ કરી દીધું હતું. સૂરજ આથમવા આવ્યો હતો પણ ચંદ્રનું આગમન થઈ ચૂક્યું હતું. છત પર બેઠા બેઠા મેં ડૂબતા સૂરજ બાદ સાંજને પણ ઢળતા અનુભવી. અંધકારનું આગમન થવા લાગ્યું, પક્ષીઓ કલબલાટી બોલાવતા તેના માળા તરફ જવા લાગ્યા હતા. જ્યાં સુધી ચંદ્રએ આભને પોતાનું ઘર બનાવી લીધું ત્યાં સુધીમાં પક્ષીઓ તેમના ઘર સુધી પહોંચી ગયા હતા અને આભમાં ચારેતરફ નીરવ શાંતિ પથરાઈ ગઈ હતી. પણ ધરતી પર વાહનો અને માણસોનો કલબલાટ શરૂ થઈ ગયો હતો.
આભને નિહાળવાનો મારો ફેવરિટ સમય રાતના આગમનનો છે અને ધરતી ને નિહાળવા માટેનો ફેવરિટ સમય બપોર અને અડધી રાતનો છે. જો કે અડધી રાત એટલે બાર વાગ્યા સુધી. પણ આજકાલ લોકો કામથી કંટાળી આખા દિવસનો થાક ઉતારવા રાતના બાર વાગ્યા બાદ પાર્ટી કરે, રોડ પર લટારો મારે. અને આખા દિવસમાં મગજ પર થયેલ ટોર્ચર પર "જસ્ટ ચીલ" નામનું લેબલ લગાડી દે છે.
મગજ પર "જસ્ટ ચીલ" નું લેબલ લગાડવવાની રીત બધા લોકોની અલગ અલગ હોય છે. ઘણા લોકો પાર્ટી કરી લેબલ લગાવે, ઘણા લોકો નીંદર કરીને, ઘણા લોકો બુક્સ રીડ કરીને અને ઘણા મૂવીઝ કે વેબસિરિઝ જોઈને, ઘણા લોકો ફેમિલી કે પછી તેમના મનપસંદ વ્યક્તિ સાથે ક્વોલિટી સમય પસાર કરીને અને મારા જેવા વ્યક્તિ ઘરની છત પર એકલા બેસી અને પ્રકૃતિને નિહાળી.
હા, જ્યારે જ્યારે મારું મન વિચલિત થાય,જ્યારે જ્યારે મારા મન પર બોજો મહેસુસ થાય કે પછી જ્યારે જ્યારે માણસો વચ્ચે રહી મને ગભરામણ મહેસુસ થાય ત્યારે હું મારા ઘરની આ છત પર આવી અને બેસી જાઉં છું. વધુ પડતા કામના કે ઇમોશન્સના પ્રેશરને હું સહન નથી કરી શકતી અને એ કારણ બદલ મને આસપાસના માણસો વચ્ચે ગૂંગળામણ થવા લાગે અને હું બધું છોડી અહીંયા "જસ્ટ ચીલ "નું લેબલ લગાવવા આવી પહોંચું.
"ઓ વિચિત્ર માનવી, અહીંયા શું આવી ને બેસી ગઈ?" મારા ખભે હાથ રાખતા મારી બેસ્ટ ફ્રેન્ડ રિમા બોલી.
"બસ એમ જ...." તેની તરફ જોયા વિના હું આટલું જ બોલી.
"ઓ મિસ માહી હું તને ત્યારથી ઓળખું છું જ્યારથી તું રાત્રે બેડ પર સુસુ કરી લેતી." મારા માથા પર ટપલી મારતા એ મારી પાસે બેઠી.
હું એને વળગી પડી. મારી આંખોનો બંધ તૂટ્યો અને હું રડી પડી.
થોડી ક્ષણો એ બસ મારા માથા પર હાથ ફેરવતી રહી. "મારી સગાઈ થઈ છે હું મરી નથી ગઈ માહી, રડવાનું બંધ કર."
"શું કામ હતું આટલી જલ્દી સગાઈ કરવાનું." હું એનાથી અળગી થતા બોલી. "તને ખબર છે ને તારા વિના હું અધૂરી છું, હવે તું હમણાં લગ્ન કરી પેલા સાથે પુણે ચાલી જઈશ, હું અહીંયા એકલી શું કરીશ? "હું વગર વિચાર્યે બોલતી રહી અને એ હસતા મોઢે સાંભળતી રહી. સાચી મિત્રતા તો એ જ છે ને જ્યાં તમારે બોલવા પહેલા વિચારવું ન પડે.
"તારી માટે પણ કોઈ શોધી લઈએ, જે તને મારા કરતાં પણ વધુ સારી રીતે સાંભળે. અને જ્યારે એ તા
રી આજુબાજુ હોય ત્યારે તને મારી યાદ પણ ન આવે." એ હસતા ચહેરે બોલી પણ સાથે જ એની આંખો પણ થોડી ભીની થઇ ગઇ હતી.
નર્સરીથી અમે સાથે હતા, અઢળક એક્ઝામ, અઢળક ચિટિંગ, અઢળક પ્રેમ, અગણિત ઝઘડાઓ અને બેશુમાર યાદો. ચોકલેટ માટે પૈસા ચોરી કરવાથી કોલેજની એક્ઝામમાં પાસ થવા માટે પૈસા આપી પ્રોફેસર પાસે પેપર કઢાવવા જેટલી કેટકેટલીય યાદો.
"એવું કોઈ આજ સુધી બન્યું જ નથી, મારી લાઈફમાં તારી જગ્યા કોઈ નહીં લઈ શકે." કહેતા હું ફરી તેને વળગી પડી. અને હવે આ વખતે રિમાની આંખોનો બંધ પણ તૂટ્યો.
અમે બંને લગભગ દસ મિનિટ સુધી એવી જ રીતે બેઠા રહ્યા.
"માહી જિંદગીના અલગ અલગ તબક્કા હોય છે અને એ દરેક તબક્કા દરમિયાન કેટલાય લોકો તમારી જિંદગીમાં આવે છે અને જાય છે પણ ત્રણ લોકો એવા હોય છે જીવનભર સાથ રહી શકે છે.
પેહલા તો પેરેન્ટ્સ, ભલે આપણે છોકરીઓને લગ્ન બાદ તેમને છોડીને જવું પડે પણ એમનો પ્રેમ અને આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે છે.
બીજો આપણો લાઈફ પાર્ટનર, જેની સાથે આપણે નાનીથી નાની વાતો શેર કરી શકીએ. તમારી નદાનીભરી વાતો પર તમને એ જજ ન કરે. જસ્ટ લાઈક બેસ્ટફ્રેન્ડ. પણ બંને વચ્ચે થોડો ફરક હોય." હસતા હસતા રિમાએ આંખ મારી મારી સામે અને મને પણ હસું આવી ગયું.
"અને ત્રીજી વ્યક્તિ છે ફ્રેન્ડ. જે જીવનભર તમારી સાથે રહે છે. સાથે રહે છે મતલબ ભલે એક જગ્યા પર સાથે ન રહેતા હોઈએ પણ લાઈફની દરેક ટ્રેજડી અને હેપીનેસ શેર કરવા એ તમારી પડખે ઉભા હોય. દરેક વ્યક્તિના નસીબમાં આ ત્રણ વ્યક્તિનો સાથ નથી લખેલ હોતો. પણ હું નસીબદાર છું કે મારા જીવનમાં આ ત્રણેય વ્યક્તિ છે. હું નસીબદાર છું કે મારી પાસે તું છે. ભલે ગમેતેટલા કિલોમીટરનો અંતર હોય આપણા વચ્ચે, પણ આપણા દિલ જોડાયેલ છે અને રહેશે. હું હંમેશા તારી માટે હાજર છું અને મને ખબર છે તું પણ મારી માટે હાજર રહીશ જ." રિમા આટલું માંડ બોલી શકી.
"આઈ લવ યુ .......
એન્ડ એમ ગોઇંગ ટુ મિસ યુ યાર...." આગળ શું બોલવું એના માટે મારી પાસે શબ્દો ન હતા.
એને મારો હાથ પકડ્યો અને બોલી , "મી ટુ માહી "
"ચાલ હવે તારો ફ્યુચર હબી તારી નીચે રાહ જોતો હશે." હું ઉભી થઇ અને તેને પણ ખેંચી ને મેં ઉભી કરી.
**
એ દિવસ વીતી ગયો. થોડા મહિનામાં રિમાના લગ્ન પણ થઈ ગયા. શરૂઆતના દિવસોમાં મને બહુ અઘરું પડ્યું. એ મારી સાથે નથી એ વાત મારાથી હજમ જ ન થતી. પણ કહેવાય છે ને સમય જતાં બધું સરખું થઈ જાય.
બસ ધીરે ધીરે મને રિમાની આદત છૂટવા લાગી અને હવે સમય આવ્યો હતો મારા ઘરની છત પર બેસવાની આદત છોડવાનો.
"જસ્ટ ચીલ "વાળું મારુ પ્લેસ છોડવાનો. એટલે કે ઘરના લોકો મારી માટે છોકરો શોધી રહ્યા હતા. અને ફરી મારી હાલત બગડવા લાગી હતી. જેમ જૂની આદત છોડવી અઘરી છે તેમ જ નવી આદત બનાવવી પણ અઘરી છે બોસ.