Megha Gokani

Drama Thriller

3  

Megha Gokani

Drama Thriller

વિકૃતિ-એન અનકન્ડિશનલ લવસ્ટોરી૪

વિકૃતિ-એન અનકન્ડિશનલ લવસ્ટોરી૪

13 mins
1.0K


વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી

ભાગ- ૪

પ્રસ્તાવના

મેઘા ગોકાણી અને મેર મેહુલના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી કંઈક નવું રજૂ કરવા ઇચ્છતા હતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે.

વાંચક મિત્રો અહીં એક ભાગ આકૃતિ તરફથી હશે અને એક ભાગ વિહાન તરફથી.એક જ પરિસ્થિતિમાં બે વ્યક્તિની વિચારસરણી અને લાગણીઓ કેવી હોય છે તે દર્શાવવાનો એક પ્રયત્ન કર્યો છે. સ્ટોરીનો વિષય, પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટોરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટોરી લખવામાં આવી છે.

*

(વિહાન દ્રષ્ટિને પોતાનો ભૂતકાળ કહે છે, જ્યારે તેણે પહેલીવાર આકૃતિને જોઈ હતી.ત્યારબાદ તેણે કેવી રીતે આઇઆઈએમમાં એડમિશન લીધું અને પહેલા જ દિવસે તેની સાથે પ્રેન્ક થઈ ગયું. એ પ્રેન્કમાં તેની મમ્મીએ આપેલો શર્ટ ખરાબ થઈ જાય છે જેને કારણે એ ઈશા સાથે ઝગડો કરે છે અને છેલ્લે રડમસ થઈને એક બેન્ચ પર આવી બેસી જાય છે.આકૃતિ તેની પાસે આવી સૉરી કહે છે.આગળ જોઈએ એ પ્રેન્ક પાછળનું કારણ.)

:: આકૃતિ ::

એ કડકતી વીજળી,ગરજતા વાદળો અને રિમજિમ પડતા વરસાદમાં ખુશી સ્કૂટી ચલાવતી હતી અને હું તેની પાછળ બેઠી બેઠી પેલા અદ્ભૂત સ્મિતવાળા વ્યક્તિ વિશે વિચારતી રહી. અચાનક બ્રેક લાગી અને હું ખુશીની પીઠ સાથે અથડાઈ. મારા ચેહરાનો નીચેનો ભાગ ખુશીના ખભા સાથે અથડાયો અને અમે બંને સાથે બોલી પડ્યા,“આઆઆ …. શું કરે છે તું…?”

“કેમ અચાનક બ્રેક મારી ?” હું ચિડાઈને બોલી.

“મેડમજી ઘર આવી ગયું એટલે બ્રેક મારી અને આમ કોઈ માથે પડતું હશે.ખભો તોડી નાખ્યો મારો. ક્યા વિચારમાં ખોવાયેલી છો તું, આખા રસ્તે મારી એક પણ વાતનો જવાબ ન આપ્યો તે. બોલ ક્યાં ખોવાયેલ છો?” ખુશી સ્કૂટીમાંથી ઉતરતા બોલી.

“ક્યાંય ખોવાયેલ નથી હું, ભૂલ તારી છે, કોઈ આવી રીતે બ્રેક મારતું હશે, મારુ બેલેન્સ ખોવાય ગયું અને હું તારી માથે પડી.” હું પણ સ્કૂટર માંથી ઉતરતા બોલી, “ચલાવતા જ નહીં આવડતું તને હુહ.”

“હા, તને ખૂબ સારી રીતે ચલાવતા આવડે છે ખબર છે મને.” ખુશી કટાક્ષમાં બોલી.

“હમ્મ,ચાલ હવે અંદર.” હું એનો હાથ પકડીને ઘર તરફ આગળ વધી.

“ના લેટ થઈ ગયું છે, હું જાઉં છું ઘરે.” ખુશી બોલી.

“અરે પણ તારે ઘરે જ જવું હતું તો અહીંયા કેમ આવી. મારી સ્કૂટીમાં મને ઘરે ડ્રોપ કરીને તું ચાલીને જા એટલા માટે?”

“હા” ખુશી ખૂબ કેઝ્યુઅલી બોલી.

“એ હા વાળી, ચાલ તને ઘરે છોડી જાઉં સ્કૂટીથી.” હું સ્કૂટરમાં ચાવી ભરાવતા બોલી.

“ના ના,તું મને છોડવા આવીશ પછી તારે આવા વરસાદી મોસમમાં સ્કૂટી લઈને એકલીને આવું પડશે.અને મને તારા ડ્રાઇવિંગ પર જરાય ભરોસો નથી. ક્યાં દૂર છે મારું ઘર!” ખુશી સ્કૂટીમાંથી ચાવી પછી કાઢીને મારા હાથમાં આપતા બોલી,“તું જા અંદર તારા શીલા માસી રાહ જોતા હશે,કરોડોમાંથી છોકરાના ફોટા શોધીને.”ખુશી હસતા મને ગળે મળી અને બોલી “બાય.કાલ તૈયાર રહેજે લેટ ના કરતી ,પહેલા દિવસે મને લેટ થવું ના ગમે.”અને ખુશી ચાલતી થઈ.

હું પણ ઘરની અંદર પ્રવેશી.શું માહોલ હતો ઘરનો. પાપા સોફામાં બેઠા બેઠા ટીવી જોતા હતા અને મમ્મી કિચન ખાવાનું બનાવતી હતી.મને અંદર આવતા જોઈ મમ્મી બોલી પડી, “આવી ગયા મેડમ.”

હું પાપા પાસે સોફા પર બેઠી અને પાપાને ઈશારાથી પૂછ્યું “ગયા માસી?”

પાપાએ એક મોટી સ્માઇલ આપી અને ઈશારાથી જ કહ્યું “ગયા.”

મમ્મીને કિચનમાં કુકિંગ કરતા જોઈને મેં પાપાને પૂછ્યું , “અને આમને શું થયું છે?”

“તે છોકરાઓ જોવાની ના પાડીને એનો અસર.હવે એક બે અઠવાડિયા સુધી ચાલે એટલા નાસ્તા બનાવી નાખ્યા , સેવ–ગાંઠિયા,પુરી અને બીજું ખબર નહીં શું શું.” પાપા ટીવી જોતા જોતા બોલ્યા.

“આમનું નવીન છે હો,નોર્મલી લેડીઝને ગુસ્સો આવે ત્યારે ઘરમાં ખાવા નું ન બનાવે અને આમને જુઓ.” કહેતા હું હસી પડી અને સાથે પાપા પણ હસવા લાગ્યા.

“બાપ દીકરીને મસ્તી સુઝે છે અત્યારે બોલો.” મમ્મી કિચનમાંથી અમને હસતા જોઈને બોલી.

“અચ્છા મમ્મી ખાલી નાસ્તા જ બનાવ્યા કે જમવાનું પણ બનાવ્યું છે….?” મમ્મી એ આંખો મોટી કરીને મારી સામે જોયું.

“નહીં મતલબ કે ડિનર બહારથી મંગાવવાની ખબર પડે ને એટલા માટે.” અને ફરી પાપા અને હું હસી પડ્યા.

“દાળ-ઢોકળી બનાવી છે.” પાપા બોલ્યા. ત્યાં મમ્મી ડાઇનિંગ ટેબલ પાસે આવીને બોલી, “કોઈને જમવું છે કે આજે ઉપવાસ?”

હું અને પાપા ડાઇનિંગ ટેબલ પાસે પહોંચ્યા.ત્યાં મમ્મી બોલી “બહારથી આવી છે. હાથ મોઢું તો ધોઈ લે. હવે મોટી થઈ ગઈ છો તારું તો ધ્યાન રાખ તું.”

ભૂલ મારી હતી હું ચૂપ ચાપ હાથ મોઢું ધોઈ અને ડાઇનિંગ ટેબલની ખુરશીમાં બેસી ગઈ.

ડિનર પીરસાયું અને દાળ-ઢોકળીનો પહેલો બાઈટ મોંમાં મુક્યો “અહાહા શું સ્વાદ છે.” હું મનમાં બોલી.

ત્યાં પાપાએ ધીરેથી મને કહયું કે “ગુસ્સામાં આટલું સરસ જમવાનું બનાવતી હોયને તો આને દરરોજ ગુસ્સો અપાવવો.”

“ઉડાવો મસ્તી હજુ,તમારા પર જ ગઈ છે આ,કોઈ વાતને સિરિયસ લેવી જ નથી હુહ.શું પ્રોબ્લેમ છે છોકરો જોઈ લેવામાં,હું અઢારની હતી ત્યારે અમારા લગ્ન થઈ ગયા હતા અને તું તો હમણાં બાવીસની થઈ જઈશ.”મમ્મી બોલી.

“મમ્મી,હજુ બાવીસની થવામાં સમય છે,ખોટે ખોટી મારી ઉંમર ન વધાર અને હા પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા.સાંભળ્યું નથી એ.તો હજુ હું ભણું છું ભણવા દો મને શાંતિથી.મન લગાવી ને.”

“હા હા, બહુ ભણવું ગમે છે તને એ મને ખબર છે.આ લગ્નથી બચવાના નાટક છે બધી ખબર છે મને.” મમ્મી ગુસ્સામાં બોલી.

“ઇલા,શું છે પણ એ નાની છે હજુ અને આ લગ્નની જીમેદારીઓ ઉઠાવવા તૈયાર પણ નથી મને ખબર છે આપણા લગ્ન થયા ત્યારે તું અઢારની હતી પણ તું કેટલી સમજદાર હતી.મતલબ કે અત્યારે પણ છો જ.કહેવાનો મતલબ કે આકૃતિ હજુ એટલી સમજદાર નથી.થોડો સમય આપ એને.” પાપા મારો પક્ષ લેતા બોલ્યા.

“હા,મમ્મી હું હજુ એટલી સમજદાર નથી પણ ધીરે ધીરે ત્રણ-ચાર વર્ષોમાં બની જઈશ.” મેં પાપાની વાતને રિપીટ કરી.

“ઓકે તારે ભણવું છે ને તો ભલે ભણ,પણ બેટા એક વાત ધ્યાનમાં રાખજે એક પણ વિષયમાં એટિકેટી આવીને તો બીજે દિવસે શીલાને ફોન કરી દઈશ હું.” મમ્મીએ તેનો માસ્ટર સ્ટોર્ક ફેંક્યો.

હું વિચારમાં પડી ગઈ થોડા સમય પૂરતી પણ પછી મેં પણ હિંમત કરીને કહ્યું , “હા ઓકે, અને જો એટીકેટી ન આવે ત્યાં સુધી લગ્નની વાત ના થવી જોઈએ ઘરમાં.”

મમ્મીએ કોન્ફિડન્સમાં હામી ભરી.

“શું મમ્મીને ભરોસો છે કે મને કેટી આવશે જ ?”હું ડિનર કરતા કરતા મમ્મીનો એ સ્માઇલવાળો ચેહરો જોઈને વિચારમાં પડી ગઈ.

એ વાત તો ત્યાંથી જ ખતમ થઈ ગઈ હું મારા બેડરૂમમાં પહોંચી. ચેન્જ કરી હું રૂમની બાલ્કનીમાં ઉભી દોડતા શહેરને જોતી રહી.અને વિચારતી હતી, ‘દરેક લોકો એના જીવનમાં વ્યસ્ત છે,દરેક સફર કરે છે,કોઈ એ સફરને માણે છે તો કોઈ સફરથી કંટાળે છે.લાંબો સફર નક્કી કર્યા બાદ મંઝીલે પહોંચવાની ખુશી કેટલું સૂકુન પહોંચાડતી હશે નહીં!!!.”

ત્યાં જ આ સફર મંઝીલના વિચારોમાંથી મને બહાર લાવવા આસમાનમાં પેલો વરસાદ ફરી ગરજ્યો અને એક મસ્ત ચમચમતી વીજળી થઈ અને એ વીજળી જોઈ મને કાંકરિયા લની બહાર દેખાયેલ પેલા વ્યક્તિનો ધૂંધળો ચેહરો અને એ અદ્દભુત સ્મિત યાદ આવ્યું.હું અંદર આવી સુવાની તૈયારી કરી બેડ પર લાંબી થઈ આંખો ખોલી અને તે અદભૂત સ્માઇલવાળા વિશે વિચારવા લાગી.એનો ચહેરો મને સરખો દેખાયો નહીં બીજી વખત મળશે કે નહીં અને મળશે તો હું તેને કેવી રીતે ઓળખીશ.બસ આવા વિચારોમાં મને નીંદર આવી ગઈ.અને હું એલાર્મ રાખતા ભૂલી ગઈ.

બીજે દિવસે સવારના સાડા સાત વાગ્યામાં મારા ફોનની રિંગ રણકી.અહાહા કેટલું મસ્ત સપનું જોતી હતી!! નીંદરમાં જ મેં ફોન ઉઠાવ્યો “શું છે ?”

“કાંઈ નથી,બસ હું તારા ઘરે આવું છું તું નીચે તૈયાર ઉભી રહેજે એ કેહવા ફોન કર્યો.” ખુશી બોલી.

“કોણ બોલે છે….? , ઓહ ખુશી તું….. અત્યારમાં શું છે,હજુ તો એલાર્મ પણ નથી વાગ્યો.” હું નીંદરમાં બોલી.

“અત્યારમાં કેટલી મસ્તી કરીશ? સાડા સાત વાગી ગયા છે લેટ થઈ ગયું છે.ફોન કટ કર હું ઘરેથી નીકળું જ છું.”ખુશીએ ફોન કટ કરી નાખ્યો.

સાડા સાત સાંભળી મને જાણે ૪૪૦ વોલ્ટનો ઝટકો લાગ્યો હોય એમ હું બેડ પરથી ઉભી થઇ ગઇ.અને તુરંત બાથરૂમ તરફ ભાગી.

થોડા જ સમયમાં મને ખુશીનો અવાજ સંભળાયો, “અરે યાર આકૃતિ ક્યાં છે તું નીચે ઉભું રહેવા માટે કહ્યું હતું.આકૃતિ …” ખુશી મને મારા રૂમમાં શોધવા લાગી. હું બાથરૂમમાંથી બહાર નીકળી.

“તું હજુ રેડી પણ નથી થઈ …?”મને જોઈ ખુશી બોલી પડી.

“અરે યાર આ મારું ફેવરેટ ટોપ હતું.ટાઈટ થઈ ગયું,હું જાડી થઈ ગઈ છું ?” હું બીજું ટોપ શોધતા બોલી.

“બોલને ખુશી.આ સ્કાય બ્લુ ટોપ સારું લાગશે જો તો…?” હું પાછળ ફરી ખુશી ત્યાં નહતી.

મેં એને શોધી,ક્યાંય ન દેખાઇ હું તુરંત બાલ્કનીમાં પહોંચી એ અમારા ઘરની બહાર ચાલતી થઈ પડી હતી,“અરે વેઇટ ખુશી હું આવું જ છું,ખુશી….” હું બોલી પણ ખુશી મને ઇગ્નોર કરવા લાગી.ખુશીએ રીક્ષા રોકી અને મેં મારું બ્રહ્માસ્ત્ર કાઢ્યું,“ખુશી તને મારા સમ છે તું મને છોડીને ગઈ તો.”

ખુશી રીક્ષામાં ચઢતા અટકી અને રીક્ષાને જવા દીધી. હું તુરંત ચેન્જ કરી થોડો મેકઅપ બેગમાં સાથે લઈને નીચે તરફ ભાગી. ખુશી મારી રાહ જોઈને ઉભી હતી.

મેં તેને સ્કૂટીની ચાવી આપી અને હું તેની પાછળ બેઠી. અમે નીકળી પડ્યા. થોડો રસ્તો કાપ્યા બાદ ખુશીએ સ્કૂટીનો સાઈડ મિરર મારી તરફ કર્યો.હું મુછમાં હસતી હતી.

“શું હસે છે તું?” ખુશીએ વાતની શરૂઆત કરી.“તારું હંમેશા નું છે. હંમેશા પેલા સમ આપી દે એટલે હું માની જાઉં તારી વાત.”

“હા,તો એમાં શું ખોટું છે? માનવું જ જોઈએને.” હું હસતા હસતા બોલી.

“જોજે આમ દરેક નાની નાની વાતોમાં તું મને સમ આપવા લાગીશ ને તો એક દિવસ હું તેમાં માનવાનું બંધ કરી દઈશ.” ખુશી ગુસ્સો કરતા બોલી.

“કહેવાય કે સમ ખોટા ખાઈએ કે સમ તોડીએ તો જે માણસ ના સમ તોડ્યા હોય એ માણસ ની … યુ નો…. ડેડ થઈ જાય.” હું વધુ મસ્તીમાં બોલી પડી.

“તારી સાથે વાત જ કરવી બેકાર છે આકૃતિ. કાંઈ પણ બોલી દેવાનું સમજ્યા વિચાર્યા વિનાનું એમ નેમ…” ખુશીનો ગુસ્સો સાતમા આકાશ પર પહોંચ્યો .

“અચ્છા સોરી સોરી, હવે શાંતિથી આરામથી સ્કૂટર ચલાવવામાં ધ્યાન આપ.નહીં તો….” મને બોલતા અટકાવીને ખુશી બોલી પડી,“આગળ એક શબ્દ ન બોલતી નહીં તો સાબરમતીમાં ફેંકી દઈશ તને હવે.” આ સાંભળી મારી હસી છૂટી પડી.મને હસતા જોઈ ખુશીને પણ હસું આવી ગયું.

અમે કોલેજે પહોંચ્યા.મને તો કાંઈ નવીન ન હતું લાગતું પણ ખુશીને જાણે એનો પહેલો પ્રેમ મળી ગયો હોય તેવી રીતે કેમ્પસ અને કલાસીસ જોઈ રહી હતી.પહેલા જ દિવસે અમારા ઘણા નવા ફ્રેન્ડસ બન્યા,અલગ અલગ સિટીના લોકો ત્યાં ભણવા આવ્યા હતા.ત્યાં અમને ઘણા અમારા સ્કૂલ-કૉલેજના મિત્રો પણ ફરી મળી ગયા.

‘પહેલો દિવસ આઇઆઈએમનો આહાહા મોજ પડી ગઈ બાપલા. કેટલા નવા મિત્રો બન્યા.આ ત્રણ વર્ષ તો જલ્સા જ છે ગેરેન્ટી’આવા જ વિચારો, મસ્તી, વાતો, નવા મિત્રોની સાથે થોડી સ્ટડી.એક અઠવાડિયું અમારું કોલેજમાં આવી જ રીતે વીતી ગયું.

આ નવા મિત્રોમાંની એક મારી પાગલ મિત્ર ઈશા.જેની માટે કોલેજ લાઈફ મતલબ મસ્તીને પાગલપણું કરવાની પૂરતી છૂટ.મારું સૌથી વધુ બોન્ડિંગ એની સાથે થયું. હું અને ખુશી એની ગેંગના મેમ્બર બની ગયા.

ગેંગ મેં એટલા માટે કહ્યું કે એક રીતે ઈશા એક હાઇક્લાસ ગુંડીની જેમ બીહેવ કરતી કોલેજમાં.ગમે તે છોકરા છોકરી સિનિયર હોય કે ફ્રેશર એમની મસ્તી કરવી, પ્રેન્ક્સ કરવા. કલાસ બન્ક કરવા.આ બધાની શરૂઆત પેહલા અઠવાડિયામાં જ થઈ ગઈ હતી અને હું પણ ઈશાની સાથે હતી.

અમારું છ છોકરીઓનું ગેંગ બની ગયું હતું. અને અમારી ગેંગની મેઈન ગુંડી ઈશા.ગઈકાલે ઈશાએ હદ કરી કોલેજના પ્રોફેસર પર પ્રેન્ક કરી નાખ્યો પ્રેન્ક કરી અને આરામથી છટકી પણ ગઈ.છટકી જ જાય ને.ઈશાના પિતાશ્રી મોટા બિઝનેસમેન અને એના કાકા કોલેજના ટ્રસ્ટી.

ખુશીને ઈશા સાથે ખાસ્સો એવો મેળ નથી પડતો,ખુશીને ઈશાના એરોગન્સવાળા નેચરથી થોડો પ્રોબ્લેમ છે પણ એ મારે કારણે સહન કરી લે.

*

હું અને ખુશી કોલેજ પહોંચ્યા,ખુશીએ સ્કૂટી પાર્ક કરી ત્યાં ઈશા અને બીજી છોકરીઓ આવી.આવતાની સાથે જ ઈશા બોલી “યાર આકૃતિ એક અઠવાડિયું થઈ ગયું, આપણે કેટલી મસ્તીને પ્રેન્ક કર્યા પણ મારી ફ્રેન્ડસ કહે છે આકૃતિએ તો કંઈ રિસ્ક લીધો જ નથી.એ તો બસ મફતની મજા જ લે છે.”

“આકૃતિ એની વાતમાં ન આવ. તને ઉપસાવે છે હો.” ખુશી ઈશાનો ઇન્ટેન્સ પારખતા બોલી.

“ઓય મિસ બોરિંગ સ્પિરિટ, ઉકસાવતી નથી. સચ્ચાઈ કહું છું..” ઈશા મારી તરફ જોઈને બોલી,“યાર આકૃતિ કમોન આ મિસ બોરિંગ જેવી ન થા, શો સમ સ્પિરિટ.”

“કોઈને પ્રેન્ક કરવામાં શું સ્પિરિટ યાર.” મેં ઈશાની વાત નકારતા કહ્યું.

“આકૃતિ તો પછી માની લે તારામાં કોઈને પ્રેન્ક કરવાનો ગટ્સ જ નથી.” ઈશા ફરી બોલી.

“ડોન્ટ ચેલેન્જ મી ઈશા.” વાત ઈગો પર લેતા હું બોલી પડી.

“આઈ વિલ ચેલેન્જ યુ ,આજે જો તે કોઈ પર પ્રેન્ક કર્યો ને તો મારા તરફથી તને આજે પાર્ટી, પણ બેટા જો તું પ્રેન્ક ન કરી શકીને તો તારે અમને બધાને પાર્ટી આપવી પડશે.” ઈશા શેક હેન્ડ કરવા હાથ આગળ વધારતા બોલી .

“ચેલેન્જ એક્સેપેક્ટેડ.” હું એની સાથે શેક હેન્ડ કરતા બોલી. “બોલ શું કરવાનું રહેશે?”

“અમમ…. હા,સામે જો પેલો ફોર્મલ વાઈટ શર્ટ પહેરીને આવે છે ને તેના પર આ કોલ્ડડ્રીંક…..,” ઈશાએ વાક્ય અધૂરું છોડ્યું.

“યાર આવી મસ્તી ના હોય સ્ટોપ ઇટ ગાયઝ.” ખુશી રોકતા અને ટોકતા બોલી.

“ચાલ આકૃતિ…. ઇટ્સ ટાઈમ ટુ ડુ સમ એક્શન. ચાલ આઈ વિલ હેલ્પ યુ કેવી રીતે ટક્કર મારવાની ચાલ.” ઈશાએ મારા હાથમાં કોલડ્રિન્ક પકડાવ્યું અને મારો બીજો હાથ પકડીને મને ખેંચીને ચાલવા લાગી.

હું તેની પાછળ પાછળ ગઈ. એ છોકરાથી થોડા ડિસ્ટન્સ પર મારો હાથ એને છોડ્યો અને આંગળી અને આંખના ઈશારા વડે મને કહ્યું “વોચ મી.” અને એ પેલા તરફ ચાલવા લાગી અને ચાલતા ચાલતા જાણી જોઈ એક જોરદાર અથડામણ કરી.

એને જોઈ મેં એક ઊંડો શ્વાસ લીધો. કાનમાં ઇઅર પ્લગ લગાવી સોન્ગ ચાલુ કર્યું “કર હર મેદાન ફતેહ.” અને હાથમાં કોલડ્રિન્ક લઈ હું તે છોકરા તરફ ચાલતી થઈ.

ઈશા તેની પાસેથી ચાલતી થઈ પડી અને એ પોતાના બધા ડોક્યુમેન્ટ સમેટીને ઉભો થયો ત્યાં જ મેં જાણી જોઈ એને ટક્કર મારી અને કોલડ્રિન્ક તેના વાઈટ શર્ટ પર ઢોળી દીધું. મિશન સક્સેસફુલ.

ત્યાં ઈશા આવી અને હાઇ ફાઈ આપીને બોલી “આજે મારા તરફથી તને પાર્ટી આકૃતિ.”

પ્રેન્ક સક્સેસફુલ રીતે કમ્પ્લીટ કરવાની ખુશી હતી પણ જ્યારે તે છોકરા સામે જોયું ત્યાં મારી ખુશી ગિલ્ટમાં ફેરવાઈ જતી હોય એવો એહસાસ થયો.

પ્રેન્ક હતો એમ કહી ઈશા મારો હાથ પકડીને ચાલતી થઈ. અમે ફરી અમારી ગેંગ પાસે પહોંચી ગયા. ઈશા અને એની ફ્રેન્ડસને મારા પર ગર્વ હતો.

ત્યાં તે છોકરો અમારી પાસે આવ્યો અને તેનો ગુસ્સો વ્યક્ત કરવા લાગ્યો અને ઈશા એ ઘણો ઇન્સલટિંગ જવાબ આપ્યો. ઈશાનો આવો બીહેવીયર ન મને પસંદ આવ્યો ન ખુશીને.

પણ હું કંઈ બોલું તે પહેલા જ તે છોકરાએ ઈશાનું મોઢું બંધ કરાવતો જવાબ તેના માથા પર કોલડ્રિન્ક ઢોળીને આપી દીધો.એક રીતે તે છોકરાનું આવું વર્તન મને પસંદ ન આવ્યું પણ ઈશાને જવાબ આપવા માટેનું એનું તે વર્તન સ્વીકાર્ય લાગ્યું મને.

ઈશા ગુસ્સામાં વૉશરૂમ તરફ ચાલતી થઈ પડી અને મિત્રતા નિભાવવા અને તેને શાંત પાડવા હું તેની પાછળ દોડી.

બેલ વાગી અમે બધા કલાસરૂમ તરફ ચાલતા થઈ પડ્યા , ઇશા થોડી ગુસ્સે હતી પણ સમજાવવા પર થોડી શાંત પડી. અમે કલાસરૂમ તરફ જઈ રહ્યા હતા ત્યાં જ ખુશી એ મને ઉભી રાખી અને લોબીની બહારની તરફ આંગળીના અને આંખના ઈશારા વડે બેન્ચ પર લમણાં હાથ રાખીને બેઠેલ તે જ છોકરો બતાવ્યો.

આટલા નાના પ્રેન્કનું આટલું રિએક્શન મને સમજાતું ન હતું. મારે એની પાછળનું કારણ જાણવું હતું. બધા કલાસમાં પહોંચ્યા અને મેં ખુશી સાથે બહાનું બનાવી ત્યાંથી છટકી અને પેલા વ્યક્તિ પાસે પહોંચ્યા.

એ બેન્ચ પર બેસી અને રડતો હતો.હું એની પાસે બેઠી, મેં બેગમાંથી પાણીની બોટલ અને રૂમાલ કાઢી અને તેની તરફ લંબાવ્યા.

ખુશી કંઈક બોલવા ગઈ ત્યાં મેં એને ઈશારાથી અટકાવી અને હું બોલી,“ આઈ એમ સોરી, મને માફ કરી દે પ્લીઝ.” તેને પાણી પી બોટલ તેની પાસે રાખી અને બોલ્યો “હમ્મ,ઇટ્સ ઓકે.”

“કમોન યાર આટલો સિરિયસ બની ને ના બોલ, મેં સોરી તો કહ્યુંને તને .” હું ફ્રેન્ડલી બનીને બોલી.

“અને મેં ઇટ્સ ઓકે કહ્યુંને તમને.” એ કોઈ પણ જાતના એક્સપ્રેશન આપ્યા વિના બોલ્યો અને ફરી પોતાના શર્ટમાં પડેલ તે ધાબા સામે જોવા લાગ્યો.

“આ તારો ફેવરેટ શર્ટ હતો?” મારાથી રહેવાયું નહીં અને મેં એને પૂછી લીધું.

“હા,ઓલ ટાઈમ ફેવરેટ બિકોઝ આ શર્ટ મને મારી મમ્મી એ આપ્યો છે.એમને મને કહ્યું હતું કે કોલેજના પહેલા દિવસે આ પહેરીને જજે.પણ પહેલા જ દિવસે કોઈકના નાદાની ભર્યા પ્રેન્કનો શિકાર થઈ જશે કોણે ખબર હતી.” એ મારી સામે જોઈને બોલ્યો.

“યાર તું તો ગિલ્ટી ફિલ કરાવે છે મને .” એની તરફ શેક હેન્ડ કરવા હાથ આગળ વધારીને હું બોલી,“બાય ધ વે આઈ એમ આકૃતિ,આ ખુશી છે અને તું ?”

“વિહાન.” એને મારી સાથે શેક હેન્ડ કર્યો.

“ઓકે વિહાન હવે આપણે શેક હેન્ડ કરી જ લીધું મતલબ આપણે મિત્ર બની ગયા. તો મિત્રતાને ધ્યાનમાં રાખીને ચાલ.” એનો હાથ પકડી હું ઉભી થતા બોલી.

“પણ ક્યાં ?”

“તારી માટે નવો શર્ટ લેવા,એ પણ સેમ ટુ સેમ આવો જ.” મેં એને ખેંચીને ઉભો કર્યો “અને હવે એમ ન કહેજે કે ના ના એની કાંઈ જરૂર નથી, આ મારી સોરી કહેવાની રીત છે એમ સમજીને ચાલ.”

મેં ખુશીને સાથે ચાલવાનો ઈશારો કર્યો.

“કોલેજ પછી જઈએ તો …” ખુશી બોલી પડી.

“ના યાર આટલો સમય આ આવી રીતે થોડો ફરશે. એક કામ કર તું લેક્ચર અટેન્ડ કરી લે અમે બંને સ્કૂટીમાં જઈને લઈ આવીએ.” ચાવી માંગવા મેં હાથ લંબાવ્યો.

ખુશી ચાવી લઈ અને વિહાન પાસે પહોંચીને બોલી , “ ડબલમાં સ્કૂટર ચલાવતા આવડે છે ને તને?”

“હા,પણ કેમ ?” વિહાન કાંઈ સમજી ન શક્યો.

ખુશીએ તેને ચાવી આપી અને બોલી “ આકૃતિને સારી રીતે સ્કૂટર ચલાવતા નથી આવડતું તો એની પાછળ બેસવામાં રિસ્ક છે.” ખુશી મારી ખીલ્લી ઉડાવતી ચાલતી થઈ પડી.

વિહાન પણ થોડો હસ્યો.એ સાંભળી હું બોલી , “તમે હસી લીધું હોય તો જઈએ.અને હા પેલી પાણીની બોટલ પ્લીઝ ડસ્ટબીનમાં ફેંકી દે.”

વિહાને બોટલ ઉઠાવીને ડસ્ટબીનમાં ફેંકી અને મારી તરફ આગળ વધ્યો. મેં તેને સ્કૂટર બતાવ્યું અને તેને પાર્કિંગમાંથી કાઢી ટર્ન માર્યો.હું તેની પાછળ બેસતા બોલી,“આવડે છે ને ચલાવતા, ક્યાંક આ મારા પ્રેન્કનો બદલો મને સ્કૂટીમાંથી પાડીને ન લઈશ.”

(ક્રમશઃ)

શું થશે આગળ?,આકૃતિની આ ભૂલ કોઈ સંબંધ તરફ ઈશારો કરે છે? ઈશાની જે ઇન્સલ્ટ થઈ છે એ તેનો બદલો લેશે? વિહાન પોતાની સંકુચિત માનસિકતામાંથી કેવી રીતે બહાર આવશે? શું થશે જ્યારે વિહાનના મમ્મીને શર્ટ ખરાબ થયાની ખબર પડશે.

આગળના ભાગમાં વિહાનની ફીલિંગ્સ.


Rate this content
Log in

Similar gujarati story from Drama