જોજન દૂર
જોજન દૂર
હરિયાળા ખેતરો ! નીરવ ખેતરમાં પાણીનો ડબુક.. ડબુક અવાજ. જાણે તૃપ્ત થતી ધરતીનો ઓડકાર !
તે લહેરાતા છોડવાઓને સ્પર્શ્યો.
થોડા થોડા વખતમાં છોડવા પર ડૂંડવા બેસશે અને તેની આંખ સામે મોટા મોટા અનાજના ઢગલા દેખાઈ આવ્યા.
'ધરતી મા 'ને થોડા બીજ આપીએ છીએ અને આના બદલામાં અસંખ્ય બીજ,અનાજ આપી સમગ્ર સૃષ્ટિની ભૂખને તૃપ્ત કરે છે.
આને જ તો "મા" કહેવાય, કશાયની અપેક્ષા વગર પોતાના બાળકોને ઢગલેઢગલા પ્રેમ આપવો.
પણ?
બાળકો શું આપે છે?
"દિલીયા,શું વિચારમાં પડી ગયો ? હેન્ડ જલ્દી ! ખેતરમાં પાણી તો વળાઈ ગયું. હવે ? હવે તારે જવાનું મોડું થાય છે." રાવજી કાકાનો અવાજ થોડો ધ્રૂજી ઊઠ્યો. ગળામાં ખારાશ આવી ગઈ.
"દિલીયા, તું પણ બધાની માફક, શહેર જઈને અમને ભૂલી તો નહી જાય ને ? દિલીયાએ બાપાને ભેટી, મોકળા મને રડે લીધું.
"બાપુ આ નોકરી ના હોત અને છોકરાઓને ભણાવવા ના હોત ! તો હું ના જાત !"
"હેં દિલીયા" તુ અહીં રહીને પણ કેટલું ભણ્યો. શહેરની સ્કોલરશીપ પણ મળી. મોટો એંજિનીયર પણ બની ગયો. તારા વિનયાને અહીંથી ના ભણાવાય?' શાંતાબા આંખના ખૂણા લૂછતાં બોલી ઉઠ્યા.
"આ ગાડી આવી ગઈ. સામાન પણ મુકાઈ ગયો. ચાલો ને જલ્દી !" રૂપા, દિલીપની વહુ માથે સાડલો ઓઢી, બા બાપુજીને પગે લાગી." ક્યાં દૂર છીએ ? ત્રણ કલાકનો રસ્તો છે. મન થશે એટલે આવી જઈશું અને તમે જલદી ચાલો. મારા મા-બાપને પગે લાગવા જવાનું છે."
વિનિયાને ખૂબ વહાલો કર્યો. છ મહિનાનો વિનીયો ઘરનું ઘરેણું હતો. ઘરમાં માત્ર તેનો અવાજ ગુંજતો.
વિનિયાને વહાલો કરતા રાવજી કાકા અને શાંતાબાની આંખ ભરાઈ આવી. રૂપાએ તેને તેડવા લીધો.પણ વિનિયાએ મોઢું ફેરવી લીધું અને જોરથી શાંતાબાને ભેટી પડ્યો. જાણે તેને પણ ખબર પડી ગઈ હોય કે જુદાઈ ખૂબ લાંબી છે !
રૂપાના મા બાપુને પગે લાગી તેઓ સીધા જ નીકળી ગયા. શાંતાબાના હાથમાં ગોળની વાટકી એમ જ રહી ગઈ. શાંતાબા ઘરમાં પાછા વળ્યાં.બારણું બંધ કર્યું.
ફરી ખોલ્યું.બહાર નીકળ્યા. રાહ જોઈ,કદાચ ! કદાચ કંઈક ભૂલી ગયા હોય અને પાછા આવે અને મારા બાળકોનું મોઢું ફરી જોવા મળે !
હારીથાકી,શાંતાબા ઘરના ખૂણામાં જઈ આંસુ વહાવી દીધા. આજે દીકરો, નવું ઘર માંડવાનો છે. કંસાર અને બટાકાનું શાક થોડી પુરી બનાવી દીધા હતા.
દિલીયાને કંસાર બહુ ભાવે. ચોખ્ખા ઘીથી લસલસતો.. ઉપર થોડી બૂરુ ખાંડ !
"રડવાનું બંધ થયું હોય તો, ગાય ભેંસને થોડું પાણી નીરો." રાવજી કાકા સીધા શાંતાબા સામે આવી ઊભા રહ્યા.
સાંજ સુધી તો દિલીયાના સાળાનો ફોન આવી ગયો." બા અમે બધા પહોંચી ગયા. ઘર ગોઠવવાનું ચાલુ કરી દીધું. મારા બા અને ભાઇ બધા જ સટાસટ કામ કરી દઇશું. ચિંતા ના કરશો."
શાંતાબાએ ધીરે રહીને રાવજી કાકાને પૂછ્યું "રૂપા વહુના બા,ભાઈ બધા જ ગયા છે ?આપણને તો આવી કશી ખબર જ નથી?"
"તો હવે ખબર પાડો, આ શરૂઆત છે. "જમાનો જોયેલ રાવજી કાકા ખેતરે જતા રહ્યા.
આ વર્ષે ચોખા ખૂબ પાક્યા. દર વખતે તો દિલીયો તેના બાપુને મદદ કરતો હતો. હવે એના બાપુ એકલા જ કરે છે.
"સાંભળો છો ?હાલો ,દીકરાના ઘરે આનજ દઈ આવીએ' શાંતાબા હરખથી બોલી ઉઠ્યા.
તેલ ,ઘી અને ગોળ ,અનાજ બધું ટેમ્પામાં ભર્યું અને રાવજી કાકા, શાંતાબા ટેમ્પામાં બેઠા.
દીકરાને ઘરે આવ્યા.
તાળું.
થોડી રાહ જોઈ.
અને કલાક પછી આવ્યા.
મસ્ત ચકચકાટ કરતી કાળી ગાડીમાંથી દિલીયો, વિનીયો ,રૂપા વહુ અને રૂપાનો ભાઈ ઉતર્યા.
"આ વચ્ચેવચ ટેમ્પો કોણે મૂક્યો? ભાન નથી પડતું ?"રૂપાના ભાઈએ ટેમ્પાને લાત મારી.
"અરે ઓ. ." રાવજી કાકા બરાડી ઉઠ્યાં.
દિલીપ ઓછપાઇ ગયો. પણ? વહુ બોલી ઊઠી." ફોન કરીને તો આવવું જોઈએ ને ?" પછી પગે લાગી.
તાળું ખોલ્યું અને ફ્રીજનું ઠંડુ પાણી, બા બાપુજીને આપ્યું.
"દીકરા તારા માટે ગોળ ,ઘી ,તેલ,અનાજ લાવ્યા છીએ.તને અહીં ખર્ચો ના થાય ને બેટા એટલે !"
કોઈ હાવભાવ નહીં. ચહેરા જાણે લાગણીહીન પથ્થર !
"હાલો જઈએ "શાંતાબા દુઃખી હૃદયે બોલી ઉઠ્યા.
"જય શ્રી કૃષ્ણ" દિલીયો અને રૂપવહુ ,બેઉ બોલી ઉઠ્યા. !
નગુણાએ એક વખત એમ ના કહ્યું."બા બાપુજી રોકાઈ જાવ. જમીને જાઓ."
ભારે હૃદયે, ટેમ્પો લઈને ગામ પાછા આવી ગયા.
પણ એક દિવસ ફરી "સુખનો સૂરજ "ઊગ્યો.
દિલિયાનો ફોન આવ્યો "અમે આવીએ છીએ."
કાળી, લીસીલીસી, ચકચકાટ ગાડીમાંથી દિલયો, વિનીયો, વહુ ઉતાર્યા. પગે લાગ્યા. વિનયાને લઈને શાંતાબાઈ ગળે લગાવી દીધો, પણ વિનિયો ? તરફડીયા મારી, બા ને ધક્કો મારી, મમ્મી પાસે જતો રહ્યો.
"ચાલ મામાના ઘરે."
દિલિયો અમારી પાસે બેઠો. સુખદુઃખની વાતો કરી. ખેતીની વાતો પૂછી. ગાય ભેંસની ખબર પૂછી અને બોલ્યો "બા બાપુ, બંગલો લેવો છે. થોડા પૈસા ખૂટે છે."
"જમીન વેચી દઈએ દીકરા" રાવજી કાકા બોલ્યા.
"બાપુ આ જમીન લેવા, મુળજી કાકા તૈયાર જ છે. તે પણ બજાર કરતાં વધુ કિંમતે !"
"મને ખબર છે, બેટા !"
દિલિયો ચૂપ.
શાંતાબાએ આંખથી પૂછી લીધું. "મને કહ્યું કેમ નહીં,?"
જમીનનો સોદો થઈ ગયો.
આખરે તો આ બધું દિલીયાનું જ છે ને ! અમે તો ખર્યુ પાન ! આજે છીએ અને કાલે નથી.
સમય વીતતો ગયો. હવે તો વિનીયો પણ મોટો થઈ ગયો. ક્યારેક ફોન આવતા. મીઠી મીઠી વાતો કરતો.
"સાંભળો છો ?" શાંતાબાએ એકદિવસ રાવજી કાકાને પૂછ્યું.
"બોલો."
"આપણે દીકરા ભેગા રહેવા જતા રહીએ. હવે બહુ કામ પણ થતું નથી અને એકલું ઘર ખાવા જાય છે. શરીર પણ હખળડખળ થયા કરે છે."
"તારા દીકરાને પૂછ."
"એ કદી " ના "નહીં કહે. એ મારો દીકરો છે ! તમે ફોન તો કરો."
"એક શરતે" રાવજી કાકા બોલ્યા. "હું દીકરાના ઘરમાં નહીં, પણ તેની બાજુમાં બંગલો લઈને રહેવા તૈયાર છું. બોલ તને મંજૂર છે?" જમાનાને બારીકાઈથી નીરખનારા, તડકીસુકી અનુભવેલા રાવજી કાકા બોલી ઉઠ્યાં.
"હા"
અને ગામના ઘરને તાળા મારી દીકરાની બાજુમાં જ બંગલો લઈ રહેવા ગયા.
વાસ્તુનાં દિવસે વહુ ઘરે આવી. ઘરમાં પગલાં પાડયા.
" પણ, સોગંદ છે મારા ગળાના ! જો હું જૂઠું બોલું ?" પાંચ વર્ષો વિત્યા ! આજદિન સુધી વહુએ ઘરમાં પગ નથી મૂક્યો.
દિલિયો કામ પુરતો આવે.
વિનીયો હવે મોટો થયો. પણ? દરરોજ એક વખત માંડ માંડ આવે.
રાવજી કાકા, શાંતાબા આજે શરદ પૂર્ણિમાએ બંગલાના બગીચામાં હિચકે બેઠા-બેઠા વિચારી રહ્યા હતા. આના કરતાં ગામ લાખ દરજ્જે સારું હતું. ત્યાં પણ એકલા હતા ! અહીં તેના કરતાં વધુ એકલા છીએ.
"પાસે રહી જોજન દૂર રહીએ, તેના કરતાં જોજન દૂર રહી પાસે રહેવું સારું."
"હવે શું કરીએ?" શાંતાબા દુઃખી હૃદયે બોલી ઉઠ્યા." નથી આપણે ગામડામાં પાછા ફરી શકતા કે નથી અહીં એકલા રહી શકતા."
"તારી ઈચ્છા શું છે શાંતા?'
"હાલો.. હાલો ઘરે પાછા જઈએ. નથી રહેવું અહીંયા. કોરા ધાકોર માણસો પાસે.'
"ત્યાં જઈને શું કરીશું? હવે જમીન નથી. "
"ફરી ગાય ભેંસ પાળીશું." અને ગામના રેઢિયાળ ! આપણા જેવા એકલા રહેતા માતા-પિતાને મદદ કરીશું."
"સાંભળો છો ? કાલે સવારે આપણે જઈએ તે પહેલા એક વખત મારે દિલિયાને, વિનીયાને વહુ ને મળવું છે."
"ચાલો શાંતા અત્યારે જ મળી આવીએ"
બેઉ વૃદ્ધ વડીલ ઉઠ્યાં. દીકરાના ઘરનું બારણું ખટખટાવ્યું. પણ? રે કિસ્મત... ! તાળું હતું.
"ચાલો શાંતા, કાલે સવારે આવીશું"
રાવજી કાકાએ હાથ પકડીને શાંતાબાને પોતાના બંગલે લઈ આવ્યા.
"હું નહિ હોવ તો તમે દિલીયાનું ધ્યાન રાખશો ને?"
" તમે કેટલામી વખત પૂછ્યું શાંતા?'
"બસ ! આ છેલ્લી વાર પૂછું છું.'
"શાંતા કાલે સવારે ઘરે જવું છે ને?"
"હા દિલિયાના બાપુ હા. હવે હું ત્યાં જ રહીશ. અહીં નહિ આવું. તમને હેરાન નહીં કરું. બસ !"
"તો ચાલ થોડીક જવાની તૈયારી કરી દઈએ."
નાદુરસ્ત તબિયતે શાંતાબાએ કપડાની બેગ તૈયાર કરી અને સવારે ગામડે જવાની બધી તૈયારી કરી દીધી. અને સૂવા ગયા.
સવારે રાવજી કાકાએ શાંતાબાને ઉઠાડ્યા. પણ ?શાંતાબા તો?"
દિલિયા.. દિલિયા.. કરતા તે બાજુમાં બંગલામાં ગયા.
પણ તે બંગલાનું બારણું ખૂલ્યું જ નહીં.
આખરે રાવજી કાકાએ તેમના દોસ્તની ગાડી મંગાવી. શાંતાબાને તેમાં સૂવડાવી, ગામડે નીકળી ગયા.
ગામડે જઈ ઘર ખોલ્યું. આજુબાજુ બધા પાડોશીઓને જાણ કરી.
આખું ગામ ભેગું થઈ ગયું.
અને શાંતાબાને ચિર યાત્રાએ વળાવ્યા. તેમનો અગ્નિદાહ પણ રાવજી કાકાએ જાતે જ કર્યો.
દિલિયો. ઘરે આવ્યો. "બા' ના નામનો ખૂબ રડ્યો. રાવજી કાકાએ તેને પ્રેમથી રાખ્યો.
આખરે શાંતાબાને વચન આપ્યુ હતું.
તેમણે પોતાની બધી જ મિલકતો વેચી દીધી અને એક ખુબ મોટું મકાન બનાવ્યું. શાંતાબાની ઈચ્છા મુજબ બધા જ 'એકલા' રહેતા મા-બાપને ત્યાં રાખ્યા. તેમને તબીબી સહાય આપી. તેમણે ગામડામાં એક વધુ અભ્યાસ અર્થે, ઉચ્ચ કક્ષાની શાળા ખોલી કે જેથી ગામના દીકરાઓ શહેર ના જાય અને મા-બાપને તરછોડે નહીં.
જોજન દૂર રહેતા દીકરાઓને એક અભ્યર્થના." મા-બાપને તરછોડો નહીં.એ જીવતા ભગવાનની આંતરડી કકળાવો નહીં."
