Abid Khanusia

Drama Romance

3  

Abid Khanusia

Drama Romance

જોગાનુજોગ

જોગાનુજોગ

14 mins
651


ગિરધારીસિંહે આ વર્ષે વેકેશનમાં રાજસ્થાનનો પ્રવાસ કરવાનું નક્કી કરેલ હતું. સૌ પ્રથમ ઉદેપુર,ત્યાંથી ચિત્તોડગઢ, અજમેર, જયપુર, પુષ્કર, જોધપુર અને માઉન્ટ આબુ થઈ પરત આવવાનો દસ-બાર દિવસનો કાર્યક્રમ હતો. જામનગરથી આ રુટ લાંબો હતો પરંતુ વેકેશન માણવું જ હતું એટલે તે રીતનો રુટ નક્કી કર્યો હતો. 


આઝાદી પહેલાં ગિરધારીસિંહના દાદા કાઠીયાવાડની એક રીયાસત (રજવાડું)ના ધણી હતા. ભારતની આઝાદી પછી દેશી રાજયોનું વિલીનીકરણ થયું એટલે હવે તે દરબારી ઠાઠ રહ્યો ન હતો પરંતુ તેના દાદા તરફથી વારસામાં મળેલ જમીન અને થોડાક ઉધોગોમાંની ભાગીદારીથી સારી આવક થતી હતી. મુંબઈમાં સ્થાવર મિલકતોના ભાડાની આવક હતી અને ઈંગ્લેન્ડમાં એક મોટો બંગલો હતો જે લીઝ પર આપવામાં આવેલ હતો તેનું પણ વર્ષે દા’ડે સારું એવું ભાડું મળતું હોવાથી ગિરધારીસિંહનો હાથ ફરતો હતો. સારી રીતે ગુજારો થઈ શકે અને ઠાઠથી રહી શકે તેવી સ્થિતિ હતી. તેને બે બાળકો હતા. પુત્ર રૂદ્ર અને પુત્રી સુકન્યા. રૂદ્ર ઈંગ્લેન્ડમાં ભણતો હતો. તે આ વર્ષે ગ્રેજ્યુએટ થવાનો હતો અને તેના કોન્વોકેશનના સમારંભમાં હાજરી આપવા ચાર મહિના પછી તેમને ઈંગ્લેન્ડ જવાનું હતું ત્યારે યુરોપની ટ્રિપનું આયોજન હતું માટે આ વેકેશનમાં રાજસ્થાનના ટૂંકા પ્રવાસનું આયોજન કર્યું હતું. પુત્રી સુકન્યાએ રાજસ્થાનના કોટામાં આવેલી પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરી ચાલુ વર્ષે ધોરણ બાર (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા આપી હતી. તેની “NEET” ની પરીક્ષાનું પરીણામ આવી ગયું હતું. સુકન્યાને એમ.બી.બી.એસ. માં એડમીશન મળે તેવી રેન્ક તેણે પ્રાપ્ત કરી હતી. એમ.બી.બી.એસ. માં એડમીશન મળે તેની રાહ જોવાતી હતી એટલે તે પણ તેમની સાથે પ્રવાસમાં જોડાવાની હતી. તેમણે પોતાની એસ.યુ.વી. લક્ઝુરિયસ કારમાં આ પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતું. 


ગિરધારીસિંહની પત્ની કૌશલ્યા પ્રવાસની તૈયારી કરતી હતી ત્યારે તેને એક બેગમાંથી ગિરધારીસિંહના જૂના બે ગૃપ ફોટો મળ્યા. એક ફોટો તે શાળામાં ભણતો હતો ત્યારનો ધોરણ-નવ નો હતો અને એક કોલેજના છેલ્લા વર્ષનો હતો. જે તેણે લાવીને ગિરધારીસિંહ સમક્ષ મૂક્યા અને કહ્યું “ હવે આટલા જૂના ફોટા કેમ સંગ્રહી રાખ્યા છે ? કોઈ જૂની યાદો જોડાએલી છે ?” કહી ગિરધારીના જવાબની રાહ જોયા વિના સોફા પર તેને અડીને બેસી ફોટાઓને ધ્યાનપૂર્વક જોવા લાગી. ગિરધારી પણ તે ફોટાઓને ધારી ધારીને જોવા લાગ્યો. કૌશલ્યા બોલી આ બે ફોટામાં એક વાત ધ્યાન ખેંચે છે. ધોરણ નવના ફોટામાં જે છોકરી તમારા આગળ બેઠી છે તેજ છોકરી કોલેજના ફોટામાં પણ તમારી આગળ બેઠેલી છે. “ પછી હસતાં હસતાં બોલી “ કેમ તેને તમારા સાથે કોઇ વિશેષ લગાવ હતો ?” 

ગિરધારી બોલ્યો “ તારે તો જાસૂસ થવાની જરૂર હતી “ પછી બંને ફોટાને ધ્યાનથી જોઈ ગિરધારી બોલ્યો “ તેં તે બાબત કેમ ન નોંધી કે ધોરણ નવના ફોટામાં મારી આગળ બે છોકરીઓ બેઠેલી હતી જયારે કોલેજના ફોટામાં ફ્ક્ત એક જ છોકરી બેઠેલી છે. બીજી ક્યાં ગઈ તેવું કેમ ન પૂછ્યું ?.”

કૌશલ્યા “તેમાં પૂછવાનું શું વળી ! બીજીએ ભણવાનું છોડી દીધું હશે અથવા કોઈ બીજી કોલેજમાં ભણતી હશે !”  


થોડોક વિચાર કરી ગિરધારી બોલ્યો “કૌશલ્યા, ચાલ આજે તને મારી એ અબૂધ પ્રેમ કહાની સંભળાવું. ખૂબ ધ્યાનથી સાંભળજે અને જયાં ન સમજાય ત્યાં પ્રશ્ન પૂછી શંકાનું સમાધાન કરી લે જે પરંતુ ગેરસમજ ન કરતી એવી મારી વિનંતી છે.”

કૌશલ્યા રમૂજમાં બોલી “ ઓકે મારા અબૂધ પ્રેમી રાજા ! હું પણ તમારી એ પ્રેમ કહાની સાંભળવા આતુર છુ. હું યે તો જાણું કે તમે તમારી યુવાનીમાં કેવા કેવા પરાક્રમો કર્યા હતા ?.” કૌશલ્યા અસલ ગામડિયાની જેમ પલાંઠી વાળીને સોફા પર મોઢું ફૂલવી બેસી ગઈ જે જોઈ ગિરધારી હસી પડ્યો. 


ગિરધારીએ વાત શરૂ કરી. સૂર્યાકુમારી અને અનસૂયાકુમારી બંને જોડીયા બહેનો હતી અને ધોરણ પાંચથી તેની સાથે ભણતી હતી. સૂર્યા અનસૂયા કરતાં પાંચ મિનિટ વહેલી જન્મી હતી એટલે તે મોટી હતી અને અનસૂયા નાની હતી. તે પણ રાજપૂત ખાનદાનની કન્યાઓ હતી. બંને દેખાવડી હતી પરંતુ અનસૂયા સુર્યા કરતાં થોડીક વધારે દેખાવડી હતી. તેમનું મૂળ વતન ઇડર સ્ટેટ હતું. ઇડર સ્ટેટ હેઠળ તેમનું પણ એક નાનકડું રજવાડુ હતું. તેમના પિતા દેશની સેવા કરવા માટે મિલિટરી સેવામાં જોડાયા હતા. તે મિલીટરી ઓફિસર હતા અને તેમનું પોસ્ટિંગ ઘણા લાંબા સમય સુધી જામનગરમાં રહ્યું હતું. તેમણે જામનગરમાં એક મકાન ખરીદી લીધું હતું અને ત્યાં રહેતા હતા. જેથી તેમની બદલીના પ્રસંગે બાળકોનો અભ્યાસ ન બગડે. ગિરધારી, સૂર્યા અને અનસૂયા મિલીટરી સ્કૂલ, બાલાછડીમાં અભ્યાસ કરતાં હતા. કિશોરાવસ્થામાં બંને બહેનોને ગિરધારી તરફ આકર્ષણ થયું હતું. ધોરણ નવમાં બંને બહેનો ગિરધારી સાથે કોઈને કોઈ બહાને વાત કરવા આતુર રહેતી અને જેને મોકો મળે તે પેન્સિલ, સંચો કે નોટ લેવાના બહાને તેની પાસે આવી વાતો કર્યા કરતી. ગિરધારી શરમાળ હતો એટલે તે તેમની લપમાંથી જેમ બને તેમ ઝડપથી છૂટવા પ્રયત્ન કરતો. એક બહેન બીજી બહેનને ગિરધારી સાથે વાતો કરતી જોતી તો તે પણ તરત ગિરધારી પાસે આવી જતી. ગિરધારી સાથે બંને બહેનો હોય ત્યારે તે પોતાની જાતને સલામત સમજતો. ધોરણ નવમાં જયારે વર્ગના બધા વિદ્યાર્થીઓનો ગ્રુપ ફોટો લેવા માટે વર્ગ શિક્ષકે બધાને ગોઠવાઈ જવાનું કહ્યું ત્યારે બંને બહેનો પ્રથમ ઊભી હરોળમાં ઉભેલા ગિરધારીની આગળ બેસવા હરીફાઈ કરતી હતી તે જોઈ ગિરધારી બંને બહેનોની વચ્ચે પાછળ ઊભો રહ્યો જે બંને બહેનો ને ગમ્યું હતું. ધોરણ દસમાં જયારે ગૃપ ફોટો લેવાયો ત્યારે ગિરધારી બિમાર હોવાથી સ્કૂલમાં જઈ શક્યો ન હતો. ધોરણ બારના ગૃપ ફોટો વખતે સૂર્યા અને અનસૂયા હાજર ન હતી. 


ગિરધારી, સૂર્યા અને અનસૂયાએ એક જ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્રણેયને એક બીજા તરફ લગાવ હતો તે ત્રણેય જાણતા હતા પરંતુ કોઈ પોતાની લાગણી પ્રદર્શિત કરતું ન હતું. આમતો કોલેજમાં સાથે ફરવાના પ્રસંગો ખૂબ ઓછા થતાં તેમ છતાં લોકો આ ત્રણની ત્રિપુટી જોઈ “ એક ફૂલ દો માલી” તેવી કોમેન્ટ જરૂર પાસ કરતા. ત્રણેય જણા મિત્રોની કોમેન્ટને હળવેથી લેતા. કોઈક વાર ત્રણેય જણા કોલેજ પાસેની રેસ્ટોરન્ટમાં સાથે ચા નાસ્તો લેતા. સૂર્યા હમેશાં કોફી પીતી જયારે ગિરધારી અને અનસૂયા ચા લેતા. અનસૂયા ઘરે કોફી પીતી પરંતુ ગિરધારી સાથે હોય તો તે ગિરધારીને કંપની આપવા ચા લેતી તે સૂર્યાને ગમતું ન હતું તેવું તેના ચહેરા પરથી જણાઈ આવતું. અનસૂયા તે સમજી જતી અને ગિરધારી સામે એક આંખ મિચકારી સૂર્યાને ચિઢવતી. ત્રણેયની વચ્ચે પ્રેમ ગણો તો પ્રેમ અને દોસ્તી ગણો તો દોસ્તી તેવો એક અદ્રશ્ય સબંધ હતો. કોઈ એક બીજા પ્રત્યેની સાચી લાગણી પ્રદર્શિત કરતું ન હતું. એમને એમ કોલેજના બે વર્ષ પસાર થઈ ગયા અને સૌ ત્રીજા અને છેલ્લા વર્ષમાં આવી ગયા. ત્રીજા વર્ષની પ્રિલિમ પરીક્ષાના થોડા દિવસ પહેલાં અનસૂયા કોલેજમાં આવતી બંધ થઈ ગઈ. એક અઠવાડીયા સુધી તે ન દેખાઈ એટલે ગિરધારીએ સૂર્યા પાસેથી અનસૂયા કોલેજમાં કેમ નથી આવતી તે બાબત જાણવા પ્રયત્ન કર્યો પણ સૂર્યાએ કોઈ જવાબ ન આપ્યો અને વાત બીજા પાટે ચઢાવી દીધી. ત્યારપછી ગિરધારીએ કદી પણ અનસૂયા વિષે જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો. 


અનસૂયાની ગેર હાજરી પછી સૂર્યા પણ ગિરધારીથી અતડી રહેવા લાગી હતી. હવે તેમના વચ્ચે પહેલાં જેવા સહજ સબંધો રહ્યા ન હતા. સૂર્યાની બેરુખીનું કારણ જાણવાની ગિરધારીએ કોશિશ કરી પરંતુ તે તેમાં સફળ ન થયો. આમ છતાં બંને વચ્ચે દોસ્તી જરૂર હતી. બંને એક બીજાને મળતા વાતો પણ કરતાં રહેતા હતા પરંતુ હવે સબંધોમાં પહેલાં જેવી ઉષ્મા ન હતી. હા કોલેજના વિદાય પ્રસંગે જયારે ગૃપ ફોટો લેવાનો પ્રસંગ આવ્યો ત્યારે સૂર્યા ગિરધારીની આગળની હરોળમાં તેના પગ પાસે જ બેઠી. ભણતર પૂરું થયું. સૂર્યા રાજસ્થાનના જોધપુરના એક પ્રખ્યાત રાજવી ખાનદાનમાં પરણી ગઈ. સૂર્યાના લગ્ન પછી ગિરધારીને સૂર્યાની ખૂબ યાદ સતાવવા લાગી ત્યારે તેને સમજાયું કે તેનો સૂર્યા સાથેનો સબંધ મિત્રતાનો નહીં પરંતુ પ્રેમીનો હતો. ગિરધારીને લાગ્યું કે હવે ખૂબ મોડું થઈ ગયું હતું. સૂર્યા પારકી થઈ ગઈ હતી એટલે તેણે સૂર્યા વિષે વિચારવાનું બંધ કરી દીધું પરંતુ તેની યાદગીરી રૂપે ધોરણ નવ અને કોલેજના ફોટા તેણે સંગ્રહી રાખ્યા હતા.  


કૌશલ્યાએ પેલા ફોટાઓ પર હાથ ફેરવતાં ફેરવતાં ગિરધારીને પૂછ્યું “ અનસૂયાના કોઈ સમાચાર મળ્યા હતા કે નહીં ? “ તેના શબ્દોમાં આતુરતા હતી. ગિરધારી બોલ્યો “ના, સૂર્યાકુમારીના લગ્ન પછી તેના પિતા રીટાયર થઈ તેમના વતનમાં સ્થાયી થયા એટલે મારા તેમની સાથે કોઈ સંપર્કો રહ્યા ન હતા અને સાચું કહું તો આપણાં લગ્ન થઈ ગયા હતા એટલે મેં તે બંને બહેનોની યાદ મારા મગજમાંથી ભૂસી નાખી હતી અને ધંધા રોજગારમાં પરોવાઈ ગયો હતો. આજે તેં જૂના ફોટા કાઢી મારા ભુલાયેલા પ્રેમને ફરી જીવંત કરી મારા હદયમાં ઊથલ પાથલ મચાવરાવી દીધી છે.


કૌશલ્યાને તે બંને બહેનો વિષે વધુ જાણવાની ઇંતેજારી થઈ એટલે તેણે ગિરધારીને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને ફરીથી તે બંને બહેનોને એક વાર મળવા માટે ગિરધારીને પ્રેર્યો. ગિરધારી થોડુક વિચારીને બોલ્યો આપણે જોધપુરમાં બે દિવસ રોકવાના છીએ તે વખતે જો શક્ય હશે તો તેમની વિગતો મેળવવાનો પ્રયત્ન કરીશું. જોઈએ તે ભારતમાં છે કે પરદેશમાં છે. વળી જીવે પણ છે કે કેમ...? ગિરધારી પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં કૌશલ્યા છણકો કરી બોલી “ શુભ શુભ બોલો, આખરે તે તમારી પ્રેમિકાઓ હતી ! “ અને હસી પડી. ગીરધારીને લાગ્યું કે કૌશલ્યાએ ખુબ દિલદારીથી તેની અધૂરી પ્રેમ કહાનીને મુલવી હતી. તેને કોઈ અદેખાઈ આવતી ન હતી. તેને કૌશલ્યાની સમજણ અને ઉદાર દિલી પર ખુબ ગર્વ થયો.


પ્રવાસના સાતમા દિવસે સૌ જોધપુર આવી પહોચ્યા. જોધપુરની એક મોંઘીદાટ હોટલમાં તેમનું બુકિંગ હતું. જમી પરવારીને સૌ જોધપુરનો મશહુર કિલ્લો અને મ્યુઝીયમ જોઈ સાંજે હોટલ પર પરત આવ્યા. બાકીના જોવાલાયક સ્થળો જેવાકે જસવંત થડા, ઘંટાઘર(ટાવર), ઉમેદ ગાર્ડન અને તેની આજુબાજુના જોવાલાયક સ્થળો બીજા દિવસે જોવાનું નક્કી કર્યું. સાંજે કૌશલ્યા અને સુકન્યા શહેરના મશહુર “બ્લ્યુ સીટી મોલ” માં ખરીદી કરવા ઉપડી ગયા હતા. થોડોક આરામ કરી ગિરધારી હોટલ સર્વિસ મારફતે ચા નાસ્તો મંગાવવાના બદલે હોટલની રેસ્ટોરન્ટમાં આવ્યો. તે એક ટેબલ પર બેસી વેઈટરના આવવાની રાહ જોઈ રહ્યો હતો ત્યારે એકાએક રેસ્ટોરન્ટનો તમામ સ્ટાફ એલર્ટ થઇ ગયો હોય તેવું લાગ્યું. એક પિસ્તાળીસ સુડતાળીશ વર્ષની આજુબાજુની ઉમરની જાજવલ્યમાન આધેડ સ્ત્રી તેની બે સ્ત્રી સહાયકો સાથે રેસ્ટોરન્ટમાં દાખલ થઇ. એકાએક રેસ્ટોરન્ટમાં ચહલ પહલ વધવાના કારણે ગિરધારીએ મેન્યુમાંથી નજર ઉંચી કરી. આવનાર સ્ત્રી રેસ્ટોરન્ટના રિસેપ્શન પરના કર્મચારી સાથે ખુબ નરમ લહેજામાં વાતચીત કરી રહી હતી. ગિરધારીને તેનો અવાજ સંભળાતો ન હતો પરંતુ તે રીસેપ્નીસ્ટ સાથે કોઈ અગત્યનો વાર્તાલાપ કરતી હોવાનો અંદાજ આવતો હતો. તેણે પોતાની સાડી માથે ઓઢી રાખી હતી જે દર્શાવતુ હતું કે તે કોઈ રાજપૂતાના ખાનદાનની છે. ગિરધારીએ એક વેઈટરને ઈશારો કરી તેના માટે “સર્વિસ ટી” અને સાથે થોડાક સ્નેક્સ લાવવાનો ઓર્ડર આપ્યો. તે “સર્વિસ ટી” આવવાની રાહ જોતો જોતો કાઈંક વિચારી રહ્યો હતો રહ્યો હતો ત્યારે તેને લાગ્યું કે કોઈ તેના ટેબલ પાસે આવીને ઊભું છે એટલે તેણે પોતાની ગરદન ઉંચી કરી આવનાર સામે જોયું. તે કંઈ બોલે તે પહેલાં આવનાર માનુનીએ કહ્યું “ ગિરધારીજી, મને ઓળખો છે કે ભૂલી ગયા.....?” તેને નામ લઇ બોલાવનારને ન ઓળખે તેટલી યાદદાસ્ત તેની કમજોર ન હતી. તે એકદમ ઉભો થઇ ગયો. સામે સુર્યાકુમારી ઉભા હતા.


તે બે ક્ષણ તો કઈ બોલી ન શક્યો. પરિચિતતાનું હાસ્ય પોતાના મોઢા પર ફરકાવી બોલ્યો. “સુર્યાકુમારીજી, માફ કરજો તમને ઓળખવામાં પળ બે પળનો વિલંબ થયો. વચ્ચે ઘણો લાંબો સમય વીતી ગયો એટલે...”

સુર્યાકુમારી “ ઇટ્સ ઓકે ગિરધારીજી, સમય સમયનું કામ કરે છે. તે તો અવિરત છે. હું માનું છું ત્યાં સુધી પચીસ સત્તાવીસ વર્ષ થઇ ગયા કોલેજ છોડ્યાને કેમ ખરું ને ?” 

ગિરધારી “ ટુ બી પ્રીસાઈઝ, અઠ્ઠાવીસ વર્ષ.”

સુર્યા “ ઓહ યસ, ઇટ્સ અ લોંગ ટાઈમ”  

સુર્યાકુમારી ગિરધારીના ટેબલ પર બેસી ગયા. તેમની સાથે આવેલ સહાયકોને તેમની “સર્વિસ કોફી” ગિરધારીના ટેબલ પર પહોંચાડવા કહ્યું અને ગિરધારી માટે ચા પણ મોકલવા કહ્યું. ગિરધારીએ તેના માટે ચાનો ઓર્ડર તો આપેલો જ હતો પરંતુ તે ચા પીવે છે તેવું સુર્યાકુમારીને હજીય યાદ છે તે જાણી તેને ખુબ આનદ થયો. સુર્યાકુમારીની રીતભાતમાં ખુબ શાલીનતા હતી. સોના અને હીરા ઝવેરાતના આભૂષણોથી લદાએલી હોવા છતાં તેમનામાં અભિમાન દેખાતું ન હતું. તે કોલેજની ચંચળ યુવતીના બદલે એક ધીર ગંભીર સ્ત્રીની જેમ વર્તી રહ્યા હતા. ખુબ ધીમા અવાજે બોલતા હતા. એક મહારાણીને છાજે તેવો તેમનો વહેવાર હતો. 

સુર્યાકુમારી “ ગિરધારીજી કેમ આ બાજુ આવવાનું થયું કોઈ બીઝનેસનું કામ નીકળી આવ્યું કે કેમ ..?”      

ગિરધારી “ ના, અમે પ્રવાસમાં છીએ.”

સુર્યાકુમારી “ અમે એટલે ...?”

ગિરધારી “ હું, મારી પત્ની અને મારી દીકરી “

સુર્યાકુમારી “ ક્યાં છે બધા ?”

ગિરધારી “ શોપિંગ માટે ગયા છે. હવે તો આવતા જ હશે.”


વેઈટર ઓર્ડર મુજબની ચીજ વસ્તુઓ મૂકી થોડીવાર આદાબ બજાવી ઉભો રહ્યો. સુર્યાકુમારીએ ઈશારો કરી તેને જવાનું કહ્યું. તે ખુબ અદબભેર ત્યાંથી રવાના થયો. સુર્યાકુમારીએ ગિરધારી માટે પોતાના હાથે ચા તૈયાર કરી ખાંડ નાંખતી વખતે પૂછ્યું “ ગિરધારીજી ચામાં હજુએ ત્રણ ચમચી ખાંડ લો છો કે ઘટાડી છે ?“ ગિરધારી જવાબ આપે તે પહેલાં તેમણે ગિરધારીના ચાના કપમાં ત્રણ ચમચી ખાંડ નાંખી દૂધ ઉમેરી ચમચીથી ચા હલાવી તેની સામે કપ ધર્યો જે “ થેંક્યું” કહી તેણે સ્વીકાર્યો. ગિરધારી સુર્યાકુમારીની યાદદાસ્ત પર ઓવારી ગયો. તેમના માટે તેમની સહાયીકાએ કોફી તૈયાર કરી મૂકી જેમાંથી એક ચૂસકી લઇ બોલ્યા “ ગિરધારીજી તમે ટેલીપથીમાં માનો છો ?” ગિરધારી શો જવાબ આપવો તે વિચારતો હતો તે સમય દરમ્યાન સુર્યાકુમારીએ પોતાના નાના બટવામાંથી ગિરધારીનો કોલેજના આઇડેન્ટિટી કાર્ડમાંથી જુદો થયેલો ફોટો બહાર કાઢી ટેબલ પર મુક્યો. તેના ઉપર કોલેજનો સિક્કો જોઈ શકાતો હતો. ગિરધારી અચરજથી તેના કોલેજ કાળના ફોટાને જોઈ રહ્યો.

સુર્યાકુમારી બોલ્યા “ આજે સવારે જ અનસૂયાના જુના આલ્બમમાંથી મને તમારો ફોટો મળ્યો છે. તમારો ફોટો મળ્યો એટલે જુના દિવસો યાદ આવી ગયા. મારે થોડાક સમય પછી ગુજરાત આવવાનું આયોજન છે એટલે મેં તમારી સાથે મુલાકાત કરવાનું વિચાર્યું હતું પરંતુ ભગવાને આપની અહિયાંજ મુલાકત કરાવી દીધી. કદાચ મારા મગજના વિચારો ટેલિપથી તમારા મગજે નોધી તેના પ્રત્યાઘાત રૂપે જાણે તમે અહી ઉપસ્થિત થયા હોય તેવું લાગ્યું, એટલે પૂછ્યું.” ગિરધારીને પણ લાગ્યું કે તેમણે પણ જોધપુરમાં સુર્યાકુમારી અને અનસૂયાકુમારીની ભાળ મેળવવાનું નક્કી કર્યું હતું. ખરેખર આ ટેલીપથી જ હતી.

વેઈટર ટેબલ પરથી ખાલી કપ રકાબી હટાવી બીજા આદેશની રાહ જોવા લાગ્યો. સુર્યાકુમારીએ કોઈ આદેશ ન આપ્યો એટલે તે વિવેકપૂર્વક ત્યાંથી ખસી ગયો. 

આગળ વાતચિત કેવી રીતે શરૂ કરવી તેની ગડમથલમાં એકાએક “અનસૂયાકુમારી કેમ છે અને ક્યાં છે ?” તેવું ગિરધારીએ પૂછ્યું. 

સુર્યાકુમારી ગમગીન થઇ ગયા. તેમણે ગંભીરતાથી કહ્યું “ અનસૂયા હવે આપણી વચ્ચે નથી.”

ગિરધારીએ “ સોરી “ કહ્યું. ત્યાર પછી દસ મિનીટ સુધી સુર્યાકુમારી બોલતાં રહ્યા અને ગિરધારી સંભાળતો રહ્યો. તેમના વાર્તાલાપનો સાર નીચે મુજબ હતો.


 એક દિવસે કોલેજમાંથી ઘરે ગયા પછી અનસૂયા અને સુર્યાકુમારી વચ્ચે ચકમક ઝરી હતી. અનસૂયા ગિરધારી સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કરી તેને પ્રપોઝ કરવા ચાહતી હતી પરંતુ સૂર્યાએ તેને તેમ કરતાં પહેલાં ગિરધારીનું મન જાણી લેવાની સલાહ આપી હતી. અનસૂયાને લાગ્યું કે સૂર્યા ગિરધારીને ચાહે છે માટે તે તેના અને ગિરધારીના વચ્ચે રોડાં નાખી રહી છે અને મોકો જોઈ તે પોતે તેની પહેલાં પ્રોપોઝ કરી ગિરધારીને તેનો કરી લેવા માગે છે. આ બાબતે બંને બહેનો વચ્ચે ત્રણ ચાર દિવસ સુધી શીત યુધ્ધ ચાલ્યું. તેવામાં તેમના દૂરના સગાનો છોકરો એક કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા આવ્યો અને તેમના ઘરે થોડા દિવસ રોકાયો. આ સમય ગાળા દરમ્યાન અનસૂયા અને તે છોકરાની આંખ મળી ગઈ. અનસૂયા સૂર્યાને પોતાની હિંમત બતાડી દેવા માગતી હતી એટલે પેલા મહેમાન છોકરા સાથે બે દિવસમાં ખૂબ હળીમળી ગઈ અને પેલા છોકરા સાથે ભાગી ગઈ. ઘરમાં હાહાકાર મચી ગયો. બે દિવસમાં બંનેને મુંબઈથી ઝડપી લેવામાં આવ્યાં. બંને એકજ ગોત્રના હોવાથી તેમનું લગ્ન શકય ન હતું. ફરીથી આવો બનાવ ન બને તે માટે સૂર્યાના પિતાએ અનસૂયાનું ભણવાનું બંધ કરાવી દીધું અને બંને બહેનો માટે મુરતિયાઓની શોધ શરૂ થઈ ગઈ. અનસૂયાના ઘરેથી ભાગીજવાની વાત ખૂબ છાની રાખવા છતાં સમાજમાં જાહેર થઈ ગઈ હતી એટલે તેના માટે મુરતિયો શોધવાનું કામ થોડું કપરું થઈ પડ્યું પરંતુ સૂર્યા માટે તરત મુરતિયો મળી ગયો. અનસૂયાનો પ્રસંગ ઘરમાં તાજો હોવાથી અને ગિરધારીએ હજુ સુધી તેનું મન ખુલ્લુ કરેલ ન હોવાથી સૂર્યાને તેના પિતાજી સમક્ષ તેના ગિરધારી પ્રત્યેના લગાવની વાત કરવાનું ઉચિત લાગ્યું નહિ. છેવટે મન મારીને સૂર્યા ભૈરોસિંહ સાથે પરણીને સાસરે જોધપુર ચાલી ગઈ. બે વર્ષ સુધી સૂર્યાને બાળક ન થવાથી તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. નિદાન મુજબ સૂર્યાકુમારીને જન્મજાત ખામી હોવાથી તે માતૃત્વ પ્રાપ્ત કરવા અક્ષમ હતી. ઘરમાં આ વાતની જાણ થતાં સૂર્યા પ્રત્યે તેના સાસરી પક્ષવાળાઓને અણગમો થવા માંડ્યો. તે વાંઝણી હોવાથી કૂટુંબને વારસદાર આપી શકશે નહિ તેવા મેણાં સાંભળવા પડતાં હતા. ઘરમાં ભૌતિક સુખ સુવિધાઓ હોવા છતાં સૂર્યા મનથી દુ:ખી રહેવા લાગી.


 અનસૂયાનું હજુ ક્યાંય ઠેકાણું પડેલ ન હોવાથી સૂર્યકુમારીએ તેના ઘરના માણસો અને પિયર પક્ષે માતાજી અને પિતાજીને સમજાવી અનસૂયાનું લગ્ન ભૈરોસિંહ સાથે કરાવી દીધું. નાની બેન મોટી બેનની શોકય બનીને ઘરમાં આવી તેમ છતાં સૂર્યા ખુશ હતી. જાણે અનસૂયા આ ઘરને કુલદીપક આપવા જ આવી હોય તેમ પ્રથમ સુવાવડમાં દીકરાને જન્મ આપી મૃત્યુ પામી. સૂર્યાએ બાળક રાજવીરના ઉછેરની જવાબદારી પોતાના શિરે લઈ લીધી. રાજવીર તેની દેખરેખમાં ઉછેર પામવા લાગ્યો. રાજવીરના જન્મ બાદ સૂર્યાનું ઘરમાં માન જળવાવા લાગ્યું. રાજવીર હવે ઓગણીસ વર્ષનો થવા આવ્યો છે. તેણે આ વર્ષે ધોરણ બારની પરીક્ષા આપી છે અને પરીણામની રાહ જોવાઈ રહી છે. તેના પિતાની ઈચ્છા રાજવીરને ભણવા માટે વિદેશ મોકલવાની છે. હાલ ભૈરોસિંહ ધંધાને લગતી એક મિટિંગ એટેંડ કરવા બ્રાઝિલ ગયેલા છે. 


સૂર્યાકુમારીએ પોતાની વાત પૂરી કરી બરાબર તેજ વખતે કૌશલ્યા આવી પહોંચી. ગિરધારીને કોઈ અજાણી સ્ત્રી સાથે બેસી ઘહન વતચિતમાં પારોવાયેલો જોઈ તેને નવાઈ લાગી. તે ગિરધારીની બાજુની ખુરશીમાં ગોઠવાઈ. તે પ્રથમ નજરે જ સૂર્યાકુમારીને ઓળખી ગઈ. તે સૂર્યાને ઉદ્દેશીને બોલી “ તમે સૂર્યાકુમારી છો ને ?” 


જિદગીમાં પ્રથમ વાર મળનાર કોઈ અજાણી સ્ત્રી તેને પોતાના નામથી બોલાવતી જોઈ સૂર્યાને ખરેખર અચરજ થયું. ગિરધારીએ બંનેનો પરિચય કરાવ્યો. કૌશલ્યા ખૂબ ઉત્સાહથી સૂર્યાને ભેટી પડી. તેણે અઠવાડીયા પહેલાં જૂના ફોટા જોઈ તેનો અને ગિરધારીનો જે વાર્તાલાપ થયો હતો તે વાત સૂર્યાકુમારીને જણાવી અને બોલી   “ ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે આપની અને ગિરધારીની આજે મુલાકાત થઈ ગઈ નહીતર મેં આવતી કાલે ગિરધારીને લઈ આપના મહેલમાં આવી આપની મુલાકાત કરવાનું નક્કી કર્યું હતું.” સૂર્યાકુમારી અહોભાવથી કૌશલ્યાને થોડી વાર જોઈ રહ્યા. ગિરધારીએ કૌશલ્યાને સુકન્યા વિષે પૂછ્યું તો તેણે જણાવ્યુ કે હોટલની બહાર તેની સાથે ભણતો તેનો મિત્ર મળ્યો એટલે તે તેની સાથે વાત કરવા રોકાઈ છે. હમણાં આવી જશે.  


 તેમની વાતો ચાલતી હતી તે સમયે સુકન્યા એક યુવાન સાથે તેમની સમક્ષ હાજર થઈ અને તેની સાથેના યુવકનો પરિચય આપતાં બોલી “ ડેડી, આ રાજવીર છે પ્રિન્સ ઓફ જોધપુર. અમે કોટામાં સાથે ભણ્યા છીએ. ” પછી તે રાજવીર તરફ જોઈ બોલી “ રાજ, મીટ માય મોંમ એન્ડ ડેડ” રાજવીર બંનેને પગે લાગ્યો. પછી રાજવીર સુકન્યા સામે જોઈ હસતાં ચહેરે સૂર્યાકુમારી તરફ ઈશારો કરી બોલ્યો “ સુકુ, મીટ માય મોંમ, માય ગોડમધર, માય ગાઈડ એન્ડ માય ફિલોસોફર, હર હાઈનેસ સૂર્યાકુમારીજી” 


સુકન્યાએ જીન્સ અને ટી શર્ટ પહેર્યું હતું તેમ છતાં સૂર્યાકુમારીના ચરણ સ્પર્શ કરવા વાંકી વળી પરંતુ સૂર્યાકુમારીએ તેને પોતાના આલિંગનમાં લઈ તેના ગલોને ચૂમી લીધા. સૂર્યાકુમારીએ ધીરેથી સુકન્યાના કાનમાં બીજું કોઈ ન સાંભળે તે રીતે કહ્યું “ યુ લૂક ગોર્જિયસ અને સુપર બ્યુટીફૂલ.“ સૂર્યાકુમારીના શબ્દો સાંભળી સુકન્યા શરમાઈ ગઈ. તેના ગુલાબી ગાલ રાતા ચોળ થઈ ગયા. 


સૂર્યાકુમારીએ ગિરધારીને કહ્યું “ આપ અમારા મહેમાન છો માટે હવે આપને અમારા મહેલના મહેમાન થવું પડશે.” તેઓ ગિરધારીને હોટલમાંથી ચેક આઉટ કરાવી તેમના મહેલમાં લઈ ગયા. જે હોટલમાં ગિરધારી રોકાયો હતો તે હોટલ સૂર્યાકુમારીની હતી. તેણે કેશ કાઉન્ટર પર ગિરધારીના બિલમાં “કોમ્પ્લીમેંટરી” લખી સહી કરી દીધી. ગિરધારી, સુકન્યા અને કૌશલ્યા જોધપુરના મહેલમાં બે દિવસ સુધી રોકાયા. 


રાત્રે ડીનર પછી સુકન્યા અને રાજવીર, રાજવીરના રૂમમાં ગયા તે જોઈ સુર્યાકુમારીએ ગિરધારી અને કૌશલ્યને કહ્યું “ આ બંને જુવાનીયાઓ આગળ વધે તે પહેલાં આપ સુકન્યાનું મન જાણી લેજો. ભૈરોસિંહના વિદેશથી પરત આવ્યા પછી અમે પણ રાજવીરનું મન જાણી લઈશું જેથી તે વિદેશ ભણવા જાય તે પહેલાં આ બંનેને સગાઈના બંધનમાં બાંધી દઈએ અને તેમનું ભવિષ્ય સુનિશ્ચિત કરી લઈએ. ઘણીવાર સબંધો જાહેર કરવામાં થયેલ વિલંબ જીવનને નર્ક બનાવી દે છે તે વાત યાદ રાખવા જેવી છે. હું ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન થાય તેવું નથી ઈચ્છતી. ” સુર્યાકુમારીનો ઈશારો બંને સમજી ગયા હતા. 


ગિરધારી અને કૌશલ્યા સુર્યાકુમારીની શાહી મહેમાનગતિ માણી ઘર તરફ રવાના થયા. 


Rate this content
Log in