Lalit Parikh

Crime Drama

3  

Lalit Parikh

Crime Drama

જનમટીપ

જનમટીપ

3 mins
7.9K



લવના ક્રોધની કોઈ કરતા કોઈ સીમા ન રહી. કાયમ મોડો આવતો લવ, આજે શેર બજાર કડડ ભૂસ થતા લાખોનું એકાએક થઇ ગયેલા માતબર નુકસાનથી નિરાશ અને દુખી થઇ ઘરે વહેલો આવી ગયો -પત્ની લીના પાસેથી કૈંક આશા,આશ્વાસન અને હિમત મેળવવાના ઉદ્દેશ્યથી. પોતાની લેચ કીથી દરવાજો ખોલીને જુએ તો લીના તેના જુના કલાસમેટ અને હવે અમેરિકામાં રહેતા,એક સમયના જીગરી પ્રેમી પ્રકાશની સાથે લળી લળીને વાત કરતી, ખડખડાટ હસતી જોઈ, તેને પારાવાર આશ્ચર્યાઘાતનો અનુભવ થયો.લીના અમેરિકામાં ભાગ્યેજ જોવા કે ખાવા મળતા ચીકુને ચાકુથી છોલી છોલી, તેમાંથી બી કાઢી તેને પોતાના હાથે ખવડાવી રહી હતી.

“તો શરૂ થઇ ગયું તમારું પ્રેમ નાટક? મને પરણી લઇ હવે તારા જુના કલાસમેટ પ્રેમી પ્રકાશ સાથે મટરગશ્તી શરૂ કરી દીધી? આટલા પ્રેમથી તો તેં મને પણ ક્યારેય ચીકુ નથી ખવડાવ્યા? સીધા તેના મોં માં !”

“તું જો તો ખરો લવ, કે તેના જમણા હાથમાં ફ્રેકચર છે અને તેનો ડાબો હાથ તો વર્ષોથી -બલ્કે જનમથી જ ખોટો છે.બિચારો …..” અને કોઈનો ગુસ્સો કોઈ પર કાઢવાની આદતવાળો લવ બરાડી ઊઠ્યો:”તો તારા બિચારાને પૂરો જ બિચારો કરી દઉં એટલે ન રહે બાંસ, ન રહે બાંસરી! “

અને એક જ ક્ષણાર્ધમાં લીનાના હાથની છરી લવના હાથમાં આવી ગઈ અને પૂરા જોરથી પ્રકાશના ગળા પર ઉપરાઉપરી ઘા પર ઘા ઝીંકી તેને મરણ શરણ કરી દીધો. હેબતાઈ ગયેલ લીના એક ચીસ સુદ્ધા ન પાડી શકી. અંદરના રૂમમાંથી ત્રણ વર્ષનો સૂઈ ગયેલો પુત્ર પરમ ભર ઊંઘમાંથી એકાએક ઝબકીને જાગી જઈ, બહાર દોડી આવ્યો અને માની આંખમાંથી આંસૂ અને પિતાના હાથમાં લોહી ટપકાવતી છરી તેમ જ સોફા પરથી ગબડી પડેલા કોઈ અંકલને જોઈ એ ભેંકડો તાણી રડવા માંડી પડ્યો. ગભરાઈ ગયેલો લવ છરી ફેંકી બહાર ભાગવા જતો જ હતો કે સીતાફળ-આઈસ્ક્રીમ લેવા મોકલેલ વોચમેન હાથમાં પ્લાસ્ટિક બેગમાં આઈસ્ક્રીમનો ડબ્બો લઇ પ્રવેશ્યો. તેની સાથે ટકરાઈ ભટકાઈ ગયેલો લવ માનસિક- શારીરિક સંતુલન ગુમાવી ગબડી પડ્યો અને લોહી નીગળતું શબ જોઈ ચીસ પાડતા વોચમેનના અવાજથી આજુબાજુના ત્રણેય ફ્લેટના દરવાજા ખુલી ગયા અને કોઈએ તાત્કાલિક પોલીસમાં ફોન પણ કરી દીધો. દોડતા-ભાગતા-નાસતા લોહીવાળા હાથવાળા લવને તે ગેટની બહાર નીકળે તે પહેલા તો પોલીસ વેનમાંથી નીકળેલા પોલીસોએ તેને પકડી લીધો.

પછી તો કેસ ચાલ્યો અને તેને બચાવ પક્ષના વકીલે તેની માનસિક સ્થિતિ અસંતુલિત પુરવાર કરી તેને ફાંસીના બદલે જનમટીપની સજા મળે તેવું જજમેન્ટ અપાવ્યું. પસ્તાયેલા પતિ લવના મનમાં -જીવનમાં આમૂળ પરિવર્તન આવ્યું અને તેના વર્તન -વહેવારમાં આવેલા બદલાવના આધારે તેને ભારત આઝાદ થતા જ પ્રથમ સ્વાતંત્ર્ય દિને આઝાદ કરી દેવામાં આવ્યો. તે ખુશ ખુશ થતો પોતાના ફ્લેટ તરફ આવ્યો અને પત્ની તેમ જ પુત્રને મળવા આતુર આતુર થતો ફલેટનો ડોરબેલ વગાડી વહાલી પત્ની અને મોટા થયેલ પુત્રને જોવા- મળવા ઉત્સુક ઉત્સુક આંખોમાંથી અધીરાઈ વરસાવતો ઊભો હતો કે પત્ની લીના અને મોટા થયેલ પુત્રને, દરવાજો ખુલતા જ જોઈ, ખુશીથી પાગલ થઇ તેમને ભેટવા જ જતો હતો કે તરત જ લીના બરાડી: ”ખબરદાર, જો તમે હાથ પણ અડાડ્યો છે મારા દીકરાને તો તમારી ખેર નથી. પોલીસને જ બોલાવીશ. કેવળ માત્ર શંકાના આધારે તમે બિચારા પ્રકાશનું ખૂન કરી નાખ્યું તો આટલા વર્ષો એકલી રહેલી મારા પર તો તમને ક્ષણે ક્ષણે શંકા કોરી ખાવાની. મારો જોબ પણ હવે જર્નાલિસ્ટનો છે અને રોજ કેટ કેટલાને મળતી રહું છું. મને ભયંકર ખૂની અને તેના કરતા પણ ભયંકર શંકાશીલ પતિને પુન: અપનાવવો નામંજૂર છે, ન માન્ય છે કે ન સ્વીકાર્ય છે. પ્લીઝ ગો અવે ફોર એવર ફ્રોમ માય લાઈફ એન્ડ માય સન’સ લાઈફ. ગુડ બાય એન્ડ ગેટ આઉટ! નાવ આઈ એમ હેપી એઝ એ સિંગલ મોમ !”

બંધ થઇ ગયેલા ફ્લેટના દરવાજા તરફ મોઢું વકાસી, એ વર્ષો પૂર્વે, પોતે કેવળમાત્ર શંકા પર આધારિત લીનાના મિત્રના કરેલ ખૂનનો સીન યાદ આવતા જ, તે કિંકર્તવ્યવિમૂઢ થઇ બંધ દરવાજા સામે ઢગલો થઇ અચેત પડી ગયો. જનમટીપ તો હવે શરૂ થઇ એમ તેનું રોમ રોમ કહેવા લાગ્યું.

(સત્ય કથા)


Rate this content
Log in

Similar gujarati story from Crime