જમુના
જમુના
ચૌદ વર્ષની સાવ નાની ઉમરે ગભરુ બાળકી જેવી જમુના, જયંતિને પરણીને ભર્યાભાદર્યા મોટા વિશાળ પરિવારમાં આવી ત્યારે છોકરડી લાગતી જમુના જોતજોતામાં સહુની લાડકી જમુના વહુ અને જમુનાભાભી બનતી જોઈ સહુ કોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયું. ક્યારેક જમુનાને પણ નવાઈ લાગતી કે પિયરમાં રમતી-ભમતી પોતે આવી કામગરી અને ડાહી ડમરી અને હોંશિયાર કેવી રીતે થઈ ગઈ. કામ કામને શીખવે એમ, વખત જતાં કોઠાસૂઝ તો એવી આવી ગઈ કે સહુ કોઈનું કામ હોંશે હોંશે તેમના હાથમાંથી ખેંચી કરતી. ક્યારેક કામની વહેંચણી કરતી જેઠાણીઓને તો તે એમ બોલીને રીઝવતી કે - “કામની વહેંચણી વળી શેની કરવાની ? હું છું ને કામ કરવાવાળી”. કામની ઝડપ સાથે જમુનાની સ્વાદિષ્ટ રસોઈ બનાવવાની જાદુઈ કળા એવી કે સાસુ- સસરા અને બીજા બધા પણ મોમાં આંગળા નાખી ગયા. ઘરનું તો ઠીક, બહાર ફળિયામાં અને પાડોશના કામ પણ એવું દોડી દોડી સ્ફૂર્તિભેર કરવા લાગી કે આડોશી-પાડોશીઓ પણ “આ જમુના તો જાણે બે હાથે, છ હાથનું કામ કરવાવાળી કળયુગની જાગતી જગદંબા છે. ” એમ બોલવા લાગ્યા. સવારે ગાય-ભેંસ દોહવાના કામથી લઈને જેઠના ભણતા છોકરાઓ-છોકરીઓને પ્રેમથી ઊઠાડી જગાડી, નવડાવી ધોવડાવી તૈયાર કરી દૂધ- શિરામણ કરાવી હસતા મોઢે સ્કૂલે “જય શ્રી કૃષ્ણ” રવાના કરવા સુધી તે મલકાતી હરખાતી દોડીને કામ કરતી રહે.
જમુનાની ભક્તિભાવના પણ કામ સાથે વણાયેલી રહેતી. સવારે ઊઠે અને દરણું દળવા બેસે ત્યારથી મીઠા – મધુર સવારે પ્રભાતિયા અને ભજનો ગાતી નાનકડી જમુનાવ'વ સઘળા કામો એક પછી એક ઉત્સાહભેર આટોપતી જાય. સસરા, જેઠ, નાનકડા દિયરને અને પતિ જયંતિને પણ સરસ કડક મીઠી લહેજતદાર ચા સાથે ભાખરી કે મેથીના થેપલાનો કે પૂરી શાકનો ગરમાં ગરમ નાસ્તો કરાવે. રસોઈ-પાણીમાં તો તેનો હવે હાથ એવો બેસી ગયેલો અને હાથમાં એવો તો જાદુ જામી ગયો હતો કે જે કાંઈ બનાવે, જે કાંઈ ખવડાવે સ્વાદિષ્ટ અને ચટાકેદારજ હોય. ખાનાર આંગળા ચાટતું વખાણ કરતું ભૂખ કરતા થોડું વધારે જ ખાઈ જાય. તેનું કારણ પણ હતું. તેના પિતાને ફરસાણ-મીઠાઈની દુકાન હતી અને તેની માં ઘરમાં ફરતું ફરતું બનાવવાની શોખીન હતી. એટલે સાસરે કોઈ દિવસ બહારનો નાસ્તો લાવવાની જરૂર જ ન પડતી. જમુનાના ગોટાની વાત જ ન્યારી હતી અને તેની સાથે કઢી જેવી ચટણી, પપૈયા-ગાજરનું કચૂમ્બર અને તળેલા મરચા. ગોટા સાથે એવા પીરસે કે સૌને દાઢે વળગે અને ખાનાર આખો દિવસ તેને યાદ કરતાં ફરે.
“વાહ જયંતી તું ભારે નશીબ વારો હો ભાઈ, આ તારી વ'વ જમુના તો જમાડવામાં જલ્સા કરાવે છે ભાઈ ”તેમ પરિવારમાં કોઈ મહેમાન આવ્યુ હોય તે આવું બોલ્યા વગર રહે જ નહીં. પાછું કોઠાસૂઝથી રાંધે પણ એવી રીતે માપસર કે ન કાંઈ વધે કે ના કાંઈ ઘટે. વાસી વધે નહીં ને કુત્તા ખાય નહીં.
જમુનાથી સાસુ- સસરા તો રાજી રહે. જેઠ-જેઠાણીઓ પણ ખુશ ખુશ. અને નાના મોટા બાળકો તો રાજીના રેડ રહે. આડોશીઓ-પાડોશીઓ પણ જમુનાના આવ્યા પાછી ચાલુ થયેલા વાટકી વહેવારથી ખુશ હતા. પાડોશીઓ ને ત્યાં પ્રસંગે મઝેદાર વાનગીઓ બનાવાવમાં મદદ કરતી.
બજાર કરતાં સસ્તા ભાવે મીઠાઈઓ અડદિયા, મોહનથાળ, મગસ, ઘારી, મોતીચૂરના લાડુ બનાવી વેચી ને તેણે તેના નાના દિયરને આગળ ભણવા બેંગ્લોર મોકલેલ, ભણેલાનો જમાનો છે તે વાત જમુના જાણતી હતી. દિયરતો ભાભીની સ્વાદિષ્ટ રસોઈ ખાવા મોંઘુ ભાડું અને લાંબી મુસાફરી કરીને દરેક નાના મોટા વેકેશનમાં દોડી જ આવે. વળતા તેને ડબ્બા ભરી ભરી નાસ્તાઓ પણ હોંશે હોંશે બનવી જમુના પ્રેમથી બાંધી આપે અને જાય ત્યારે દહીં-સાકરનું શુકન કરાવી ને જ મોકલે. દિયરના દોસ્તારો પણ જમુનાના હાથના નાસ્તા ખાઈ,ઘરથી દૂર ઘર જેવું ખાવાનું મળતા અને ખાતા ખુશ ખુશાલ થતાં.
જમુનાને તેના દિયરને આગળ ભણવા પરદેશ મોકવાની અને તેમાંય કેનેડા, લંડન કે ઓસ્ટ્રેલિયા નહીં, પણ અમેરિકા મોકલવાની જબરી હોંશ જાગેલી. જમુનાના પિયરમાંથી તેના મામાનો દીકરો ગયેલ હતો, અને ત્યારથી સાસરીમાં એક માત્ર ભણેલ ગણેલ દિયરને તો અમેરિકા મોકલવો જ જોઈએ તેમ, પત્થર ફોડી પાણી કાઢવાની હામ રાખનારી જમુનાએ તેના સાસુ-સસરા અને ઘરના બધા જ લોકોને, " હું છુ ને, બધુય સંભળી લઈશ " તેવું વારંવાર કહી કહી માનવી પણ લીધા. પણ મોકલવા માટે પૈસાનો વેંત કરવો એ કાંઈ નાની સૂની વાત નહોતી. નાના ગામડા માં આબરૂ અક બંધ રાખવા,સહિયારી ખેતીવાડીની જમીન તો વેચાય નહીં. જમુનાએ પોતાનું ઘરેણું ચુપચાપ, કોઈ વિરોધ કરે એ પહેલા જ પતિ જયંતીને સમજાવી પટાવી ચૂપ-ચાપ વેચી, રકમ ભેગી કરી દિયરને અમેરિકા મોકલીને જ જપી.
અમેરિકાથી દિયર જમુના ભાભીને દરેક પત્રમાં આભારના શબ્દો લખતો રહેતો. આખું ઘર જમુના તેમનું દળદર છોડાવશે એવા વિશ્વાસ સાથે જમુનાવવના રાજમાં જલ્સા કરતા રહે, દિયર ભણી ગણી જોબ પણ કરવા લાગ્યો ત્યારે જમુનાના સાસુ સસરાને અને ખાસ કરી જમુનાને દિયરને પરણાવવાની હોંશ અને તેથી તેનેય દેરાણી લાવવાની ઉતાવળ દર્શાવવાનું શરૂ કર્યું. દિયરે, હમણાં નહીં જમુનાભાભી, અને પોતાની કૃતજ્ઞતા દર્શાવતા ભાઈ- ભાભીને અમેરિકા તેડાવી લેવાની આગ્રહભરી ઈચ્છા દર્શાવી. જમુના એ કહ્યું ના વીરા હું એકલી નહીં પણ બા- બાપુને બોલાવે તો અમે આવીએ, એમને પણ આ દુનિયાનો સહુથી મોટો મલક જોવાનું મન તો થાય જ ને ? એવું બોલી જમુનાએ સાસુ સસરાના પણ પોતાની સાથે પાસપોર્ટ- વિઝા તૈયાર કરાવ્યા. જમુના- જયંતિ - સ્વપ્નેય ખ્યાલ નહીં એવી હકીકતનો અનુભવ કરતા ‘એર ઈન્ડિયા’માં બેસી ચારેય જણા ડોલરિયા દેશ તરફ ઊડ્યા.
અમેરીકામાં સમય વિતતા જમુનાએ જાણ્યું કે દિયરે તો સાથે જોબ કરતી એક છોકરી સાથે લગ્ન પણ કરી લીધા હતા, ત્યારે જમુનાના સાસુ સસરા અવાક બની ગયા હતા. તેઓએ ગામમાં લખાભાઈને તેમની દીકરી ગોમતી માટે જુબાન આપેલી હતી તેનું શું થશે ? તેની ચિંતા કરતાં હતા, પણ સમય અને પારકો મલક જોતાં જમુનાએ બાજી સંભાળી તેને અપનાવી લીધી, પણ તેજ છોકરીએ એક રાત્રે કકરાટ કરી, જમુના – જયંતિ અને સાસુ સસરા, ચારેયને ધક્કો મારવાનું બાકી રાખી ઘરમાથી કાઢી મૂક્યા.
"હર મુસીબતોનો એક જ ઈલાજ" પારકા મલકમાં હિંમત રાખી, જમુનાએ તેના મામાના દીકરાની સહાયથી પોતાની ઘરઘરાઉ કેટરિંગ સર્વિસ શરૂ કરી. સાસુ સસરાને સાચવવાની જવાબદારી સાથે સમય પસાર કરતા કરતા ધૂમ કમાણી પણ કરવાનું શરૂ કરી દીધું. જયંતિને હવે જમુનાએ ડ્રાયવીંગ શીખવાડી દેવરાવ્યું હોઈ, તેણે પણ સમાન લાવવા પહોંચાડવાનો જોબ શોધી લીધો હતો. જમુનાના સબળ સથવારે પારકા મુલકમાં પણ તેઓ જોતજોતામાં પગભર થઈ ગયા.
મામાના દીકરાને મોટલ હતી, તેણે એક બીજી નવી મોટલ જમુનાના ભરોસે ખોલી જમુનાને તેને સાચવવા-ચલાવવાનો વહીવટ સોંપી દીધો. જયંતિ અને સાસુ સસરા પણ જમુનાની હિંમતથી ખુશ ખુશ થઈ બનતી મદદ કરવા લાગ્યા.
હવે જમુનાની સામે જગત જનની ભગવાતીએ જોયું, અને મોડો મોડો ય તેનો ખોળો ભરાયો અને જોડકા જન્મ્યા જયંતિતો એક સાથે લવ અને કુશની જોડી મેળવીને રાજીનો રેડ થઈ ગયો. બાળકોના જન્મ થયા બાદ તો જમુનાનો પરિવાર અમેરીકામાં વધુ ને વધુ સંપન સમૃદ્ધ અને સુખી થતો ગયો. પોતાનું ઘર ખરીદાઈ ગયુ અને એકમાંથી બે અને બેમાંથી ત્રણ એમ મોટલો પણ વધતી ગઈ. જમુનાને સંપત્તિની સાથે સંતતિ પણ વધતી ગઈ. એક દીકરી જન્મતા બન્નેભાઈને રમાડવા માટે બહેન મળી. આમ તેઓ અમેરીકામાં સેટલ થઈ ગયા. ”
એક સરખો સમય ક્યારે કોઈનો ગયો છે ખરો ? તે અરસામાં દિયરની નોકરી છૂટી ગઈ અને તેની વહુ એ કેસ કરી છૂટા છેડાં માગીલીધા તેથી દિયરના માથે મોટું મસ ચૂકવણું આવ્યું. સવારનો ભૂલ્યો સાંજે ઘેર પાછો વળે, તેમ દિયર અશ્રુભરી આંખે જમુનાની શરણમાં આવ્યો ત્યારે, જમુનાના સાસુ – સસરાએ નાના છોકરાને તતડવી માર્યો અને પાછો કાઢવા લાગ્યા ત્યારે, જમુના વચ્ચે પડી બોલી, શું બાપુ તમે વડીલ થઈ આમ કરો છો..! ડાંગ મારવાથી પાણી કઈ થોડા છૂટા પડે.. ! આવા કસમયે, તે તેના ભાઈ- ભાભી- કે બા- બાપુ પાસે ના આવે તો ક્યાં જાય ? આમ જુઓ આપના ઉપર તો તેનો મોટો ઉપકાર છે. નાનકાએ જો આપણને નોધારા ન કર્યા હોત તો આપણે તો તેની ગુલામી કરતાં તેની સાથેજ પડ્યા રહ્યા હોત. આજે જે આપણે સૌ લીલાલહેર કરીએ છે તે વાસ્તવમાં તેને આભારી છે.
દિયરને સાંત્વન આપી, અને તેના છૂટાછેડાની થતી રકમની વ્યવસ્થા પણ કરી સંભાળી લીધો. પોતાના સંપર્કથી દિયરને નવી નોકરી અપાવીને તેમજ મામાના દીકરાની મદદથી એક ઘરરખ્ખુ છોકરી સાથે લગ્ન કરાવી અને નાનું એપાર્ટમેંટ લઈ આપી નોખો વસાવ્યો, ત્યારે જયંતિ, અને જમુનાના સાસુ સાસરાને લોક જમુનાને છ હાથ વળી જગદંબા કેમ કહેતા હતા તે હવે સમજાતું હતું.
જમુના આજે પણ દરેક વાર તહેવારે દિયર અને તેના પરિવારને પોતાને ઘેર બોલાવી સરસ સ્વાદિષ્ટ જમણ જમાડી હસતા હસતા હોંશે - ઉમંગથી કહ્યા કરે છે, "આનંદમાં રહો અને “ભવની સગાઈ પૂરી કરો ” જમુનાની કોઠાસૂઝ બેમિસાલ છે, દિયરને નોખો રાખી, સહુ કોઈને આનંદમાં રાખી અમેરિકામાં પણ કુટુંબના સભ્યો ઉપર આવતી આફત સામે અડગ રહી જલસો કરાવે છે.
દરેક દિવાળીએ જ્યારે સાસુએ જયંતિને જમુના માટે જણસ બનાવડવા કહે ત્યારે જમુનાવ'વ સાસુને નમ્રતાથી ના પાડતી, અને કહેતી, ના બા.. મે એવું કશું નથી કર્યું ! કે તમારે કઈ વ્યવહાર કરવો ઘટે ! આ તો જુઓ બધી ભગવતીની કૃપા છે. આપણે સૌએ તો તેમનો આભાર માની રહેવાનું છે. ”
શીર્ષક પંક્તિ :- "ઉત્તમ વ્યક્તિત્વ શૂન્ય જેવુ હોય છે, જેની સાથે રહે તેનું મૂલ્ય વધારી જાય છે".
