Rahul Makwana

Tragedy

3  

Rahul Makwana

Tragedy

જિંદગીનો પેચ

જિંદગીનો પેચ

5 mins
545


સુભાષ વેદાંત મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનાં સર્જીકલ ઓપરેશન થિયેટરની બહાર ઉદાસ ઉભેલ હતો, બાજુમાં તેનાં પત્ની ભાવિકા પણ ઉભેલ હતી. જેનાં આંસુઓ દુઃખને લીધે રોકાવાનું નામ જ નહોતા લઈ રહ્યાં, અને સુભાષ પોતે અંદરથી ભાંગી પડ્યો હોવાછતાં પણ શાબ્દિક આશ્વાસન આપી રહ્યો હતો.

ઓપરેશન થિયેટરની બહાર સુભાષ ચિંતાને લીધે આમ - તેમ આંટા મારી રહ્યો હતો, અને વાંરવાર પોતાના હાથ સામે જોઈ રહ્યો હતો. કારણ કે તેના બને હાથ પોતાનાં એકના એક વ્હાલા દીકરા આરવના લોહીથી લથપથ હતાં, પોતાનાં પુત્ર આરવને આવી રીતે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતો જોઈને ભાવિકા મનોમન પોતાનાં ઇષ્ટદેવને પ્રાર્થના કરી રહી હતી..!


એ જ દિવસે સવારે 7 વાગ્યે.

"મમ્મી ! હું પતંગો, દોરાની ફિરકી અને નાસ્તો લઈને આપણાં ઘરની અગાસી પર જાવ છું. નીરવ અને સાગર આવે તો તેમને અગાસી પર મોકલી દે જે..!" - આટલું બોલીને આરવ પતંગ ચગવવા માટે શસ્ત્ર- સરંજામ લઈને અગાસી પર ચાલ્યો જાય છે.

જાણે આરવ યુદ્ધ લડવા માટે સજ્જ થયો હોય તેવું લાગી રહ્યું હતું, નવાં - નવાં જીન્સ અને ટીશર્ટ, ચશ્માં, અગાસી પર ફૂલી લોડેડ સાઉન્ડ સિસ્ટમ, નાસ્તાનો ડબ્બો, વગેરે લઈને પૂરેપૂરી તૈયારી કરી લીધેલ હતી. પણ થોડાક કલાકો પછી પોતાની સાથે શું બનવાનું છે તેની આરવે કે રસોડામાં કામ કરતી તેની મમ્મી ભાવિકાએ સપનામાં પણ વિચારેલ નહીં હોય.!

આકાશ પણ જાણે આજે પૂરેપૂરી રીતે ખીલી ઉઠ્યું હોય તેવું લાગી રહ્યું હતું. આખે આખું આકાશ રંગેબેરંગી પતંગોથી પૂરેપૂરી રીતે શોભી ઉઠ્યું હતું અને સૂર્યનારાયણ જાણે આ પતંગોની સાથે સંતાકૂકડી રમી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું..!

આરવના મનમાં મકરસંક્રાંતિ ઉજવવાનો એટલો બધો ઉમંગ હતો કે હાજા ગગડાવી નાખે તેવી ઠંડી પણ આરવ ઉપરાંત આરવ જેવાં પતંગબાજોની હિંમત અને ઉત્સાહમાં દોરાવાં પણ અસરકારક નીવડે એમ નહોતું.! થોડીવારમાં આરવના મિત્રો પણ પતંગો અને ફિરકી લઈને આવી પહોંચ્યા જેને જોઈને આરવના ઉત્સાહમાં ચારગણો વધારો થઈ ગયો.


લગભગ સવારનાં 11 કલાકની આસપાસ બરાબરનું અવકાશી યુદ્ધ જામ્યુ. આરવ અને તેનાં મિત્રોએ બીજા બધાં લોકોની પતંગો સાથે પેચ લડાવીને આજુબાજુ વાળા બધાનાં પતંગો કાપી નાંખ્યા. મકરસંક્રાંતિનો પૂરેપૂરો માહોલ જામી ચુક્યો હતો.!

થોડીવારમાં આરવના માતા - પિતા પણ, આરવ અને તેનાં મિત્રોનો ઉત્સાહ વધારવા માટે અગાસી પર આવી પહોંચ્યા.!

લગભગ 12 વાગ્યાની આસપાસ આરવના પિતા સુભાષ તૈયાર ઊંધીયુ લેવાં જવાં માટે અગાસી પરથી નીચે જવાં માટે દાદરા તરફ આગળ વધે છે. આરવ પોતાનાં પિતાને બહાર જતાં જોઈને આરવ તેનાં પિતાની સાથે જવાં માટેની જીદ પકડે છે. આરવના માતા-પિતા આરવને આગાશી પર રહીને પતંગ ચગવવા માટે સમજાવે છે. આરવના મિત્રોએ પણ તેને ઘણો સમજાવ્યો પરંતુ આરવે પોતાની જીદ સામે કોઈનું કાંઈ ચાલવા ના દીધું.ત્યારબાદ સુભાષ અંતે આરવની બાળજીદ સામે ઝૂકે છે. સુભાષ જ નહીં પરંતુ આ દુનિયાનો કોઈપણ બાપ કે પિતા અંતે તો પોતાનાં બાળકની જીદ સામે ઝુકતા જ હોય છે. ત્યારબાદ સુભાષ આરવને પોતાના બાઇક પર લઈને બજારમાં જાય છે. રસ્તા વચ્ચે આરવ તેનાં પિતાને કહે છે કે "પપ્પા ! હું સવારનો 7 વાગ્યાનો પતંગ ચગાવું છું.પણ હવે હું પતંગો ચગાવી - ચગાવી થાકી ગયો છું.આમેય તે આપણાં ઘર પાસે એટલાં બધાં કંઈ ખાસ પતંગો ઉડી નહોતા રહ્યાં. હવે બધાં જમીને પાછા પોત - પોતાની અગાસી પર પતંગો ચગવવા પાછા ફરશે. પરંતુ હકીકતમાં મારી પાસે પતંગો પુરી થવાં આવી હતી..આથી હું. તમારી સાથે બ..જા.! " - આટલું બોલતાં આરવથી એક જોરદાર ચીસ પડાય ગઈ.!


એકાએક સુભાષ અને આરવની વચ્ચે આકાશમાંથી એક પતંગની દોરી આવી અને એક તીક્ષ્ણ તલવારની માફક આરવના ગળાને આડું ચીરી નાખ્યું. સુભાષે પણ જાણે પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હોય તેમ એકાએક બાઇક ઉભુ રાખી દીધું અને પોતાનાં વહાલા સોયા દિકરાને લોહીલુહાણ હાલતમાં જોઈને સુભાષભાઈ પણ ડઘાય ગયાં. તેમણે સમયસૂચકતા વાપરીને રસ્તામાંથી પસાર થતી.એક કારને ઉભી રાખી અને આરવને નજીકની વેદાંત મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલમાં લઈ ગયાં. જ્યાં મેડિકલ ટીમે તાત્કાલિક આરવનું ઓપરેશન કરવું પડશે એવું સમજાવીને આરવને ઓપરેશન થિયેટરમાં લઇ ગયાં, સુભાષે આ વાત તેની પત્નીને પણ કોલ કરીને જણાવી દીધેલ હતી આથી ભાવિકા પણ થોડીવારમાં હોસ્પિટલે આવી પહોંચ્યા.


હાલમાં, અત્યારે.

ઓપરેશન થિયેટરની લાલ લાઈટ બંધ થઈ. ડોકટર પોતાનાં ચહેરા પર રહેલ માસ્ક નીચે કરતાં - કરતાં સુભાષ અને ભાવિકાની સામે જોઇને કહ્યું કે.."જુઓ.! હાલમાં આરવ "આઉટ ઓફ ડેન્જર" છે અને તેને ઓછામાં ઓછી 48 કલાક સુધી અમારી નજર સમક્ષ મેડિકલ સુપરવિઝનમાં રાખવો પડશે.!" થોડાક ઉદાસી ભરેલાં ચહેરા સાથે ડોકટર બોલ્યાં હતાં. ડોકટર દ્વારા કહેલ આ વાત સાંભળી સુભાષ અને ભાવિકાએ પોત-પોતાનાં બે હાથ જોડીને ડોકટર અને ભગવાનનો ખુબ - ખુબ આભાર માન્યો અને બંનેનાં ઉદાસ ચહેરા પર ખુશીઓની લકીરો છવાઈ ગઈ. પરંતુ સુભાષ અને ભાવિકોએ બાબતથી તદ્દન અજાણ જ હતાં કે તેની આ ખુશીઓ ક્ષણિક જ હશે.! "પ.ણ." - ડોકટર થોડુંક ખચકાતા બોલ્યાં.

"પણ પણ શું ..સાહેબ..?" - ભાવિકા અને સુભાષે હતાશા સાથે એક નિસાસો નાખતાં પૂછ્યું.

"તમારા દિકરા આરવને તો અમે મોતના મુખમાંથી પાછો લાવવામાં તો સફળ થયાં છીએ. પરંતુ તેનો અવાજ..લાવવામાં નહીં.!" - ડોકટર બોલ્યાં.

"સાહેબ ! તમે શું કહેવા માંગો છો.?" - સુભાષે આશ્ચર્ય સાથે પૂછ્યું.

"જુઓ ! પતંગની દોરી ખુબજ ઊંડે સુધી આરવના ગળામાં ખૂંચી ગઈ હતી. જેને લીધે આરવની વોકલ કોર્ડ એટલે કે સ્વરપેટી કપાઈ ગઈ છે. માટે આરવ હવે કયારેય બોલી શકશે નહીં.!" - ડોકટરે સુભાષનાં ખભે હાથ મૂકીને આશ્વાસન આપતાં બોલ્યાં.

આ સાંભળી જાણે સુભાષ અને ભાવિકાના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.શું બોલવું..? શું કરવું.? એ ખ્યાલ નહોતો આવી રહ્યો. અંતે પોતાનાં દિકરાનો જીવ બચી ગયો એ જ મહત્વનું છે એવું સમજીને સુભાષ અને ભાવિકાએ વાસ્તવિકતાને અંતે સ્વીકારી લીધી. જે સિવાય એ બંને પાસે કોઈ વિકલ્પ પણ ન હતો.!

થોડીવાર બાદ સુભાષ અને ભાવિકા એકબીજાની સામે જોઇને જાણે આંખોમાં આંખો નાખીને એકબીજાને જાણે કહી રહ્યાં હોય કે "જો સવારે બંને આરવની બાળજીદ સામે ઝુક્યાં ના હોત તો આરવ હાલમાં હોસ્પિટલમાં નહીં પરંતુ પોતાનાં ઘરની અગાસી પર પતંગ ચગાવતો હોત.!

એ મકરસંક્રાંતિથી માંડીને આજસુધી દરેક મકરસંક્રાંતિ જાણે કોઈપણ પ્રકારનાં અવાજ વગરની સુનમુન પસાર થઈ રહી હોય તેવું સુભાષ અને ભાવિકાને લાગી રહ્યું હતું..વર્ષો પહેલાંની એક એ મકરસંક્રાંતિ હતી કે જેમાં આરવનો ખિલખિલાટ આખે આખી અગાસી પર ફેલાય જતો હતો. આરવનો એ જ હર્ષોલાસ જાણે એક ચિચિયારી બનીને ગાયબ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું.!


જેમ મધમાખીમાંથી કોઈ તેનું મધ છીનવી લે. ઘેટાં પાસેથી ઉન છીનવી લે. તેવી જ રીતે જાણે ભગવાને આરવ પાસેથી તેનો અવાજ કાયમી માટે છીનવી લીધો હોય તેવું સુભાષ અને ભાવિકાને લાગી રહ્યું હતું. ત્યારથી માંડીને આજદિન સુધી મકરસંક્રાંતિ સુભાષ, ભાવિકા અને તેના પુત્ર આરવ માટે માત્રને માત્ર કેલેન્ડરનું એક પેજ કે પતાકડું બની ગયું હોય તેવું આખા પરિવારને લાગી રહ્યું હતું.!


Rate this content
Log in