જીવના મેળ
જીવના મેળ


‘બા, હવે તને એકલી નહિ રહેવા દઉં. બે વર્ષ થવા આવ્યા બાપુજીનાં સ્વર્ગવાસને. હવે તારા કોઈ બહાના નહિ ચાલે.’ નિકુંજ ફોનમાં બાને મનાવી રહ્યો હતો, બલકે એમને રીતસરની ફરજ પાડી રહ્યો હતો.
નિર્મલાબેનને ઘરનાંજ નહિ પરંતુ આસપાસના બધા જ ‘બા’ ના હુલામણા નામથી સંબોધતા. તેમનાં ચહેરા પરની હેતાળ રેખાઓજ તેમને બા તરીકે પ્રસ્થાપિત કરતી હતી. ગોરો ઘાટીલો ચહેરો અને તેના પર વેલ સરીખી વીંટળાયેલી વર્ષોના અનુભવની કરચલીઓ, ઊંડી ઉતરેલી છતાં વાત્સલ્યસભર આંખો, ઉત્સાહનાં અજવાળા પાથરતું વ્યક્તિત્વ. બાનો સ્વભાવ પણ જાણે કોઈ વડલાની ઘેઘુર છાયા. પોતાના ઘરના, આસપાસના, કે સગાસંબંધી કોઈને પણ કોઈ સમસ્યા હોય તો તે બા પાસે અચૂક આવે. પછી તો બા પોતાના મંજુલ ટહુકારથી અને મીઠા સ્વરથી એવી રીતે સમજાવે કે આવનારનો મનોભાવ નિર્મળ બની જાય, પછી ઝગડાની કે કંકાસની તો વાત જ શું ?
પતિ કરુણાશંકરના મૃત્યુ પછી નિર્મલાબેન એકલવાયું જીવન ગુજારતા હતા. ગામડાના ફળિયાના વચ્ચે આવેલું ઉગમણું ઘર બાની અણમોલ દુનિયા હતી. દીકરો પત્ની અને બાળકો સાથે અમદાવાદ રહેતો હતો. નોકરી પણ સારી કંપનીમાં હતી. સારું એવું કમાતો હતો. બાપુજીના ગયા પછી હવે તે બાને એકલા છોડવા માંગતો ન હતો. ઘણુંય કહેવા છતાં બા તે વખતે માનેલા નહિ. ‘આ ઘરને એમને એમ થોડું છોડી દેવાય ! મારે હજુ બાકી કામો પતાવવા પડશે. તું તારે નિરાંતે જા. મને અહીં કોઈ તકલીફ નહિ પડે. આ કામો આટોપી લઈશ એટલે હું સામેથી તારા જોડે રહેવા આવી જઈશ.’ આમ કહીને બા એ આ મુદ્દો એ વખતે તો ટાળી દીધો હતો. જ્યારે જ્યારે નિકુંજ બાને પોતાની પાસે આવી જવાનું કહેતો ત્યારે ત્યારે બા તેને આવા કોઈ બહાના હેઠળ ચુપ કરી દેતી. નિકુંજની પત્ની અને બાળકો પણ બા ને મનાવીને થાકી ગયા હતા.
બા ભલે નિકુંજને ગમે તે કોઈ કારણ આપતા હતા પરંતુ તે પણ જાણતો હતો કે બા બાપુજીની સ્મૃતિ સાથે જીવવા અને વહેવા માંગે છે. બાપુજી જીવતા હતા ત્યારે તો બા તેમના પડછાયાની જેમ તેમની સાથે જ રહેતી. બાપુજી હિંચકે બેસીને છાપું વાંચતા હોય અને બા બારસાખમાં બેસીને શાક સમારતી હોય. છાપું વાંચતા વાંચતા બાપુજી બાને અલક મલકના સમાચારો વાંચી સંભળાવતા. બાપુજી અને બા આમ તો બે ખોળિયા પરંતુ આત્મા તો એકજ. બાપુજીના મનની વાત બા વગર કહ્યે વાંચી સકતી. તેમના ચહેરા પરના ભાવોને બા એમજ તાગી લેતી. બાપુજીની સરભરામાં ને સેવામાં જ બાનું જીવન સમાઈ જતું. બાપુજી જ્યારે બાને ‘નિર્મલા’ કહીને સંબોધતા ત્યારે તેમના હૃદયના ભાવો ગુલાલની જેમ ઉડીને બાના ચહેરાને ઢાંકી દેતા.
બા બાપુજી સાથેના જીવનના સોનેરી સ્મરણોને ભૂલવા માંગતી નહોતી. એટલે જ નિકુંજ અને તેની પત્નીનાં કહેવા છતાં પણ બા આ ઘર છોડીને જવા નહોતા માંગતા. આ ઘરના હિંચકે બેસીને તેઓ બાપુજીના શ્વાસોને અનુભવતા. દીવાનખંડનાં મેજ પર પડેલી તેમની ડાયરીને હાથ ફેરવીને તેઓ બાપુજીને સ્પર્શી શકતા. પરસાળથી લઈને રસોડા સુધી બા બાપુજીના અસ્તિત્વને શોધવાનો પ્રયત્ન કરતા. બાપુજીના ગયા પછી તેમની લખેલી ડાયરીઓ વાંચીને બા તેમના ભૂતકાળને ફરીથી જીવંત કરતા. હવે તો બા ફળીયામાંથી કોઈ આવે તો જ બેસતી અને તે પણ ઊંચા જીવે. તેમનો જીવ તો ઘરની અંદર જ ખોવાયેલો, બલકે જડાયેલો રહેતો.
બાપુજીના ગયા પછી નિકુંજ અને તેની પત્ની સાથેની વાતોમાં પણ બાનો જીવ લ
ાગતો નહોતો. જય અને નિશી સાથે પણ બા હવે બહુ મમત દાખવતી નહિ. નિકુંજને એમ કે ‘બાપુજીના જવાથી લાગેલા આઘાતમાં બા દુઃખી છે. થોડા દિવસોમાં તે ફરીથી પહેલા જેવી જીવંત બની જશે.’ પરંતુ તેની આશાઓ ખોટી નીવડી. બાપુજીના ગયા પછી દિવસો અને મહિનાઓ વીત્યા અને બે વર્ષ થયા છતાં પણ બાનો જીવ તો ઘરમાંજ પુરાયેલો રહેતો. જાણે બાપુજી પોતે ત્યાં એની સાથે વાતો કરતા હોય. નીકુંજથી આ જોવાતું નહોતું, એટલેજ એ બાને વારંવાર વિનંતી કરતો રહ્યો પોતાની સાથે લઇ જવાની. પરંતુ બા તેને એક યા બીજા કારણ સામે ધરીને ટાળતી રહી. પરંતુ આ વખતે તો ધારાએ અને નીકુંજે નક્કી કરી લીધું કે ગમે તે થાય પણ આ વખતે તો બાને લઈને જ આવવું છે. અને એટલે એણે બાને ફોન કરીને કહ્યું, ‘જો બા હવે હું તારી કોઈ વાત સાંભળવાનો નથી. તને જય અને નિશી ના સમ છે જો તું ના આવે તો. અમે બધા કાલે જ તને લેવા આવીએ છીએ.’
બા આમ તો નીકુંજની વાત આ વખતે પણ ટાળી દેવાના મુડમાં હતા પરંતુ જય અને નિશીનાં સમ તેના જીવ પર પથ્થર થઈને પડ્યા અને હવે તેને માન્યા વગર છૂટકો નહોતો. બા એ ભલે તેને સંમતી આપી હતી પરંતુ ફોન મુક્યા પછી તેના જીવમાં જાણે વંટોળ ઉભું થયું હતું. અનેક જાતના વિચારોની ઘૂમરી તેના આત્માને રગદોળવા માંડી હતી. બેધ્યાન પણે તેણે પોતાના કપડાં બેગમાં ભરવા માંડ્યા. ઘરના દરેક ખૂણાને બારીક નજરથી તપાસી લીધો. બાપુજીના ચશ્માં અને તેમના ફોટાને સ્મૃતિચિહ્ન રૂપે પોતાના થેલામાં સાચવીને મુક્યા. આખી રાત પથારીમાં પડખા બદલ્યા પરંતુ ઊંઘ તો નજ આવી. સવારે વહેલા જાગીને તૈયારી કરી રાખી.
નિકુંજની ગાડી બરાબર દસ વાગે આવી પહોંચી. જય અને નિશીતો બાને જાણે ઊંચકીને લઇ જવાના હોય તેટલા ઉમંગમાં આવી ભેટ્યા. ધારા અને નિકુંજ બાને મદદ કરાવવા લાગ્યા. પરવારીને સહુ તૈયાર થયા. ગાડીમાં સામાન મુકાઈ ગયો. ફળીયામાંથી આવેલા લોકો બાને વિદાય આપવા લાગ્યા. પરંતુ બાનો જીવ તેમાં નહોતો લાગતો. ઘરના કમાડ વાખ્યા પછી તો બા જ્યારે પરસાળમાં હિંચકા પાસે આવી ત્યારે તો તેનાથી ડુંસકુંજ નખાઇ ગયું. તેના અંતરમાંથી નિશ્વાસની લહેર ઉઠીને આસપાસના વાતાવરણને શોકમય બનાવી ગઈ.
ધારાએ ગાડીનો દરવાજો ખોલ્યો. બા જેવા ગાડીમાં બેસવા જાય છે ત્યારે પાછળથી કોઈએ બુમ મારી, ‘નિર્મલા, ક્યાં ચાલી ?’ બાની આંખોમાં ઓચિંતું જાણે કોઈ પતંગિયું ફફડવા લાગ્યું. પાછળ ફરીને જોયું તો કરુણાશંકર હિંચકે બેસીને બાને બોલાવી રહ્યા હતા. 'આવી ગયા' કહેતાક બા તો કોઈ ઉછળતા ફુવારાની પેઠે ઉભી થતાક દોડવા લાગી. ત્યાં ઉભેલા સહુ કોઈ અવાક બની ગયા. બા આમ કેમ કરે છે. કેટલાકે મન મનાવ્યું કે આ તો ઘર છોડીને જવું પડે છે એટલે ભાવુક બન્યા છે. પરંતુ બાને તો સામે દેખાયા હતા બાપુજી. બે હાથ ખોલીને બાને જાણે બોલાવી રહ્યા હતા. બા હાંફતી-હાંફતી દોડતી તેમના પાસે પહોંચીને જેવો તેમનો હાથ પકડવા જાય છે કે તરત જ હિંચકા પર જ ધબ. કરતાંક જાણે ઓગળી ગઈ. નિકુંજે દોડીને તેમને પોતાના ખોળામાં લઇ લીધા. ‘બા, બા, શું થયું ? આંખો તો ખોલ.’ પરંતુ બા નિશ્ચેતન બનીને પડી રહી. તેના સ્મિત સભર ચહેરા પર નીરવ શાંતિ છવાઈ રહી. કદાચ બાપુજીને મળ્યાનો સંતોષ તેના ચહેરા પર લીંપાઈ રહ્યો. પાસે ઉભેલા જીવીબેને નિકુંજના ખભે હાથ મુકીને કહ્યું, ‘બેટા, બા તો હવે વૈકુંઠ ગયા. આને જ કહેવાય જીવના મેળ’