ઝરૂખો
ઝરૂખો
રોહન અને રુહીનો લાડકડો એકનો એક દીકરો એટલે દેવ. નાનકડો દેવ જન્મ્યો, ત્યારથી જ ગોળમટોળ, અને એકદમ હસમુખો. દેવ જયારે પણ હસતો ત્યારે એના ગાલમાં એવા સરસ ખંજન પડતા કે એ સૌને પરાણે વ્હાલો લાગતો. બધાનો ખુબ લાડકડો એવો દેવ હંમેશા હસતા હસતા જ ઊઠે અને કાયમ જયારે જુઓ ત્યારે એ હસતો જ હોય.
દેવનો પાંચમો જન્મદિવસ આવતો હોય છે એટલે દેવ તેના માતા પિતા સાથે બજારમાં ફરવા નીકળ્યો. રોહનની બાઈકમાં આગળ દેવ બેઠો હોય છે અને વેલની જેમ રોહનને વળગેલી રુહી પાછળ બેઠી હોય.
આ સુખી પરિવારને કોણ જાણે કોની નજર લાગી ગઈ કે રુહીની ઓઢણી બાઈકના વહીલમાં આવી ગઈ, રોહન કાંઈ સમજે કે વિચારે અને બાઈકને બ્રેક મારે તે પહેલા તો ક્યાંય સુધી રુહી બાઈકની સાથે ઢસડાઈ અને બ્રેઈન હેમરેજ થતાં ત્યાં જ રુહીનું કરુણ મોત થયું. કોઈકે તાત્કાલિક 108 બોલાવી, પણ તે આવે એ પહેલા રોહનનું પણ પત્નીના મોતના આઘાતમાં હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું.
બિચારો નાનકડો દેવ આ કરુણ દ્રશ્ય જોઈને હેબતાઈ ગયો. પરિવારના બધા ભેગા થઈને અંતિમવિધિ કર્યા બાદ દેવ હવે તેના દાદા દાદી સાથે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેવા આવે છે. જીવતી લાશની જેમ ચૂપચાપ એક ખૂણામાં દેવ બેઠો રહેતો. કાંઈ પૂછો તો બાઘાની જેમ આપણી સામે એકીટશે જોયા જ કરે, કોઈને કાંઈ જવાબ પણ ના આપતો.
દાદીમાના ઘરની બાજુમાં જ ખેતર છે અને ખેતર પૂરું થયા પછી રાજાશાહીના સમયની એક વિશાળ અને સુંદર કોતરણીવાળી હવેલી હોય છે. એ હવેલીની પાછળનો ભાગ દેવના દાદીમાના ઘરની બાજુમાં જ પડતો હોય છે, જે બાજુ એક સરસ મજાનો ઝરૂખો હોય છે. હવેલી પ્રદ્યુમનસિંહ જશરાજસિંહ જાડેજાની હોય છે. એક દિવસ ઉદાસ એવો દેવ ઘરના આંગણાંમાં બેઠો છે, ત્યાં એક લાલ કલરનો સુંદર ફુગ્ગો ઊડતો ઊડતો આવે છે. દેવ દોડીને ફુગ્ગાની દોરી પકડી લે છે અને આ ફુગ્ગો ક્યાંથી આવ્યો તે જોવા આજુબાજુ નજર કરે છે, તો ઝરૂખામાં તેના જેવડી જ ઉંમરની એક નાનકડી છોકરી ઝરૂખામાં ઊભી હોય છે. ગોળમટોળ ચહેરાવાળી એ છોકરી દેવની સામે જોઈને હાથના ઈશારાથી તેને ઝરૂખે બોલાવે છે.
દેવ પોતાના દાદીમાને કહેવા ઘરની અંદર જાય છે, દાદીમા પણ દેવના ચહેરા પર ઘણા સમયે મુસ્કાન જોઈને તેને હવેલીમાં રમવા જવા દે છે. પ્રદ્યુમનસિંહ જાડેજાનો પરિવાર આમ તો દુર એક શહેરમાં જ રહેતો હોય છે, પણ તેમના કુળદેવીનું મંદિર અહીં હોવાથી તેઓ ધાર્મિક કાર્ય માટે કે પ્રસંગ હોય, તો અહીં રોકાતા. ઝરૂખામાં ઉભેલી એ નાની છોકરી પ્રિયા
પ્રદ્યુમનસિંહની પૌત્રી હોય છે. તેમના મમ્મી ડિલિવરી માટે પિયર ગયેલા એટલે પ્રિયા અહીં થોડો સમય માટે દાદા-દાદી પાસે રોકાવા આવેલી.
દેવ અને પ્રિયા વચ્ચે ધીમે ધીમે દોસ્તી જામી જાય છે. દેવ હવે પહેલાની જેમ હસવા રમવા લાગે છે. ઝરૂખો એ દેવ અને પ્રિયાના માટે રમવાનું પ્રિય સ્થળ બની ગયું. બંને એકબીજાને બૂમો પાડતા. "દેવ..પ્રિયા... દેવ...પ્રિયા" તેમના શબ્દોથી ઝરૂખો રણકી ઊઠતો. બાળકોના કલરવથી નીરવ અને નિર્જીવ એવા ઝરૂખામાં ચૈતન્ય આવી ગયુ. દેવ અને પ્રિયા બંને હવે સાથે નિશાળે પણ જવા લાગ્યા. દરરોજ વહેલી સવારે દેવ ઝરૂખા સામે જોઈને બેસી રહેતો. પ્રિયા ઝરૂખે દેખાય પછી જ દેવ હવેલીમાં રમવા જતો.
એક દિવસ વહેલી સવારે ઊઠીને દેવ ઘણા સમય સુધી પ્રિયાની રાહ જોઈ, પણ પ્રિયા હજુ ઝરૂખામાં આવી નહીં એટલે દેવને પ્રિયાની ખુબ જ ચિંતા થવા લાગી. દેવના દાદીમાં તપાસ કરે છે, તો ખબર પડી કે પ્રિયા હવે કાયમ માટે પોતાના શહેરમાં રહેવા જતી રહી છે. દેવ હવે પાછો ખૂબ ઉદાસ રહેવા લાગ્યો. દરરોજ વહેલી સવારે ઉઠતો ઝરૂખા સામે પ્રિયાની રાહ જોતો બેસી રહેતો,નિશાળનો સમય થતાં નિશાળે જતો અને પાછો આવીને સાંજે સુર્યાસ્ત સુધી એ ઝરૂખા સામે બેસી રહેતો હતો.
સાત વરસ પસાર થઈ ગયા, દેવ હવે સાતમું ધોરણ પાસ કરી લીધું અને આઠમા ધોરણમાં આવી ગયો હોય છે.એક દિવસ વહેલી સવારે દેવ જુએ છે તો ઝરૂખામાં એક તેના જેવડી છોકરી ઉભી હોય છે. તે છોકરી લાલ કલરનો ફુગ્ગો ઊડાડે છે, દેવ તરફ ફુગ્ગો આવતા દેવ જુએ છે તો ફુગ્ગા ઉપર દેવપ્રિયા લખ્યું હોય છે. દેવ અવાચક બનીને ફુગ્ગા સામે જોઈ રહે છે. દેવ દાદીમાને કહીને હવેલીમાં જવા રજા માંગે છે, પણ દાદીમા ના પાડે છે કે હવે તું હવેલી ના જઈશ હવે પ્રિયા મોટી થઈ ગઈ છે. દેવ માનતો નથી અને હવેલીએ ફુગ્ગો લઈને તરત જ જાય છે. ઝરૂખે જઈને જુએ છે,તો તેને ખુબ નવાઈ લાગે છે હવે પ્રિયા શરમાઈને એક ખૂણામાં ઉભી રહેતી હોય છે. ફ્રોક પહેરીને દોડાદોડી કરતી પ્રિયા અને હવે પંજાબી તથા મેચિંગ દુપટ્ટો, લાંબા કાળા કેશવાળી શરમાતી પ્રિયા. એક જ દિવસ થાય છે, પછી ધીમે ધીમે પ્રિયા બચપણની જેમ દેવ સાથે બિન્દાસ બોલવા લાગે છે. અને બંને પાછા પહેલાં જેવા પાક્કા દોસ્ત બની જાય છે. પણ હવે પ્રિયામાં ઘણા બધા ફેરફારો થયેલ. દેવ વગર કહ્યે તેના દિલની ભાવના સમજી જાય છે. બંને પોતાના પ્રેમના પ્રતીક તરીકે સુંદર ગુલાબનો છોડ વાવે છે.
આ વખતે પ્રિયા લગભગ પંદર દિવસ અહીં રોકાઈ ગયેલી. બંને પોતાના પ્રેમના પ્રતીકરૂપે જે સરસ મજાનો ગુલાબનો છોડ વાવેલો હોય છે તેને દરરોજ દેવ પાણી પાતો અને સુમસામ ઝરૂખા સામે બેસીને જોઈ રહેતો.એમ બે ત્રણ મહિના પસાર પણ થઈ ગયા.
એક દિવસ જોરદાર પવન સાથે વરસાદ આવે છે. અને વાવાઝોડામાં પણ દેવ બહાર ગુલાબના છોડ પાસે બેઠો રહ્યો. દાદીમા ઘણું સમજાવે છે, પણ દેવ ડરતો કે સમજતો નથી. દાદીમા માંડ માંડ સમજાવીને દેવને ઘરમાં લાવે છે. બીજા દિવસે વાવાઝોડું શાંત થયા પછી દેવ બહાર શું થયું? એ જાણવા ઘરની બહાર આવીને જુએ છે,દેવ પોતાના અને પ્રિયાના પ્રેમના પ્રતિક એવા ગુલાબના છોડના કુંડાને તૂટી ગયેલું જોયુ અને છોડ પણ નાશ પામેલો. આ બધુ જોઈને દેવ ખૂબ દુઃખી થાય છે.
ત્યાં જ હવેલીથી પ્રિયાના રોડ અકસ્માતમાં અવસાન થયાના સમાચાર આવે છે. દેવ અંદરથી સાવ હતાશ થઈ ગયો. દરરોજ ઉદાસ થઈને ઝરૂખા સામે બેસી રહેતો. પ્રિયાના અવસાનને હવે લગભગ પાંચ વર્ષ થઈ ગયા હોય છે,હજુ પણ દેવ ખૂબ ઉદાસ રહેતો હોય છે અને હવેલીના ઝરૂખા સામે જોઇને બેસી રહેતો હોય છે એનો એ જ નિત્યક્રમ, વહેલી સવારે ઊઠીને નિશાળે જવું નિશાળેથી પાછું ફરવું. બાકીના સમયમાં ઝરૂખા સામે જોઈ બેસી રહેવું.
એક દિવસ તે ઝરૂખા સામે જોઈને બેઠો હોય છે, ત્યાં અચાનક લાલ રંગનો ફુગ્ગો ઊડતો ઊડતો આવે છે. દેવ તેને દોરીથી પકડીલે છે, ત્યાં જ પાછળથી અવાજ આવે છે, " આપી દે... આપી દે મને એ ફુગ્ગો. મારો છે એ ફુગ્ગો." દેવ પાછળ ફરીનેઅવાજની દિશામાં જુએ છે, તો બરોબર સૌથી પહેલા પ્રિયાને જોઈ, એવી જ છોકરી ઊભી હોય છે. બિલકુલ નાનકડી પ્રિયા જ, એના જેવું ગોળમટોળ ચહેરો ધરાવતી એક છોકરી દેવની સામે ઊભી હોય છે.
દેવ આ છોકરી કોણ હશે? તેમ વિચારતો હોય છે, ત્યાં જ તેની પાછળથી એક વૃધ્ધ સ્ત્રી નો અવાજ આવે છે, " દેવપ્રિયા... દેવપ્રિયા.. "
પેલી નાનકડી છોકરી ગુસ્સે થઈને કહે છે, "મોટા બા..મેં તમને કેટલી વાર કહ્યું કે મારું નામ દેવપ્રિયા નથી,મારું નામ સોનાક્ષીબા છે, સોનાક્ષીબા. તમે મને મારા નામે બોલાવતા હો, તો.
દેવ ખૂબ જ નવાઈ થી પાંચ વર્ષની આ નાનકડી છોકરી સામે જોઈએ છે. વૃદ્ધ સ્ત્રી એ નાનકડી છોકરીને લઈને જતી રહી છે. દેવ ઘરે આવીને રમીલાબેનને બધી વાત કરે છે. રમીલાબેન કહે છે કે જે દિવસે પ્રિયાનું અવસાન થયું તે દિવસે પ્રિયાના ભાઈના ઘરે આ નાનકડી છોકરી જન્મેલી એનું નામ સોનાક્ષીબા છે, પરંતુ પ્રિયાના મૃત્યુનો આઘાત એટલો બધો લાગેલો કે તેની મમ્મી આ છોકરીને એટલે કે પોતાની પૌત્રીને દેવપ્રિયા નામે બોલાવે છે.
સોનાક્ષીબાની મમ્મીને જુડવા પુત્ર થયેલ એટલે તે અહીં જ રહેવાની હોય છે. પણ દેવ તો મેડિકલ કોલેજમાં એડમિશન મળવાથી બહારગામ જતો રહે છે. થોડા સમયમાં દેવ ડૉક્ટર બનીને આ ગામના સરકારી દવાખાને જ નોકરીએ લાગે છે. દવાખાનું પણ હવેલીના ઝરૂખાની જમણી બાજુ જ હોય છે. ગામમાં ઘણો બદલાવ આવેલ.
દીકરીઓને ભણવા માટે ધોરણ-૬થી ૧૨ની વિદ્યાર્થીનીઓને માટે કન્યા છાત્રાલયની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. દેવને પાછો એ જ નિત્યક્રમ, દરરોજ વહેલી સવારે ઊઠે અને ઝરુખા સામે થોડીકવાર જોઈ લે પછી દવાખાને જવાનું અને જ્યારે ફ્રી હોય ત્યારે ઝરૂખાની સામે જોઈ જ રેહેતો. રમીલાબેન હવે મોટી ઉંમરના થઈ ગયેલા એટલે દેવને સારી છોકરી જોઈને ઝટ પરણવાની સલાહ આપે છે, પણ દેવ પરણવાની બિલકુલ ના કીધી હોય છે અને આમ જ સમય પસાર થવા લાગ્યો.
સોનાક્ષીબા હવે દસમું ધોરણ પાસ કરીને આગળ સાયન્સ ભણવાની ઈચ્છા હોય છે. એટલે કાયમ માટે વિદાય લઈને બીજા શહેરમાં ભણવા જતી રહેવાની છે. શહેરમાં જતા પહેલાની સાંજે તે દેવને મળવા આવે છે, દેવ ઝરૂખા સામે પ્રિયા સાથેની યાદોમાં ખોવાઈ ગયેલો. સોનાક્ષીબા દેવની સામે ઉભી રહે છે અને પૂછે છે, "ડોક્ટર અંકલ...એક વાત પૂછું?" દેવ ખૂબ નવાઈથી એની સામે જોઈ રહે છે.
સોનાક્ષીબા હાથમાંની નાનકડી બેગ બતાવીને, "ક્યાં સુધી તમે આમ યાદોના ઝરૂખે ખોવાયેલ રહેશો ? મારા ફૈબા પ્રિયાબાની ઇચ્છા પૂરી કરવી જોઈએ. તે સ્વર્ગમાં તમારી રાહ જોઈ રહ્યા હશે. તમે ત્યાં જઈને તેને શું જવાબ આપશો ?"
દેવ સોનાક્ષીને જવાબ આપતા, "કોણ કહે છે કે તે સ્વર્ગમાં છે ? પુનર્જન્મ પણ થઈ ગયો હોય." સોનાક્ષી પોતાના હાથમાં રહેલી બેગ બતાવીને, "મારી ફોઈબા એ લખેલ પત્રો છે આમાં,જે ક્યારેય તમારા સુધી પહોંચ્યા જ નથી, તમને નથી લાગતું કે તમારે હવે યાદોના ઝરૂખામાંથી બહાર નીકળીને મનઝરૂખો જોવો જોઈએ, સોનાક્ષીબા તેજસ્વી અને પ્રભાવશાળી સ્મિત સાથે, "મારા દાદીમાં પણ એવું જ કહે છે, તેથી જ મને દેવપ્રિયા કહીને જ બોલાવે છે.
જો તમે પણ એવું માનતા હો કે હું પ્રિયા છું, તો મારો તમને હુકમ છે કે તમે આ કન્યા છાત્રાલયની દીકરીઓની સાર સંભાળ રાખો. દીકરીઓની ઘણી બધી લાચારી હોય છે, ઘણાં મા-બાપ પાસે તેને પરણાવવા પૈસા પણ હોતા નથી. અને એ દીકરીઓની જિંદગી કેવી નર્ક જેવી હોય છે એ આપણને ખબર નથી હોતી. આ કન્યા કેળવણીના માટે ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું છે. અને મારા ફોઈબાની તમામ મિલકત આ દીકરીઓ પાછળ જ વાપરવાની છે તમે દર વર્ષે સમૂહ લગ્ન કરજો. દીકરીઓને પણ આગળ ભણવાનો કોઈ ખર્ચ નહીં આવે, જેથી કરીને આગળ ભણવું હોય તેના માટેનો ખર્ચ પણ ટ્રસ્ટ ભોગવશે."
ડૉક્ટર દેવ ખચકાઈને, "આ બધું મારે એકલા હાથે ?"
સોનાક્ષી : 'એટલે જ તમને હું કહું છું કે તમે સારી છોકરી સાથે લગ્ન કરી લો. હું પણ હવે આગળ ભણવાની છું અને હું પણ મારા જેવા સેવાભાવી કોઈ ડોક્ટર સાથે પરણી જવાની છું."
સોનાક્ષીબા બેગ આપીને જતી રહી છે. દેવ બધા પત્રો વાંચ્યા વગર જ સુટકેસ ખોલીને પત્રોને નદીમાં પ્રવાહિત કરી દે છે.
થોડા સમય પછી ગામની એક વિધવા સ્ત્રી સાથે દેવ લગ્ન કરી લે છે. જે સેવાભાવી અને ખૂબ ભલી હોય છે. દેવ તેના ભૂતકાળની બધી વાત જણાવી દીધી હોય છે. બંને આજીવન સમાજસેવાનું કામ કરે છે. ડૉક્ટર દેવ ગરીબ દર્દીઓની નિ:સ્વાર્થ ભાવે સેવા કરે છે. અને તેની પત્ની દિવ્યા છાત્રાલયની દીકરીઓનું ધ્યાન રાખે છે, તેને આગળ ભણવા માટે પ્રેરણા આપે છે. અને સમગ્ર જ્ઞાતિના સમૂહ લગ્ન કરવા જેવા કાર્યો પણ કરવા લાગે છે.
આમ, દેવ હવે યાદોના ઝરૂખામાંથી બહાર આવીને દીકરીઓનો મનઝરૂખો નવપલ્લવિત કરે છે.
