ઝરૂખો
ઝરૂખો
ચોવીસ કલાક પછી આજે હું ભાનમાં આવ્યો. ભાનમાં આવતાજ, શોર સાંભળવા લાગ્યો. હકીકતમાં એ મારાં પરિવાર જનો, જે મારી આંખ ખુલવાથી ખૂશ થયાં અને હું પણ... એ જાણી કે આ પૃથ્વીલોક જ છે અને હું જીવું છું.
હજી ગઈ કાલે સવારે હું ચાલવા નીકળ્યો ને પાછળથી એક કાર એ આવીને મને ટક્કર મારી જતો રહ્યો.હું તો જમીન પર પછડાતાજ બેશુદ્ધ થઈ ગયો. ને આજે આ હોસ્પિટલમાં આંખ ખુલી. જમણાં પગે ફેકચર અને માથામાં મૂઢ માર વાગવાથી, રિપોર્ટસ કરવાનાં હોવાથી અહીં પાંચથી છ દિવસ રોકાવાનું થયું.
પરિવારનાં સભ્યો પણ થાકેલા હોઈ ફ્રેશ થવા ઘરે ગયાં. ને હું પણ નાસ્તો વગેરે કરી બેઠો, ત્યાં મારી નજર મારાં પલંગને અડીનેજ એક ઝરૂખા પર પડી. મને ત્યાંથી બહારનો થોડો ઘણો સંસાર દેખાતો હતો, ને જોતા જોતા મારી નજર એક નાનકડી દીકરી પર પડી. એની માતા જે અહીં ઝાડુ વાળવાનું કામ કરી રહી હતી, એની બાજુમાંજ તે લગભગ અગિયારથી બાર વર્ષની દીકરી હસતી, રમતી, કૂદતી, નાચતી, ક્યાંરેક નાના ગલૂડિયાંઓ પાછળ ભાગતી, આમ પોતાની મસ્તીમાં મસ્ત રમી રહી હતી.એને જોઈ મારાં ચહેરા પર પણ સ્મિત ફરકી ગયું.
આમ હું ગણિતનો પ્રોફેસર, ગંભીર પ્રકારનો માણસ, પણ અહીં આ દીકરીને જોઈને કોણ જાણે મને પણ મારું બાળપણ યાદ આવી ગયું, કારણ આજકાલ બાળકો મેદાનમાં ગમ્મત કરતા ઓછાં ને ઘરમાં મોબાઈલ કે ટીવી સાથે સમય પસાર કરતાં વધારે દેખાય છે. માટે આ દીકરીને જોઈને મન ખૂશ થઈ ગયું. એની માસુમિયત મને સ્પર્શી ગઇ.
મેં વોર્ડબોયને બોલાવ્યોને પૈસા આપી એક બિસ્કિટનું પેકેટ લઇ એણે આપવાં કહ્યું. એ વોર્ડબોય એણે બિસ્કિટ આપતાં મારાં તરફથી એને આ ભેટ મળી છે એમ ખબર પડતાંજ,મારી સામે જોઈને ખૂબ ખૂશ થઈ ને હાથ હલાવતા મારો આભાર માની નાચવાં લાગી. આ જોઈને હું એટલો ખૂશ થયો કે શબ્દોમાં વર્ણવી નહીં શકું. આજકાલનાં બાળકો જ્યાં મોંઘી દાટ ભેટો કે સુખ સાહિબીઓ વચ્ચે પણ જો એકાદ ઈચ્છા ના પુરી થાય તો પણ નારાજ થઈ જાય છે, ત્યાં આ બાળકી,બિસ્કિટનું એક પેકેટ જોઈને આટલી ખૂશ થઈ ગઇ.
ખેર આ સિલસિલો આમજ ત્રણ દિવસ ચાલ્યો. રોજ એવીજ ખુશી એના મુખ પર દેખાય જેવી પહેલા દિવસે હતી, ને એ પછી મારો આખો દિવસ ખુશનુમા પસાર થાય. કાલે ચોથો ને આજે પાંચમો દિવસ થયો,બે દિવસથી એ દીકરી દેખાઈ નહીં, થોડી નિરાશા થઈ. એના વગર જાણે દિવસ મારો પુરોજ થતો નઈ. છેવટે આજે વોર્ડબોયને પૂછ્યું એના વિશે,તો એણે કહ્યું, કે એતો ગામડે ગઇ છે. હું થોડો નિરાશ થયો ને વિચારવા લાગ્યો કે, "કાલે તો મને પણ હોસ્પિટલથી રજા મળી જશે પછી આ ઝરૂખેથી એ ખીલખીલાતો ફૂલ જેવો ચહેરો ક્યારે જોવા મળશે." પણ પછી ઘરે જવાની પણ એટલીજ ખુશી હોઈ, હું એ વિચારોમાં સરી પડ્યો.
આજે છઠ્ઠો દિવસ, ડૉક્ટર સાહેબે રજા આપી દીધી, ને હું તૈયાર થઈ નીચે આવી બસ ગાડીમાં બેસવાજ જતો હતો ને મને પેલી ઝાડુવાળી બાઈ દેખાઈ, મેં એને તરતજ બોલાવી ને એની દીકરી વિશે પૂછ્યું. એણે જે કહ્યું એ સાંભળી મારું હૃદય જ બેસી ગયું.
તે બોલી, "શેઠ,એના લગન થઈ ગયાં." મારાં મોઢેથી ચીસ નીકળી ગઇ. મારાથી જોરથી બોલાઈ ગયું, "પણ કેમ ? એ તો હજી નાનકડી ઢીંગલી છે, હજી તો એની પાંખોય નથી ફૂટી ને તે એને માળેથી ધક્કો દઈ દીધો."
એ રડતા રડતા કહેવા લાગી, "કે શેઠ, એતો પરાયું ધન હતી ને પરાયા ઘેર ગઇ, સાપનો ભરો હતી તે અમે ઉતારી દીધો, બાકી મારો બકલો.... મારો બકલો મારાં ઘડપણની લાઠી.... એને મારે દાક્તર બનાવાનો સે. અમારામાં કરિયાવર આપવું ના પડે પણ મળે, અને જેટલી નાની ઉંમર એટલું વધું મળે."
મારાં અશ્રુઓ તો જાણે પાપણની પાળ તોડી વહેવા લાગ્યાં. મન પોકારી ઉઠ્યું કે,"બહેન એ પારકું ધન નહીં પણ તારી આત્મજા હતી. અને સાપનો ભારો એ ન હતી, ઉલ્ટુ તમારા સપનાનો ભારો એણે એના નાનકડા ખભા પર ઉંચકી લીધો છે. એ નાનકડી દીકરીને આ ઉંમરે લગ્નની સાંકળથી બાંધી દીધી, હવે બહારની દુનિયાના દરવાજા એના માટે બંધ થઈ ગયાં, એની દુનિયા ફક્ત એ ઘરના ઝરૂખા સુધીજ સીમિત રહી જશે.
