Rajul Shah

Classics Inspirational Thriller

4  

Rajul Shah

Classics Inspirational Thriller

જાગૃતિની જ્યોત-

જાગૃતિની જ્યોત-

2 mins
15K



એકનાથજીના પ્રસન્ન ચહેરાને જોઇને એક યુવકે જરા આશ્ચર્યથી પૂછ્યું.“ નાથજી આપનું જીવન કેવું સ્વસ્થ, મધુર અને પ્રેમ-શાંતિથી ભરપૂર લાગે છે. આપને ક્યારેય ગુસ્સો, ઇર્ષ્યા, મોહ, મહત્વકાંક્ષા પીડતા કે પજવતા નથી? તમારી જેમ મારું જીવન પણ સ્થિર અને શાંત બને, દિવસો આનંદમય અને કલ્યાણમય પસાર થાય તેવો કોઇ ઉપાય બતાવોને !”

એકનાથજીએ શાંતિથી જવાબ આપ્યો, “ઉપાય કામ લાગે એવો હોત તો ચોક્કસ બતાવત પણ હવે જરા મોડું થઈ ગયું છે. તારા હાથની રેખાઓ કહે છે કે તું હવે માત્ર સાત દિવસનો જ મહેમાન છું. પહેલાં જેવી રીતે જીવતો હતો એવી રીતે બાકીનું આયખુ પુરુ કરી નાખ.”

આ સાંભળતા જ પેલા યુવાનના ચહેરા પર ચિંતા, ભય અને વેદનાના પૂર ફરી વળ્યા. શરીર કંપારીથી ધ્રુજવા માંડ્યુ. પરસેવાના રેલેરેલા વહી ચાલ્યા. પગમાંથી પ્રાણ, ચહેરા પરથી ચેતના જાણે ચાલી ગઈ. આંખમાંથી તેજ ઓસરી ગયું. ક્ષણ માત્રમાં યુવાન જાણે વૃધ્ધત્વના આરે જઈ ઊભો. જગત અને જીવનમાંથી રસ ચાલ્યો ગયો. ઘરે આવીને પત્નિ અને સંતાનો પાસે રડી પડ્યો. સ્નેહી, સ્વજનો અને પાડોશીઓ પાસે જાણે-અજાણે કરેલી ભૂલો માટે ક્ષમા માંગી.

અંતે સાતમા દિવસના સૂર્યાસ્ત સમયે સ્વંય એકનાથજી એના ઘરે આવ્યા. યુવાને હાથ જોડીને પૂછ્યું, “નાથ હવે કેટલી ઘડી બાકી છે?”

એકનાથજીએ એને કરૂણાસભર સ્વરે કહ્યું, “ઊભો થા વત્સ. અંતિમ ઘડી તો પરમેશ્વ નક્કી કરશે ત્યાં સુધી તો તારે જીવવાનું છે પણ મને એ કહે કે આ સાત દિવસ તે કેવી રીતે વિતાવ્યા? મોજ-મઝા, ભોગ –વિલાસમાં, આનંદમાં? આ સાત દિવસોમાં ગુસ્સો, મોહ-માયા, મહત્વકાંક્ષાની કેટલી ક્ષણો આવી?”

યુવક રડી પડ્યો. એણે કહ્યું, “ નાથ, આ સાત દિવસો તો માત્ર મૃત્યુના ઓછાયામાં જ ગયા. નથી તેના સિવાય બીજા કોઇ વિચારો આવ્યા કે નથી બીજી કોઇ સૂઝ રહી.”

એકનાથજી એ કહ્યું, “જેના ધ્યાનમાં તે આ સાત દિવસ કાઢ્યા તેના ધ્યાનમાં અમે સમગ્ર આયખુ વિતાવી દઈએ છીએ. મૃત્યુ એટલે કોઇ નામ, તારીખ, સાલ કે ક્ષણ નહીં પણ ક્ષણ-ક્ષણની સજ્જતા. પળ-પળની જાગૃતિ. આ સાવધાની જ્યોત છે જેના ઉજાસમાં જોવાનું, જાણવાનું, જાગવાનું અને જીવવાનું હોય છે. એ જ તો સાચી ઉપલબ્ધ્ધિ છે.” તે ક્ષણે જ જાણે યુવકને જીવનદીક્ષા મળી ગઈ. મરવું સરળ છે, ક્ષણમાં જીવન જોઇ લેવું એ કસોટી છે.

આ એક યુવક પુરતી વાત નથી. આપણે પણ જીવનભર આમ જ જીવીએ છીએ. કાલ કોણે દીઠી છે એમ માનીને મનને ગમતું, તનને ફાવતું કરીએ છીએ. પરંતુ જે ક્ષણે મોતની છાયાનો આભાસ સુધ્ધા થાય ત્યારે જ જાગીએ છીએ. મન ત્યારે જ જાગૃત થાય છે જ્યારે સમય ક્ષણમાં ફેરવાતો લાગે છે. જો કે એકનાથજી બનવું સરળ હોત તો સંત, સંન્યાસ અને સંસારમાં કોઇ ફરક જ ન રહેત. એકનાથજી તો ન બની શકીએ પણ સમય ક્ષણમાં ફેરવાય તે પહેલા જાગૃત તો રહી જ શકીએ ને?


Rate this content
Log in

Similar gujarati story from Classics