Leena Vachhrajani

Fantasy

3  

Leena Vachhrajani

Fantasy

જાદૂઈ દુનિયા

જાદૂઈ દુનિયા

3 mins
245


વારુણી અને સજ્જન આઈ.સી.યુ.ની બહાર ચિંતાતુર ચહેરે ઊભાં હતાં.

 “ડોક્ટરને અંદર ગયે લગભગ દસ મિનિટ તો થઈ જ ગઈ નહીં? તો માનુષની કન્ડિશન વિશે જણાવવા બહાર કેમ નથી આવતા?”

“ધીરજ રાખ વારુણી. ડોક્ટરને અંદર એક પેશન્ટ થોડો છે? એ રાઉન્ડ પર નીકળ્યા છે એટલે અંદર દાખલ કરાયેલા બધા પેશન્ટને તપાસીને જ બહાર આવે ને!”

“પણ માનુષને વધુ જરુર છે એ એમણે સમજવું ન જોઈએ?” 

“તારા અને મારા કરતાં ડોક્ટરને વધુ ખબર હોય વારુણી. જરા શાંત થા. હમણાં એ આવશે જ.”

અને બીજી પંદર મિનિટ દરેક પળની અવિરત પ્રતિક્ષામાં વીતી. એકના એક દીકરાની પરિસ્થિતિ જાણવા અત્યંત આતુર મા-બાપની ધીરજ ખૂટવામાં જ હતી ત્યાં આઈ.સી.યુ.ની બહાર ડોક્ટર નીકળ્યા. અને બંને એમની તરફ ધસી ગયાં. “સર માનુષ કેમ છે?”

“એને હવે કોઈ જોખમ નથી. માથા પર ત્રીસ ટાંકા લેવા પડ્યા છે પણ મને મગજને ઈજા થયાનો ડર હતો એ સીટીસ્કેનમાં દૂર થઈ ગયો છે. માનુષ જલ્દી રિકવર થઈ જશે. તમે કેબિનમાં આવો. હું દવાઓ લખી આપું તે લાવવાની રહેશે.”

સજ્જન અને વારુણી કંઈક અંશે હળવાં થયાં. બંને કેબિનમાં ગયાં.

“બેસો.”

ડોક્ટરની સામે મુકેલી બે ખુરશી પર બંને ગોઠવાયાં.

“ડોક્ટર, માનુષને બીજી કોઈ તકલીફ તો નથી ને?” 

“ના એવું તો કાંઈ અત્યારે દેખાતું નથી પણ મને એક વાતનો સાચો જવાબ આપો.” 

વારુણીએ સજ્જન સામે જોયું. પંદર વર્ષનો દીકરો બેહાલ હતો એટલે આંખથી પતિને વિનંતી કરી કે સાચું જણાવજો. 

“સજ્જનભાઈ, મને માનુષની ટ્રીટમેન્ટ કરતાં મનમાં બહુ સવાલો થયા છે. એક તો માનુષને જે રીતે ઈજા થઈ છે એ મેં બહુ નિરીક્ષણ કરીને જોઈ છે. બહુ અજબ પ્રકારના ઘા છે. કોઈ સાથે લડાઈ હોય કે કોઈ અકસ્માત હોય તો આવી ઈજા ન હોય. મને તમે કાંઈ પણ છૂપાવ્યા વગર સાચી હકીકત જણાવો. નહીંતર મારે ન છૂટકે પોલીસને જાણ કરવી પડશે.”

“ના સર તમે ધારો છો એવું કાંઈ નથી. સાવ છોકરમત છે. માનુષ નાનપણથી હેરી પોટરની દરેક સ્ટોરી જોવે છે. એના મન પર ધીરે ધીરે એ પાત્રએ એવી સજ્જડ છાપ ઊભી કરી છે કે એ પોતાનેય હેરી પોટર જેવો સક્ષમ સમજવા માંડ્યો છે. અમે મનોચિકિત્સકની પણ સલાહ લીધી છે. માનુષને એમણે ત્રણ સિટીંગ આપ્યાં પણ છે. પણ ગઈ કાલે રાતે ફરી હેરી પોટર જોતાં એના મગજ પર શું ધૂન સવાર થઈ કે અમે બહાર બગીચામાં બેઠાં હતાં ત્યાં આવીને કહેવા લાગ્યો કે હું આજે આપણા પોર્ચના પિલરમાં જઈને રોન અને હર્મોઈનીને મળીને જાદૂ શીખીશ. હેરી જો પ્લેટફોર્મ પરના પિલરમાં જઈને ગુંડાઓને સબક શિખવાડી શકતો હોય તો હું પણ મને જે હેરાન કરશે એને જાદૂ દ્વારા સરખા કરી જ દઈશ. અને અમે હજી તો કાંઈ કહીએ એ પહેલાં તો એણે પિલરમાં માથું ભટકાડી જ દીધું હતું. એક વારમાં એ જઈ ન શક્યો એટલે બે વાર.. ત્રણ વાર.. અને ચોથી વાર પિલર સાથે માથું અથડાવવા જતો હતો ત્યાં અમે પહોંચીને એને અટકાવ્યો. હવે જે છે તે તમારી સામે છે. સર અમારા દીકરાને બચાવી લો.”

ડોક્ટરને પણ નવી નવાઈનો કેસ હતો. એમની ચુસ્ત સારવાર અને મા-બાપની પ્રાર્થનાએ માનુષને મોતના મુખમાંથી બહાર લાવી દીધો. બે મહિને માનુષ સાવ નોર્મલ થયો. આ કાલ્પનિક જગત અને કાલ્પનિક પાત્રોના અવાસ્તવિક કારનામા સમજી ગયેલા માનુષે પરીકથાઓ જોવાનું બંધ કરી દીધું.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy