Rahul Makwana

Drama Tragedy Fantasy

4  

Rahul Makwana

Drama Tragedy Fantasy

જાદુ મિલ ગયાં...MAKWANA RAHUL.H.

જાદુ મિલ ગયાં...MAKWANA RAHUL.H.

6 mins
291


આપણાં સમાજનો નિયમ છે કે કુદરત આપણને આપણાં નજીકનાં સબંધીઓ કે જેની સાથે આપણે જન્મો જન્મમાં બંધનથી બંધાયેલા હોઈએ છીએ તેઓને કોઈને કોઈ રીતે મેળવી જ દે છે. પુનર્જન્મ આ વાતની સાક્ષી પૂરે છે.

સમય : રાતનાં 8 કલાક.

સ્થળ : કોલ્હાપુર ગામ.

પી.કે જે એક પરગ્રહવાસી હતો, તે પોતાનાં પરીવાર સાથે પૃથ્વી પર આવેલ હતો. કોઈ કારણોસર પી.કે અહીં પૃથ્વી પર રહી જાય છે. તેને પોતાનાં ગ્રહ પર પાછા ફરવાં માટે રીમોટની જરૂર હતી, જેની કોલ્હાપુરનાં કોઈ ચાલક ચોરે ભારે કિંમતી હીરો સમજીને ચોરી કરી લીધેલ હતી. હાલ પી.કે એ રીમોટ શોધવા માટે પૃથ્વી પર આમતેમ આંટા મારી રહ્યો હતો. હાલ પી.કે પૃથ્વી ગ્રહ પર વસતા કપટી, લાલચી અને સ્વાર્થી મનુષ્યોથી એકદમ જ અજાણ હતો…

પી.કે કોલ્હાપુરની બજારમાં પોતાનું રીમોટ શોધવામાં વ્યસ્ત હતો. એવામાં પી.કે ની નજર સોનાની દુકાન પર પડે છે, જેનાં શોકેસમાં પી.કે નાં રીમોટ જેવો જ આભેહુબ દેખાતાં હીરા રાખેલ હતો, તેના પર પડે છે. આ હીરો જોઈને પી.કે નાં પુરેપુરા શરીરમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ અને ઉમંગ ફેલાય ગયો. ઘણાં સમય બાદ અંતે તેને પોતાનાં ગ્રહ પર પરત ફરવાં માટે જાણે કોઈ આશાનું કિરણ દેખાયું હોય તેવું લાગી રહયું હતું. આથી પી.કે ખુશ થતાં થતાં તે સોનીની દુકાન તરફ પોતાનાં ડગલા ભરવાં માંડે છે. પી.કે સોનાની દુકાનની બહાર ઊભાં રહીને પેલો હીરો ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો, બરાબર એ જ સમયે તે દુકાનનાં માલિકની નજર પી.કે પર પડી...દુકાનમાલિક પી.કે નાં પરાક્રમોથી ખૂબ જ સારી રીતે વાકેફ હતો, આથી તરત જ તેણે સિક્યુરિટી સ્ટાફને બોલાવીને પી.કે ને પકડવા માટેનો આદેશ આપ્યો. સિક્યુરિટી સ્ટાફને પોતાની તરફ દોડતાં આવતાં જોઈને પી. કે ખૂબ જ ગભરાય ગયો. સિક્યુરિટી સ્ટાફથી બચવા માટે પી.કે પણ પોતાની અનેરી અને મનમોહક અદા સાથે બે હાથ સીધાં કરીને અને મુઠ્ઠી વાળીને દોડવા લાગ્યો.

જોતજોતામાં પી.કે કોલ્હાપુરની બજારને ચીરતાં ચીરતાં ગામની બહાર નીકળી ગયો, આગળ પી.કે મુઠ્ઠી વાળીને દોડી રહ્યો હતો, સિક્યુરિટી સ્ટાફ તેની પાછળ દોડી રહ્યો હતો.

એવામાં દોડતાં દોડતાં પી.કે કોલ્હાપુરની બહારની તરફ આવેલ વેરાન જંગલમાં ઘુસી જાય છે, પી.કે ને આ વેરાન અને ઘનઘોર જંગલમાં પ્રવેશતાની સાથે જ સિક્યુરિટી સ્ટાફ એકાએક થોભી જાય છે અને એકબીજાની સામે મર્મ ભરેલ હાસ્ય છોડીને ગામમાં પરત ફરે છે.

આ બાજુ પી.કે હજુપણ દોડી રહ્યો હતો, એવામાં તેનાં પગ કોઈ વસ્તુ સાથે અથડાય છે, આથી પી.કે આળગોથીયા ખાતાં ખાતાં બાજુમાં આવેલ એક ખાડા માં પડી જાય છે. બરાબર એ જ સમયે પી.કે નાં હૃદયનાં ધબકારા એકાએક વધી જાય છે. જાણે તેનું પોતાનું જ કોઈ અંગત તેની એકદમ નજીક આવી રહ્યું હોય તેવું પોતે હાલ અનુભવી રહ્યો હતો. બરાબર એ જ સમયે કોઈ વસ્તુ "ધડામ" કરતી પી.કે ની એકદમ નજીક આવીને પડે છે.

આ જોઈ પી.કે એકદમ ડધાય જાય છે, આશ્ચર્યને લીધે તેની આંખો પહોળી થઇ જાય છે, કારણ કે તેની નજરો સમક્ષ એક એક કોથળો પડેલ હતો, જેનું મોઢું દોરી વડે બાંધેલ હતું. તે કોથળામાંબે કાણાં પણ કરવામાં આવેલ હતાં. આથી પી.કે ઊભાં થઈને ઉત્સુકતા સાથે એ કાણાં તરફ નજર કરે છે, તો તે કાણાની આરપાર તેને બે ડરામણી આંખો દ્રશ્યમાન થઈ. આ જોઈ પી.કે એકદમથી ગભરાય જાય છે.

થોડા સમય બાદ પી.કે હિંમત કરીને પેલાં કોથળાનાં મોઢા પર બાંધેલ દોરી છોડે છે. તે જેવી કોથળા પર બાંધેલ દોરી છોડે છે, એ સાથે જ પી.કે આશ્ચર્ય અને નવાઈ થી અંજાય જાય છે. કારણ કે તે કોથળામાં બીજું કોઈ નહીં પરંતુ પોતાનો જ સગો નાનો ભાઈ જાદુ હતો, જે ઘણાં સમય પહેલાં પોતનાં પરીવારથી વિખૂટો પડી ગયેલ હતો.

આથી તે બંન્ને ભાઈઓ આનંદ અને હર્ષ સાથે એકબીજાને ગળે વળગી પડે છે. જેવી રીતે કાગડોળે વરસાદની રાહ જોતાં ખેડૂતો, ધોધમાર વરસાદ આવવાથી ખુશખુશાલ થઈ જાય છે, જેવી રીતે નાનું બાળક કોઈ રમકડાંને જોઈને આનંદમાં આવી જાય તેવી જ રીતે હાલ પી.કે અને જાદુ ખૂબ જ ખુશખુશાલ લાગી રહ્યાં હતાં.

"મોટાભાઈ ! તમે..!" આંખોમાં આંસુ સાથે જાદુ પી.કે ની સામે જોઇને પૂછે છે.

"હા ! હું પણ તારી જેમ આ પૃથ્વી પર ભૂલો પડ્યો છું, અહીં આવ્યાં બાદ કોઈ ચોર મારું રીમોટ ચોરીને નાસી છૂટયો હોવાથી મારે નાં છુટેકે અહીં પૃથ્વી ગ્રહ પર રહેવાની નોબત આવી પડી છે." પી.કે. પોતાની આપવીતી જણાવતાં જણાવતાં બોલે છે.

"પણ ! છોટે તું અહીં કેવી રીતે આવી પહોંચ્યો..?" પી.કે હેરાનીભર્યા અવાજે જાદુને પૂછે છે.

"મોટાભાઈ..હું અહીં ભૂલો પડ્યો હતો, તે રાતે મારા આવા દેખાવને લીધે ગલીના કુતરાઓ મારી પાછળ દોડ્યાં હતાં. આથી હું ખૂબ જ ઘબરાય ગયો હતો. આથી દોડતા દોડતા હું એક ઘરમાં ઘુસી ગયો હતો. ત્યારબાદ મને રોહિત અને તેનાં બધાં મિત્રો મળ્યાં. જેની સાથે મારે સારી એવી દોસ્તી પણ થઈ ગઈ હતી...પણ..!" જાદુ થોડુંક અટકતા બોલે છે.

"પણ...પણ...શું...છોટે..?" પી.કે નવાઈ પામતાં પૂછે છે.

"પરંતુ પૃથ્વી પર બધાં જ મનુષ્યો રોહિતની માફક નેક દિલનાં નથી હોતાં, તે લાલચી લોકો મારા પર એક્સપેરિમેન્ટ અને રિસર્ચ કરવાં માંગતા હતાં, જે રોહિતને કોઈ જ કિંમતે મંજુર ન હતું.આથી રોહિત મને એક કોથળામાં બાંધીને એ લોકોથી ખૂબ જ દૂર લઈ જઈ રહ્યો હતો, પરંતુ રસ્તામાં રોહિત એક કાર સાથે અથડાયો અને હું હવામાં ઉછળીને દૂર ફેંકાય ગયો..!" જાદુ પોતાની સાથે ઘટેલ ઘટનાં જણાવતાં બોલે છે.

"તો ! રોહિતનું શું થયું પછી..?" રોહિતનાં વખાણ માત્ર સાંભળવાથી પી.કે જાણે તેનો ફેન બની ગયો હોય તેવી રીતે પૂછે છે.

"એ તો હાલ મને પણ ખ્યાલ નથી…!" જાદુ એક ઊંડો નિસાસો નાખતાં લાચારીભર્યા આવજે જણાવે છે.

બરાબર એ જ સમયે કોઈ તેજ પ્રકાશ તે લોકોની આંખો આંજી દે છે, ધીમે ધીમે એક જીપ તેઓની આસપાસ ફરી રહી હોય તેવું તે લોકોને મહેસુસ થાય છે. આ જોઈ પી.કે અને જાદુ ખૂબ જ ડરી જાય છે કારણ કે હાલ તે લોકોને એવું લાગી રહ્યું હતું કે કોઈ તેને બંદી બનાવવા માટે આવેલ હશે..

"જાદુ...જાદુ….!" બરાબર એ જ સમયે તે બંનેનાં કાને આવી બૂમ સંભળાય છે.

આ બૂમ સાંભળતાની સાથે જ જાદુ ખુશીઓને લીધે નાચવા માંડે છે, કારણ કે આ અવાજ બીજા કોઈનો નહીં પરંતુ રોહિત અને તેનાં અન્ય મિત્રોનો હતો. જાદુ પણ તે બધાનો અવાજ ખૂબ જ સારી રીતે ઓળખી શકતો હતો.

આથી જાદુ પોતાનાં દ્વારા એક અલગ પ્રકારનો જોરદાર અવાજ કરે છે, આથી રોહિત જાદુને શોધતાં શોધતાં જાદુ અને પી.કે હાલ જે ખાડામાં પડેલ હતાં, ત્યાં આવી પહોંચે છે. ત્યારબાદ રોહિત પોતાનાં મિત્રોની મદદ દ્વારા જાદુ અને પી.કે ને ખાડામાંથી બહાર કાઢે છે. અને પોતાની જીપમાં બેસાડીને કોઈને ખ્યાલ ન આવે તેવી રીતે તેનાં ઘરની એકદમ નજીક રહેલ તેનાં પિતાની લેબોરેટરીમાં લઈ જાય છે.

હાલ પી.કે અને જાદુ કોઈ અલગ જ પ્રકારની સુરક્ષા મહેસુસ કરી રહ્યાં હતાં, જાણે પોતાનું જ કોઈ અંગત હાલ પોતાની સાથે હોય તેવું તે બંને અનુભવી રહ્યાં હતાં. ત્યારબાદ રોહિત પોતાનાં પિતાનું કોમ્પ્યુટર ઓન કરે છે, અને તેમાંથી પરગ્રહમાં સિગ્નલ મોકલે છે, થોડીવારમાં કોમ્પ્યુટરની સ્ક્રીન પર "સિગ્નલ રિસીવ" એવો મેસેજ આવે છે, આ જોઈ જાદુ, પી.કે, રોહિત અને બધાં જ મિત્રો ખૂબ જ ખુશ થઈ જાય છે.

જોત જોતામાં રોહિતનાં ઘરની એકદમ નજીક એક ખાસ પ્રકારનું અવકાશયાન ઉતરે છે, અને ત્યારબાદ જાદુ અને પી.કે પોતાનાં બંને હાથ જોડીને રોહિત અને તેનાં મિત્રોનો હૃદયપૂર્વક આભાર માને છે, હાલ જાદુ અને પી.કે એ બાબતથી ખૂબ જ સારી રીતે વાકેફ હતાં કે જો હાલ તે બંને પોતાનાં પરીવારજનોને સહી સલામત રીતે ફરીવાર મળી રહ્યાં હતાં, તે માત્રને માત્ર રોહિત અને તેનાં મિત્રોને જ આભારી હતું.

આ બાજુ રોહિત અને તેનાં મિત્રો પણ જાદુ અને પી.કે ના મૂળ પરિવારને મેળવવામાં સફળ રહ્યાં હોવાથી ખૂબ જ ખુશ થઈ ગયેલા હતાં, જો તેઓએ જાદુ અને પી.કે ની મદદ નાં કરી હોત તો હાલ તે બંને કાયમિક માટે આ સ્વાર્થી અને કપટી દુનિયાનું મનોરંજન કે રિસર્ચ માટેનું સાધન માત્ર બનીને રહી ગયાં હોત.


Rate this content
Log in

Similar gujarati story from Drama