ઈગો
ઈગો


પાણીનું ટેન્કર આવતાં જ ચાલમાં અચાનક જીવ આવી ગયો. જેના હાથમાં જે સાધન આવ્યું એ લઈને લાઈનમાં ઊભું રહ્યું.
સોનમ પણ એક ડોલ લઈને ઊભી.
પણ જીવ બહુ અકળાતો હતો.
કેવા દિવસ જોવાના આવ્યા? પણ નસીબની વાત છે. બીજું તો બધું એડજેસ્ટ થાય પણ આ લખ્ખન મવાલી સહન નથી થતો. પાછો સસ્તું વર્તન કરીને છેડે અને સહેજ નારાજગી બતાવીએ તો દાદાગીરીથી કહે,
“કુછ ભી કરનેકા પર મેરા ઈગો હર્ટ નહીં કરનેકા. સમજી?”
આમ જ સોનમ સમસમીને પોતાની આસપાસ આંટા મારતા લખ્ખન મવાલીની હરકત સહન કરતી રહી.
ઘરમાં વાત કરતાં બાપુ બહુ દુ:ખી થયા.
“આ મિલ બંધ પડી અને સારા એરિયાનું ઘર વેચીને આવી ચાલમાં મજબૂરીથી આવવું પડ્યું. મારે લીધે પરિવાર આખો મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
આપણી રુડી રુપાળી સોનમ ચાલના લખ્ખન મવાલીની નજરમાં વસી અને હવે લગ્નનું દબાણ કરતો એ લુખ્ખો મારી દીકરીને હેરાન કરે છે એ સહન નથી થતું.”
અધૂરામાં પૂરું બે દિવસ બાદ લખ્ખન ગળે રુમાલ ભરાવીને ફિલ્મી સ્ટાઈલમાં ઘરની બહાર આવ્યો. પપ્પાને બહાર બોલાવીને લુખ્ખાગીરી કરતાં કહી ગયો,
“પંદર દિવસ આપું છું ભાવિ સસરાજી. દીકરીને વળાવવાની તૈયારીઓ કરવા માંડજો.”
લખ્ખન કહીને ગયો અને બાપુ ટેન્શનમાં આવી ગયા. સોનમથી જોવાતું નહોતું. એણે ચાલની બીજી બહેનપણીઓની મુલાકાત શરુ કરી. દરેકનો વિશ્વાસ કેળવીને સમજાવટથી કામ લીધું,
“જુઓ સખીઓ, એક એક અને અલગ રહેશું તો કોઈ પણ લખ્ખન જેવો લુખ્ખો લાભ લઈ જશે. હાથમાં હાથ ભરાવીને તાકાત કેળવશું તો કોઈની તાકાત નથી કે ચાલની કોઈ યુવતી સામે નજર પણ માંડી શકે.”
અને..
ઉગતા સૂરજની સાક્ષીએ એકમેકની હથેળીમાં હથેળી ભેળવીને નારી શક્તિએ શપથ લીધા.
પંદર દિવસ પછી મંડપમાં નવવધૂનો શણગાર કરેલી પાંચ કન્યાઓ લખ્ખનની સામે વરમાળા લઇને ઊભી હતી.
“બસ તારો ઈગો હર્ટ ન થવો જોઇએ.”