Lalit Parikh

Crime Drama Thriller

3  

Lalit Parikh

Crime Drama Thriller

ઈડરિયો ગઢ…

ઈડરિયો ગઢ…

3 mins
7.6K



ધોંડ જંકશન પર ટ્રેઈન સારો એવો સમય રોકાઈ એટલે પેસેન્જરોએ સારી સ્પેશ્યલ ચા, એક્સ્પ્રેસો કોફી, ઓમલેટ, રાઈસ પ્લેટ, ઇડલી-વડા, ઉપમા, ઢોશા, જે કાંઈ ગરમ ગરમ મળ્યું તે પ્રેમથી ખાધું અને એન્જીનની વ્હીસલ વાગી, ગ્રીન સિગ્નલ અપાયું કે તરત જ સૌ પોતપોતાના ડબ્બાઓમાં ચડી ગયા, ગોઠવાઈ ગયા અને સૂવાની વ્યવસ્થા શરૂ કરવા મંડી પડ્યા. છેક રાજકોટથી આવતી સિકન્દરાબાદ ડાયરેક્ટ ટ્રેઈન આજ વહેલી સવારે ઉપડેલી તે હવે આવતી કાલે બપોરે પહોંચાડવાની એટલે હવે તો "કિસ કિસ કો યાદ કીજીયે, કિસ કિસ કો રોઈયે; આરામ બડી ચીઝ હૈ મુંહ ઢક કે સોઈયે” જેવો હાલ હતો. મેરેજ સ્પેશ્યલના એ રિઝર્વ્ડ એ.સી ડબ્બામાં તો મોજ મસ્તી પછીની શાંતિ વર્તાઈ રહી હતી.

હજી શોલાપુર આવવાને થોડી વાર હતી પણ ઊંઘ સહુની આંખોમાં ઘોડે ચડીને આવી હોય એવો સહુનો હાલ હતો. એટલામાં તો એકએક પંદર વીસ ચોર ઉચ્ચક્કાઓ બુરખા ઓઢીઓઢી ચારે દરવાજાઓમાંથી બૂમાબૂમ કરતા રિવોલ્વરો દેખાડતા, સેકંડ એસીના મેરેજ પાર્ટીના ડબ્બામાં ઘૂસ્યા. તેમનો કોરસમાં આવતો બુલંદ નાદ એક જ હતો: "સબ ગહને ઔર પર્સ દે દો, નહિ તો જાન ભી જાયેગી ઔર માલ ભી જાયેગા. સબકો ખતમ કર ડાલેંગે.”

એકાએક આવો અણધાર્યો ડરાવી મૂકે એવો ભયંકર હુમલો સહુને ચીસાચીસ અને રોકકળ કરતો કરતો તેમની માંગણી અનુસાર બધું જ સરેન્ડર કરવા માટે મજબૂર કરી બેઠો. પંદરેક મિનિટમાં તો બધું લૂટી લઇ એ ગેંગ સાંકળ ખેંચી ચાલુ ટ્રેઈને કૂદી કૂદી ઉતરીને ભાગવા લાગી. ગાર્ડ આવ્યો, પૂછપરછ કરી અને “ટ્રેઈન આમ પણ લેટ છે” કહી, સિગ્નલ આપી ટ્રેઈન સ્ટાર્ટ કરાવી, દોડાવી મૂકી. ઘાંઘા અને બહાવરા બહાવરા થઇ ગયેલા પેસેન્જરો આપસમાં કહેવા લાગ્યા : "આ લોકોની મિલીભગતથી જ આવી લૂટ થતી હોય છે. આવતા સ્ટેશને પહોંચી ફરિયાદ લખાવવી પડશે”. બે ચાર હિંમતવાળા લોકો બોલ્યા: "પોલીસ પાર્ટી લઈને ટ્રેઈન રિવર્સ લઇ જઈ એ ડાકૂઓને પકડીને જ રહીશું.”

થોડી વારમાં તો શોલાપુર આવ્યું. પ્લેટફોર્મ પર પોલીસ પાર્ટી ફરતી દેખાઈ કે તરત એક મનુભાઈ અને તેના બેચાર મિત્રો કૂદીને પોલીસ પાર્ટીને રિયાદ કરવા માંડી પડ્યા. સ્ટેશન માસ્તર, ગાર્ડ અને એન્જીન ડ્રાયવર સાથે જોરદાર રજૂઆત કરીને અને શરૂમાં ન માન્યા તો એન્જીનમાં ચડીને: “રીવર્સમાં ટ્રેઈન ચલાવો જ ચલાવો. એ ટોળું હજી એટલામાં જ ભાગ વહેંચણી કરતું પકડાઈ જશે.” અને અંતે પોલીસ પાર્ટી સાથે ટ્રેઈન રીવર્સમાં ચાલી અને બીજા અડધા કલાકમાં તો એવા વેરાન સ્થળ પર પહોંચી, જ્યાં પેલા ચોર-ડાકૂ લોકો પ્લાસ્ટિક કોથળીઓમાંથી દારૂ ઢીંચતા ઢીંચતા અને આપસમાં દેકારો કરતા કરતા રોકડ રકમ અને ઘરેણાઓની વહેંચણી કરી રહ્યા હતા. ટ્રેઈન આવતી જોઈ અને પોલીસ પાર્ટીને ઉતરતી જોઈ એ સહુ ચોંક્યા અને ભાગવા લાગ્યા. પણ એલર્ટ પોલીસ પાર્ટીએ પીછો કરી તેમને અને ચોરેલા માલને પકડી લીધો. એ ગુંડાઓને રાયફલના ડંડા મારી મારી ખોખરા કરી દીધા બાદ તેમને હાથકડી પહેરાવી ટ્રેઈનમાં બેસાડી શોલાપુર તરફ ટ્રેઈન રવાના કરવામાં આવી.

સેકંડ એ.સી.ના રિઝર્વ્ડ ડબ્બાના પેસેન્જરો તો પોતપોતાનું બધું જોખમ પાછું મળી જતા રાજીના રેડ થઇ ગાવા માંડી પડ્યા હતા: "પ્રભુને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે !”

ગાર્ડ, એન્જીન ડ્રાયવર અને પોલીસ પાર્ટીનો શોલાપુર સ્ટેશને પહોંચી આભાર માની હવે ચાલવા લાગેલી, ચાલુ ટ્રેઈને નવો ખરીદેલો શોલાપુરી ચેવડો લગ્નની મિઠાઈ સાથે ખાતા ખાતા સહુ ગાવા લાગ્યા” ઈડરિયો ગઢ જીત્યા રે જીત્યા.”

મનુભાઈ અને તેમના સાહસિક મિત્રોનો સહુ કોઈએ હૃદયપૂર્વક આ ભાર માન્યો કે ભાગ્યેજ આમ રીવર્સમાં ટ્રેઈન ચલાવડાવી, લૂટાયેલો માલ આમ સહીસલામત પાછો મેળવી શકાયો હોય.

(સત્ય કથા)


Rate this content
Log in

Similar gujarati story from Crime