STORYMIRROR

Kalpesh Patel

Drama Inspirational Children

4  

Kalpesh Patel

Drama Inspirational Children

હું તો જવાની નિહાળે !

હું તો જવાની નિહાળે !

6 mins
1.1K

જીવી અને સંતુ શહેરના નાકે આવેલી નબળા વર્ગની લખુડી વસાહતના લાઈટના થાભલાના અજવાળે બેઠા હતાં; ત્યાં જ તેમને બાળપણનો મિત્ર કરસન સાથે ભેટો થઈ ગયો. કોવિદ૨૦૧૯, લોક ડાઉનને લીધે આ લોકો ત્રણ મહિના પછી પહેલી વાર મળ્યા. જીવી અને સંતુ બંને બહેનો અને તેઓના માબાપ છૂટક કડીયા કામના કારીગર,અને કરસનનો બાપ સુથાર હતો. બંનેના કુટુંબમાં મેળ હતો. કોરોનાની ઝપેટમાં આ ત્રણેય બાળકોનામાં બાપ આવેલા અને સરકારી દવાખાએ દાખલ થયેલા પણ કોઈ ઈલાજ કારગત ન થવાથી તેઓ સૌનો દેહાંત થઈ ગયેલો. લખુડી તળાવની વસાહતે જતાં આવતા લોકોની રહેમ અને તેઓએ આપેલા પડીકે પેટ ભરતા. ત્રણેયમાં રહેલી એક અતૂટ મિત્રતાએ કારમો ઘા ખમી, ત્રણેય આબાદ જિંદગીનો અતી કપરો સમય વિતાવી ચૂકેલા હતાં.

કરસન તેના બંને બાળપણનાં મિત્રોને મદદ કરવા તત્પર રહેતો. લોકડાઉન હળવું થવાના વાવડે ત્રણે જણા શહેરના ચકલામાં કોઈ છૂટક કામની શોધમાં આવ્યા હતાં. ઘણા સમયે મળેલા હોઈ, અઢળક વાતો કરી. હાલમાં હવે ખાવા માટે પડીકાં આપવાવાળા ઓછા થઈ ગયેલા, તેથી બે ત્રણ દિવસના નકોરડા હવે સામાન્ય વાત હતી. નાની ઉમરને લઈને કોઈ કામ આપતું નહીં કે રોજની પેટની ભૂખનો ઉકેલ મળતો નહતો. છેવટે એમ નક્કી થયું કે શહેરની બાહર સરકારી નિહાળે જવું, ત્યાં થોડી અવર જવર ચાલુ હોય કામનો મેળ પડશે, અને કોઈ ને કોઈ પેટની આગનો મારગ જરૂર નીકળશે. કરસન અને જીવી આ અંગે સહમત નહતાં. તેમના મતે એકતો નવો વિસ્તાર અને નવા માણસો અને ઉપરાંત રોજનો દૂરનો ફેરો, એના કરતાં ઘર આંગણે જે મળે તેમાં સંતોષ માણવો. પરંતુ સંતુ એની વાત ઉપર અડગ હોવાથી વચલો રસ્તો કાઢતા જીવીએ સૂચવ્યું કે નવી જગ્યાએ કામ ચાલુ કરતાં પહેલા તે જગ્યાએ એક આંટો મારી આવવો જોઈએ. આવતીકાલે ત્રણે જણાએ ભેળા મળી નવી જગ્યાએ ચાલતા જવું . – ભલે કલાક થાય; પણ સાથે રહેવાની મઝા મળે ને ?. કરસને નાકના બારોતીયા (માસ્ક) સાથે રાખવા તાકીદ કરી, કચવાતા મને કાલે મળીએ કહી કહી છૂટો પડ્યો.

 સવારના સાત વાગે જીવી તેની નાની બહેનને લઈ લખુડી તળાવની વસાહતને નાકે આવી ગઈ સાડા સાત થવા આવ્યા છતાય કરસનનો કશો પતો હતો નહીં. કારસનની ઓરડીએ બંને ગયા અને તપાસ કરી તો ખબર પડી કે, ભાઈતો કોરોનાની અસરમાં હતાં, અને વહેલી સવારે તેને સંજીવની ફરતી હોસ્પિટલ તેના ઘેરથી લઈ ગયા હતાં.

“સંતુને ઉદ્વેગ હતો, કરસન માંદો છે, તે ભલે આરામ કરે,અને આપની સાથે નહી આવે, પણ , ચાલ જીવી આપણે તો જઈ આવીએ, કોઈ કામ નક્કી થસે તો પૈસા તેને પણ કામ આવશે. આ ભાંજગડમાં બંને બહેનોને શહેર બહારની નિહાળે પહોચતા સવારના નવ વાગી ગયા હતાં. નિહાળ ચાલુ થઈ ચૂકી હતી અને બન્ને ખિન્ન હૃદયે નિહાળના બગીચામાં છોકરાઓને હસતાં રમતા જોયા. સંતુએ આ જોઈ મોટી બહેન જીવીને ફરિયાદ કરી , કે હે જીવી, મંદિરમાં બાબા કહે છે, આ જગતના સૌનો પિતા એક છે, બધા કુદરતના સંતાનો છે, તો, તો આ નિહાળનાં ઝાંપાની અંદરના અને આપણે બાહર ઉભેલામાં કેવડો મોટો ફરક ?. જીવીએ સંતુને માથે હાથ ફેરાવતા બોલી “એ તું મોટી થઈસ ત્યારે ખબર પડશે”. “બોલ, સંતુ તારા કહેવા પ્રમાણે સ્કૂલે આવી ગયા હવે, કામ કોની પાસે માંગીશું ?” 

જીવી અને સંતુ મોજ મજા કરતાં બાળકોને જોવામાં લીન હતાં, અને એવામાં એક રિક્ષા ઊભી રહી, તેમાથી એક ઠસ્સાદાર બાઈ અને તેનો માણસ એક કરંડિયો લઈ ઉતર્યા, ભાઈ કરંડિયો લઈ સ્કૂલમાં પહોચી ગયો, પરંતુ બાઈ હજુય તે રિક્ષા વાળા સાથે રકઝક કરતી હતી, તેના અવાજે સંતુનું ધ્યાન હવે એની તરફ હતું. બાઈએ ભાડા અંગે રકજક કરી રિક્ષા વાળાને ભાડું આપ્યું.  તે પણ આપી ઝડપથી ઝાંપો વટાવી નિહાળમાં દાખલ થઈ ગઈ. નિહાળનાં બગીચામાં હવે કોકે સિટી વગાડી એટલે બધા છોકરાઓ એક લાઈનમાં ઊભા રહ્યા, આ જોઈ જીવીના કાળજેથી હાયકારો નીકળી ગયો, આ આખું આયખું કેવી રીતે નીકળશે, એકલા પંડના પેટ ભરવાના ફાંફા છે ત્યાં, સંતુનો મેળ ક્યાથી પડશે? તેને માં અને બાપુની યાદે ઝળઝળીયા આવી ગયા, પણ ફરાકની ઘેરથી તેણે લૂછી નાખ્યા અને બોલી તે ઉઠી ,. ના.. “કુદરતે મો આપેલું છે, તે તે ચાવણું પણ આપશેજ” અને પાછી નિહાળના મેદાનમાં તેની નજર ફરકી, પેલી બાઈ કરંડિયામાંથી મીઠાઈના પડીકાંઓ હારબંધ ઉભેલા છોકરાઓને આપતી હતી … 

જીવીએ આપેલા સવાલના જવાબથી સંતુનું મગજ અને ધ્યાન નિહાળના મેદાનમાં નહતું. દ્વિઘામાં તેની નજર મિનિટ પહેલા ઊભેલી પેલી ઠસ્સાદાર બાઈની જગ્યાએ પડેલી, અને જોયું તો એક, રસ્તાની તે જગ્યાએ લાલ રંગનું પાકીટ પડેલું હતું. સંતુ અભણ ખરી .. પણ લખુડી તળાવની વસાહતના લોકોના ઠેલા ખાઈ ઉછરેલી, તેને તરત ખબર પડી કે આ પાકીટ, તે બાઈનુંજ છે, તે લપકી અને પાકીટ લઈ ફરાકની ઘેર નીચે રાખી પાછી નિહાળના ઝાંપે ચૂપચાપ આવી ઊભી, હવે તેની પણ નજર નિહાળના બગીચામાં આરામ અને મોજથી નાસ્તો કરતાં છોકરાઓ ઉપર હતી.. અને... સ્વગત કઈક આવું બોલી રહી હતી....

બેની, નથી ઊંઘવું ઘેર વધારે માં'રે, હું તો જવાની નિહાળે !

આથ પગ મુંઢું ધોઈ દે, આઠ વાગ્યા સે નિહાળના ટાવરે,

ઠાલું પેટ પોકારે પાતાળેથી, એની હોમું તારે જોવું ઘટે

વેરી રોગ એવો સો આયો, ગોંધી રાખી આમ ઘેર મને,

આવક સે નહીં, જાવક રોકાય નહીં. ને ખાલી ગજવા ઠ્ન-ઠ્ને

રોટલો કાઢી'ને દવા ભરી, ને માંગી દુઆ ગઈ ખાલી-એળે,

ચેવો વેરી હતો રોગ, ના બાપને મેલયો ના માડીને

ઉપરવાની અમી જંખે, ભૂખ્યા પૂરાઈ, સૂઈ' સાથે નબળી વેરે,

ચાંદ સૂરજ ક્યાં ર'યોતો પૂરાઈ ? તો રાખે ઘેર ગોંધી મને,

બાળપણ ટૂંકું મલ્યું સે આપણું, ધૂર ના કર જકડી ઘેરે એને,

હાલ નિહાળે બેની મારી, હિંચોળે રમી મોજ કરશું બીજા હાળે

બપોરિયું ખાવા તાં' પડ્યાં રઈશું, માસતરની ધોલ ખાઈ'ને સંગાથે,

વરહાદની ગરજતી કાળી વાદળી પણ રાખે રૂપેરી ધાર કોરાણે

મનડુ પોકારે હૈયે રાખશુ જો 'હામ, કપરી વેરા સૌ વૈ જાહે એમની એમ,

બેની નથી ઊંગવું ઘેર વધારે માં'રે, હું તો જવાની નિહાળે !

આથ પગ મુંઢું ધોઈ દે, આઠ વાગ્યા સે નિહાળના ટાવરે,

અત્યાર સુધી સ્વગત વિચારી રહેલી, સંતુથી મોટેથી બોલાઈ ગયું,અરે બેની, તારે જે કરવું હોય તે કરજે, પણ “હું તો જવાની નિહાળે”!. સંતુના નિહાળે જવા માટેના બુલંદ ઈરાદાનાં કરાયેલા અવાજે જીવીનું ધ્યાન સંતુ તરફ ગયું, અને તેણે સ:સ્નેહ, સંતુને બાથમાં લઈ લીધી, પણ તે કશુજ બોલી ના શકી.

એવામાં પાછી નિહાળના ઝાંપે ચહલ પહલ થઈ, પેલા ઠસ્સાદાર બહેન અને ભાઈ પાછા નીકળી રહ્યા હતાં અને નિહાળનો પટાવાળો તેમનાં માટે રિક્ષા ઊભી રખાવી રાહ જોતો ઊભો હતો. સંતુએ તે ઠસ્સાદર બહેનને આવતા ભાળી.. સંતુએ, જીવીની વહાલસોઈ બાથ છોડી ઝાંપે દોટ મૂકી. ત્યાં સુધીમાં તે બહેન ઝાંપે આવી ગયેલા હતાં, રસ્તામાં લઘરવઘર સંતુને જોઈ... તેમણે નાક ચડાવ્યું.. પણ મિનિટો પહેલા કરેલી સખાવતનો કેફ, તેમણે ગુસ્સો કરતાં રોકી રહ્યો હતો, એટલે મૃદુતાથી બોલ્યા.. બેટા જો નાસ્તો તો વહેચાઈ ગયો છે, અને અત્યારે મારી પાસે તને આપવા જેવુ કશું નથી... ફરી કોઈ વાર આવીશ.

સંતુ એ કહ્યું.. ના બા’સાહેબ, હું તમારી પાસે કશુજ માંગવા નથી આવી, હું તમને કઈક આપવા આવી છું ! આવા બેતુકા બોલ સાંભળી અત્યાર લગી ચૂપ રહેલો, નિહાળનો પટવાળો દંડો ઉગામી દોડી આવ્યો,ત્યાં સુધીમાં સંતુંએ તેનો ફરાક નીચે સંતાડી રાખેલ લાલ પાકીટ પકડેલો હાથ બહાર નીકળી ચૂક્યો હતો.. જે, પેલા ઠસ્સાદર બહેનનું ગુમાન જમીન ઉપર લાવવા પૂરતો હતો. તેઓ બધુ ભૂલી સંતુને ભેટી પડ્યા.. અને બોલ્યા જાણે છે, આ પાકિટમાં શું છે ? આ પાકીટમાં મારી અમૂલ્ય અમાનત છે, તેમાં મારી કોરોનામાં મરણ પામેલી દીકરીની સોનાની બંગડીઓ છે. ઓહ... ભગવાન મારી છોકરી અને બંગડી પાછી આપવા બદલ હું તારી આભારી છું.

બીજે દિવસે સવારે, નિહાળના બગીચામાં જ્યારે જીવી અને સંતુ નિહાળનાં ગુલાબી ગનવેશ પહેરી રમી રહેલા હતાં ત્યારે જીવીનો આનંદ ચરમ સીમાએ હતો. અને સંતુની તેની બહેન જીવી ઉપર શ્રધ્ધા હવે અચલ થયેલી હતી, હજુ તેના કાનમાં જીવીના શબ્દો ગુંજી રહ્યા હતાં "કુદરતે મો આપેલું છે, તો તે ચાવણું પણ આપશેજ” અને જીવી વિચારી રહી હતી મારી સંતુ આખરે નિહાળે ગઈ ખરી !!! ત્યારે કરસન ખાનગી દવાખાને કોરોનાની સારવાર લઈ રહેલો હતો અને તેની તબિયત સુધારા ઉપર હતી અને જીવી અને સંતુ તેની નિહાળે આવવાની રોજ રાહ જોતા હતાં. અને હા તે ઠસ્સાદારબાઈ શહેરનાં મેયર હતાં.    

શબ્દ સૂચિ:- બપોરિયું – સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પીરસાતું મધ્યાન ભોજન. નિહાળ- સ્કૂલ 

વિષય વિચાર વિસ્તાર:-હાલના સમયે બેહાલ થયેલા મજૂર વર્ગની બાળકી દ્વારા સ્વગત બોલાયેલા શબ્દો કોઈની પણ નબળી વેળામાં ધીરજ ખોયા વગર, હિમ્મત રાખી, હાર નહીં માનવાનું ખમીર દર્શાવે છે. કુદરતે આપેલા મહામૂલા તેના જીવતરને ધૂળ નહીં થવા દેવાના તેના શાંતિ આપતા તળપદી શબ્દો કોઈના પણ ડહોળાયેલા મનને ગમે એવા છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama