હું તને શું કહી બોલાવું ?
હું તને શું કહી બોલાવું ?
ઉપરનું શીર્ષક થોડું અજુગતું લાગે કે આનો શો મતલબ છે ? પરંતુ આ શીર્ષક એક સંવાદ છે નવી નવી સગાઇ થયા પછીના પ્રેમીયુગલ વચ્ચેનો. આ પ્રેમીયુગલમાં હુતો એટલે કે સમીર અને હુતી એટલે કે પ્રીતિ. બંને પોતાની નવી નવી થયેલી સગાઈથી ખુબ ખુશ હતા. બંને જણા પોતાના સગા-વહાલા તથા તેમની સાથે ઉજવાયેલા પ્રસંગની વાતો કરતા હતા. ત્યાં જ પ્રીતિ એ સમીર ને સવાલ કર્યો.
"સમીર, લગ્ન કે હવે સગાઇ પછી હું તને શું કહીને બોલવું ?"
સમીરે આંખોના અટકચાળા અને રોમેન્ટિક અદાઓ સાથે જવાબ આપ્યો.
"જાનેમન, તારે જે કહીને બોલાવવો હોય, છું તો તારો જ!!"
પરંતુ પ્રીતિનો સવાલ કદાચ સમીર સમજ્યો ન હતો. પ્રીતિએ સવાલની ગંભીરતા સમજાવતા કહ્યું કે 'હું એમ પૂછું છું કે લગ્ન કે સગાઇ પછી હું તને તું કહું કે તમે કહીને બોલવું ?'
ત્યારે સમીરે ગંભીરતાપૂર્વક જવાબ આપ્યો કે 'એમાં પૂછવાનું શું હોય ? તમે જ કહેવાનું હોય ને ! મારા મમ્મી કે તારા મમ્મી પણ તમે જ કહે છે ને ? તો પછી તારે પણ તમે જ કહેવાનું. જો તું મને તું કહે તો આપણા બધા સગા-સંબંધીઓ શું વિચારે ?'
સમીર અને પ્રીતિ બંને એક જ જ્ઞાતિના હતા. એક જ જ્ઞાતિના હોવાથી બંનેના માતા-પિતા પણ એકબીજાને સારી રીતે ઓળખતા હતા. સમીર અને પ્રીતિની પહેલી મુલાકાત એક લગ્નપ્રસંગમાં દાંડિયારાસમાં થઇ. દાંડિયા રમતા રમતા બંને એકબીજાની આંખોમાં વસી ગયા. એ બંનેની વધુ ઓળખાણ એ જ પ્રસંગમાં આવેલા એક કોમન મિત્ર જીગર દ્વારા થઇ. વાતો વાતોમાં સમીર અને પ્રીતિને ખ્યાલ આવ્યો કે એ બંને એક જ સપનું જોતા હતા- કેનેડા જવાનું. એ સપનું સાકાર કરવામાટે બંને સાથે જ ILTS ના વર્ગોમાં જોડાયા. દરરોજ ક્લાસમાં મળતા મળતા હવે બહાર પણ મળવા લાગ્યા. બંને વચ્ચેની દોસ્તીમાં પ્રેમના અંકુરો ફૂટ્યા. ત્રણ વર્ષ સુધી એમનો પ્રેમ ફૂલતો ફાલતો રહ્યો. બંને લગ્નગ્રંથીથી જોડાવા માંગતા હતા એટલે બંને એ પોતાના પ્રેમસંબંધની વાત માતા-પિતાને કરી.
સમીર ખુબ જ દેખાવડો, ભણેલો અને હોશિયાર છોકરો હતો તો સામે પ્રીતિ પણ એકદમ નમણી, દેખાવડી, પૂનમના ખીલેલા ચંદ્ર જેવી સુંદર હતી. આટલી સુંદર હોવાની સાથે પ્રીતિ સમીર કરતા વધુ ભણેલી પણ હતી. એક જ જ્ઞાતિના હોવા છતાં પણ સમીરના માતા-પિતા આ સંબંધના વિરોધમાં હતા. એમણે સમીરને એકદમ ના જ પડી દીધી. હા,પ્રીતિ સમીર કરતા ઉંમરમાં ચાર વર્ષ મોટી હતી. છોકરા કરતા છોકરી ઉંમરમાં મોટી હોય એવી છોકરી સાથેના લગ્ન આજના જમાનામાં પણ ઓછા જ સ્વીકારવામાં આવે છે. સમીરના માતા-પિતાએ સમીરને પ્રીતિ સાથે લગ્ન ન કરવા ખુબ સમજાવ્યો પણ સમીર એકનો બે ના થયો. આ બાજુ પ્રીતિના ભાઈને પણ આ સંબંધ મંજુર ન હતો એટલે એણે પ્રીતિને લગ્ન ન કરવા ખુબ સમજાવી પણ પ્રીતિ ન માની. છેવટે બંનેના પરિવારોને આ પ્રેમીયુગલ સામે ઝુકવુ જ પડ્યું.
અંતે એ દિવસ આવી ગયો કે જયારે તેમના પ્રેમને સગાઇની મહોર લાગી ગઈ. પરંતુ જિંદગીમાં સગાઇ, લગ્ન, પ્રેમી, પ્રેમિકા એ એકલા જ નથી આવતા એની સાથે આવે છે બીજા ઘણા નવા સંબંધો, સમાજ, સગા-વહાલા અને નાની-નાની મુશ્કેલીઓ. એમાંનો જ આ એક સવાલ કે 'હું તને શું કહીને બોલાવું ?' પ્રીતિનો સવાલ ભલે સામાન્ય હતો પરંતુ મહત્વનો હતો. લગ્નજીવનમાં આવા નાના-નાના સવાલોથી ક્યારે મોટું વાવાજોડું આવી જાય એ કહી ના શકાય.
સમીરનો જવાબ સાંભળી પ્રીતિ એકદમ ચોંકી જ ગઈ. અત્યારના જમાનામાં પતિ-પત્ની બંને એકબીજાના મિત્રો, હમસફર બનીને રહે છે. બંને દરેક વાતમાં કદમથી કદમ મિલાવીને ચાલે છે. બધી જ વસ્તુઓ પછી તે સુખ હોય કે દુઃખ, ઘરકામ હોય કે બહારનું કામ, જવાબદારી હોય કે ફરજ, સરખાભાગે વેંચી નિભાવે છે. આજની ભાષામાં કહીયે તો એક બીજાના BFF બની જાય છે. ત્યારે આવા સવાલ-જવાબનો અવકાશ રહે ખરો ? બંને એકબીજાને તું કહેવાના અધિકારી છે, નહિ કે ? સમીર તો એમ જ કહે છે કે આપણે પહેલા મિત્રો છીએ પછી પતિ-પત્ની. ક્યાં ગઈ એ મિત્રતા ?
પ્રીતિને વિચારોમાં મગ્ન અને મુંજાયેલી જોઈને સમીર ખડખડાટ હસી પડ્યો. પ્રીતિને મુરજાયેલા ચેહરાને પોતાની હથેળીઓ વચ્ચે રાખી, પ્રીતિની આંખોમાં આંખો પોરવી, અત્યંત પ્રેમપૂર્વક સમીરે કહ્યું "પ્રીતિ, મહત્વનું એ નથી કે તમે તમારા પતિ કે પત્નીને શું કહીને બોલાવો છો ? મહત્વનું એ છે કે તમે એને કેવી રીતે અને કેટલા માનપૂર્વક, પ્રેમપૂર્વક બોલાવો છો. તમે તમે કહીને જો બધાની હાજરીમાં કે એકાંતમાં ગુસ્સાપૂર્વક કે અપમાનિત રીતે બોલાવો તો આ રીતે તમે કહીને માન આપવાનો શો મતલબ છે ? હવે રહી આપણી વાત તો આપણે બંને એકબીજાને તમે જ કહીએ અથવા તો તું કહીએ. એટલે કે જો તું મને તમે કહીશ તો હું પણ તને તમે જ કહીશ અને જો તું મને તું કહીશ તો હું પણ તને તું જ કહીશ. મારી વ્હાલી પ્રીતિ, આ નિર્ણય તારા ઉપર છોડ્યો. આપણે બંને પહેલા મિત્રો છીએ પછી પતિ-પત્ની. તું તો જાણે જ છે કે મિત્રો વચ્ચે ઔપચારિકતાને અવકાશ જ નથી, બરાબર ને ? મારા દિલની રાણી, તું મને જે બોલાવીશ એ મને ગમશે."
પરંતુ સમીર આ સમાજ, આપણા સગા-સંબંધીઓ શું કહેશે જો હું તને બધાની સામે તું કહીશ તો ? એ લોકો તો આ બધું નહિ સમજે ને ? એ લોકો તો એમ જ કહેશે ને કે પ્રીતિ મોટી છે એટલે રૂબાબ દેખાડે છે ! એ લોકો તો આપણી મિત્રતા નહિ સમજે ને ?
પ્રીતિ, એનો ઉપાય પણ છે મારી પાસે. બધાની સામે આપણે બંને એ એકબીજાને તમે જ કહેવાનું અથવા તો નામ લઇને બોલાવવાનું. તું કહેવું કે તમે કહેવું એ બધામાં ન પડતાં, જે પણ કહો એ ખરા દિલથી, પ્રેમપૂર્વક અને એકબીજાનું માન સચવાય એ રીતે કહો તો તું માં તમે છે અને તમે માં પણ તું છે. કેમ ખરું ને ?