હઠ
હઠ
આજની આ ધૂળેટીએ આંખોમાં અશ્રુનો સમુંદર છલકાયો જે મારી વ્હાલસોયી નણંદે પકડી પાડ્યું. મને ધૂળેટી રમવાનો ખૂબ જ આગ્રહ કર્યો, "ભાભી ક્યાં સુધી આમ માત્ર સફેદ સાડલામાં અરમાનોનો વીટો વાળીને જીવશો ? આજે તો ધૂળેટી રમો જ."
મારી લાખ ના છતાં હઠ પકડી, "તમે ન રમો તો હું પણ ન રમું. મમ્મી-પપ્પાની ચિંતા છોડો, હું તમારી ઢાલ બનીશ." અને એકદમ મારા સફેદ સાડલા પર લાલ રંગ છાંટી જ દીધો. હઠ કરી આંગણમાં હોળી રમે ત્યાં લઈ ગઈ અને પતિના મિત્ર અવિનાશને પણ સામેલ કરી મારા પર રંગ છંટાવ્યો જે સીધો મારી સેંથીમાં પડ્યો. મારી નણંદની હઠ આગળ બધાએ નમતું મૂક્યું અને અવિનાશ સાથે મારા પુનઃવિવાહની વાત જાહેર કરી હંમેશ માટે મારી વ્હાલી નણંદીએ મારી જીંદગીમાં રંગ ભરી દીધા.
