હરોળ
હરોળ


કેટલી તપસ્યાને અંતે આ પહેલી હરોળ પ્રાપ્ત થઈ હતી.
છેલ્લી પાટલી એ ઉપેક્ષિત રહી. હંમેશા પોતાની જાતને નિરાશ ન થવા દેતા સતત મહેનત કરતો રહ્યો. મનમાં એક જ વાત 'સ્લોલી એન્ડ સ્ટેડી કેન વીન ધ રેસ' અને એ વાત નજરમાં રાખી ચોટલી બાંધી મહેનત કરતો રહ્યો..
માનવ વિધવા માતાનું એક માત્ર સંતાન. પિતાને મીલની નોકરી, એક દિવસ મીલમાં અકસ્માતનો ભોગ બની ચાલ્યા ગયાં. ત્યારે તે માત્ર દોઢ વર્ષનો તેને પિતાનો ચહેરો પણ યાદ નથી. સ્મરણમાં અચાનક વૃધ્ધ થયેલ માતા અને એક રૂમ રસોડાનું ઘર જ યાદ હતું. અભ્યાસમાં તેજસ્વી શિષ્યવૃતિને અઢળક મહેનતે એ આજ આગલી હરોળમાં સન્માનીય સ્થાન પામ્યો હતો. માતાના ચહેરા પર ખુશી અને સંતોષ જોતાં, આજ તેના નસીબ સાથેની લડાઈનો અંત આવ્યો.
માનવને આજ આગલી હરોળમાં જોઈ તેના કોલેજ સમયની સહાધ્યાયી નેહા તેની સાથે આંખ મેળવી નહોતી શકતી. નેહા માનવનો પહેલો પ્રેમ કાંટાળી જિંદગીમાં તેની યાદ મીઠી વીરડી જેવી. એક ફંકશનમાં આગલી હરોળમાં બેઠેલ માનવનો ઉપહાસ કરતાં બોલી હતી, "હવે સહાય લઈ જીવનાર પણ આંખોમાં સપનાં આંજી બરોબરી કરવા ચાલ્યા આવે, એકવાર પેલીને છેલ્લી હરોળ વચ્ચેનું અંતર માપે તો સપનાં જોવાની હિંમત નહીં થાય."
આ શબ્દો પછી પણ માનવે હાર ના માની. નેહાના શબ્દો સાથે તેની ઉપેક્ષા તેના માટે કંઈક કરી બતાવવાની પ્રેરણા બની ગયાં. સિવિલ સર્વિસની પરીક્ષામાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરી પૂરા રાજયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. ઈનામ વિતરણના સમારોહ પછી માનવ નેહા પાસે જઈ, "હલ્લો મીસ નેહા, હાઉ આર યું ? આઈ હોપ તું મને નહીં ભૂલી હોય ?"
"યસ માનવ આઈ રીમેમ્બર યું એન્ડ બાય ધ વે કોન્ગ્રેચ્યુલેશન. માય હાર્ટલી વીશીઝ વીથ યું."
માનવ વાત વાતમાં નેહાને પ્રપોઝ કરતાં , "નેહા, તું કાયમ મારી સાથે મારી હરોળમાં બેસવા તૈયાર થાય તો મને અનહદ ખુશી થશે." નેહા માનવના શબ્દોમાં રહેલ લાગણીથી ભીંજાય તેના હાથમાં હાથ આપતાં, "માનવ તારી સાથે આગળ વધવું મને પણ ખૂબ ગમશે."
ત્યાં માનવની માતાએ આવી બંનેને આલિંગનમાં લઈ લીધા. આજ સાચે ઈશ્વરે તેને બઢતી આપી આગલી હરોળમાં મોકલી દીધાં.