હોઠની વાત હૃદયે ધરબાઈ
હોઠની વાત હૃદયે ધરબાઈ


ઝરણા બેનને અદ્વૈત જે એમનો દીકરો છે તેની આજે વર્ષ ગાંઠ હોવાથી પગે લાગવા આવ્યો. ઝરણાબેને આશીર્વાદ આપ્યા, “ જીવતો રેજે દીકરા..ભગવાન ની દયા થી તારી પાસે બધું જ છે. ભણતર પૈસો નોકરી....ગણેશજી ને એક જ પ્રાર્થના કે મારા દીકરાને સરસ મજાની વહુ આપી દે..અને મને ટેકણ લાકડી મળી જાય વહુના રૂપમાં”. અદ્વૈત માર્મિક રીતે હસ્યો અને કહ્યું, “વહુ ની શી ઉતાવળ છે ? હજુ મને મુંબઈમાં નોકરી મળી છે. રહેવા ની વ્યવસ્થા કરવાની છે, ત્યાં તને અને તારી વહુ ને ક્યાં રાખું ...મને હજુ થોડો સેટલ થવા દે..” ઝરણા બેને કહ્યું .” દીકરા તારા પપ્પા ના અવસાન પછી મેં જ તને ભણાવ્યો ગણાવ્યો એન્જીનીયર બનાવ્યો. તું મારી ફિકર ના કર હું સુરત છોડી ક્યાય જવાની નથી. તું તારી પત્નીને લઇ જજે. હું તો મારું શેષ જીવન અહી જ વિતાવી લઈશ. અદ્વૈત એ કહ્યું. “ ના મમ્મી તને લીધા વગર હું ક્યાય જવાનો નથી. ઝરણા બેને કહ્યું , “ દીકરા તને હવે ૩૫ વર્ષ થયા. હવે રાહ જોયા વગર કોઈ સારી કન્યા ને હા પાડી દે. રોજ લોકો મને પૂછ્યા કરે છે કે તમારો કુંવર કયા દેશની રાજ કુંવરી ને લાવવાનો છે તે આટલી રાહ જોવડાવે છે. આમેને આમ તો એ વાંઢો રહી જશે. અત્યાર સુધી કેટલી છોકરી જોઈ ? કોઈ તને કેમ પસંદ નથી પડતી ? અદ્વૈત એ કહ્યું , “ અરે મમ્મી મારા સ્ટેટ્સ પ્રમાણે કોઈ હોવી જોઈએ ને ? ઝરણા બેને કહ્યું , “ બસ કર તે એટલી સારી છોકરીઓને ના પાડી છેને કે લોકો હવે ટીકા કરે છે. કે કઈ અપ્સરા ને લાવવાનો છે તે હજુ કોઈ ને હા જ નથી પાડતો.” એમ બોલતા બોલતા એમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.અદ્વૈત એ મા ના આંસુ લૂછતાં કહ્યું , “ મમ્મી તારી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ..પણ મારી એક વાત તો સાંભળ ...? ઝરણા બેને કહ્યું , “ બસ મારે તારું કઈ સાંભળવું નથી “ એમ કહી રૂમમાંથી ચાલી નીકળ્યા..અને અદ્વૈત ની વાત હોઠમાં જ ધરબાઈ ગઈ...અને એ એની રૂમમાં આવીને વિચારવા લાગ્યો...કે એની મા એ એના ઘડતરમાં કેટલો ભોગ આપ્યો છે ? અને આજ કાલની દરેક છોકરીઓ ને સ્વતંત્રતા જોઈએ છે લગ્ન પહેલા જ જુદા રહેવાનું કહે છે. જેટલી છોકરીઓ જોઈ બધી એક જ ટીપીકલ સવાલ પૂછે “ ઘરમાં જૂનું “ફર્નીચર” કેટલું ? અને મારી મા ને ફર્નીચર કહેનાર કન્યા ને હું જાકારો આપતો ગયો. અને હું લગ્ન કરી મુંબઈ જાવ તો મા એકલી પડે...એને માટે કોઈ એવી છોકરી શોધવી પડે કે જે લગ્ન બાદ મારી મા સાથે રહે અને શનિવાર રવિવાર મારી સાથે રહે..પણ એવી છોકરી આજના જમાનામાં મળે ખરી ? હજુ સુધી તો એવું કોઈ પાત્ર મળ્યું નથી. મારે મારી શરત સાથે કોઈ લગ્ન કરવા હા પાડે તેવી કન્યા સાથે લ હાથ પીળા કરવા છે. કાલે સવારે મમ્મીને હા પાડીશ અને ફરી થી કન્યા જોવાનું કહીશ. અને લગ્ન ઈચ્છુક કન્યાને મારી આ બંધ હોઠની વાત કહીશ. મા પણ રાજી થશે અને કન્યા પણ.
બીજે દિવસે સવારે મમ્મીને કહ્યું કે,” તમારા ધ્યાનમાં કોઈ કન્યા હોય તો ફરીથી જોવા માંડો. હું લગ્ન કરવા તૈયાર છું. તમારી ખુશી માટે હું કઈ પણ જતું કરવા તૈયાર છું “ વરસાદનું પાણી મળતા જેમ કરમાયેલલો છોડ ખીલી ઉઠે એમ તેમનો ચહેરો ખીલી ઉઠ્યો. રાજી ના રેડ થઇ ગયા.હરખથી કહ્યું, “આજે જ મારી ભાભી ની કાકાની છોકરી છે તેને માટે પુછાવું. માનસી એનું નામ છે. પોતે સોફ્ટવેર એન્જીનીયર છે. હું એના મા બાપ ને વાત કરી મળવા બોલાવી લઉં . થેંક યુ દીકરા તે મારા હોઠની વાત હૈયે લાવી દીધી. “ બીજે દિવસે માનસી અને અદ્વૈતની મુલાકાત ગોઠવાઈ. બન્ને જણા એ ઔપચારિકતા કેળવી પછી અદ્વૈત સીધી બંધ હોઠોની વાત કહેવા ગયો ત્યાં જ માનસી એ શરૂઆત કરી...”તારી વાત પછી પહેલા મારી વાત સાંભળ મને વડીલ વગર નું જ ઘર ગમે છે. હું વડીલને આદર આપું છું તેમની દરમિયાનગીરી સહન નહિ કરું. લગ્નજીવનમાં તિરાડ પડે એમાં આ વડીલોની મુખ્ય ભૂમિકા હોઈ છે. માટે હું તમને એક જ શરતે હા પાડું જો તમારા મમ્મી આપણા થી અલગ રહે તો યા તો આપણે. અદ્વૈત હજુ તો તેના બંધ હોઠની વાત કહેવા જાય ત્યાં જ ઝરણા બેને કહ્યું “ મને મંજુર છે. દીકરા તે જ મને કહ્યલું ને કે તારી ખુશી માટે હું કઈ પણ જતું કરવા તૈયાર છે. અને દીકરા પ્રેમનું તો એવું છે ને કે જેટલા દુર રહો તેમ વધતો જાય. માનસી તું ચિંતા ના કર. અને આમ પણ વારે તહેવારે આપણે મળતા તો રહીશું જ ને...લગ્નની તૈયારી શરુ કરો..”
અદ્વૈત ના હોઠ બળ પૂર્વક ભીડાઈ ગયા. એક આંસુ આંખ પરથી પડીને ગાલ પર વેડફાઈ ગયું. કોઈએ જોયું પણ નહિ. અને આમ પણ એની મમ્મીની ખુશી ખાતર એ કઈ પણ જતું કરવા તૈયાર જ હતો ને...પણ આ ખુશી આટલું મોટું બલીદાન માંગશે એ ખબર નહોતી. ! અને એણે પ્રયત્નપૂર્વક હા પાડી...
બંધ હોઠે વાત ધરબાઈ ગઈ;
લાગણીઓ આમ કરમાઈ ગઈ.