હોનારત
હોનારત
"નીમા, નીમા." હર્ષિતે ઊઠતાં વેંત બૂમો પાડવા માંડી.
"એ, આવી." નીમા રસોડામાંથી હાથ લૂછતાં લૂછતાં બહાર આવી.
"મારે આજે ઑફિસ જલદી જવાનું છે તે તને ખબર નથી ? કેટલી વખત યાદ અપાવવાનું ?"
"પણ તમે મને કહ્યું જ નથી કે તમારે આજે ઑફિસ જલદી જવાનું છે."
"બસ, સામે મોઢું ચલાવતાં બરાબર આવડે છે બાકી બીજી એક પણ જાતની હોશિયારી નથી. ચાલ, હવે જલદી મારું ટિફિન, નાસ્તો, બૅગ, બધું તૈયાર કર."
"બધું તૈયાર જ છે, તમે આગળ આવી જાઓ."
"ખબર નહીં આને કોણે એમ.બી.એ. ની ડીગ્રી આપી છે ?" બબડતાં બબડતાં હર્ષિત તૈયાર થવા લાગ્યો. બેન્કમાં મેનેજરનું પદ શોભાવતી અને ઊંચો પગાર મેળવતી નીમાની હર્ષિતને મન કોઈ કિંમત નહોતી. મૂળ તો એનો મેન ઈગો એને નીમાની કદર કરવા દેતો નહોતો.
હર્ષિત ઑફિસ ગયો પછી નીમા પણ તૈયાર થવા લાગી. આજે ફરીથી મોડું થયું હતું. ઝડપથી બૅગ લઈ એ સ્ટેશન તરફ જવા રવાના થઈ. સ્ટેશન પહોંચતાં પહોંચતાં તો એનો શ્વાસ ફૂલી ગયો. એમાં કોઈ તહેવારને કારણે ટ્રેનમાં ભયંકર ગરદી હતી. એ જરાક માટે ટ્રેન ચૂકી જ જતે પણ એક હાથ લંબાયો અને એ જેમ તેમ કરી ટ્રેનમાં ચડી ગઈ. એણે સલૂકાઈથી પોતાનો હાથ એ અજાણ્યાના હાથમાંથી સેરવી લીધો. પણ પોતાના હાથને પંપાળવાનું એ ચૂકી નહીં.
બીજા દિવસે એ ફરીથી એ હાથની વાટ જોવા લાગી. લગ્નના ત્રણ વર્ષ દરમિયાન શરૂઆતના બે ત્રણ મહિના છોડીને હર્ષિતે કદી એના હાથને આટલી નજાકતથી પકડ્યો નહોતો.
"હલો, હું સમીર. તમે ?" ત્રીજા દિવસે એ હાથના માલિકે એને પોતાનો પરિચય આપતા કહ્યું.
"હું નીમા."
પછી તો રોજ આ મુલાકાત થવા લાગી. નીમાના ઘવાયેલા હૃદયમાં ધીમે ધીમે એના માટે સોફ્ટ કોર્નર બનવા લાગ્યો પણ એક દિવસ એણે સમીરને કોઈ સાથે ફોન પર વાત કરતાં સાંભળી લીધો અને એનું નામ તથા વાત સાંભળી એ થથરી ગઈ. બીજા દિવસથી એણે પોતાની ટ્રેનનો સમય ફેરવી કાઢ્યો. એક ભયંકર હોનારતનો ભોગ બનતાં એ જરાકમાં બચી ગઈ. એણે ઈશ્વરનો આભાર માન્યો. ઈગોઈસ્ટ હર્ષિત સહન થાય પણ આવો દોસ્ત ? ના, ભાઈ ના !
