હલ્લો
હલ્લો
“હલ્લો ભઈ, કાકી બહુ યાદ કરે છે. આઈ જાવ તો છેલ્લે છેલ્લે તમને મળી લે.”
રામજીકાકાનો ગળગળા અવાજ સાથે ફોન આવ્યો.
અને... મા મૌન થઈ ગઈ.
તેરમા દિવસે મા ની વરસી સહિતની વિધિ પૂરી કરી વરુણ અને કામાક્ષી ફરી અમેરિકા જવાની તૈયારીમાં હતાં.
બેગમાં મા નો ફોટો મુકતાં વરુણ બોલ્યો,
હાશ! બધી ક્રિયાઓ આપણાં સ્ટેટસ પ્રમાણે જ થઈ. હવે આ ડર્ટી પોળમાં આવવાનું બંધ થશે. મા છેક સુધી અમેરિકા આવી જ નહીં એટલે આપણે તો આ અનહાઇજિનિક વાતાવરણમાં આવવું જ પડે. આપણી ઇમેજ ડાઉન કરતી રહી.
“હા વરુણ, અહીયાંના વેવલા લોકોય આપણા કરતાં તારી મા નું વધુ ધ્યાન રાખતા એટલે જ એમને દીકરા-વહુની કિંમત ન સમજાઈ. ક્યાં આપણું ઊંચું સ્ટેટસ અને ક્યાં આ દેશી ઝૂંપડા જેવું પોળનું ઘર...”
“હા રે! કામાક્ષી તને યાદ છે! જ્યારે ફોન કરીએ ત્યારે એના પોળના પડોશીઓની જ વેદિયા જેવી વાત હોય. ફોનનું મીટર એના નક્કામા વ્યવહારની વાતમાં જ વધે.”
“તો શું.. સાસુમાને એ જ કૃષ્ણભક્તિ અને એ જ મંદિરનાં દર્શનની વાત. એ જ પાણીનાં પીપડાં ભરી રાખવાની રામાયણ. બીજા વિષય જ ન હોય.”
“આમ તો સારું જ થયું. મા અમેરિકા આવી હોત તો એ જરાય એડજેસ્ટ ન કરી શકત. આપણેય બંધન થઈ જાત.”
વરુણ અને કામાક્ષી અમેરિકા પહોંચીને રુટીનમાં ગોઠવાઈ ગયાં. ચાર દિવસ થઈ પણ ગયા.
પાંચમા દિવસે સાંજે વરુણ ઓફિસથી ઘેર આવ્યો. કામાક્ષીએ ચહેરો જોતાં પૂછ્યું,
“કેમ આમ ઢીલો દેખાય છે?”
“ના બસ આમ જ..“
હા મને લાગ્યું જ કે રોજ તો ચહેકતો આવતો હોય છે. આજે સાવ મૌન છો!
“ના ના સહેજ બેચેની લાગે છે.”
“અરે એ તો તમારો દેશમાં મા સાથે ફોનમાં વાત કરવાનો આ જ ટાઇમ છે ને! એટલે...”
બોલી લીધા બાદ કામાક્ષીને પણ સહેજ બેચેની થઈ.
વરુણને અંદર કંઈ તૂટતુ ખૂટતું લાગ્યું. પડઘા પડતા હોય એમ જણાયું.
“હલ્લો બેટા...!”