STORYMIRROR

PRAVIN MAKWANA

Drama

4  

PRAVIN MAKWANA

Drama

હી ઈઝ નો મોર

હી ઈઝ નો મોર

4 mins
334

ક્યા કર રહા હૈ ચુનીલાલ. . .

ચુનીલાલ એટલે એક સાવ સીધો સાદો માણસ.

એ ભલોને એનો કાળિયો ઠાકર ભલો.

ત્રણ મહિનાના લોકડાઉનમાં સરકારના નિયમોને સંપૂર્ણ રીતે પાળ્યા તોય એના સત્તર વર્ષના પૌત્ર શ્રેયને શીખબર ક્યાંથી ચેપ લાગી ગયો અને કોરાના પોઝીટીવ આવ્યો.

ચુનીલાલની માથે જાણે આભ ફાટ્યું. એકના એક સ્વર્ગસ્થ દીકરા વિનોદની અમાનત એવા પૌત્ર શ્રેયને ચુનીલાલે ખૂબ જ કષ્ટ સહીને મોટો કરેલો. પુત્ર વિનોદના આકસ્મિક અવસાન પછી શ્રેય જ એમના જીવવાનું બળ હતો.  

શ્રેય પણ એકદમ સંસ્કારી અને હોંશિયાર,કસરતથી કસાયેલું શરીર તોય કોરાનાનો શિકાર થઈ ગયો. ભણવામાં એકદમ તેજસ્વી એવા શ્રેયે આ વખતે જ બોર્ડની પરીક્ષા આપીને આખા જીલ્લામાં પ્રથમ આવીને પોતાના ગામ હારીજનું નામ રોશન કરેલું.

 શ્રેયને ડૉ. કિશોરભાઈ સાહેબની નીચે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. કોરોનાની અસરના લીધે શ્રેયની તબિયત દિન પ્રતિદિન બગડતી જતી હતી. ધીરે ધીરે એક દિવસ એવો આવ્યો કે એને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. ના છૂટકે ડોકટર સાહેબે એને વેન્ટિલેટર ઉપર રાખવાનો નિર્ણય લીધો.

 ચુનીલાલે અશ્રુભરી નજરે કાળિયા ઠાકરના ફોટા સામે જોઈને અરજ કરી કે, 

 "હે પ્રભુ,મને લઈ લે પણ મારા શ્રેયને બચાવી લે, વિનોદની થાપણ છે એ આ જગતમાં. "

ફોટોમાં બેઠેલો કાળિયો ઠાકર મંદ મંદ મુસ્કુરાયો.  

 અચાનક ડૉ. કિશોરભાઈ શ્રેયને રૂમમાં આવ્યા.  

ડૉ. કિશોરભાઈની નજર કાળિયા ઠાકોરની બે હાથ જોડીને ધ્યાનસ્થ બેઠેલા ચુનીલાલ પર પડી અને તે બોલ્યા

"તું ક્યા કર રહા હૈ ચુનીલાલ. "

ચુનીલાલને થયું કે કાળિયા ઠાકરના ફોટામાંથી અવાજ આવી રહ્યો છે. ચુનીલાલ આશ્ચર્યથી તસવીર સામે જોઈ રહ્યા. ત્યાં તો ફરી અવાજ આવ્યો

 "તું ક્યા કર રહા હૈ ચુનીલાલ. "

"ઓહ,આ અવાજ તો પાછળથી આવે છે. " બોલીને ચુનીલાલે પાછળ જોયું તો. . . .

 સ્ટેથોસ્કોપના બદલે સુદર્શન ચક્ર ધારણ કરેલા ડૉ. સાહેબ દેખાયા. માથે પહેરેલી કોરોના કેપ મયુરપંખ સમાન દેખાતી હતી. માસ્કના સ્થાને મુખ પર મુરલી દેખાઈ રહી હતી. સફેદ એપ્રોન પીળું પીતાંબરમાં પરિવર્તિત થયેલું દેખાતું હતું.

 ચુનીલાલે ઝભ્ભાની બાંયથી ચશ્માના કાચ લુછ્યા અને ધીરે ધીરે કૃષ્ણના ચહેરામાં ડૉ. કિશોરભાઈ કળાયા.

"જય કાળિયા ઠાકર" કહીને ચુનીલાલ ચરણમાં ઝૂક્યા.

 "અરે. . . અરે. . . . ચુનીલાલ આ શું કરો છો? શ્રેયને જરૂર સારું થઈ જશે" ડૉ. સાહેબ શુદ્ધ ગુજરાતીમાં બોલ્યા.

 શ્રેયને કોરોના થયો છે એ વાતની જાણ શહેરના નામચીન વેપારી છગન ચંચુપાતિયાને થઈ અને એની જૂની દુશ્મની ફૂંફાડા મારતી જાગી. ચંચુપાતિયો સીધો દવાખાને જઈને ડૉ. કિશોરભાઈને મળ્યો. આ છગનલાલ ચંચુપાતિયાએ ગામના સરકારી દવાખાને એક વેન્ટિલેટર તેના બાપાની યાદગીરી રૂપે ભેટ આપેલું. આ ચંચુપાતિયાને ચુનીલાલના કુટુંબ સાથે જૂની દુશ્મની પણ ચુનીલાલ એકદમ ભલો માણસ એટલે એમણે ક્યારેય છગનભાઈ સાથે ખરાબ વ્યવહાર કરેલો નહી. છગન ચંચુપાતિયો પણ બહારથી તો મીઠું મીઠું બોલે પણ અંદરખાને ચુનીલાલના કુટુંબ સાથે ખૂબ ખાર રાખતો.  

મૂળ તો આ ચંચુપાતિયાની બેનના સગપણની વાત ચુનીલાલના દીકરા વિનોદ સાથે વાત ચાલેલી પણ ચુનીલાલે ઘસીને ના પાડી દીધેલી. ત્યારબાદ ચુનીલાલનો દીકરો વિનોદ એક રોડ એક્સિડન્ટમાં મરણ પામેલો અને એની શંકાની સોય છગન ચંચુપાતિયા તરફ તકાયેલી. જયારે છગન ચંચુપાતિયાને ખબર પડી કે ચુનીલાલના પૌત્રની તબિયત બગડી છે ત્યારથી છગન ચંચુપાતિયો અંદરથી ખુશ હતો. શ્રેયને વેન્ટિલેટર પર રાખવો પડશે એ સાંભળીને તો છગન ચંચુપાતિયો એકદમ ઉત્સાહમાં આવી ગયો.  

તરત જ એ ડૉ. કિશોરભાઈ પાસે દોડ્યો.  

 "જુઓ ડૉકટર. . . . આ વેન્ટિલેટર મેં દાનમાં આપેલું છે,મારી તબિયત બે દિવસથી બરાબર નથી,કદાચ કોરોના પણ હોઈ શકે એટલે આ વેન્ટિલેટર મારા માટે ખાલી રાખજો. " 

 છગન ચંચુપાતિયાએ મૂછ પર હાથ ફેરવીને કહ્યું

ડૉકટર બરાબરના ધરમ સંકટમાં ફસાયા. આખા શહેરમાં છગન ચંચુપાતિયાની વાત કોઈ ટાળવું નહી અને જો ટાળે તો છગન એના દાણાપાણી ટાળી દેતો.  

ડૉકટર બોલ્યા,

"ચલો છગનભાઈ તમારો કોરોના ટેસ્ટ કરાવી લઈએ, પોઝીટીવ આવશો તો આપણે કંઈક વિચારીશું. "

છગન બોલ્યો, 

 "મારે વેન્ટિલેટર જોઈએ એટલે જોઈએ. "

 "ભલે પણ ટેસ્ટ તો કરાવી જ લઈએ. તમે દાખલ થઈ જાઓ. "

 ડૉકટર કહ્યું.  

કમને છગન ચંચુપાતિયા ટેસ્ટ કરાવવા તૈયાર થયો.

 ત્રણ દિવસ પછી રિપોર્ટ મળશે ડો,બોલ્યા

 ત્રણ દિવસ પછી ચંચુપાતિયા અને શ્રેય બંનેના રિપોર્ટ ડૉકટર સાહેબના ટેબલ પર પડ્યા હતા.

ડૉકટરે છગનભાઈનો રિપોર્ટ જોયો. છગન ને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો.  

"લો,છગનભાઈ. . . . તમારો રિપોર્ટ એકદમ નોર્મલ છે,ચિંતાનું કોઈ કારણ નથી. "

 છગન એ કચવાતા મને રિપોર્ટ લીધો અને હોસ્પિટલના પોતાના સ્પેશિયલ રૂમમાં ગયા.

ડૉકટર ધ્રૂજતા હાથે શ્રેયનો રિપોર્ટ જોયો. એમના આશ્ચર્ય વચ્ચે આ ત્રીજો રિપોર્ટ બિલકુલ નેગેટીવ હતો. શ્રેય હવે કોરોનામુક્ત હતો. ડૉકટરે નિરાંતનો શ્વાસ લીધો અને આ આનંદના સમાચાર ચુનીલાલને આપવા માટે એમની ચેમ્બરમાં બોલાવ્યા.  

જ્યારે ડૉક્ટર ચુનીલાલને આ આનંદના સમાચાર આપી રહ્યા હતા ત્યારે જ એક નર્સ એકદમ ડૉક્ટરની ચેમ્બરમાં દોડતી આવી અને જોરથી બોલી, 

"સાહેબ, છગનભાઈ. . . . "

 ડોક્ટર છગનભાઈની રૂમ તરફ ભાગ્યા.

ચુનીલાલ પણ ડૉકટરની પાછળ પાછળ ભાગ્યા.  

 રૂમમાં લીલા કલરની ધોતી અને બાંયો વગરની ભુરા કલરની બંડી સાથે એક હાથમાં ગદા અને એક હાથમાં પાશ લઈને પાડા પર સવાર થઈને કોઈ ઊભુ હતુ. ચુનીલાલે ફરી ઝભ્ભાની બાંયથી ચશ્માના કાચ લૂછ્યા અને ફરી નજર માંડી તો ડૉકટર કિશોરભાઈ છગનભાઈ પર ઝળુંબીને કંઈક ગડમથલ કરી રહ્યા હતા. નર્સને ફટાફટ કંઈક સૂચનાઓ આપી રહ્યા હતા.

 છગન ચંચુપાતિયો ચાદરની જેમ ફેલાઈને પંલગમાં પડ્યો હતો. બંને ડોળા ઉપર ચડી ગયા હતા. અચાનક એની ડોક એકબાજુ ઢળી પડી.  

 ડૉકટર સાહેબે હળવેથી છગનભાઈની બંને આંખો બંધ કરી અને બોલ્યા, "હી ઈઝ નો મોર."


Rate this content
Log in

Similar gujarati story from Drama