હે ભગવાન
હે ભગવાન


છેલ્લા એક અઠવાડિયાથી મંત્રીજીની ઓફિસમાં કંઇક તો બહુ મોટું રંધાઈ રહ્યું છે એવી ગંધ પી.એ. કરણસિંહને આવી રહી હતી. પોતાને પણ દૂર રખાઈ રહ્યા હતા. આવું તો ક્યારેય બન્યું નહોતું.
અંતે કેન્ટિનવાળા ગણેશને ફોડ્યો. મંત્રીશ્રીની કેબિનમાં ચા-નાસ્તો આપવા જતાં-આવતાં શું શું વાતો થાય છે એ જાણી લાવવા માટે ગણેશને તગડી લાલચ પણ અપાઈ. ગણેશ જે સમચાર લાવ્યો એ જાણી તો લીધા પણ જાણ્યા પછી ચહેરા પરનું ખંધું સ્મિત ગાયબ થઈ ગયું.
“આટલી ગોપનિયતા? હું મંત્રીમહોદયનો પી.એ. તોય મને પણ ગંધ ન આવવા દીધી! ખેર!”
મનોમન બાધાય લેવાઈ ગઈ..
“હે ગણુમહારાજ, બધા કાળા નાણાની વ્યવસ્થા કરાવી આપો તો સોનાનું છત્ર ચઢાવીશ.”
સાંજના સમાચારમાં પ્રધાનમંત્રીએ કેટલીક નોટો ચલણમાંથી રદ કરવાની ધમાકેદાર જાહેરાત કરી.
ચાર દિવસ બાદ કરણસિંહ પોતાની એ.સી. કેબિનમાં રિવોલ્વિંગ લેધરચેર પર રિલેક્સ થયા.
“હાશ! બધું ગોઠવાઈ ગયું. ગણુમહારાજને છત્ર પણ ચઢી ગયું.”
ઓફિસમાં ભીંત પર ટાંગેલા બાપુના ફોટા સામે જોવાઈ જતાં કરણસિંહથી મર્માળું સ્મિત થઈ ગયું.
”તે અમારા ભ્રષ્ટનાય ભગવાન તો હોય જ ને!”