Rahul Makwana

Tragedy Inspirational

4  

Rahul Makwana

Tragedy Inspirational

ગિલામામાનો છકડો

ગિલામામાનો છકડો

6 mins
515


 સાંજનું વાતાવરણ હતું, ધીમે ધીમે અંધકાર ચારે બાજુએ પોતાનું એકચક્રીય શાસન જમાવી રહ્યું, જગતનાં તાત ખેતર પરથી પોતાનાં બળદગાડા લઈને ઘરે પરત ફરવા માટે નીકળી પડેલાં હતાં, દૂર દૂર સુધી ધૂળની ડમરીઓ ઊડતી નજરે પડી રહી હતી, પક્ષીઓ પણ પોત - પોતાનાં માળામાં પરત ફર્યા હતાં.

  બરાબર આજ સમયે એક કાચા અને ધૂળિયા રસ્તા પર એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં રસ્તાની કિનારી નજીક ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ હતાં, તેની બાજુમાં એક ભેંસ બેઠેલ હતી, તેની બાજુમાં તાજુ જન્મેલું એક ડોબુ બેઠેલ હતું, જે જોતાં એવું લાગી રહ્યું હતું કે જાણે તે ભેંસે થોડીવાર પહેલાં જ આ ડોબાને જન્મ આપેલ હોય, તેનાથી થોડે દૂર એક છકડો રસ્તાની એક તરફ પડેલ હતો, જેની હાલત જોઈને એટલો અંદાજો લગાવી શકાતો હતો કે થોડીવાર પહેલાં તે ગમખ્વાર અકસ્માતનો ભોગ બનેલ હોય !

   આ બાજુ લોહી લુહાણ હાલતમાં પડેલ વ્યક્તિ, પોતાની આંખો ઊંચી કરીને પેલી ભેંસ તરફ જોવે છે, આ દરમિયાન તે ભેંસ પોતાનાં બચ્ચાને જીભ વડે ચાટી રહી હતી, અને પેલું ડોબું પણ જાણે તેનો આનંદ લઈ રહ્યું હોય તેમ બંને આંખો બંધ કરીને શાંત ચિત્તે બેસી રહ્યું હતું, આ જોઈ પેલો ઈજાગ્રસ્ત વ્યક્તિ જાણે પોતાનું દર્દ ભૂલી ગયો હોય, તેવી રીતે હળવું મલકી રહ્યો હતો…..

  ત્યારબાદ તે વ્યક્તિની નજર પોતાનાં પ્રાણથી પણ વિશેષ પ્રિય એવો છકડો જે મૃત:પ્રાય હાલતમાં રોડની એક તરફ પડેલ હતો, તેનાં પર પડે છે, એ જોતાં એવું લાગી રહ્યું હતું કે જાણે એ છેલ્લી વખત પોતાની સાથે આંખોમાં આંખ પરોવીને કંઈક કહેવા માંગતો હોય…આ જોઈ પેલાં ઈજાગ્રસ્ત વ્યક્તિની આંખોમાં આંસુ આવી ગયાં. આ ઈજાગ્રસ્ત વ્યક્તિ એટલે બીજુ કોઈ નહીં પરંતુ આખા ગામનો માનીતો, લાડકો એવો "ગિલો...છકડાવાળો..!" 

  આમ એક તરફ પેલી ભેંસને બચાવવાનો આનંદ હતો, તો બીજી તરફ પોતાનાં પ્રાણપ્રિય છકડાને ન બચાવી શકવાનો વસવસો પણ અનહદ હતો…..એવામાં ગિલાની આંખો બંધ થઈ જાય છે, અને બેભાન થઈ જાય છે.

***

સમય - સવારનાં 10 કલાક

સ્થળ - લીલાવતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભાવનગર.

   ડૉ. રમેશ કણસાગરાનાં રૂમની બહાર દર્દીઓની લાંબી લાઈન લાગેલ હતી, તેઓ એક પછી એક દર્દીઓની વારફરતી તપાસ કરી રહ્યાં હતાં, ડૉ.કણસાગરાની ચેમ્બરની બહાર બેઠેલ દર્દી ક્યારે પોતાનો વારો આવે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં.

  એવામાં વોર્ડબોય દોડતાં - દોડતાં ડૉ. કણસાગરા સાહેબની ચેમ્બરમાં આવે છે, અને ગભરાયેલા અવાજે હાંફતા - હાંફતા બેબાકળા થતાં અવાજે બોલે છે.

"સાહેબ ! જલ્દી હાલો….કેબિન-3 માં જે દર્દી છે તે ભાનમાં આવી રહ્યાં છે.!" 

"શું વાત..કરો છો..!" - ડૉ. કણસાગરા આશ્ચર્ય અને અચરજ ભરેલાં અવાજે બોલે છે.

 આ સાંભળીને ડૉ. કણસાગરાનાં ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશીઓ છવાઈ ગઈ, મનનાં કોઈ એક ખૂણામાં આનંદ ઉમટી રહ્યો હતો, જાણે પોતાની અથાગ મહેનત રંગ લાવી હોય તેમ ડૉ. કણસાગરા પોતાની ખુરશી પરથી ઊભા થઈને કેબિન 3 તરફ ખુશખુશાલ મુદ્રા સાથે દોડ મૂકે છે.

"હું ક્યાં છું…? મને આંયા કોણ લાયવુ છે….? મારો છકડો….? ઓલી ભેંસ અને એનુ ડોબુ ક્યાં છે..?" - પેલો ભાનમાં આવેલ દર્દી વારંવાર આ જ પ્રશ્નો પૂછી રહ્યાં હતાં.

"જી ! ગિલામામા ! તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી….તમે હાલ મારી હોસ્પિટલમાં જ છો. અને તમને અહીં બીજુ કોઈ નહિ પરંતુ હું પોતે જ લઈ આવેલ છું…!" - ડૉ. કણસાગરા હળવા સ્મિત સાથે પૂછે છે.

"પણ...સાયબ ! તમે મારી આટલી બધી મદદ હુ કરવા કરો છો..?" - ગિલો ચિંતિત સ્વરમાં પૂછે છે.

"એ હું તમને પછી જણાવીશ તમે હાલ થોડો આરામ કરો…!" - ગિલાની પીઠ પર હાથ ફેરવતાં - ફેરવતાં ડૉ. કણસાગરા બોલે છે.

***

એક અઠવાડિયા બાદ 

સમય - સમય સવારનાં 11 કલાક.

સ્થળ - લીલાવતી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ભાવનગર

  ડૉ. કણસાગરા તેના આસિસ્ટન્ટ ડોકટર, નર્સીગ સ્ટાફ હોસ્પિટલમાં દાખલ થયેલાં તમામ દર્દીનો રાઉન્ડ લઈ રહ્યાં હતાં, એવામાં તેઓ કેબિન 3 માં પ્રવેશે છે. આ જોઈ ગિલો પોતાની જાતને થોડી વ્યવસ્થિત ગોઠવે છે.

"ગિલામામા ! હવે સારું છે ને…?" - ડૉ. કણસાગરા ગિલાની આંખમાં આંખ પરોવીને પૂછે છે.

"હા...હવે મને પેલા કરતાં બવ જ હારુ છે..!" - ગિલો દેશી બોલીમાં જવાબ આપે છે.

"તો ! તમારે ઘરે જાવું છે ને…?" - ડૉ. કણસાગરા પૂછે છે.

  આ સાંભળી ગિલાની આંખોમાં આંસુ આવી ગયાં, તેનું મગજ વિચારોની વમળોમાં ખોવાય ગયું, તેના નિસ્તેજ ચહેરા પર આંખોમાંથી નીકળતા આંસુઓએ પોતાનો રસ્તો બનાવી લીધો હતો.

"શું ! થયું ગિલામામા…?" - ડૉ. કણસાગરા પરિસ્થિતિનો તાગ મેળવતા પૂછે છે.

"બટા ! મારે ઘેરે તો જાવું છે પ...ણ તમારા દવાખાનાનું બિલ…!" - અટકતા અવાજે ગિલો બોલે છે.

"મારે ! તમારો એકપણ રૂપિયો નથી જોયતો… બસ માત્ર તમારા આશીર્વાદ જોઈએ છે, જો તમારા આશીર્વાદ મને મળી જશે તો હું એવું માનીશ કે મને બિલ મળી ગયું છે…!" - ડૉ. કણસાગરા હળવા અવાજે બોલે છે.

"પણ…હું તમારો શું સગો થાવ કે તમારે મારું બિલ નથી જોતું…?" - ગિલો હેરાની ભરેલા અવાજે પૂછે છે.

"જી ! હું તમને માંડીને વાત કરું…!" - ડૉ. કણસાગરા ગિલાની સામે જોઈને બોલે છે.

  ત્યારબાદ ડૉ. કણસાગરા પોતાનાં તમામ સ્ટાફને ત્યાંથી બહાર જવાં માટે ઈશારો કરે છે, અને પલંગની બાજુમાં રહેલ ટેબલ ખસેડીને ડૉ. કણસાગરા પોતાનો માન,પાન અને મોભો ભૂલીને ટેબલ પર બેસે છે.

"ગિલામામા….લીલાવતીને ઓળખો…?" - ડૉ. કણસાગરા પોતાની મૂળ વાત પર આવતાં - આવતાં ગિલાને પૂછે છે.

"લીલાવતી…હા...એમને કેમ ભૂલું…..એ તો દેવી હતાં…!" - ગિલો પોતાની ભમરો ચડાવતા થોડું વિચાર્યા બાદ બોલે છે.

"તમને કેમ હજુસુધી એ લીલાવતી દેવી યાદ છે..?" - ડૉ. કણસાગરા ગિલાની સામે જોઈને પૂછે છે.

"કારણ કે એકવાર આમારા ગામમાં ધોધમાર સુપડાધાર વરસાદ વરહી રહ્યો હતો, જાણે મેઘરાજા અમારી કોઈ ભૂલની સજા અમને આપી રહ્યાં હોય એમ અનહદ વરસી રહ્યા હતાં, એ જ દિવસે રાતે બે વાગ્યે એક વૃદ્ધ જેવાં દેખાતા એક ડોહીએ મારો દરવાજો ખટખટાવ્યો અને પછી મને પૂછ્યું કે, "ગિલા ભાઈ ! શું તમે તમારો છકડો લઈને અમારી હારે આવશો… એટલે મેં પૂછ્યું, "પણ થયું હુ છે એતો કયો મને પેલાં..?" તો પેલાં માડીએ જવાબ આપ્યો કે, "લીલાવતીને હારા દિવસો જતાં હતાં,પણ અત્યારે હાલ તેને એકાએક પ્રસવ પીડા ઉપડી છે, આથી તેને તાત્કાલિક દવાખાને લઈ જવાં પડે એમ છે…!" આથી મેં એકપણ પળનો વિચાર કર્યા વગર જ મારો છકડો ઉપાડ્યો અને કલાકમાં ભાવનગર સિવિલમાં પહોંચાડી દીધા…!" - ગિલો એ ભયંકર રાત યાદ કરતાં કરતાં જણાવે છે.

"પછી શું થયું…?" - ડૉ. કણસાગરા ગિલાની સામે જોઈને પૂછે છે.

"પછી જ્યાં ગિલો હોય ત્યાં દુઃખ નાં હોય, ગિલો એટલે આખા ગામનો દુઃખનો બેલી, કોઈને દુઃખી નાં જોઈ શકે એ ગિલો… ત્યારબાદ લીલાવતીબેનને ત્યાં એક ફૂલ જેવો દીકરાનો જન્મ થયો…..પણ તમને આ બધી બાબતમાં હુ રસ છે…?" - ગિલો પોતાની જાત પર ગર્વ મહેસૂસ કરતાં કરતાં બોલ્યો.

"જી ! ગિલામામા ! એ લીલાવતીબેનનો ફૂલ જેવો દીકરો આજે સમાજ માટે ડૉ. રમેશ કણસાગરા બની ગયો છે...જો તે દિવસે ધોધમાર વરસાદમાં તમે મારા મમ્મી એટલે કે લીલાવતીબેનની મદદ ના કરી હોત તો હાલ હું પણ કદાચ ના હોત…!" - ડૉ. કણસાગરા આંખોમાં આંસુ સાથે બોલે છે.

"લીલાબેનનો રમલો એટલે તમે...જ..એમ ને…?" - ગિલો ખાતરી કરતાં પૂછે છે.

"હા ! મામા…!" - ડૉ. કણસાગરા અને ગિલો એકબીજાને આંખોમાં આંસુ સાથે એકબીજાને વળગી પડે છે.

  દુનિયા માટે ભલે જનરેશન ગેપ હોય, પરંતુ આજે જાણે ગિલાની એકદમ જૂની અને દેશી જનરેશન અને ડૉ. કણસાગરાની નવી અને મોર્ડન જનરેશન જાણે એક બનીને સમરસ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.

"પણ...હું તને ક્યાંથી અને કેવી રીતે મળ્યો…!" - ગિલો નવાઈ સાથે ડૉ.કણસાગરાને પૂછે છે.

"જી ! એ દિવસે મારા મમ્મીનું શ્રાદ્ધ હતું, માટે હું એ વિધિ માટે ગામડામાં આવેલાં અમારા જુના ઘરે આવેલ હતો, અને સાંજે ભાવનગર પરત ફરી રહ્યો હતો, બરાબર એ જ સમયે મને રસ્તાની એક તરફ પેલી ભેંસ, છકડો, અને તમે બેભાન હાલતમાં દેખાયા...આથી મેં તાત્કાલિક મારી હોસ્પિટલે ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવી લીધી, અને મારી જ "લીલાવતી" હોસ્પિટલ કે જેનું નામ મેં મારા મમ્મીનાં નામ પરથી પાડેલ છે, ત્યાં જ તમારી સારવાર કરી...તમારી સારવાર કરવાં છતાંપણ મને હાલ એવું લાગી રહ્યું છે કે હું હજુપણ તમારું ઋણ ચૂકવી શકું તેમ નથી…!" - ડૉ. કણસાગરા લાચારીભર્યાં અવાજે બોલ્યા.

"સાયબ ! મે તો એ ટાણે મારું કામ જ કરયુ'તું...મને નહોતી ખબર કે એનું ફળ મને આટલું સારું મળશે...આથી જ કહેવાય છે કે જો તમે કોઈને મદદ કરશો તો ભગવાન તમારી ચોક્કસ મદદ કરશે...એ આનું જ નામ…!" - ગિલો ઉપર તરફ જોતાં બોલે છે.

"હા...મામા..!" - આટલું બોલી ડૉ. કણસાગરા તેનાં ગીલામામાનાં ખોળામાં બધું ભાન ભૂલીને નાના બાળકની માફક પોતાનું માથું રાખી દે છે, અને ગિલામામા પણ ખૂબ જ વ્હાલ, હેત અને પ્રેમથી ગઈકાલનાં રમલા અને આજનાં ડૉ. રમશે કણસાગરાનાં માથા પર હાથ ફેરવવા માંડે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy