Abid Khanusia

Drama Inspirational

3.2  

Abid Khanusia

Drama Inspirational

ઘમંડ

ઘમંડ

8 mins
24.7K


રાત્રે બે વાગ્યાની આસપાસ નયનાના મોબાઈલની રીંગ વાગી. આંખો ખોલ્યા વિના નયનાએ ફોન રિસીવ કર્યો. સામે છેડેથી ઇંગ્લેન્ડ રહેતા તેના એકના એક પુત્ર અક્ષયની પત્ની સુનિધિનો અવાજ સાંભળી તે એકદમ ઊભી થઇ ગઈ. 

  “મમ્મીજી, હું અક્ષયને છોડીને મારા ડેડીના ઘરે આવી ગઈ છું “ સુનિધિએ રડમસ અવાજે નયનાને કહ્યું. તેનું ગળું ભરાઈ આવવાથી તે આગળ કંઈ બોલી શકી નહિ. ફોન કટ થઇ ગયો. નયનાએ વિચાર્યું યુ,કે, માં અત્યારે રાતના સાડાદસ વાગ્યા હશે. સુનિધિ સાથે ફરીથી વાત કરતાં પહેલાં તેણે સુનિધિનું ઘર છોડવાનું કારણ જાણવા તેના પુત્ર અક્ષયને ફોન કર્યો. અક્ષય ધૂઆંપૂઆં હતો. તેણે સુનિધિના વાંક જણાવ્યા અને ફોન કાપી નાખ્યો.

સવારે નયનાએ સુનીધિને ફોન જોડ્યો. તે થોડીક સ્વસ્થ થઇ હતી. તેણે કહ્યું કે “ મમ્મીજી,અક્ષય અવાર નવાર મારી સાથે નાની નાની વાતોમાં ઝઘડો કરે છે. તે મને ડોમીનેટ કરવા માગે છે. હું શા માટે તેનાથી દબાઉં ? હું તેના કરતાં વધારે કમાઉ છું. તેણે મારું સન્માન જાળવવું જોઈએ. મમ્મીજી, ગઈ કાલે તો તેણે હદ કરી દીધી તે મારી જાસૂસી કરતો કરતો મારી પાછળ પાછળ છેક મારી ઓફીસ સુધી આવ્યો અને હું ઓફિસમાં કોની સાથે લંચ કરું છું એવી બધી વિગતો મને પૂછવા લાગ્યો. તેને મારા ચારિત્ર પર શંકા છે. હું હવે તેની સાથે આગળ નહીં નિભાવી શકું.” સુનિધિ ગુસ્સામાં ઘણું બોલી ગઈ. 

નયના શાંત ચિત્તે બધું સાંભળી રહી અને પળેકના વિલંબ પછી સુનીધિને ઉદ્દેશીને બોલી, “સુનિધિ બેટા, હાલ તું પ્રેગ્નન્ટ છે, તમે લોકો ઝઘડશો તો તારી હેલ્થ બગડશે. આવનાર બાળક પર તેની વિપરીત અસર પડશે. હું તારા મમ્મી ડેડી સાથે વાત કરી કોઈક રસ્તો કાઢવાનો પ્રયત્ન કરું છું.” નયનના શબ્દો સાંભળી સુનિધિ વધારે ઉશ્કેરાઈ. તેણે નયનાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ કે તે હવે કદી અક્ષય પાસે પાછી નહીં જાય અને આવનાર બાળકને તેની પાસે જ રાખશે અને કદી અક્ષયને તેનું મોઢું પણ નહીં જોવા દે. 

નયના શહેરની એક નામાંકિત ગ્રાન્ટેડ હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. નયનાને તેના પુત્રના લગ્ન નિમિત્તે યુ.કે. ના ૫ વર્ષના વિઝીટર વિઝા મળ્યા હતાં એટલે પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં તેણે યુ.કે. જવાનો નિર્ણય લીધો. શાળામાં એક મહિનાની વિદેશ યાત્રા માટે રજા મૂકી નયનાએ તેના ટ્રાવેલ એજન્ટને ફોન કરી તાત્કાલિક લંડનની એર ટિકિટ બુક કરવા જણાવ્યું. ઘરે પરત ફરી તે પલંગમાં આડી પડી. તેની સમક્ષ તેનો ભૂતકાળ તરી આવ્યો. 

ત્રીસ વર્ષ પહેલાં નયના અને અજયના લગ્ન થયા હતાં. આમ તો એરેન્જડ મેરેજ હતાં પરંતુ નયના અને અજય એક બીજાને પહેલાંથી જાણતા હતાં અને અજય નયનાને ચાહતો હતો એટલે તેણે તેના મોટાભાઈ મારફતે આડકતરું સૂચન કરાવી વડીલો મારફતે નયના સાથે વેવિશાળ કરાવેલું એટલે લવ-મેરેજ જેવું જ હતું. અજય એક સરકારી કચેરીમાં નોકરી કરતો હતો જયારે નયના શહેરની એક નામાંકિત ગ્રાન્ટેડ હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. શરુઆતનું તેમનું લગ્ન જીવન ખુબ સુખી હતું. લગ્નના બે વર્ષ બાદ તેમને પુત્ર રત્ન પ્રાપ્ત થવાથી તેમની ખુશીઓમાં ઓર વધારો થયો હતો. અજયે હાઉસ બિલ્ડીંગ એડવાન્સ મેળવી તેમને રહેવા માટે શહેરની એક હાઉસિંગ સોસાયટીમાં એક ઘર પણ બનાવ્યું હતું. 

અજયનું સંયુક્ત કુટુંબ હતું. તેઓ પાંચ ભાઈઓ હતાં. ત્રણ મોટા ભાઈઓ નોકરી કરતા હતાં અને બે નાના ભાઈઓ ખેતી કરતા હતાં. તેના મા બાપ વતનમાં રહેતા જેમની દેખરેખ નાના ભાઈઓ રાખતા હતાં. ખેતીમાં બહુ સારી ઉપજ આવતી ન હોવાથી ત્રણેય મોટા ભાઈઓ નાના ભાઈઓને આર્થિક મદદ કરતા હતાં. નયનાને આ વાત ખુબ કઠતી. તે અજયને કહેતી કે ખેતીની તમામ ઉપજ નાના ભાઈઓ રાખે છે તો પછી તેમણે શા માટે ભાઈઓને આર્થિક મદદ કરવી જોઈએ. અજય નયનાની વાતો ધ્યાને ન લેતો અને ભાઈઓને વારે તહેવારે આર્થિક મદદ કરતો રહેતો. નયનાને તેમાં પોતાનું અહમ ઘવાતું જણાયું. તે અવાર નવાર તે બાબતે ઝઘડા કરતી. નયનાએ તેનો પગાર ઘરમાં અજયને આપવાનું બંધ કરી દીધું. અજયના મા બાપ તેના ઘરે આવે તે નયનાને ગમતું ન હતું. આ બધું અજયથી સહન થતું ન હતું. એક વખતે નયના એ અજયના મા બાપનું આપમાન કરી તેના ઘરેથી કાઢી મૂક્યાં તેથી અકળાઈને અજયે નયના પર હાથ ઉપાડ્યો હતો. નયનાએ તે નાની બાબતે વાતનું વતેસર કરી ખુબ મોટો ઝઘડો કર્યો. તેણે અજયને સ્પષ્ટ કહી દીધું કે તે તેનાથી વધારે કમાતી હોવાથી ઘરમાં તે કહે તેમજ થશે. અજયનું સ્વમાન ઘવાયું. તે નયનાને છોડી વતનમાં રહેવા ચાલ્યો ગયો અને ત્યાંથી નોકરી માટે અપ ડાઉન કરવા લાગ્યો. તેણે થોડા સમય પછી તેને રહેવા માટે વતનમાં ભાઈઓના ઘરની બાજુમાં એક નાનકડું ઘર પણ બાંધ્યું. અજયના નાના ભાઈઓ તેને સાચવતા હતાં.  

નયનાનો ભાઈ સેન્ટ્રલ ગવર્નમેન્ટની એક ઓફિસમાં ઉચ્ચ પદ પર હતો. તે તેના ભાણીયા અક્ષયને ભણાવવા તેની પાસે અમદાવાદ લઇ ગયો. તેણે અને નયનાએ નાના અક્ષયના મગજમાં તેના પિતા વિરુદ્ધ ઝેર ભરી દીધુ હોવાથી તે કદી તેના પિતાને મળવા પણ જતો ન હતો. સમાજના મેળાવડામાં અજયનો સામનો થાય તો અક્ષય તેની સાથે વાત કરવાનું ટાળતો. અક્ષય ભણીને ફીઝીઓથેરાપીસ્ટ થઇ ઈંગ્લેન્ડમાં નોકરી કરવા લાગ્યો. આ દરમ્યાન અજયના કુટુંબ અને સમાજ દ્વારા નયના અને અજયનું સમાધાન કરાવી તેમનું જીવન થાળે પાડવા ઘણા પ્રયત્નો થયા પરંતુ નયનાની સ્ત્રી હઠ અને તેના પિયરિયાઓના નકારાત્મક વલણ આગળ સૌએ હથિયાર હેઠા મૂકી દીધા. વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. 

અક્ષયને લંડનમાં રહેતી તેમના સમાજની સુનિધિ સાથે ઓળખાણ થઇ. સુનિધિના મા બાપ યુ.કે. માં વર્ષોથી સ્થાઈ થયેલા હતાં. સુનિધિએ લંડનની ઓક્ષ્ફર્ડ યુનિવર્સીટીમાંથી એમ.એ.(સાઈકોલોજી)ની  ડીગ્રી મેળવી લંડનની એક સુપ્રસિદ્ધ હોસ્પિટલમાં માનસિક રોગીઓના કાઉન્સિલર તરીકે નોકરી કરતી હતી. લગ્નમાં સમાજને વિનવવો ન પડે અને અજયને તથા તેમના કુટુંબીઓને બોલાવવા ન પડે તે માટે નયના અને તેના ભાઈએ અક્ષયને લંડનમાં જ લગ્ન કરી લેવાની છૂટ આપી હતી. તેમ છતાં સુનિધિના લગ્ન પહેલાં તેના મા બાપ સુનીધિને લઇ સમૂહ લગ્નોમાં કુટુંબીજનોના લગ્નમાં ભાગ લેવાના બહાને ભારત આવી અક્ષયના કુટુંબની વિગતો મેળવવા પ્રયત્ન કર્યો હતો. તેઓ નયના સાથે બે દિવસ રોકાયા બાદ પોતાની ઓળખ છૂપાવી સમૂહ લગ્નોમાં મહાલવાના બહાને નયનાની જાણ બહાર સુનિધિ સાથે અજયના વતનના ઘરની પણ મુલાકાત લીધી હતી. ફક્ત નયનાની હાજરીમાં અક્ષયના પપ્પાની હાજરી વિના સુનિધિ અને અક્ષયના લગ્ન થઇ ગયા. લગ્ન થયાને દસ માસ બાદ સગર્ભા સુનિધિ અક્ષય સાથે ઝઘડો થવાથી પોતાના બાપના ઘરે ચાલી આવી હતી.

નયનાને પોતાના ભૂતકાળનું પુનરાવર્તન થતું હોય તેવું લાગ્યું. તે ખુબ મુંજાણી. ચાર દિવસ બાદ નયના લંડનમાં સીધી સુનિધિના માબાપના ઘરે પહોચી ગઈ. તેમણે તેનું ખુબ પ્રેમથી સ્વાગત કર્યું. નયનાએ સુનીધિને ખુબ સમજાવી પરંતુ તે માનવા તૈયાર ન હતી. સુનિધિના માતા પિતાએ સુનીધિને તેની રીતે જીવવાનો હક છે તેમ કહી આ પ્રકરણમાંથી તેમનો હાથ ખેંચી લીધો. ખુબ સમજાવટ કરવા છતાં સુનિધિ ન માની ત્યારે નયના રડી પડી. તેણે સુનીધિને કહ્યું ,”બેટા, સ્ત્રી તરીકે આટલી જીદ અને ઘમંડ સારો નથી. સ્ત્રીને પુરુષના સહારા વિના જીવવું ખુબ દોહ્યલું છે.” નયનાના આ શબ્દો સાંભળી સુનિધિએ સીધોજ પ્રશ્ન કર્યો, “મમ્મીજી, તમે પણ મારા પપ્પાજી વિના જીવન જીવી રહ્યા છો તો હું કેમ ન જીવી શકું ?” સુનિધિના શબ્દો નયનાના હૃદયમાં તીરની જેમ ખૂંપી ગયા. તે મોકળા મને રડી પડી. સુનિધિની મમ્મી નયનાને બાથમાં લઇ તેની પીઠ પર હાથ ફેરવતા રહ્યા. તેમણે તેના દિલ પરની બોજ હલકો કરવા નયનાને રડવા દીધી. નયનાના હૃદયમાં વર્ષોથી ઘૂંટાઈને પડેલી તમામ વેદનાઓ આંસુઓ સાથે વહી ગઈ. થોડાક સમય પછી સ્વસ્થ થઇ પાણી પી નયનાએ સુનીધિને પોતાના ખોળામાં સુવડાવી તેના માથામાં હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું, “ બેટા, તારા પપ્પાજીથી છૂટા થયા પછી શરૂઆતમાં હું પણ ખુબ રોફમાં જીવતી હોઉં તેવો દેખાવ કરતી હતી. તેમણે તેમના કુટુંબ અને સમાજ મારફતે મને સમજાવવાનો ખુબ નિખાલસ પ્રયત્ન કર્યો હતો પરંતુ મેં અને મારા પિયરિયાઓએ તેમને “બતાડી દેવાના” મોહમાં ખુબ કડક વલણ અપનાવ્યું હતું પરીણામે હું તેમનાથી ખુબ દૂર થઇ ગઈ. મેં મારી આર્થિક સધ્ધરતા અને મારા ઘમંડમાં મારું જીવન બરબાદ કર્યું છે. તારા પપ્પાજી વિનાની જિંદગી મેં નર્કની યાતનાઓ સહી હોય તે રીતે જીવી છે. મારા હસતા ચહેરા પાછળ છૂપાએલ દર્દને હું જ જાણું છું. તારા પપ્પાજીએ પણ મારા લીધે ખુબ સહન કર્યું છે. તેમનું જીવન પણ કાંટાળી સેજ જેવું છે. માટે બેટા હું તારા આગળ મારો ખોળો પાથરું છું. હું મારા પુત્ર અને આવનાર બાળકનું જીવન ઉજાડવા નથી માગતી.” આટલું કહી નયના ફરીથી મોકળા મને રોઈ પડી. સુનિધિ પણ રડવા માંડી. બંને રડીને હળવા થયા એટલે નયનાએ કહ્યું ,” બોલ બેટા, બોલાવું અક્ષયને ? તું તારા ઘરે જવા તૈયાર છે ને ?” 

સુનિધિ “ મમ્મીજી, મારી એક શરત છે. “ 

નયના “ બોલ બેટા, તારી તમામ શરતો મને મંજૂર છે.”

સુનિધિ “ તો મને એક વચન આપો.”

નયના “ ચાલ, આપ્યું વચન ”

સુનિધિ “ વિચારીને વચન આપજો, મમ્મીજી, હું વચન પૂરું કરાવીને જ રહીશ “

નયના “ તારી તમામ માંગણીઓ પૂરી કરીશ. બોલ શું માંગે છે ?”

સુનિધિ “ તમે પપ્પાજી પાસે રહેવા જતા રહો”

નયના સુનિધિના શબ્દો સાંભળી સ્તબ્ધ થઇ ગઈ. તેણે આવા વચનની અપેક્ષા રાખી ન હતી. થોડીવાર રૂમમાં શાંતિ ફેલાઈ ગઈ. નયનાને ચૂપ જોઈ સુનિધિ બોલી, “ મમ્મીજી, તમે મને વચન આપ્યું છે તે યાદ રાખજો .” નયના બોલી, “ બેટા હવે ખુબ મોડું થઇ ગયું છે. હું અત્યારે એવા મોડ પર ઊભી છું જે એક “ડેડ એન્ડ” છે. ત્યાંથી હવે કોઈ આગળ રસ્તો નથી. સુનિધિ બોલી, “ ના મમ્મીજી, તમારી ભૂલ છે. “ જીવનમાં કદી “ડેડ એન્ડ” આવતો જ નથી. સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન હંમેશા રસ્તો સુઝાડે છે.” નયના બોલી, “પણ તેઓ માનશે ?”. મમ્મીજી, તમે હા પાડો, પપ્પાજીને સમજાવવાનું કામ અમારા પર છોડી દો. નયનાએ સંમતિ આપી. અઠવાડીયા પછી નયના, અક્ષય, સુનિધિ અને તેના મમ્મી પપ્પા ભારત આવ્યા. સુનિધિના મમ્મી પપ્પા અજયને મળી સમજાવટ પછી નયનાને લઇ સૌ અજયના વતનમાં પહોચ્યા. ઘર, કુટુંબ, ગામ અને સમાજમાં આનંદ ફેલાયો. 

સાંજના જમણવાર વખતે સુનિધિએ નયના ને કહ્યું “ મમ્મીજી મારે મારા એક ગુનાની તમારી સમક્ષ માફી માગવી છે. “ નયનાએ પ્રશ્નાર્થ નજરે સુનિધિ સામે જોયું. સુનિધિ બોલી, “ મારી અને અક્ષય વચ્ચે કોઈ ઝગડો થયો જ ન હતો. ફક્ત તમને અને પપ્પાજીને ભેગા કરવા અમે ત્રાંગુ રચ્યું હતું જેમાં મારા મમ્મી અને પપ્પા પણ જોડાયા હતાં. હું અને મારા મમ્મી પપ્પા અમારા લગ્ન પહેલાં સમૂહ લગ્નોમાં ભારત આવ્યા ત્યારે તમારી અને પપ્પાજીની વિગતો એકઠી કરી હતી. તમારી સાથેના મારા રોકાણ દરમ્યાન મેં એક મનો વિશ્લેષક તરીકે તમારા બંનેના મનનને વાંચવાનો પ્રયાસ કર્યો હતો જેમાં હું સફળ થઇ હતી અને તમો બંને એક બીજા તરફ હજુ પણ લાગણી ધરાવો છો અને તમારા વચ્ચે હજુય પ્રેમની સરવાણી વહે છે તે વાત હું જાણી શકી હતી. એટલે અમો તમને એક કરવાનો નિર્ધાર કરી પાછા ફર્યા હતાં. તમને તમારા અહંકારમાંથી મુક્ત કરવા મોટો માનસિક આઘાત આપવો જરૂરી હતો. મેં તે માટે વાતાવરણ ઊભું કરવા અક્ષયને સમજાવ્યો. અક્ષયે તેમાં મને સાથ આપ્યો જેથી અમે તમારો અને પપ્પાજીનો સુખદ મેળાપ કરાવી શકયા છે. બોલો મારા ગુનાની શું સજા આપો છો ? “  

નયનાએ સુનિધિને તેના ગાલ પર એક ચુંબન કરી પોતાની સોડમાં ખેંચી લીધી. અને બોલી “તું સજાની નહિ પરંતુ તારી ફી ની હક્કદાર છે.” ઘરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama