ઘેટાનો મોક્ષ માર્ગ
ઘેટાનો મોક્ષ માર્ગ
એક વરુ ગમે ત્યારે એક ખેડૂતે પોતાના વાડામાં રાખેલાં ઘેટાં પર ત્રાટકતું અને જે ઘેટું હાથમાં આવે એને મારીને ખાઈ જતું. પછી ખેડૂતે એનાં ઘેટાં બચાવવા વાડાની આાસપાસ મજબૂત વાડ કરી દીધી. એટલી મજબૂત કે ઘેટાં અંદરથી બહાર ન જઈ શકે અને વરુ બહારથી અંદર ન આવી શકે. પછી વરુભાઈ ત્યાં આવતા પણ ખાલી હાથે પાછા જતા રહેતા હતા.
એક દિવસે એમને થયું કે મારે ગમે તેમ કરીને વધારે નહીં તો દિવસના એક ઘેટું ખાવા મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. એ તો ગયા ઘેટારામ મહારાજને ત્યાં. ત્યાં જઈને એમણે કહ્યું, "ઘેટારામ, મારા માટે દિવસના એક ઘેટાની વ્યવસ્થા કરો નહીં તો હું પહેલાં તમને ખાઈ."ઘેટારામ કહે, "અરે હોય. તમે જોજોને. હું ટૂંક સમયમાં જ એની વ્યવસ્થા કરું છું."
એકબે દિવસ પછી ભેટારામ તો ગયા પેલા ખેડૂતના વાડા પાસે અને ઘેટાંને સંબોધીને બોલ્યા, "હે ઘેટાં, તમારો ઉદ્ધાર કેવળ વરુ જ કરી શકે એમ છે. જો તમારે મોક્ષ જોઈતો હોય તો તમારે વરુના હાથે જ મરવું જોઈએ. હું પણ મરવાનો છું. પણ, મને થયું કે લાવ, હું મરું એ પહેલાં તમને મોક્ષનો માર્ગ બતાવતો જાઉં." અને બીજા જ દિવસથી એક એક ઘેટું ખેડૂતના વાડામાંથી છટકીને વરુ પાસે આવવા લાગ્યું અને કહેવા લાગ્યું: હે વરુ મહારાજ, મને ખાઓ."
