Rahul Makwana

Fantasy Thriller

4  

Rahul Makwana

Fantasy Thriller

ગેટ ટુ ગેધર

ગેટ ટુ ગેધર

6 mins
433


કોલેજ લાઈફને આપણાં જીવનમાં એક સુવર્ણકાળ માનવામાં આવે છે, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કોલેજ લાઈફમાં આપણને ઘણું બધુ શીખવા મળે છે જે આપણને આવનાર જીવનમાં જે કોઈ મુશ્કેલીઓ કે મુસીબતો આવનાર છે, તેનો સામનો કેવી રીતે કરવો. જીવનમાં સંઘર્ષ કેવી રીતે કરવો, સંબંધોનું આપણાં જીવનમાં શું મહત્વ રહેલું છે. આપણાં જીવનમાં મિત્રતાનું શું મહત્વ રહેલું છે વગેરે વિશે આપણને ખૂબ જ સારી રીતે અવગત કરે છે. જેવી રીતે બાળપણ આપણાં જીવન ઘડતરમાં મહત્વનું છે તેવી જ રીતે કોલેજકાળની જુવાની કે યુવાનીનું પણ આપણાં જીવન ઘડતરમાં એટલું જ મહત્વ રહેલું છે. કોલેજ કાળમાં જ અમુક વ્યક્તિને પોતાનો સાચો પ્રેમ પણ મળી રહે છે, જે કોલેજકાળનું એક મહત્વનું પાસુ છે. 

સ્થળ : વિહાન ઇમ્પોર્ટ એકપોર્ટ કંપની 

સમય : સવારનાં ૧૧ કલાક 

 સવારે પોતાનો મૂળભૂત મિજાજ પકડી લીધેલ હતો, બધાં લોકો કોઈ યંત્ર કામ કરે તેવી રીતે પોત પોતાનાં કામમાં વ્યસ્ત બની ગયેલાં હતાં. તેવી જ રીતે વિહાન ઇમ્પોર્ટ એક્સપોર્ટ કંપનીનાં તમામ કર્મચારીઓ પોત પોતાની ફરજ બજાવી રહ્યાં હતાં. જ્યારે જ્યારે આ કંપનીનાં સી.ઈ.ઓ દીક્ષિત વર્મા પોતાની ઓફિસમાં બેસીને લેપટોપ પર કામ કરી રહ્યાં હતાં. બરાબર એ જ સમયે તેનાં મોબાઈલમાં વ્હોટ્સ અપમાં મેસેજ આવે છે. “યુ હેવ બીન એડેડ બાય “આરવ” ઈન “બે કિકર કોલેજ ગેંગ” વ્હોટ્સ અપ ગ્રુપ - આ મેસેજ વાંચતાની સાથે જ દીક્ષિતની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક છવાય જાય છે. જાણે એક જ પળમાં કોલેજની એ સોનેરી યાદો તરોતાજા થઈ ગઈ હોય તેવું દીક્ષિત અનુભવી રહ્યો હતો.

બરાબર એ જ સમયે “બે કિકર કોલેજ ગેંગ” વ્હોટ્સ અપ ગ્રુપમાં એક મેસેજ આવે છે, જેમાં લખેલ હતું કે, “શું તમે ફરીવાર કોલેજ લાઈફ જીવવા માંગો છો ? શું તમે ફરી એકવાર એ કોલેજની યાદોને તાજા કરવાં માંગો છો ? શું તમે રોજ બરોજની ભાગદોડ ભરેલી આ જિંદગીમાં એક નાનકડો બ્રેક લઈને પોતાની જાત માટે થોડું જીવવા માંગો છો ? - તો તૈયાર થઈ જાવ..!” આ મેસેજ વાંચ્યા બાદ દીક્ષિતનાં મનનાં કોઈ એક ખૂણામાંથી આનંદ અને ખુશીઓનું જાણે એક ઝરણું ફૂટી નીકળ્યું હોય તેવું લાગી રહ્યું હતું. 

થોડીવાર બાદ “બે કિકર કોલેજ ગેંગ” વ્હોટ્સ અપ ગ્રુપમાં ફરી પાછો મેસેજ આવે છે કે “તો મળીએ છીએ આપણે બધાં જૂના કોલેજ મિત્રો.. આપણાં એ જ જૂના સ્થળે એટલે કે આપણી એ જ કોલેજે.. આવતાં રવિવારે.. તો આવવાનું ભૂલશો નહીં..આવો “જીવનનાં એ વિતેલા પળને ફરી એકવાર આપણે બધાં એકસાથે મળીને માણીએ.” બરાબર એ જ સમયે દીક્ષિતનાં મોબાઈલ ફોન પર આરવનો કોલ આવે છે. 

“ભાઈ ભાઈ ! શું વાત છે ! આજે આ જૂના મિત્રની તને એકાએક યાદ આવી ગઈ ?” દીક્ષિત કોલ રિસીવ કરતાં કરતાં આરવને પૂછે છે. 

“યાર ! એવું નહીં પણ મે તને ફોન ખાસ એ પૂછવા માટે કર્યો કે મે “બે કિકર કોલેજ ગેંગ” વ્હોટ્સ અપ ગ્રુપ ક્રિએટ કર્યું છે, મે અને આપણાં અમુક જૂના મિત્રોએ મળીને આપણાં બધાનું એક “ગેટ ટુ ગેધર પ્રોગ્રામ” નું આયોજન કરેલું છે, તેને સંબધિત એક મેસેજ કરેલો છે, જેમાં તારે ચોક્કસ આવવાનું જ છે. હું કોઈ પણ પ્રકારનું બહાનું ચલાવીશ જ નહીં.” આરવ દીક્ષિતને આગ્રહ કરતાં કરતાં જણાવે છે. 

“હા ! ચોક્કસ આવીશ જ.. કેમ નાં આવું ? આપણી જૂની ગેંગ અને મિત્રો ભેગા થતાં હોય અને હું ના આવું એવું કોઈ દિવસ બનતું હશે ? હું સો ટકા ચોક્કસ આવીશ જ તે !” દીક્ષિત આ ગેટ ટુ ગેધર પ્રોગ્રામ માટે પોતાની પૂર્વતૈયારી દર્શાવતા આરવને જણાવે છે. 

“સ્યોર ! થેન્ક યુ.. વી આર વેઇટિંગ ફોર યુ !” આરવ દીક્ષિતનો આભાર વ્યક્ત કરતાં બોલે છે. 

“બાય ધ વે.. વેરી નાઈસ પ્લાનિંગ ! કોલેજનાં બધાં જૂના મિત્રોને એકઠા કરવાં માટે “ગેટ ટુ ગેધર પ્રોગ્રામ”નું આયોજન એ ખૂબ જ સરસ આઇડિયા છે. 

“થેન્ક યુ દીક્ષિત !” આરવ દીક્ષિતનો આભાર વ્યક્ત કરતાં બોલે છે. 

“સારું ! ચાલ તો પછી મળીએ આપણે એ “ગેટ ટુ ગેધર પ્રોગ્રામ” માં..!” 

“હા ! સ્યોર !” આરવ કોલ ડિસ્કનેક્ટ કરતાં કરતાં બોલે છે. 

 કોલ ડિસ્કનેક્ટ કર્યા બાદ દીક્ષિત પોતાનાં ટેબલ પર રહેલ બેલ દબાવે છે, થોડીવારમાં પ્યૂન ત્યાં આવી પહોંચે છે. આથી દીક્ષિત “અંકિત કે જે દીક્ષિતનો પી.એ. હતો તેને પોતાની ઓફિસમાં મોકલવા માટે જણાવે છે. આથી પ્યૂન આ બાબતની જાણ અંકિતને કરે છે. આથી થોડીવારમાં અંકિત દીક્ષિતની ચેમ્બરમાં આવી પહોંચે છે. 

“યસ સર ?” - અંકિત દીક્ષિતની સામે જોઈને પૂછે છે. 

“અંકિત ! આ વીકમાં રવિવારનું મારુ શેડયુલ શું છે ?” દીક્ષિત અંકિતની સામે જોઈને પૂછે છે. 

“કેમ શું થયું સર ?” અંકિત થોડા આશ્ચર્ય સાથે પૂછે છે. 

“પહેલાં તું મને જણાવ તો ખરા ? કે મારુ શેડયુલ શું છે ?” દીક્ષિત અંકિતને સૂચના આપતાં જણાવે છે. 

“જી ! સર તમારે આ રવિવારે દુબઈ ખાતે આપણાં એસોસિએશનની એક અગત્યની મિટિંગ છે.” પોતાનાં હાથમાં રહેલ ડાયરીનાં પાનાં ઉથલાવતા અંકિત દીક્ષિતને જણાવે છે. 

“શું એ મિટિંગ કેન્સલ થાય એમ છે ?” દીક્ષિત હળવા અવાજે અંકિતને પૂછે છે. 

“ના.. સર.. આ મિટિંગમાં આપણને દુબઈની એક વધુ નવી કંપની સાથે કરાર થવાનો છે, જેથી આ મિટિંગ આપણાં માટે ખૂબ જ અગત્યની છે.” અંકિત થોડું વિચાર્યા બાદ દીક્ષિતને જણાવતાં બોલે છે. 

“તો પછી એ મિટિંગ વિહાન ઇમ્પોર્ટ એકપોર્ટ કંપનીનાં સી.ઈ.ઓ વતી તું એટેન્ડ કરી આવ, હું તને સી.ઈ.ઓ નાં પાવર આપીશ !” પોતાનો મક્કમ ઇરાદો જણાવતાં દીક્ષિત અંકિતને જણાવે છે. 

“સર ! એ મિટિંગ તો હું તમારા વતી ચોક્કસ એટેન્ડ કરી આવીશ પણ આ પાછળનું કારણ શું હું જાણી શકુ છું ?” અંકિત દીક્ષિતને વિનંતી કરતાં પૂછે છે. 

“હા ! ચોક્કસ ! આ મિટિંગ કરતાં પણ મારા માટે વધુ મહત્વનાં છે મારા જૂના મિત્રો, મારા બધાં મિત્રોએ ભેગા મળીને અમારી કોલેજ ખાતે “ગેટ ટુ ગેધર” પ્રોગ્રામનું આયોજન કરેલ છે. મને કદાચ આનાથી પણ વધુ સારી બિઝનેસ ડીલ ભવિષ્યમાં મળી જશે, પરંતુ મારા જૂનાં મિત્રોનો આવો મેળાવડો ભવિષ્યમાં ફરી ક્યારેય નહીં મળે, આમાં હું મારા એવાં મિત્રોને મળીશ જે જેઓ દોસ્તી ખાતર પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરવાં માટે હરહમેશ તૈયાર રહેતાં હતાં.” દીક્ષિત પોતાનાં જૂના મિત્રોને યાદ કરતાં કરતાં અંકિતને જણાવે છે. 

“સાહેબ ! ધન્ય છે તમને અને તમારી મિત્રતાને, તમે બિલકુલ ચિંતા ના કરશો આ રવિવારની બિઝનેશ મિટિંગ તમારા વતી હું એટેન્ડ કરી લઇશ.” અંકિત દીક્ષિતને ખાતરી આપતાં આપતાં બોલે છે. 

ત્યારબાદ અંકિત પોતાની ઓફિસ તરફ જવાં માંડે છે, જ્યારે આ બાજુ દીક્ષિત પોતાનાં કોલેજકાળની એ મીઠી યાદોમાં ખોવાય જાય છે. “એ કોલેજની બિન્દાસ લાઈફ, એ કોલેજની પાળીએ પસાર કરેલ એ લેકચર, કોલેજનાં પ્રોફેસરોનાં એ ઠપકાઓ, કોલેજની એ મસ્તી, કોલેજ પ્રવાસમાં કરેલ એ જલસો, કોલેજનાં યૂથ ફેસ્ટિવલમાં કરેલ એ ડાન્સ, કોલજેમાં એ પ્રેમની ઝલજ, કોલેજમાં એ નાની અમસ્તી બાબતમાં થતો મોટો મોટો ઝગડો, ખૂબ જ ઓછા સમયમાં અસાઇનમેંટ જમાં કરવાં માટે આખરી સમયમાં લાગતી રેસ, કોલેજમાં પરીક્ષા સમયે મિત્રો સાથે આખી રાતોની રાત કરેલાં એ ઉજાગરા, એ ઉજાગરમાં રાતે ત્રણ વાગે બનાવેલ કડક અને મીઠી ચા ને એ આસ્વાદ આજે મોંઘી હોટલની ચા કરતાં પણ ઉત્તમ હતો, કોલેજમાં રિઝલ્ટમાં દિવસે ફેલાયેલ એ માતમ અને દુખણાં એ અવસરને એક જ પળમાં આનંદમાં ફેરવી દેતાં એ મિત્રો, પોતાની દોસ્તી ખાતર બાજુની કોલેજમાં ગુસ્સામાં ઝગડી આવતો એ આરવા, કોલેજમાં એક સાથે બધાં મિત્રોને મળતી એ પનીશમેન્ટની પણ એક અલગ જ મજા હતી”.. આમ દીક્ષિત પોતાનાં કોલેજ કાળની યાદોમાં ઊંડે ઊંડે સરી રહ્યો હતો. 

બરાબર એ જ સમયે તેનાં મોબાઈલ ફોનની ઘંટડી વાગે છે, આથી દીક્ષિત પોતાનાં કોલેજકાળની એ સોનેરી યાદોમાંથી એક ઝબકાર સાથે બહાર આવે છે, અને ફરી પાછો પોતાનાં કામમાં ખોવાય જાય છે. 

કોલેજકાળ એ ખરેખર સાચા અર્થમાં આપણાં જીવનનો એક સુવર્ણકાળ કે સુવર્ણયુગ છે, જે આપણે આપણાં જીવનમાં ફરી ક્યારેય માણી શકતાં નથી. જો તમે પણ તમારી લાઈફમાં આ કોલેજકાળનો આનંદ માણી શક્યા હોવ, તો તમે ખરેખર આ પૃથ્વી પરનાં એક ખુશનસીબ વ્યક્તિ છો, કારણ કે આ યુગ દરમ્યાન જ વ્યક્તિનો સંપૂર્ણ વિકાસ થાય છે, જે લોકોએ ખરા અર્થમાં પોતાનો આ કોલેજકાળ માણેલો છે, તેઓને ક્યારેય “પર્સનાલીટી ડેવેલપમેન્ટ” નાં ક્લાસીસ કરવાની કોઈ જ જરૂરિયાત રહેતી જ નથી. 


Rate this content
Log in

Similar gujarati story from Fantasy