એલિયન મિલન
એલિયન મિલન
ડિઝનીલેન્ડમાં લાખોની ભીડમાં પણ પીકે અલગ તરી આવતો હતો. પીકે મુંઝવણમાં હતો કે મારે સાંજ પહેલાં ડિઝનીલેન્ડની પેલી સહુથી ઊંચી રાઈડમાં બેસી એની ટોચની સીટ જ્યારે છેક ઉપર આવે ત્યારે ત્યાંથી રિમોટ દ્વારા વાદળને પકડીને મારા ગ્રહ પર પહોંચી જવું છે પણ આ ભીડમાં મારો વારો કોણ જાણે ક્યારે આવશે ?
આમ વિચારમાં ને વિચારમાં પીકે એક બંધ કેબિન પાસે સહેજ અટક્યો ત્યાં તો બંધ કેબિનમાંથી કોઈએ એને અંદર ખેંચી લીધો.
“ઓ ઓ ઓ.. કોણ છે ?”
“શશશશ.. પ્લીઝ બૂમો ન પાડ.” પીકેએ જોયું તો એક એલિયન બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો હતો.
પીકે ડઘાઈ ગયો.“તું ? કોણ ? મને કેમ અહીયાં ખેંચી લીધો ?”
“હા પીકે કહું છું પણ તું અહીયાં ક્યાંથી ભાઈ ? તને શોધી શોધીને થાકી હારી ગયો છું.”
“ભાઈ ? હું તારો ભાઈ છું ?”
“હા પીકે, આપણા ગ્રહ પરથી માનવગ્રહ પર પહેલાં મને રિસર્ચ માટે મોકલવામાં આવ્યો ત્યારે મને એટલે જાદુને આપણે જેવા છીએ એવા જ એટલે કે રંગરુપમાં મારા જેવા એલિયનને જ મોકલી દીધો. પણ પછી મને બહુ તકલીફ પડી એટલે તને મોકલ્યો ત્યારે તને માનવ જેવો જ બનાવીને મોકલવામાં આવ્યો. એટલે તારી જૂની મેમરી પણ ડિલિટ થઈ ગઈ છે.”
“ઓહોહો ! જાદુ ! તારું નામ જાદુ છે ? તું મારો ભાઈ છે ?”
અને બે ભાઈઓનું સુભગ મિલન જોવા કોઈ હાજર નહોતું.
“જાદુ હવે મને અહીંથી લઈ જા ભાઈ. મને હવે અહીયાં ગમતું નથી. જ્યારથી જગ્ગુથી છૂટો પડ્યો છું ત્યારથી બસ દુનિયા વિરાન થઈ ગઈ છે.”
“પીકે તેં બહુ મોટી ભૂલ કરી ભાઈ. માનવ સાથે આપણા કોઈ સંબંધ નહીં&n
bsp;જોડવાની આપણને બોસ તરફથી કડક સૂચના તો અપાઈ હતી તોય તું જગતજનનીના મોહમાં બંધાયો ?”
“હા ભાઈ ભૂલ તો થઈ. હવે મારે પાછું આપણા ગ્રહ પર જવું છે. મારી પાસે રિમોટ છે અને હવે તો તુંય છે. ચાલ પેલા વાદળ સુધી પહોંચી જઈએ.”
જાદુએ પીકેનો હાથ પકડ્યો, “વર્ષો પછી મને ખોવાયેલો ભાઈ સહીસલામત પાછો મળ્યો છે. તને શોધવા બોસે ચોવીસ કલાક જ આપ્યા હતા. હવે બે કલાક જ બચ્યા છે. મને તો એમ કે તું નહીં જ મળે હવે.”
અને બે વિખૂટા પડી ગયેલા ભાઈઓ હાથમાં હાથ પરોવીને માનવમેદની વચ્ચે નીકળ્યા ત્યારે લોકો આશ્ચર્યસહ્ બંનેને નિહાળી રહ્યા. ઘણાને તો એમ જ થયું કે આ બંને ડિઝનીવર્લ્ડના જ કેરેક્ટર છે.
ભરચક ભીડમાંથી રસ્તો કરતા કરતા બંને ઊંચામાં ઊંચી રાઈડ સુધી પહોંચી ગયા. લાંબીલચક લાઈન જોતાં પીકેએ જાદુ સામે લાચાર નજરે જોયું. પણ જાદુએ આંખથી સધિયારો આપ્યો. જેવી રાઈડ ચાલુ થઈ એવો જાદુએ એક હાથે પીકેનો હાથ પકડીને કૂદકો મારીને સીટ નીચેના બક્કલમાં પોતાનો બીજો હાથ ચોંટાડી દીધો. રાઈડ ઓપરેટરને કાંઈ સમજાય એ પહેલાં તો ઝડપથી એ સીટ સહુથી ટોચ પર પહોંચી ગઈ. આંખના પલકારામાં જાદુ અને પીકેએ સીટને છોડી દીધી અને બરાબર ઉપરથી પસાર થતા વાદળને પકડી લીધું.
“હા..શ. હુ...ર્રે.. જાદુ આપણે આઝાદ થઈ ગયા.”
પીકેએ બ્લ્યુ પ્રકાશિત હીરાવાળું રિમોટ હાથમાં લઈને એનામાં પાસવર્ડ સેટ કર્યો. અને બીજી મિનિટે એક યુ.એફ.ઓ. એમની ઉપર આવીને લેન્ડ થઈ. એના બારણાં ખૂલ્યાં અને બે ભાઈઓ વર્ષો પછી મળવાની અનહદ ખુશી સાથે પોતાના ગ્રહ તરફ રવાના થયા.