Leena Vachhrajani

Tragedy

4  

Leena Vachhrajani

Tragedy

એકસો આઠ

એકસો આઠ

2 mins
351


“અરેરે! આ કૂતરાં રડી રડીને લોહી પી જાય છે.”

“તું સૂઈ જા મંદા. એની તો જાત જ એવી તે રાત પડે જોરમાં આવી જાય.”

“હા, કુમાર તમારી વાત સાચી. પણ આ જગતનું વાતાવરણ હમણાં કેવું ચાલે છે ! રોજ કોઈ ને કોઈ બે ચાર નજીકના લોકોના વિદાયના ઉદ્વેગના સમાચાર મળ્યા કરે તે રાત પડે એમ થાય કે આ દવા લઈને જે પાંચ છ કલાકની સરખી ઊંઘ મળી જાય.”

“હા,મંદા ચાલ હવે ભગવાનનું નામ લઈને સૂઈ જા તો !”

કુમારે ઊભાં થઈને વોચમેનને મોબાઈલ જોડીને કહ્યું,“અરે રામસિંગજી, આ કૂતરાં બહુ રડે છે તે એમને ભગાડો ને ! સૂવાય નથી દેતાં. એમને કાંઈ વ્યથા કથા તો હોય નહીં ! બસ સમજ્યા વગર રાત પડે રડારોળ કરી કરીને આખું વાતાવરણ ભયાનક કરી મૂકે છે.”

“હા,સાહેબ હું ગેટ પર જ છું. એ તો ખાસ કાંઈ નહીં પણ પેલી પંદર દિવસ પહેલાં આ ગેટની બહાર લીમડા નીચે કૂતરી વિયાઈ હતી ને ! એનાં ગલુડિયાં જરા ચાલતાં શીખ્યાં હતાં. તે એમાંથી એક ગલુડિયું મા ની નજર ચૂકાવીને હમણાં દસ મિનિટ પહેલાં રસ્તા પર દોડી ગયું અને બરાબર એ વખતે એકસો આઠ એમ્બ્યુલન્સ કોઈ ગંભીર દર્દીને લઈને પૂરપાટ આવતી હતી એની નીચે બિચારું કચરાઈ ગયું.”

કુમારને ગળે કાંઈક અટક્યું. ત્યાં રામસિંગે કહ્યું,“સાહેબ, રોજ તો કૂતરી બીજાના મોતના ખબર આપવા જાણે રડતી હોય છે પણ આજે પોતાનાં ગલુડિયાંના મોત બાદ પોક મૂકીને રડી રહી છે. હેં સાહેબ ! એને તો એકસો આઠ ન આવે ને !”

કુમારને ફોન મૂકીને રોજ આવતા પરિચીતના અવસાનના સમાચાર સાંભળીને દુ:ખ થતું એના કરતાં રોજ ચકચક દૂધ પીતું માથું હલાવતું મા સાથે ગેલ કરતું પેલું કાળા ધોળા ચટાપટાવાળું માસુમ ગલુડિયું દેખાતાં વધુ ગમગીની આવી ગઈ. હે રામ ! બોલીને એ સૂવાના પ્રયાસમાં પડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy