Bhumi Joshi

Drama

3  

Bhumi Joshi

Drama

એક પત્ર કાળમુખા કોરોનાને

એક પત્ર કાળમુખા કોરોનાને

2 mins
256


કાળમુખા કોરોના,

                 શું કહું તને કાળમુખો ? કે પછી મૃત્યુનો તાંડવ મચાવનાર યમરાજ ? કે પછી હર વ્યક્તિને તારી દહેશતમાં પળ પળ ડરાવનાર પિશાચ ?

દુનિયાના જેટલા ભયાનક અને ખરાબ ઉપનમ આપું એટલા ઓછા પડે ! તારી વિકરાળ અને ખતરનાક સ્વરૂપથી હવે વિશ્વની દરેક વ્યક્તિ થરથર કાંપી રહી છે. તારા ભયાનક સ્વરૂપે તો હવે કુમળા બાળને પણ નથી છોડ્યા ! પૂરું વિશ્વ આજે તારા ભરડામાં સપડાયું છે અને તેમાંથી ઉગરવાની કોશિશ કરી રહ્યું છે.

હવે તો હદની પણ હદ થઈ છે. લોકો તારાથી ત્રાહિમામ થયા છે. શું તને તેમની જરા પણ દયા નથી આવતી ? એક આખું વર્ષ તારાથી રિબાઈ રિબાઈને કેટલાય જીવ પોતાના સ્વજનને આખરી વાર મળ્યા વગર જ પરલોક સિધાવ્યા.. અને ફરી પાછું એ જ ચક્ર ફરી ફરીને આવ્યું.. નવા વર્ષની શરૂઆત તારા રૌદ્ર સ્વરૂપથી જ ! તું શું જાણે એ વેદનાને ! 

પણ હું આ વેદનાને સારી પેઠે જાણું છું કેમ કે મે મારા વ્હાલસોયા પિતાને તારા કાળમુખા મોમાં સમાતા જોયા છે.એની એક એક તકલીફ અને શક્તિ વિહીન લથડતી કાયાની હું સાક્ષી છું. તારા વિકરાળ રૂપની ઝપેટમાં આવી ફક્ત ૧૫ જ દિવસમાં તે મને છોડી હંમેશ માટે પ્રભુના દરબારમાં વિલીન થઈ ગયા. તારું રૂપ એટલું વિકરાળ હતું કે સારામાસારી હોસ્પિટલ અને ડોકટરોની ટીમ તેને બચાવી ન શકી. અને મે મારા મસ્તક પરથી મારા પિતાની છત્રછાયા ગુમાવી દીધી ફક્ત તારા કારણે ! હું એ દિવસને કદી નહિ ભૂલી શકું. આજ પણ મારા આંસુ સૂકાતા નથી.

આ તો થઈ મારી કહાની..પણ તેતો મારી જેમ કેટલીય દીકરીઓને અનાથ કરી હશે ! તો વળી કેટલાયને પોતાના ખૂબ અંગત સ્વજનને ગુમાવવાનો વારો આવ્યો હશે તારી આ મહામારીના કારણે...અને હવે તો તે નિર્દયતા તમામ હદ વટાવી ચૂકી છે કેમ કે હવે તો તું માસુમ બાળકોને પણ નથી છોડતો !

ઓ કોરોના, આજ તું મારી એક વાત કાન ખોલીને સાંભળી લે.. હું અને મારા જેવા કેટલાય લોકો પ્રભુના દરબારમાં રોજ તારાથી મુક્તિ પામવાની અરજ લઈને જઈએ છીએ. તું તારે જેટલી ધમાલ કરવી હોય તે કરી લે. ખૂબ જ જલ્દી તારે અમારી આ પ્રેમ અને સ્નેહની દુનિયાથી અલવિદા થવું પડશે. તારે હંમેશને માટે ખતમ થવું પડશે અને એ સૂરજ ઉગવાને હવે વાર નથી. કેમ કે ઈશ્વરના ઘરમાં દેર છે પણ અંધેર નથી ! તું આ બધું સમજી અને તારી માયાને જેટલી જલ્દી સંકેલી લે તે તારા માટે સારું છે.બાકી એક દિવસ એવો આવશે કે ઊભી પૂંછડીએ ભાગવું પડશે ! આ તમામ નાગરિકો તરફથી મારી તને ચેતવણી છે.

ઈશ્વર તારો હિસાબ જલ્દીથી કરે અને પુરા વિશ્વને તારી આ મહામારીમાંથી ઉગારી શાંતિ અને સુકુંન આપે. મને વિશ્વાસ છે, તારી રૌદ્રતાને હંમેશ માટે ખતમ કરતો સોનાનો સૂરજ જરૂર ઊગશે.....!

                        લી.તને ચેતવણી આપતી અને હર નાગરીકની વાચા બનતી હું.


Rate this content
Log in

Similar gujarati story from Drama