The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Leena Vachhrajani

Drama Fantasy

4  

Leena Vachhrajani

Drama Fantasy

એક કેપ્સ્યુલ અને ચાર જિંદગી

એક કેપ્સ્યુલ અને ચાર જિંદગી

4 mins
23.3K


ડો.રાવ મનોમન રોમાંચ અનુભવતા હતાં. એમની અદ્યતન મશીનરી ધરાવતી પ્રયોગશાળામાં માનવજાતને ઉપયોગી કંઈ કેટલીય શોધ થઈ ચૂકી હતી. છેલ્લા ત્રણ વર્ષથી એ એક એકદમ અલગ ફોર્મ્યુલાની શોધમાં પ્રયોગો કરી રહ્યા હતાં.

પત્નિ મૌસમી બહુ ફિકર કરતી રહેતી, “ડોક્ટરસાહેબ, પોતાના તરફ તો થોડું ધ્યાન આપો. ખાવાપીવાનું ભૂલીને, સમયની સાડીબાર રાખ્યા વગર બસ પ્રયોગોમાં જ રચ્યાપચ્યા રહો એ ન ચાલે. મને બહુ ચિંતા થાય છે. તમારી તબિયત બગડશે તો મારાથી સહન નહીં થાય.”

મંજુનાથ રાવ આવી પ્રેમાળ, કાળજી રાખનાર અર્ધાંગિની મળવા બદલ પોતાને ભાગ્યશાળી સમજતા.“મૌસમી, મને એમ કંઈ ન થાય. તું મારી ફિકરમાં દૂબળી ન થતી જા. તું તારું ધ્યાન રાખ.”

તો દિકરો સાત્યુકિ ડેડીની હર એક વાત આજ્ઞાંકિતપણે માનીને એમને કોઈ રીતે મનદુ:ખ ન થાય એવો ડાહ્યો હતો. દીકરી મનગંગા ડેડીને લાડ કરતાં ધરાતી નહીં. ડેડી થાકીને ગમે તે સમયે ઘેર આવે, મનગંગા ઠંડા પાણીનો જગ લઇને હાજર જ હોય.

ડો.રાવ કુટુંબની હૂંફમાં એકદમ નિશ્ચિત રીતે પોતાના કાર્યક્ષેત્રમાં મશગુલ રહેતા.

આજે પણ સવારથી એ બિકર, કસનળી, રસાયણો સાથે પોતાની દુનિયામાં મસ્ત અને વ્યસ્ત હતાં.

જો આજે આ પ્રયોગ સફળ થાય તો માનવજાત માટે સાવ અણધારી વાત હશે. આજ સુધી કોઈએ શોધ નહોતી કરી એવી શોધ ડો.રાવ કરી ચૂક્યા. 

માનવજાતના મનમાં ચાલી રહેલા વિચારોને એક કેપ્સ્યુલ લેવાથી સાંભળી શકાય એવી દવા એમણે શોધી હતી જે આમ તો ગુનાજગતને બહુ ઉપયોગી નિવડવા માટે જ હતી. ગુનેગારોના મનમાં રહેલી વિકૃતિ કે સત્યઅને માનસિક રોગીને સંભાળતા ડોક્ટરો, કર્મચારીઓ એમના ઈલાજ માટે મન સુધી પહોંચી શકે એ ઉચ્ચ ભાવના એમની હતી. બસ, કાલે સવારે તો રિસર્ચ સેન્ટરમાં જઈને આ ફોર્મ્યુલાના કોપીરાઈટ મેળવી લઈશ. 

અને ...પોતાની વર્ષોની અખંડ મહેનતનું ધાર્યું સફળ પરિણામ મળતાં ડો.રાવનો આનંદ સાતમા આકાશમાં પહોંચી ગયો. મારી આ પ્રગતિ અને સફળતાનો સહુથી વધુ હકદાર મારો પરિવાર છે. એમના ધરખમ સહકાર વગર આ શક્ય જ નહોતું. એટલે મારે સહુથી પહેલી આ ખુશી એમની સાથે જ વહેંચવી જોઇએ. પોતાના પર જ પહેલો પ્રયોગ કરું તો મને પરિવારની લાગણી વગર શબ્દોએ સંભળાશે એ વિચારીને મંજુનાથ અતિરોમાંચિત થઇને ઘેર પહોંચ્યા.

હું આજે બધાને સરપ્રાઇઝ આપીશ. આ સમયે તો કોઈ ઘેર આવીશ એવું ધારે જ નહીં!

હળવેથી લેચ-કીથી દરવાજો ખોલીને બિલ્લીપગે દાખલ થયેલા મંજૂનાથને સહુ પહેલાં ડ્રોઈંગરુમમાં બેઠેલી મૌસમી દેખાઈ. મંજૂનાથ હળવેથી એની નજીક પહોંચ્યા અને મનમાં એક તરંગ લહેરાયો. ત્યાં તો..“આ પાગલ એની પાગલ શોધ વિશે વાતો કરીકરીને લોહી પી જાય છે. દિવસ-રાત એ ધૂનીની સાથે રહીને મારી તો રોબોટ જેવી જિંદગી થઈ ગઈ છે. એ લઘરવઘર માણસ સામે આવે છે તો એટલો ગુસ્સો આવે છે ને પણ એના થકી તો આ એશઆરામ છે એટલે ચલાવી લઉં. બાકી જરાય ગમતો નથી.”

મંજૂનાથને કાન પર વિશ્વાસ ન બેઠો. પોતાની શોધ કોઈ રિવર્સ પરિણામ તો નથી આપતી ને એમ અસમંજસ થઈ. બે પગલાં આગળ ભર્યાં ત્યાં મનગંગા વોર્ડરોબ ઉઘાડીને ડ્રેસ પસંદ કરતી હતી. 

ફરી મનના તાર જોડાયા.“ મારા ડેડી જેવા એબસ્ટ્રેક્ટ માણસ ક્યાંય જોયા નથી. કોઈ સોફિસ્ટિકેશન જ નહીં! કોઈને ઓળખાણ કરાવતાંય એમ્બરેસિંગ લાગે. ન કોઈ શોખ, ન કોઈ એટિટ્યુડ.પોતાની જ વાતમાં મસ્ત. સારું છે એ પ્રયોગશાળામાં જ ઘણો બધો સમય વિતાવે છે. અમે સ્વતંત્ર રીતે જીવી તો શકીએ છીએ! 

આગળ જતાં સાત્યુકિના રુમમાં ભાંગેલ મને ડોકિયું કર્યું. હવે આ શું વિચારે છે એય જાણી લઉં.

સાત્યુકિ ગિટાર પર સરસ ધૂન વગાડી રહ્યો હતો પણ મન કંઈક બીજું જ ગાઈ રહ્યું હતું.“આ મારો પાગલ બાપ મને એના જેવો બનાવવા માગે છે પણ એ જાણતા નથી કે હું આવતા વરસની રાહમાં છું. એના પૈસે ભણીને વિદેશ પહોંચી જવામાં જ મને રસ છે. બીજા કોઈ બંધન મને ફાવશે જ નહીં.”

મંજૂનાથ ધીરેથી સ્ટડીરુમમાં દાખલ થયા. ફ્રિજમાંથી પાણીની બોટલ લઈને ખુરશી પર ગોઠવાયા. મન બહુ અસ્વસ્થ હતું. સાવ અણધાર્યા પરિણામ આવ્યાં હતાંં. પંદર મિનિટ બાદ સ્વસ્થ થઈને ડોક્ટરે લેટરહેડ હાથમાં લીધું.

બીજે દિવસે મૌસમીના હાથમાં એક પત્ર હતો. સાત્યુકિ અને મનગંગા એમાં શું લખ્યું છે એ જાણવા આતુર હતાંં. 

“પ્રિય મૌસમી,તું મને પ્રિય છો પણ હું તને માત્ર નોટ છાપવાનું મશીન લાગું છું એ કાલે ખબર પડી. નવી દવાની સફળ શોધનો પહેલો પ્રયોગ મારા પર કરવાની બહુ મોટી કિંમત મેં ચૂકવી. તમારા ત્રણેયના મનને વાંચવા બહુ ઉત્સુક હતો જાણે મને ખાતરી હતી કે તમે શું વિચારો છો! પણ ત્રણેયના મનને મળ્યા બાદ નકરો વિશ્વાસઘાત મળ્યો. ખેર! તમારી સાહ્યબીભરી જિંદગી અકબંધ રહે એવી વ્યવસ્થા કરતો જાઉં છું. આજ સુધી મારી પ્રતિક્ષા ઉપરછલ્લી કરી પણ હવે ક્યારેય ન કરશો. મને ન દેખાતા અણગમા સાથે પણ મને સાચવ્યો એની કિંમત તમારા એકાઉન્ટમાં જમા કરાવેલી છે. મને શોધશો નહીં. હું હંમેશ માટે વિદેશ જાઉં છું. મારા કામની ત્યાં પણ જરુર છે. અત્યાર સુધી મારી જેમ મૃગજળને અમૃતનો સાગર માનીને જીવતા લાખો-કરોડો નિર્દોષને માટે હવે મારી શોધ ઉપયોગી બનશે. માત્ર સમાજની દ્રષ્ટિએ ગુનેગાર સાબિત થતા લોકો નહીં, મનની દ્રષ્ટિએ વારંવાર પોતાના માણસના પ્રેમ અને વિશ્વાસનું ઠંડે કલેજે ખૂન કરીને ગુનેગાર સાબિત થતા સાવ અંગતને ઉધાડા પાડી મારા જેવા વગર વાંકે સજા પામેલા લોકોને વાસ્તવિકતાથી મેળવી એમને એકલા જ સરસ જીવતાં શીખવાડીશ. 

-તમારો ગણવાનો હક પાછો ખેંચી લીધો છે એવો હવે માત્ર ડોક્ટર મંજૂનાથ.”

મૌસમી, સાત્યુકિ અને મનગંગા પહેલી વાર ગુનાની લાગણી અનુભવતાં રહ્યાં.


Rate this content
Log in

More gujarati story from Leena Vachhrajani

Similar gujarati story from Drama