એક હતા વકીલ ભાગ-૭
એક હતા વકીલ ભાગ-૭
વકીલ ચંદ્રકાંતના પત્ની દિયર વિનોદની ચિંતા કરતા શાહઆલમ પોલીસ સ્ટેશને ફોન કરે છે પણ ફોન કોઈ ઉપાડતા નથી.
હવે આગળ ....
રમાબેન:-'આ વિનોદની ચિંતા છે એટલે ફોન કર્યો હતો. તમે ચંડોળા તળાવ મોકલી દીધો એટલે ચિંતા થવાની જ છે. આ શાહઆલમ પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો પણ કોઈ ઉપાડતા નથી. આ પોલીસો સવાર સવારમાં ટેલિફોન બંધ કરીને બેસી જતા હોય એવું લાગે છે કે પછી ચા નાસ્તો કરવા જતા રહ્યા હશે.'
વકીલ ચંદ્રકાંત હસ્યા અને બોલ્યા:- 'તને કોણે કહ્યું કે શાહ આલમ પોલીસ સ્ટેશને જ ફોન કરવો જોઈએ. મને પુછવું તો હતું.વિનોદ ક્યાં ગયો છે એ મને ખબર છે પણ નજીકમાં ટેલિફોન નથી. કોઈ મોટી દુકાન કે પેટ્રોલ પંપ પણ નહીં હોય. આજકાલ આ મોંઘવારીમાં ટેલિફોન રાખવો પણ પોષાતો નથી. આપણું બીલ કેટલું બધું આવે છે એ ખબર છે ? આટલી બધી વાતો કોણ કરે છે એ ખબર નથી પડતી. હશે ... બીલ ભરવું તો પડે. લાલદરવાજા ભરવા જવું પડે છે. આતો સારું છે કે દર વખતે વિનોદ ભરવા જાય છે."
રમા બહેન:- 'ફોન તમે અને વિનોદ જ વાપરે છે. હાં..કોક દિવસ હું ફોન કરું છું પણ વારંવાર કટ થઈ જાય છે આ ટેલિફોન ખાતાનું કામ સારું નથી લાગતું.'
વકીલ ચંદ્રકાંત:-'સારું સારું..હાં હું અને વિનોદ જ ફોન વાપરીએ છીએ પણ આ વખતે રાજનગર બહારના ફોન બહુ થયા છે એટલે બોલ્યો હતો. બસ મારી ભૂલ છે હવે નહીં બોલું.'
રમા બહેન:-'ના..ના.. બોલો.. હવે બોલો.તમારી ભૂલ થઈ એટલે બોલવાનું બંધ કરો છો. મારી એક બહેનપણી નડિયાદ રહે છે એના ઘરે નવો ટેલિફોન લીધો છે એટલે મેં થોડી ઘણી બે ચાર વખત વાતચીત કરી હતી. પણ આ વિનોદ હજુ સુધી આવ્યો નહીં.ને તમે ફોન કરતા નથી. ક્યાં અને કયા વિસ્તારમાં મોકલ્યો છે એ નજીકના પોલીસ સ્ટેશને ફોન કરો એટલે ખબર પડે. ને આ અમદાવાદ આકાશવાણીના ગુજરાતી સમાચાર કેટલા વાગે આવે છે એ પણ કહી દો એટલે સમાચારમાં જાણી લઉં કે વિનોદ ક્યાં ગયો છે. તમારા પરાક્રમ ઓછા નથી.પછી કહો છો કે ફોનની રાહ જોઉં છું.'
આમ બોલીને રમાબહેન વકીલ પાસે આવ્યા.
રમાબહેન:- 'તમે મને પ્રેમ કરો છો કે નહીં ? તમે મારી લાગણીઓ સમજતા નથી. તમે બંને ઘરમાં નથી હોતા ત્યારે મારે સમય પણ જતો નથી એટલે ફોન પર થોડી વાતચીત કરું છું. બસ આજ પછી હું તમને પુછીને જે ફોન કરીશ.'
વકીલ ચંદ્રકાંત હસીને બોલ્યા:- 'અરે વ્હાલી આવું બોલાય ખરું. પહેલો હક્ક તારો છે. ને તને એકલતા લાગે છે તો વિનોદ માટે સારી છોકરી શોધી કાઢ. તું ટેલિફોન પર વાતચીત કરે તો મને વાંધો નથી. ચાલ હું જ કોઈ એડવોકેટની છોકરી શોધી કાઢીશ. ઓલા નવરંગપુરા હમણાં રહેવા ગયા છે એ વકીલની છોકરી આ વખતે જ બી.એ પાસ થઈ છે. થોડી બટકી છે ને શ્યામ છે પણ એને સાયકલ ચલાવતા આવડે છે. હમણાં એ વકીલનું સ્કૂટર શીખી રહી છે.'
રમા બહેન:- 'બહુ સરસ. અત્યાર સુધી બોલતા નથી.ઓહ...ઓળખી ગઈ. ઓલી જાડી શ્યામાની છોકરી..ના ભાઈ ના...એના પરાક્રમો સાંભળ્યા છે. છતાં પણ આ વિનોદ આવે એટલે એને પુછીને આપણે વકીલના ઘરે જઈશું. મને છોકરી ના ગમી પણ વિનોદને ગમે તો મને વાંધો નથી.'
હજુ વકીલ ચંદ્રકાંત કંઈ બોલે એ પહેલાં જ ટેલિફોનની રીંગ વાગી.
તરત જ વકીલ ચંદ્રકાંતે ફોન ઉપાડ્યો. થોડું સાંભળીને તરત જ રમા બહેનને બુમ પાડી.
વકીલ ચંદ્રકાંત:-'આ તારો ફોન છે.આ તારી નડિયાદની સખી તારી સાથે વાત કરવા માંગે છે.'
રમા બહેન બબડ્યા, 'આ આનંદીને સવાર સવારમાં ફોન કરવાનું સૂઝે છે. બપોરે ઘરમાં કોઈ ના હોય ત્યારે કરતી હોય તો વાતચીત કરવાની મજા આવે. હશે કોઈ અગત્યની વાત હશે કે પછી એની નણંદ વિશે કહેવાની હશે. મારે ટુંકમાં વાત પતાવવી પડશે. વિનોદનો ફોન આવશે તો ખબર પણ નહીં પડે.
રમાબહેને ફોન ઉપાડ્યો, 'હેલ્લો...હાં... બોલ આનંદી. સવાર સવારમાં કોઈ અગત્યની વાત છે ?'
વકીલ ચંદ્રકાંતે જોયું તો રમાના હાવભાવ બદલાઈ રહ્યા હતા.
ચંદ્રકાંત બબડ્યા, 'હવે અડધો કલાક થવાનો છે. શું કરું..આ વિનોદ ફસાઈ તો નહીં ગયો હોય ? મારે પોલીસ કમિશનર સાથે વાત કરવી પડશે.
પાંચ છ મિનિટ વાત કરીને રમા બહેને ફોન મુકી દીધો.
રમા બહેન બોલ્યા:- 'તમારા માટે અગત્યના સમાચાર છે. વિનોદના પરાક્રમ વિશે.'
વકીલ ચંદ્રકાંત:-'શું સમાચાર છે ? ને વિનોદ નડિયાદ પહોંચી ગયો ? તારી સખી આનંદીના ઘરે ? કોઈ પરાક્રમ કર્યા છે ? મેં તો બીજા કામે મોકલ્યો હતો. બહુ બેદરકાર છે. કોઈ છોકરી પાછળ નડિયાદ પહોંચી ગયો હશે ને એ કદાચ દિવાળી પોળ પાસે રહેતી હશે.'
રમા બહેન:- 'લો તમને કેવીરીતે ખબર પડી કે વિનોદ દિવાળી પોળ પહોંચી ગયો હશે ? વિનોદ નડિયાદ નથી પણ એના અમદાવાદના પરાક્રમ છેક નડિયાદ સુધી પહોંચી ગયા છે.'
વકીલ ચંદ્રકાંત:-'ઓહ... એટલે આપણો વિનોદ ફેમસ થઈ ગયો. હવે એને જલ્દી છોકરી મળી જશે. હાશ મારી ચિંતા દૂર થઈ. પણ તને કયા સમાચાર મળ્યા ?'
( ક્રમશઃ)
