Lalit Parikh

Drama Inspirational Thriller

3  

Lalit Parikh

Drama Inspirational Thriller

દસની દાસ્તાન

દસની દાસ્તાન

5 mins
7.6K



શાંતિ સદન વૃદ્ધાશ્રમનું સંકુલ. આ સંકુલની સહુથી મોટી વિશેષતા એ કે તેમાં પ્રવેશતા જ એક સરસ મઝાનું, અપૂર્વ શાંતિ પ્રદાન કરે એવું, સર્વ ધર્મને આવરી લેતું મંદિર. તેમાં શંકર-પાર્વતી પણ હોય, સીતારામ પણ હોય, રાધાકૃષ્ણ પણ હોય, મહાવીર સ્વામી પણ હોય, સ્વામીનારાયણ પણ હોય, જલારામ બાપા પણ હોય, સાઈબાબા પણ હોય, રામ દેવ પીર પણ હોય. સવાર સાંજ આરતી થાય અને પ્રસાદ પણ પૂજારી વહેંચે. સંકુલ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓમાંથી પણ કોઈ કોઈ મંદિર- પ્રેમી-પ્રસાદ- પ્રેમી શાળાના સાડાસાતનો ઘંટ વાગે તે પહેલા આરતી સમયે તો દોડાદોડ આવી જ જાય. મને આ વૃદ્ધાશ્રમ તેમ જ તેનું આ મંદિર સંકુલ બહુ જ ગમી ગયેલું. હું તો ભારતભ્રમણ માટે આવું ત્યારે આ જ સંકુલમાં રહેવું પસંદ કરું. સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા જેવું લાગે. છેલ્લા દાયકામાંથી પસાર થનારાઓની રામકહાણીઓ સાંભળી તેમાંથી મને વાર્તાઓ પણ જડે એ અતિરિક્ત લાભ. સાથે જ જોડાયેલી સંલગ્ન શાળાના વિદ્યાર્થીઓની હોસ્ટલના કારણે વાતાવરણ જીવંત અને જાગતું લાગે, પ્રસન્ન અને પ્રફુલ્લિત લાગે. તેમની રમત ગમત તેમ જ ડ્રિલના પિરિયડોમાં તો મને, ચેતન અને ઊર્જા પ્રસરાવતા, એ ચેતનવંતા ભવિષ્યના નાગરિકોમાં ભારતનું ઉજ્જવળ ભવિષ્ય દેખાય. સાત્વિક આહાર, પોલ્યુશન-ફ્રી વાતાવરણ, સારું પુસ્તકાલય-વાચનાલય -આ બધું મને ગમવા લાગ્યું.

એક સાંજે એક દેખાવડો વિદ્યાર્થી મારી સાથે સાથે મારા રૂમ સુધી આવ્યો અને જતી વખતે મને હાથ જોડી જય શ્રી કૃષ્ણ કહી વિનયપૂર્વક કહેવા લાગ્યો: ”સર, મને એક દસ રૂપિયાની મદદ કરશો? હું શનિ -રવિની રજામાં ઘરે જઈશ એટલે લઇ આવીશ અને તમને એ દસ રૂપિયા પાછા આપી દઈશ. મેં પૂછ્યું: "શેના માટે જોઈએ છે તને આ દસ રૂપિયા?” તો તે બોલ્યો: "મારી નોટબુક ખોવાઈ ગઈ છે અને મારે નવી નોટબુક ખરીદી અડધી રાત સુધી જાગીને તેમાં કોઈ દોસ્તની નોટબુકમાંથી ઇતિહાસની અત્યાર સુધીની નોટ્સ ઉતારવાની છે.”

મેં તરત જ મારું વોલેટ ખોલી તેને દસ રૂપિયાની નોટ આપી. શબ્દોમાં અને આંખોથી આભાર પ્રદર્શિત કરી એ હોસ્ટેલ તરફ દોડ્યો. મને સ્વાભાવિક રીતે નવાઈ લાગી કે તે સ્કુલના સંકુલમાં, મંદિરની પણ પહેલા સ્થિત એવા સ્ટેશનરી સ્ટોર તરફ એ કેમ ન ગયો. કદાચ મિત્ર પાસેથી તેની નોટબુક લઈને તેના જેવી જ નોટબુક લેવાની તેને જરૂરત જણાઈ હોય એમ મેં વિચાર્યું. ભોજન ઉપરાંત હું ગાર્ડનના ઝૂલા પર બેસી કોઈ વડીલ સાથે વાતચીત કરી સમય પસાર કરી રહ્યો હતો કે તેણે મને કહ્યું કહ્યું: "આ વૃદ્ધાશ્રમ સાથે આ જે હોસ્ટલ જોડાયેલી છે તેના કારણે ક્યારેક ક્યારેક પ્રોબ્લમ થાય છે. હાલતા ચાલતા અને છાશવારે કોઈને કોઈ બહાનું કરી છોકરાઓ દસ વીસ તો ક્યારેક પચાસ રૂપિયા પણ માંગી લઇ આપણને મૂરખ બનાવે છે. બધા એક સરખા જ લાગે સફેદ યુનિફોર્મમાં -ઓળખાય પણ નહિ અને ઓળખી લઇ આપણે પાછા માંગીએ તો ગલ્લા તલ્લા કરે, ઘરેથી લાવેલ ક્યાંક પડી ગયા, ખોવાઈ ગયા અને એવા એવા બહાના કરતા રહી આપણને ઉલ્લૂ બનાવે. સાચવજો જરા.”

હું મારા રૂમમાં સૂવા ગયો ત્યારે મને મોડે સુધી ઊંઘ ન આવી.

એ છોકરા વિષે વિચાર આવ્યો કે એ તો પેલા વડીલે કહ્યું એવો નહિ હોય ને? સવાલ દસ રૂપિયાનો નહિ, ભવિષ્યના નાગરિકના નૈતિક મૂલ્યોનો હતો. બીજા દિવસે એ મંદિરમાં ન સવારે દેખાયો કે ન સાંજે દેખાયો કે ન રમતગમત ય ડ્રિલના પીરિયડમાં દેખાયો. અને હું મારી યાદશક્તિના સહારે તેને ઓળખી તો લઈશ જ એવો આત્મવિશ્વાસ લઇ તેને બીજે ત્રીજે દિવસે શોધતો રહ્યો. એકાએક મેં તેને ચોથે દિવસે પુસ્તકાલયમાં બાળકોનું કોઈ સામયિક વાંચતો જોયો. તેની પાસે જઈ મેં તેને પૂછ્યું: "કેમ દોસ્ત, તારી નવી નોટબુકમાં તેં નોટ્સ ઉતારી લીધી કે નહિ? ઘરે જઈને દસ રૂપિયા મને પાછા આપવા માટે લાવ્યો કે નહિ?”

તે ગભરાઈને બોલ્યો:”કયા દસ રૂપિયા? કઈ નોટ્સ?”

હવે મને લાગ્યું કે તે ચાલાકી કરી રહ્યો છે. મેં તેનો હાથ પકડીને કહ્યું: "જો હું બહુ જ કડક પ્રોફેસર હતો અને ગુંડા જેવા વિદ્યાર્થીઓને પણ મારી રીતે સીધા દોર કરતો હતો. મારા દીકરાઓને પણ મેં કડક શિસ્તમાં મોટા કર્યા છે અને આજે એ બધા અમેરિકામાં ડોક્ટર અને એન્જીનીયર તરીકે સફળ અને સાર્થક જીવન જીવે છે. હું તેમની પાસેથી જ અહીં ભારત ફરવા દર વર્ષે આવું છું. સવાલ દસ રૂપિયાનો નથી, નૈતિક સિદ્ધાંતનો છે. બોલ ક્યારે પાછા આપે છે મારા રૂપિયા?” અને મેં તેને ડરાવતા તમાચો મારવા જેવું એક્શન કર્યું. તમારા રેક્ટરને ફરિયાદ કરીને અને તમારા માબાપ સુધી પહોંચી તને સીધો દોર કરીને જ રહીશ. ભારતનો ભાવી નાગરિક આવો અને આટલો લુચ્ચો? “

તે બહુ જ નમ્રતાપૂર્વક, સરળ -ભોળાભાવે બોલ્યો: "તમને અકારણ મારા માટે સંદેહ થઇ રહ્યો છે. હા…. હવે મને સમજાય છે……. મારો જોડિયો ભાઈ, જે મારાથી એક ક્લાસ પાછળ છે, તેણે તમારી પાસેથી લીધા હોઈ શકે. હું તેને આજે જ કહીશ. તમને તમારા પૈસા પાછા મળી જશે. એ નહિ આપે તો હું આપી દઈશ. તેને ટાઢિયો તાવ આવે છે એટલે તે તમને મળવા કે પૈસા પાછા આપવા નહિ આવી શક્યો હોય.”

મેં તેનું નામ પણ પૂછી લીધું તો બોલ્યો “તેનું નામ છે કનુ અને મારું નામ છે મનુ.”

મને બહુ જ અફસોસ થયો કે મેં જરૂરત કરતા વધારે તેને દબડાવી દીધો, મેં તેની માફી માંગતા કહ્યું: "બેટા, સોરી. કાલે સંક્રાંત છે લે, આ પચાસ રૂપિયા, મારા તરફથી પતંગ ઉડાડજે.”

બીજે દિવસે પણ તેનો ભાઈ ન આવ્યો તે ન જ આવ્યો અને મેં જયારે આ વાત પેલા વડીલને કરી તો એ બોલ્યા: "આ છોકરાઓ ખોટા નામ બોલે, ખોટી ઉપજાવી કાઢેલ વાતો કરી આપણને વૃદ્ધોને મામા બનાવી પોતાને હોંશિયાર સમજ્યા કરે. તમે તો દસમાં છેતરાયા પણ હું તો પહેલે જ દિવસે પૂરા પચાસ રૂપિયામાં છેતરાયેલો. તમે તો દસમાં છેતરી પાછા સામે ચાલી બીજા પચાસમાં છેતરાયા!”

મને સમજાયું નહિ કે આટલા બધા વિદ્યાર્થીઓના ટોળામાંથી કનુ-મનુના નામ લઈને હું રેક્ટરને ફરિયાદ કેવી રીતે કરી શકીશ. મનમાં જીદ આવી ગઈ કે ઓળખપરેડ કરીને પણ તે ચાલાક ધૂર્ત વિદ્યાર્થીને ઓળખીને -પકડીને તો રહીશ જ. તેના માબાપ સુધી પણ જવાની મનોમન તૈયારી કરી લીધી.

પરંતુ બીજે દિવસે સવારે મેં એ બેઉ ભાઈઓને મંદિરમાં જોયા, તરત ઓળખ્યા અને આરતી પૂરી થઇ ન થઇ કે તે બેઉ મારી પાસે આવ્યા અને બોલ્યા: "અમને માફ કરજો. મારા ભાઈ પછી મને પણ તાવ આવી ગયો અને એટલે તમારી પાસે ન આવી શક્યા. આ તમારા દસ રૂપિયા અને તમે પતંગ ઉડાવવા માટે આપેલ પચાસ રૂપિયા પણ પાછા. કારણ કે તાવના કારણે પતંગ ઉડાવી જ ન શકાઈ.”

મને થવું જોઈએ તે કરતા વધારે દુખ થયું કે પેલા વડીલે મારું બ્રેઈનવોશ કરી મારા મનમાં શંકા-કુશંકાઓના વાદળા ઊભા કરી આ બેઉ ભલા ભોળા બાળકો વિષે, તેમની નૈતિકતા વિષે, તેમના ભવિષ્યના નાગરિકપણા વિષે મારા મનમાં ખોટા ખોટા વિચારો પેદા કર્યા.

દસ રૂપિયાની પાછળ ચાલેલી દાસ્તાન માટે સાચો દોષી તો હું હતો એ મને બરાબર સમજાઈ ગયું. મેં ફરી એ બેઉ જોડિયા ભાઈઓની માફી માંગી મારા વ્યથિત-કલુષિત મનને શાંત કર્યું.

(સત્ય કથા)


Rate this content
Log in

Similar gujarati story from Drama