Abid Khanusia

Tragedy

4  

Abid Khanusia

Tragedy

દરિયે લાગ્યો દવ

દરિયે લાગ્યો દવ

13 mins
89


  એક સુંદર આથમતી સંધ્યાએ મુંબઈની જુહુ ચોપાટીની પોચી અને ભીની રેતીમાં ધીમા ડગ માંડતો શેખર દરિયાની ભેજવાળી હવાનો આનંદ લઈ રહ્યો હતો. ઘૂઘવતાં દરિયાના મોજાં મધુર શોર કરતાં કરતાં શેખરના પગને હળવેથી અડી પાછા વળી જતાં હતા. મોજાંના ફિણનાં નિશાન તેના સ્લીપર પહેરેલા પગ પર ચોંટી તેના ચરણોનો સ્પર્શ કર્યાની નિશાની છોડી જતાં હતા. તેના હેન્ડઝ ફ્રીનો એક છેડો મોબાઈલ સાથે જોડાયેલો હતો. સાંભળવા માટેના બે છેડા (ઈયર પ્લગ્સ )તેના કાન પર ચોંટેલા હતા. તે મધુર હિન્દી ફિલ્મી ગીતો સાંભળી રહ્યો હતો. તેણે ટી શર્ટ અને બરમુડા શોર્ટ્સ પહેર્યા હતા. તે તેની મસ્તીમાં મસ્ત હતો.

  સમુદ્રની રેતી પર બેઠેલા એક બુઝુર્ગ પાસેથી તે પસાર થયો. તે વડીલે શેખરને ઉદ્દેશીને કહ્યું,  “એક્સક્યુઝ મી, યંગ મેન !” પરંતુ સંગીતના મધુર ગુંજારવમાં વડીલના શબ્દો તેના કાનો સુધી પહોચી શક્યા નહીં. બે ચાર ડગલાં ભર્યા પછી તેને લાગ્યું કે તે વડીલે તેને કંઈક કહ્યું છે. કદાચ તેમને કોઈ મદદની જરૂર હશે તેવું વિચારી તે પાછો ફર્યો. તેણે પોતાના ઈયર પ્લગ્સ કાનમાંથી કાઢી પોતાની ડોકમાં ભરાવ્યા. તે પેલા વડીલ પાસે આવી બોલ્યો, “મે આઈ હેલ્પ યુ, અંકલ ?” 

શેખરનું અમેરિકન ઉચ્ચારોવાળું અંગ્રેજી સાંભળી અને વિદેશીઓ જેવો પહેરવેશ જોઈ તે વડીલ થોડીક ક્ષણો તેની સામે હસતાં ચહેરાએ જોઈ રહ્યા. તેમને અમેરીકામાં રહેતા તેમના દિકરા હરીશની યાદ આવી ગઈ. તેમણે વિચાર્યું કદાચ હરીશ આ યુવાનથી ત્રણ ચાર વર્ષ મોટો હશે. 

તે વડીલ બોલ્યા, “યસ યંગ મેન, આઈ નીડ યોર હેલ્પ.”

શેખરને વડીલની ભાષા અને નમ્રતા જોઈ તેમના પર માન ઉપજ્યું. તે બોલ્યો, “વૉટ કેન આઈ ડુ ફોર યુ, અંકલ ?”

વડીલે પોતાની ઓળખાણ આપતાં કહ્યું, “આઈ એમ આનંદ ગોર. આઈ એમ અ રિટાયર્ડ ઓફિસર ઓફ ગવર્નમેંટ ઓફ ગુજરાત.” પછી પોતાનો એક હાથ શેખર તરફ લંબાવી બોલ્યા, “વુડ યુ હેલ્પ મી ટુ સ્ટેન્ડ અપ ?”  

શેખરે વડીલનો હાથ પકડી તેમને ઊભા થવામાં મદદ કરી અને ગુજરાતીમાં બોલ્યો, “અંકલ, મારુ નામ શેખર શાહ છે. હું ગુજરાતી છું.” વડીલ શેખરનો ટેકો લઈ ઊભા થયા. તેમણે રેતી પર પડેલી પોતાની વોકિંગ સ્ટિક અને ડાયરી તેમના હાથમાં આપવા શેખરને ઈશારો કર્યો. શેખરે વડીલને વોકિંગ સ્ટિક આપી અને ડાયરી પોતાના હાથમાં રાખી જેથી તેમને ચાલવામાં સુગમતા રહે. 

આનંદ ગોર બોલ્યા, “માય સન, તારો ખૂબ ખૂબ આભાર.” પછી આગળ બોલ્યા, “શરીરમાં વા હોવાના કારણે નીચે બેઠા પછી ઊભા થવામાં તકલીફ પડે છે. મારી ઉંમર ચુંમોતેર વર્ષ છે. ઉંમરના આ પડાવે હવે શરીર કેટલો સાથ આપે ? આમ છતાં બીજી કોઈ બીમારી ન હોવાથી તંદુરસ્તી ભોગવી રહ્યો છું.”

શેખર: ”અંકલ આપે સાંજના સમયે એકલા ફરવા ન આવવું જોઈએ.”

આનંદ ગોરે શેખર સાથે ચાલતાં ચાલતાં કહ્યું, “તારી વાત સાચી છે બેટા. મારો દિકરો હરીશ અમેરીકા રહે છે. તને જોઈને બે પળ તો મને એવું લાગ્યું હતું જાણે મારો હરીશ મારી સામે આવીને ઊભો છે માટે હું તારી સામે થોડી વાર તાકી રહ્યો હતો. તે છેલ્લે ત્રણ વર્ષ પહેલાં તારી આંટીના અવસાન વખતે આવ્યો હતો. તે હજુ પરણ્યો નથી. તે વખતે તેણે મને તેની સાથે અમેરિકા લઈ જવા ખૂબ આગ્રહ કર્યો હતો પરંતુ હું ત્યારે એકદમ તંદુરસ્ત હોવાથી તેની સાથે ગયો ન હતો. તારી આંટીના ગયા પછી હું ઝડપથી વૃધ્ધ થઈ રહ્યો છું. મને હવે તેની ખૂબ જરૂર છે. મારો સન અમેરીકાને કાયમ માટે અલવિદા કહીને મારી સાથે રહેવા આવી જવાનો છે. આમ તો તે બે મહિના પહેલાં આવવાનો હતો. કદાચ કોઈ અગત્યનું કામ આવી ગયું હશે એટલે તે હજુ આવી શક્યો નથી. હું તેના આવવાની રાહ જોઈ રહ્યો છું.”

એક પળના વિલંબ પછી આનંદ ગોર બોલ્યા, “એકલા એકલા ઘરમાં રહેવું ગમતું નથી એટલે સાંજે આ જગાએ આવીને બેસું છું. બે ત્રણ કલાક ખૂબ આનંદથી પસાર થઈ જાય છે. મારુ ઘર અહી નજીકમાં જ છે. ફક્ત દસ મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ છે. અહી આવવા જવામાં મને કોઈ તકલીફ પડતી નથી. તે બહાને થોડીક ઈવનિંગ વોક પણ થઈ જાય છે. તારા જેવો કોઈ યુવાન રોજ મને ઊભા થવામાં મદદ કરે છે. ઊભા થયા પછી ચાલવામાં કોઈ તકલીફ પડતી નથી.”  

બંને જણા ચાલતા ચાલતા બિરલા લેન રોડ સુધી પહોંચી ગયા હતા. આનંદ ગોર આજે થાક્યા હોય તેવું લાગતું હતું. પાસેથી પસાર થતી એક ખાલી ઓટો ઊભી રખાવી તેમાં બેસી શેખરને બાય કહી તે ચાલ્યા ગયા. તેમના ગયા પછી શેખરને આનંદ ગોરની ડાયરી તેની પાસે રહી ગઈ હોવાનું ભાન થયું. તેને થયું અંકલ રોજ જુહુ બીચ પર આવે જ છે માટે આવતી કાલે તેમની ડાયરી પરત કરી દેશે. તે ડાયરી લઈને પોતાના ઘરે આવી ગયો. 

શેખરના પિતાજીને એક્સપોર્ટ ઈમ્પોર્ટનો ધંધો હતો. તેના મોટાભાઈ તેના ડેડી સાથે ધંધામાં જોડાઈ ગયા હતા. શેખર ભણવા માટે અમેરિકા ગયો હતો. ભણી રહ્યા પછી તે કેલિફોર્નિયાની એક મલ્ટી નેશનલ કંપનીમાં જોબ કરતો હતો. લગ્ન માટે છોકરી પસંદ કરવા માટે તેના માતા પિતાએ તેને ભારત બોલાવ્યો હતો. તેને ભારત આવ્યાને હજુ ત્રણ જ દિવસ થયા હતા. આવતા રવિવારે એક ધનાઢ્ય કુટુંબની છોકરી જોવા જવાનું નક્કી થયું હતું. આજે મંગળવાર હતો. રવિવાર સુધી તેની પાસે કોઈ વિશેષ કામ ન હતું. ડિનર પતાવી તે પોતાના રૂમમાં ગયો. 

આનંદ અંકલની ડાયરી તેના પલંગ પર પડી હતી. તેણે પલંગમાં સૂતાં સૂતાં આનંદ અંકલની ડાયરીના પાનાં ઊથલાવ્યા. ડાયરીના પહેલા પાને તેમનું સરનામું અને ઘરનો લેન્ડ લાઈન નંબર લખેલો હતો. ડાયરીના ટાઈટલ પેજ પર ચઢાવેલા પ્લાસ્ટિકના કવરના ખાનામાં આનંદ અંકલ અને આંટીનો ફોટો હતો. તેણે કુતૂહલ વશ ડાયરીના આગળનું પાનું ખોલ્યું. તે પાનાં પર મોટા અક્ષરે લખ્યું હતું ‘ ચિ. હરીશને આશીર્વાદ અને શુભેચ્છાઓ સાથે ...... ‘ ત્યાર પછીના પાનાં પર લગભગ સાત વર્ષ પહેલાંની તારીખ નીચે લખ્યું હતું, ‘ચિ. હરેશને એરપોર્ટ પર મૂકીને પાછા ફરતી વખતે દયાની (આંટી) આંખો ભરાઈ આવી હતી. પોતાના એકલા સંતાનથી જુદા થવાની વેદના માતા સિવાય બીજું કોણ અનુભવી શકે ?. મારુ હૈયું પણ ભરાઈ આવ્યું હતું પણ હું મારા મન અને આંસુઓ પર કાબૂ મેળવી શક્યો હતો. હરીશ તારી જુદાઈ અમને જરૂર સંતાપશે. તું અમારા જીવનમાં ખૂબ મોડો આવ્યો છે, બેટા. કેટલી દવાઓ, દોરા-ધાગા, બાધા-આખડી, કેટલાયે મંદિરોની પ્રદક્ષિણા, સાધુ-સંતોના આશીર્વાદ, કેટલાય દેવોની મન્નતો પછી તું તારી માતાના પેટમાં મારો અંશ લઈને પાંગર્યો હતો. અમે તને અમારાથી દૂર કરવા ઈચ્છતા જ ન હતા પણ તારી ખુશી માટે અમે તને પરદેશ જવાની છૂટ આપી છે. તું સુખી રહે તેવા આશીર્વાદ છે.” આનંદ અંકલના અક્ષરો સુંદર ન હતા.  

પછીના પાનાં પર ખૂબ સુંદર અક્ષરોમાં હરીશની સતાવી રહેલી યાદ માટે ખૂબ ભાવનાત્મક લખાણ લખાયેલું હતું. કદાચ તે લખાણ દયા આંટીનું હતું. તે લખાણ વાંચી શેખરને આજે પહેલી વાર માતાના હદયને પોતાના બાળકોનો વિયોગ કેટલો સતાવતો હોય છે તેનો ખ્યાલ આવ્યો હતો. 

વચ્ચેના થોડા પાનાઓ ઉપર હરીશના બાળપણ અને કિશોરાવસ્થાના કેટલાક યાદગાર કિસ્સાઓ નોંધવામાં આવ્યા હતા. એક પાનાં પર બે દિવસ સુધી હરીશનો ફોન પર સંપર્ક ન થઈ શકવાના કારણે માતા પિતા બંને કેટલાં વિહવળ થઈ ગયા હતા તેનું હૃદયસ્પર્શી લખાણ હતું. 

થોડા પાનાં પછી આંટીનું લખાણ હતું. હરીશ તેને ગમતી કોઈ છોકરી સાથે પ્રભુતામાં પગલાં પાડે તેવો સંદેશો હતો. ડાયરીનું લખાણ જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ શેખરને લાગ્યું કે આ લખાણ માતા પિતાની પોતાના વહાલસોયા પુત્રના જીવનના ખાટા મીઠા યાદગાર પ્રસંગો, પુત્ર સાથે વિતાવેલી યાદગાર ક્ષણોનો અમુલ્ય દસ્તાવેજ હતો. પોતાના પુત્રના સુખદ ભવિષ્ય માટે તેમના દિલમાં રહેલી ભાવનાઓનો શબ્દે શબ્દે પડઘો પડતો હતો. 

એક પાનાં પર દયા આંટીના અવસાન પછી આનંદ અંકલ કેવા એકાકી થઈ ગયા હતા અને જીવનસાથી વિનાનો ખાલીપો પ્રયત્નો કરવા છતાં ભરી શક્યા ન હતા તેનું હદયસ્પર્શી ચિત્રણ હતું. મોટી ઉંમરે ઘરભંગ થયેલા વડીલની વેદના વાંચી શેખરની આંખો ભરાઈ આવી હતી.

થોડા પાનાં પછી હરીશના અમેરિકાને કાયમ માટે અલવિદા કહી ભારત આવવાના નિર્ણયથી તેમના હદયમાં કેટલી ખુશી થઈ હતી તેવું લખાણ હતું. તેમણે તે દિવસના લખાણના અંતે લખ્યું હતું   ‘હરીશ જો આજે તારી મમ્મી જીવતી હોત તો અમે તને લેવા છેક અમેરિકા આવ્યા હોત !’ આ શબ્દોમાં તેમના પુત્રની પરત ફરવાની ખુશી અને પોતાની પત્નીની ગેરહાજરીની વેદના છલકતી હતી. આ લખાણ લખતી વખતે તેમની આંખોમાંથી વહેલા હર્ષના કે દુખના આંસુંઓ પૈકીનું એકાદ આંસુ કાગળ પર પડ્યું હોય અને તેને હાથથી લૂછી નાખ્યું હોવાનો ડાઘ જણાતો હતો.  

પછીના થોડા પાનાંમાં આનંદ અંકલે હરીશના આગમન માટે કરેલી તૈયારીઓ, તેના લગ્ન માટે કેટલીક છોકરીઓના બાયોડેટા એકઠા કરી રાખ્યા હોવાની વિગતો અને ઘરમાં તેના રૂમની સજાવટ કર્યાની વિગતો હતી.

પછીના પાનાં પર તેની ફલાઈટની ટિકિટ બુક થાય એટલે તેની વિગતો હરીશ તરતજ મોકલી આપશે તેવો આશાવાદ લખાયો હતો. 

ત્યાર પછીના તરતના પાનાં પર ‘હરીશ તારો ફોન પર કેમ સંપર્ક થતો નથી !?. તારો ફોન બે દિવસથી કેમ સતત બંધ આવે છે ?. મને તારી ખૂબ ચિંતા થાય છે.‘ તેવું ચિંતા ભર્યું લખાણ હતું. 

ત્યાર પછી આગળ કોઈ લખાણ ન હતું. ડાયરીના બાકીના પાનાં કોરાં હતાં.

ડાયરી વાંચવાનું પૂરું થયું ત્યારે શેખરને લાગ્યું કે ડાયરીમાં લખેલી બાબતો હરીશને કાગળમાં લખી મોકલીને તેને દુ:ખી કરવાના બદલે હરીશ જ્યારે પણ આ ડાયરી વાંચે ત્યારે તેના મા બાપ તેની સાથે ભાવનાઓથી કેવાં જોડાયેલાં હતાં તેનો અહેસાસ કરાવવાનો હશે અથવા તેમના હદયની આશાઓ, આકાંક્ષાઓ, એષણાઓ, લાગણીઓનો ઊભરો કાગળ પર ઠાલવી હૈયું હળવું કરવાનો પ્રયાસ હશે.   

ડાયરીના બેક સાઈડના પ્લાસ્ટિકના કવરમાં બે ફોટા હતા. એક હરીશનો બાળપણનો ફોટો હતો અને બીજો ફોટો તેને ડિગ્રી મળી તેના કોનવોકેશનનો(પદવીદાન સમારંભ) હતો. હરીશ શરીરે કાળો ગાઉન અને માથે સોનેરી પટ્ટી વાળી ચોરસ સપાટ મથાળાની વિશિષ્ટ કેપ પહેરી હાસ્ય સાથે પદવી સ્વીકારી રહ્યો હતો. ફોટામાં તે ખૂબ આનંદિત લાગી રહ્યો હતો.

હરીશનો બીજો ફોટો જોઈ શેખર અચંબિત થઈ ગયો. આ ફોટો તેના સિનિયરનો હતો. હરીશે અમેરિકા જઈ બીજા ગુજ્જુઓની જેમ પોતાનું હુલામણું નામ (Nickname) હેરીસન કરી નાખ્યું હતું. તે પોતાની જાતને હેરીસન તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરતો હતો. ઓફિસના બધા સભ્યો તેને હેરીસન કહીને સંબોધતા હતા.

હરીશનો ફોટો જોઈ શેખર ગમગીન થઈ ગયો. તેના ચહેરા પર વિષાદ ફરી વાળ્યો. તેની આંખોમાં અશ્રુ ઊભરી આવ્યા. થોડા સમય પહેલાં હરીશ સાથે બનેલો દુખદ પ્રસંગ તેની નજરો સમક્ષ તરવરી ઉઠ્યો. 

હરીશનું ઘર કેલિફોર્નિયાના જંગલ પાસે આવેલું હતું. કેલિફોર્નિયાના જંગલોમાં ઘણા વર્ષોથી અવાર નવાર આગ સળગી ઊઠે છે. સરકારના સતત પ્રયત્નો છતાં આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી.

 (આ આગ આજે પણ સળગી રહી છે. અમેરિકા જેવો સમૃધ્ધ અને સાધનસંપન્ન દેશ પણ કુદરત આગળ કેટલો લાચાર છે તે વિચારવા જેવુ છે !) 

હરીશ તેનો સિનિયર હતો. તેણે ભારત પાછા ફરવા માટે કંપનીમાંથી રાજીનામું મૂક્યું હતું. કંપનીના મેનેજરે શેખરને તે પદ પર બઢતી આપવાનું નક્કી કર્યું હતું. મેનેજરે હરીશને પોતાના કામથી શેખરને માહિતગાર કરવાનું કહ્યું હતું. તે ભારત પાછો ફરવાનો હતો તેના પંદર દિવસ પહેલાંથી હરીશ અને શેખર સતત સાથે કામ કરી રહ્યા હતા. તે ભારત જવા ખૂબ આતુર હતો. નોકરીના છેલ્લા દિવસની બીજી રાતની તેની ફ્લાઈટ હતી. તેના પાપાને સરપ્રાઈઝ આપવા માટે તેણે તેના ભારત આવવાની તારીખ તેમને જણાવી ન હતી. નોકરીના છેલ્લા દિવસે તેણે થોડાક અંગત મિત્રોને પાર્ટી આપી હતી. શેખર પણ તે પાર્ટીમાં સામેલ હતો. પાર્ટી પતાવી બધાની વિદાય લઈ તે મોડી રાત્રે ઘર તરફ રવાના થયો હતો.

હરીશ જે કોલોનીમાં રહેતો હતો તે મોડી રાત્રે આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી તેવા સમાચાર શેખરે સવારે ન્યૂઝ ચેનલમાં જોયા. મૃતકોની યાદીમાં હરીશનું નામ હતું. શેખરને તેના સિનિયર હરીશના દુ:ખદ મૃત્યુના સમાચાર જાણી આઘાત લાગ્યો હતો. તે ઝડપથી તૈયાર થઈ હરીશના રહેઠાણે ગયો હતો. 

પોલીસ પાસેથી તેને જાણવા મળ્યું હતું કે જંગલોની આગ ધીમે ધીમે કોલોની તરફ આગળ વધી રહી હોવાથી તેના રહીશોને સાવધ કરવામાં આવ્યા હતા. દરેકને પોતાનો કિંમતી સમાન લઈ ઘર ખાલી કરી સલામત સ્થળે જવા તાકીદ કરવામાં આવી હતી. હરીશ ઘરે આવ્યો ત્યારે તેના ઘરથી ચાર ઘર દૂર આગ આવી પહોંચી હતી. પોલીસે તેને ઘરમાં ન જવાની સલાહ આપી હતી. હરીશે પોલીસને સમજાવ્યું કે તે આવતી કાલે ભારત જતો હોવાથી તેનો માલસામાન પેક કરેલો તૈયાર છે જે લઈને પાંચ મિનિટમાં તે પાછો આવી જશે. વાતાવરણમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાયેલા હતા. હવા એકદમ પ્રદુષિત હતી. તે પોતાનો સમાન લેવા ઘરમાં દાખલ થયો. તેના ઘરમાં ધુમાડાના કારણે કાર્બન મોનોઑક્સાઈડનું પ્રમાણ વધી ગયું હતું. તે ઘરમાં દાખલ થતાંની સાથે જ બેહોશ થઈ નીચે પડી ગયો. થોડી વારમાં તેના ઘર સુધી આગ પહોંચી ગઈ. તે બેહોશીની હાલતમાં જ આગમાં હોમાઈ ગયો હતો. 

આનંદ અંકલની ડાયરી વાંચ્યા પછી હરીશ સાથેનો તેમનો લગાવ કેટલો ઊંડો છે તે સમજી ગયેલા શેખરને હરીશના અપમૃત્યુના સમાચાર તેમને કેવી રીતે આપવા તેની વિમાસણ થઈ. સમાચાર આપવા પણ જરૂરી હતા. ખૂબ વિચારણાના અંતે તેણે આનંદ અંકલને એક પત્ર લખ્યો જેમાં હરીશ ઘેર આવવા કેટલો ઉત્સાહિત હતો અને કેવા સંજોગોમાં તેનું અવસાન થયું હતું તેની વિગતો લખી. તે પત્ર તેણે એક નાના પરબીડિયામાં મૂકી તેને ગુંદરથી ચોંટાડી દીધું. ભારે હૈયે તેણે તે પરબીડિયું ડાયરીના બેક સાઈડના પ્લાસ્ટિક કવરમાં મૂક્યું.

 બીજા દિવસે સાંજે તે જુહુ ચોપાટી પર પહોંચી ગયો. તે વ્યગ્રતામાં થોડો વહેલો આવી ગયો હતો. આનંદ અંકલ હજુ આવ્યા ન હતા. તે આનંદ અંકલના આવવાની રાહ જોતો થોડે દૂર ઊભો રહ્યો. તે ખૂબ ગમગીન હતો. દરિયા પરથી આવતો પવન આજે તેને ઠંડક આપવાને બદલે દઝાડતો હતો. જાણે દરિયામાં દવ લાગ્યો હોય અને તેમાંથી આગની અગન જવાળાઓ ઉઠતી હોય તેમ સમુદ્ર પરથી આવતી હવા તેના શરીરને ઠંડક આપવાના બદલે અગન પેદા કરતી હતી. તેને થતું હતું કે તે આજે આનંદ અંકલનો સામનો નહિ કરી શકે. ભલે અડધા કલાકનો જ પરિચય હતો પરંતુ તેમની ડાયરી વાંચ્યા પછી જાણે તેમની સાથે ત્રીસ વર્ષની ઓળખાણ હોય તેવું તે અનુભવી રહ્યો હતો. જાણે તે આનંદ અંકલ સાથે ત્રીસ વર્ષની એક એક ક્ષણ જીવ્યો હોય તેવી સંમવેદના અનુભવી રહ્યો હતો.

થોડીવારમાં આનંદ અંકલ આવી પહોંચ્યા. તેઓ સ્વભાવ મુજબ આનંદમાં હતા. તેમણે દરિયાની રેતી પર પોતાનું સ્થાન લઈ લીધું. તેમની વોકિંગ સ્ટિક તેમના પગ પર મૂકી દરિયાની સુંદરતા નિહારવા નજર ફેંકી. શેખર ઉદાસ મને તેમની પાસે પહોંચ્યો. શેખરને જોઈ આનંદ અંકલની ખુશી બેવડાઈ ગઈ. 

આનંદ અંકલ : “હેલો યંગમેન ! હાવ આર યુ ? તને આજે ફરીથી જોવાની મેં આશા રાખી ન હતી. તું આજે ઉદાસ દેખાય છે. એની પ્રોબ્લેમ ?”

શેખર આનંદ અંકલના શબ્દોનો યોગ્ય પડઘો ન પાડી શક્યો. તે વડીલ પાસે રેતી પર બેસી ગયો. તે આનંદ અંકલનો એક હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો, “અંકલ આઈ એમ ઓકે. ગઈકાલે આપની ડાયરી મારી પાસે રહી ગઈ હતી જે અનામત આપને પરત કરવા આવ્યો છું.”

આનંદ અંકલ : “ઓહ! મને તો યાદ જ નથી. આ ડાયરીના કવરનું પૂઠું જુદું પડી ગયું હતું એટલે એક બુક બાઈન્ડરને તૈયાર કરવા થોડાક દિવસ પહેલાં આપી આવ્યો હતો. કાલે અહીં આવવા માટે ત્યાંથી નીકળ્યો એટલે તેણે મને ડાયરી પકડાવી દીધી હતી.”

આનંદ અંકલે તે ડાયરી લઈ તેમની બાજુમાં મૂકી દીધી. શેખરને હતું કે આનંદ અંકલ કદાચ ડાયરી ખોલીને જોશે અથવા તેણે તે વાંચી હતી કે કેમ તે બાબતે જરૂર પૂછશે, પણ તેવું ન થયું એટલે આનંદને રાહત થઈ. 

     અંધારું થવા આવ્યું એટલે બંને ચાલતાં ચાલતાં રોડ સુધી આવ્યા. આજે આનંદ અંકલે ચાલતા જ ઘરે જવાનું પસંદ કર્યું. છૂટા પડતી વખતે શેખરે યાદ કરીને ધડકતા હદયે ડાયરી આનંદ અંકલના હાથમાં થમાવી દીધી. 

શેખરને તે આખી રાત ઊંઘ ન આવી. આનંદ અંકલ તેનો પત્ર વાંચશે તો તેમની શી પ્રતિક્રિયા હશે !. તે પોતાના વહાલસોયા પૂત્રના અપમૃત્યુનો આઘાત સહી શકશે કે નહીં ? તે અંગે તેને ખૂબ ચિંતા સતાવી રહી હતી. તેણે પત્રમાં પોતાનો મોબાઈલ નંબર લખ્યો હતો જેથી પત્ર વાંચ્યા પછી તેમને તે બાબતે કઈ પૂછવું હોય તો સુગમતા રહે.  

બીજા દિવસની સાંજ પડી ત્યાં સુધી શેખરનું મન ઉચાટમાં હતું. સાંજ પડે આનંદ અંકલને મળી તેમની પ્રતિક્રિયા જાણવાની તેને ખૂબ આતુરતા હતી.  

ગઈકાલની જેમ આજે પણ શેખર વહેલો ચોપાટી પર પહોંચી ગયો હતો. ગઈકાલ કરતાં પણ વધારે વ્યગ્ર હતો. તેની આંખો આનંદ અંકલના આવવાના નિયમિત માર્ગ પર ચોંટેલી હતી. અંધારું થયું ત્યાં સુધી આનંદ અંકલ ન દેખાયા એટલે શેખરને ધ્રાસ્કો પડ્યો. તેણે આનંદ અંકલને મળવા તેમના ઘરે જવાનું નક્કી કર્યું.

આનંદ અંકલના ઘરનું સરનામું જણાવી તે ઓટો રીક્ષામાં સવાર થયો. તેમની સોસાયટીના નાકે રીક્ષા ઊભી રહી ત્યારે તેણે લોકોને ટોળે વાળીને ઊભેલા જોયા. તેણે એક વડીલને આનંદ અંકલનું ઘર ક્યાં આવ્યું તે પૂછ્યું. તે વડીલ શેખર સામે અચરજ ભરી નજર નાખી બોલ્યા, “તમારે આનંદ અંકલનું શું કામ છે ? તમે તેમના સબંધી છો ?”

શેખરને વડીલની પ્રશ્ન પૂછવાની રીત થોડી અજુગતિ લાગી તેમ છતાં તેણે મૃદુતાથી કહ્યુ, “આનંદ અંકલ મારા સબંધી નથી. બે દિવસ પહેલાં જુહુ ચોપાટી પર મારી તેમની સાથે પહેલી મુલાકાત થઈ હતી. ગઈ કાલે પણ મને મળ્યા હતા. આજે તે ફરવા માટે ચોપાટી પર નથી આવ્યા એટલે હું તેમને મળવા આવ્યો છું.”

પેલા વડીલ બોલ્યા, “ભાઈ તમે થોડા મોડા પડ્યા છો. આનંદભાઈનું બે કલાક પહેલાં હાર્ટ એટેકના કારણે અવસાન થઈ ગયું છે.”

વડીલની વાત સાંભળી શેખરનું મોંઢું પડી ગયું. તેને લાગ્યું ચોક્કસ તેનો પત્ર વાંચી આનંદ અંકલ પોતાના પુત્રના અપમૃત્યુનો આઘાત જીરવી શકયા નહીં હોય. આનંદ અંકલના મૃત્યુ માટે તે પોતાને જવાબદાર ગણી પોતાની જાતને આનંદ અંકલનો ગુનેગાર માનવા લાગ્યો. તેની આંખો ભીની થઈ ગઈ. 

તે બોલ્યો, “કાલે તો આનંદ અંકલ સાવ સાજા નરવા હતા.”

વડીલ : “અરે ! બે કલાક પહેલાં એકદમ સ્વસ્થ અને આનંદમાં હતા. તેમના પુત્ર હરીશની અમેરિકાથી આવવાની તે બે મહિનાથી રાહ જોઈ રહ્યા હતા. તેના કોઈ સમાચાર ન હતા. આજની ટપાલમાં વિદેશ મંત્રાલય તરફથી કેલિફોર્નિયામાં હરીશનું આકસ્મિત નિધન થઈ જવાનો પત્ર મળ્યો જે વાંચીને તેમને એકાએક છાતીમાં દુખાવો ઉપડયો હતો. પાડોશીએ તાત્કાલિક ડોકટરને ફોન કરી બોલાવ્યા પરંતુ ડોક્ટર આવે તે પહેલાં પુત્ર વિયોગમાં તેમનો આત્મા પરલોક સીધાવી ગયો હતો. એક આનંદી માણસના દુ:ખદ નિધનથી આખી સોસાયટી આઘાતમાં છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના છે.”

વડીલની વાત સાંભળી શેખરે જાણ્યું કે આનંદ અંકલના મૃત્યુ માટે તે જવાબદાર નથી તેથી તેના મનને થોડી રાહત થઈ. તે આનંદ અંકલના ઘરે ગયો. તેમના પાર્થિવ દેહ પાસે ઘીનો દીવો સળગતો હતો. ટીવીના સ્ટેન્ડ પર આનંદ અંકલની ડાયરી પડેલી તેણે જોઈ. ડાયરી વચ્ચે એક લાંબુ સરકારી પરબડિયું દેખાતું હતું. તે સમજી ગયો કે તે આજની ટપાલમાં આવેલો વિદેશ મંત્રાલયનો પત્ર હશે જે વાંચીને આનંદ અંકલે તેને પોતાની ડાયરીમાં મૂક્યો હશે. 

તેમના સબંધીઓ આનંદ અંકલના દેહને અવ્વલ મંજિલે પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા હતા. શેખર ભાવથી તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી મનમાં સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતો કરતો ત્યાંથી રવાના થયો. 

તેને થયું જો તેની લખેલી વિગતો વાંચી આનંદ અંકલને કઇં થઈ ગયું હોત તો તે આખી જિંદગી પોતાની જાતને તેમનો ગુનેગાર માની પોતાની જાતને માફ ન કરી શકત. આનંદ અંકલના નિધન માટે નિમિત્ત ન બનાવવા માટે તેણે ભગવાનનો આભાર માન્યો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy