દર્દની દવા
દર્દની દવા
નેહાને દરરોજ પુસ્તકાલયની મુલાકાત અચૂક લેવી પડતી હતી. દિવસ ઉગ્યા વગર રહે તો નેહા લાયબ્રેરીમાં ગયા વગર રહે ! જો એ બંધ હોય તો બીજી કોઈ વસ્તુ લેવાનું બહાનું બનાવીને પણ નેહાનાં પગલાં પુસ્તકાલયના પગથિયા પર હોય હોય ને હોય!! નેહાને ગમતું પુસ્તકાલય એના ઘરથી ફક્ત પાંચસો ડગલાં કહી શકાય એટલું જ દૂર હતું. નેહા માટે આ પાંચસો ડગલાં એક ત્રણસો પેજની ‘નવલકથા’ વાંચવા બરાબર હતાં.
નેહા એટલે ગુલાબનું હસતું, રમતું, નમણું ફૂલ જોઈ લો. એની ચાલવાની સ્ટાઈલ અને હેર સ્ટાઈલ હમેશાં મેચ થાતી. એ ચાલતી ઓછી અને ડાન્સના જેવાં સ્ટેપ વધારે લેતી એમ કહીએ તો ચાલે. એ જ્યારે ઊંચી એડીના સેન્ડલ પહેરીને ચાલતી ત્યારે એના વાળ એની ચાલમાં તાલ પુરાવતા. એ જયારે ચશ્માના કાચની આરપાર જોતી ત્યારે કેટલાય લોકોની આરપાર પણ જોઈ લેતી. લબાડ વ્યક્તિને તો એ ચાર મીટર પહેલેથી જ ઓળખી જતી. સ્નેહીઓ અને સગા-સબંધીઓને લાગણીઓમાં તરબતર રાખતી પણ લુખાઓ તો એને મનભરીને જોવાનું પણ સાહસ ન કરી શકતા.
આજે પણ નેહા પુસ્તક બદલાવવા માટે ઘરથી નીકળી ગઈ હતી. જેવી એ ઘરની બહાર નીકળી એટલે પડોશી રાજુ એની કારમાં જ બેઠો હતો, નેહાને જોવા માટે એણે ગાડીનો કાચ સાફ હતો તો પણ જે દિશામાંથી નેહા પસાર થાવની હતી એ બાજુનો કાચ સાફ કરવા લાગ્યો. આઈસ્ક્રીમની લારીવાળો કેસર કારણ વગર લારીને આઘા પાછી કરવા માંડયો. આગળ જાતાં એક થોડા દૂરના સબંધી મળી ગયા, વાત કરવાના બહાને નેહાને પૂછી લીધું , “ તારા પપ્પા ઘેર જ છે ને” વાસ્તવમાં એમને ખબર જ હતી કે એના પપ્પા આ ટાઈમે ક્યારેય બહાર જતા નથી, તો પણ નેહાથી થોડી વાત તો કરવી જ એવું એમને નક્કી કર્યું લાગતું હતું.
નેહા એના નિયત સમયે પુસ્તકાલયમાં પહોચી,એ પહોચી ત્યારે એનો મિત્ર નયન આવી ગયો હતો. પુસ્તકાલયની ગોઠવણી મન ભાવન હતી. જૂના સમયના રાજાએ એમના શોખ માટે વસાવેલા પુસ્તકો આ લાયબ્રેરીમાં જ હતાં. કાચની પુસ્તકો મુકવાની અલમારીઓ અને ખુરશીઓ જૂના જમાના લાકડામાં
થી બનેલાં હતાં. એક ખૂણામાં બે રોયલ ખુરશીઓ પર આધુનિક પ્રેમી જોડાએ બેઠક લીધી. એટલી ધીમેથી વાતો કરતાં હતાં કે એમના હોઠ ફફડતા હતા કે નહિ એ પ્રેમી સિવાયના માણસો ક્યારેય કહી ન શકે. મુલાયમ હાથનો અજાણતાં સ્પર્શ કરતો હોય એ રીતે નયન નેહાને સ્પર્શીને બાજૂના કબાટ પાસેનાં પુસ્તકો જોવા લાગ્યો.
નયન ઉભો થયો એના પછી તરત જ નેહા પણ એ જ લાઈનમાં જઈને ઊભી રહી. નયન પુસ્તકો જોતો હતો અને નેહા નયન ને મન ભરીને જોતી હતી. પછીએ નીચેની લાઈનનાં પુસ્તકો જોતી હોય એમ નયનના પગ પાસે બેસીને ઘડીક પુસ્તકો તો ઘડીકમાં નયનના મુખને જોઈ રહી. એક બીજાની પ્રેમાળ આંખોમાંથી પ્રેમની સરવાણીઓ આપોઆપ વહી રહી હતી. બંને પંખીડાં એક બીજાને પસંદ કરી ચૂક્યાં હતાં પણ હજી સુધી એમણે આજનું પુસ્તક પસંદ કર્યું ન હતું.
પુસ્તકાલયમાં નેહા –નયનને રોકાવાનો સમય પૂરો થયો, બંને એમની ખુશીઓ પુસ્તકોમાં છુપાવીને ઘેર ચાલ્યા. બંને ઘેર જઈને પુસ્તક વાંચતાં-વાંચતાં એમના માનીતા પાત્રમાં પરોવાઈ જતાં.
આડોશી- પાડોશીઓને ખબર કે નેહાને પુસ્તકો સાથે પ્રેમ છે, નેહાને પણ ખબર હતી કે એ પુસ્તકોના જેટલો જ પ્રેમ નયનને કરતી હતી. નેહા વાંચવામાં લીન હતી એ સમયે બાજુવાળાં કાશ્મિરા માસી આવ્યાં. નેહા પુસ્તક બાજુમાં મુકીને એમની સાથે વાતે વળી. “ બેટા હું તને એક વાત પૂછવા આવી હતી” નેહા ઊંડા વિચારોમાં પડી ગઈ કે કોઈ દિવસ નહીને આજે આ માસીને વળી શું પૂછવાનું સુજ્યું ? મનમાં કેટલાય સંશય થયા કોઈ આડી અવળી વાત . . ?
નેહા બેટા સાંભળ એક કહીને માસીએ કહ્યું :મને આ પગના સાંધાઓમાં થોડું દર્દ થાય છે, મને ખબર છે કે તું ચોપડીઓ બહુ વાંચે તો મારા માટે કોઈ એવી ચોપડી લેતી આવજે ને કે જે વાંચીને આપણે આ દર્દની કોઈ ઘરગથ્થુ દવા કરી શકીએ.
નેહા મનમાંને મનમાં હસવા લાગી એને એમ થયું કે હું આ માસીને કઈ રીતે સમજાવું કે દર્દની દવા માટે કરીને તો હું પુસ્તકો વાંચે છે.