PRAVIN MAKWANA

Tragedy Inspirational

3  

PRAVIN MAKWANA

Tragedy Inspirational

દંભ

દંભ

5 mins
316


કાલિંદીની આંખોમાંથી ચોધાર આંસુ સરી રહ્યા હતાં. આઈ.સી.યુ.માં હતી. ત્યારે એને ભાન જ ન હતું. પરંતુ સ્પેશિયલ રૂમમાં આવ્યા પછી શારીરિક પીડા તો એ ભૂલી ગઈ હતી.હવે એને માનસિક પીડા જ સતાવી રહી હતી. ડોકટરે દવા લખીને કાગળ આપતાં કહ્યું, "આમાં લખેલી દવા તમે કોઈ પાસે મંગાવી લેજો."

કાલિંદીને ક્યારનું ય રડવું આવતું હતું. પણ હવે તો ધ્રૂસ્કે ચઢી ગઈ. ડોકટરે કહ્યું, "બા, તમને હવે ઘણું જ સારૂ છે. બાકી આટલું બધું દાઝી ગયેલી વ્યક્તિ ભાગ્યે જ બચે. હવે પંદરેક દિવસમાં તમે ઘેર જઈ શકશો."

"ડોકટર મારે કોઈ ચોવીસ કલાકની બાઈ ની જરૂર છે. જે માંગશે એ પૈસા આપી દઈશ."

બીજે દિવસે જ એક બાઈ કાલિંદીની સેવામાં હાજર થઈ ગઈ. 

કાલિંદીને થયું કે એણે શું ધાર્યું હતું અને શું થઈ ગયું ! એ તો દરેક જણને કહેતી હતી, "મારે તો કંઈ ચિંતા જ નહીં, મારે તો ત્રણ ત્રણ દીકરાઓ એટલે ઘરમાં રૂમઝુમ કરતી ત્રણ ત્રણ વહુઓ આવશે. હું તો ઘરની બધી જવાબદારી વહુઓને સોંપી ભગવાનનું નામ લઈશ.સુખ તો છોકરાંવાળાને જ હોય. બાકી તો કહેવત છે ને કે ,"દીકરીની મા રાણીને ઘડપણમાં ભરે પાણી." છોકરાવાળા જેવું કોઇ સુખી નહિ એવું કાલિંદીને અભિમાન હતું. પરંતુ એની બહેનપણીને બે દીકરીઓ જ હતી એ કહેતી કે નસીબદારને ત્યાં દીકરી હોય. 

"ના, દીકરીઓ તો પરણી ને સાસરે જતી રહે. જયારે દીકરાઓ તો આપણી પાસે જ રહે."

એના પહેલાં દીકરાના લગ્ન થયા ત્યારે એ કેટલી ખુશ હતી ! દીકરો પણ ખુશ હતો. દીકરો દુકાનેથી આવે એટલે પત્ની સાથે કલબમાં જતો રહેતો. એટલું જ નહિ, ત્યાં જમીને મોડેથી ઘેર પાછા ફરતાં. એ વાત કાલિંદીને બિલકુલ ગમતી નહિ. પહેલાં ધીમા સ્વરમાં સમજાવવાની કોશિશ કરી. પરંતુ આ વાતે ધીરે ધીરે ઉગ્ર રૂપ ધારણ કર્યુ. પરિણામ સ્વરૂપ એક દિવસ દીકરાએ કહ્યું, "મમ્મી, તારી રોજ રોજની કટ કટ થી હું કંટાળી ગયો છું એટલે હું જુદો જઉં છું. મમ્મી, અમારી પણ જિંદગી છે. અમને અમારી રીતે જીવવા દે. પપ્પાએ અમારા ત્રણેય ભાઈઓના નામે ફલેટ લીધા છે એટલે અમે ત્યાં રહેવા જઈએ છીએ. રોજનો કકળાટ મને નથી ગમતો."

ત્યારબાદ બીજા દીકરાના લગ્ન થયા ત્યારે કાલિંદી ખુશ હતી. એને તો જાણી જોઈને ગરીબ ઘરની છોકરી પસંદ કરી જેથી મોજશોખ પાછળ ખાસ ખર્ચ ના કરે. પરંતુ ત્યાં પણ એની ધારણા ખોટી પડી. બંને જણા કાર લઈને 'લોંગ ડ્રાઈવ'

પર નીકળી જતાં. એ તો એમનો જાણે નિત્યક્રમ બની ગયો હતો. તેથી જ કાલિંદીએ કહ્યું, "કાર પેટ્રોલથી ચાલે છે પાણીથી નહિ" પરંતુ દીકરાવહુના વર્તનમાં કંઈ જ ફરક ના પડ્યો. એક દિવસ દીકરાએ કહ્યું કે, "મમ્મી, તારો સ્વભાવ જ કચકચિયો છે. અમને તારી જોડે નહિ ભાવે. અમે જુદા જતા રહીએ છીએ. મારે નામે પણ એક બંગલો છે. અમને તારી સાથે નહિ ફાવે. "

આ સાંભળતાં જ કાલિંદી ગુસ્સે થતાં બોલી, "તમને, નાનેથી મોટા આટલાં માટે કર્યા ? તમારી પાછળ અમે અમારા મોજશોખ જતાં કર્યા. પૈસાના પાણી કર્યા એનો આવો બદલો ! મને હતું કે દીકરાઓ મારી ઘડપણની લાકડી બની રહેશે. "

"મમ્મી, તમે અમારા માટે કર્યું એ કંઈ ઉપકાર નથી કર્યો. દરેક માબાપ પોતાનાં સંતાનો માટે કરતાં જ હોય છે. પછી એ ગરીબ હોય કે પૈસાદાર. અને બીજી વાત આપણી દુકાન બાપદાદાના વખતની છે. આ વૈભવ તો દાદાના પપ્પાના વખતનો છે. પપ્પાને તો તૈયાર ગાદીએ બેસવા મળેલું. હાલ તો અમે ભાઈઓએ અમારી મહેનતથી વધુ સારી રીતે દુકાન માં નફો ઘણો વધાર્યો છે. બાકી પપ્પા તો ગ્રેજ્યુએટ પણ ન હતાં. મમ્મી મને વધારે બોલવા માટે મજબૂર ના કરતાં."પરંતુ ત્રીજાે દીકરો હોંશિયાર હતો. એને બહારગામ નોકરી સ્વીકારી લીધી એટલુંજ નહિ પણ એની સાથે ભણતી છોકરી સાથે લગ્ન પણ કરી લીધા. બહુ જ વ્યવસ્થિત રીતે જુદો થઈ ગયો. 

જયારે કાલિંદીની બહેનપણી કાલિંદીને મળવા આવી ત્યારે બોલી, "હું તો તારા સમાચાર સાંભળી તરત તને મળવા આવવાની હતી પરંતુ મને ચિકનગુનિયા થઈ ગયેલો. મારી બંને દીકરીઓ અને જમાઈઓ વારાફરતી રહેવા આવી ગયા. મને ઉઠવા જ દેતા ન હતાં. આજે પણ હું એમને કહ્યા વગર આવી છું. મારાથી ચાલતું ન હતું ત્યારે મને ઉંચકી લેતા હતાં."

કાલિંદીને એકલી જોઈ એની બહેનપણી ઘણુ બધુ સમજી ગઈ હતી. પણ એ બહેનપણીની દુઃખતી નસ દબાવવા માંગતી ન હતી. 

કાલિંદીને થતું કે દીકરાઓ હોવાથી કોઈ એની ચાકરી કરવા તૈયાર ન હતું. દરેક જણ કહેતું, "આપણે શું ? એના દીકરાઓ ચાકરી કરે. મિલકત તો દીકરાઓ જ લેવાના છે ને ! આપણે શું !" બસ, આ વિચારે જ કોઈ આવતું નહિ. આવે ખરા પણ ખબર જોઈને જતા રહે. મદદ કરવા તો કોઈ તૈયાર જ ન હતું. કારણ દરેકને પૈસાનું અભિમાન હતું.. જયારે રજા આપી ત્યારે સ્વમાન બાજુએ મુકી એ મોટા દીકરાને ત્યાં ગઈ પણ એની પત્નીએ કહી દીધું, "તારી મા એક ખૂણામાં પડી રહેશે અને એને બે ટાઈમ જમવું હોય તો તમે રસોઈવાળી રાખી લેજો."

આખરે એની દેરાણીએ કહ્યું, "તમે આખો દિવસ મારે ત્યાં જ રહેજો. સૂવા માટે દીકરાને ત્યાં જજો. આપણા બધા ના ઘર નજીક છે કોઈને વહેમ પણ નહિ જાય અને ઘરની આબરૂ સચવાશે."

આમ પણ પૈસાદારને દંભ કરવો કે પોતાની મોટાઈ સમાજમાં બતાવવાની ટેવ એમના લોહીમાં હોય છે. બળી ગયેલા હાથ પર કોઈ દવા લગાવવા પણ તૈયાર ન હતું. તેથી રોજના ૧૫૦ રૂપિયા આપીને બાઈ રાખી હતી. એને યાદ આવ્યું કે એની બહેનપણીથી ચલાતું ન હતું ત્યારે એના જમાઈ એને ઉંચકીને લઈ જતાં હતાં. જયારે પેટના દીકરાઓ બે ટાઈમ રસોઈ કરીને જમાડવા પણ તૈયાર ન હતાં. ત્રણ ત્રણ છોકરાંઓ હોવાનું એને કેટલું ગુમાન હતું ! 

એની બહેનપણી એને મળવા આવી ત્યારે એ એની દેરાણી ને ત્યાં હતી. એની દેરાણી પણ મોટાઈ બતાવતાં કહેતી હતી." અમે સરખે સરખા એટલે આખો દિવસ વાતોમાં પસાર થઈ જાય બાકી તો એની ત્રણેય વહુઓ એને એમના ઘેર બોલાવવા આગ્રહ કરે છે. "

કાલિંદીની બહેનપણીને વાસ્તવિકતા ખબર હતી.એટલે કાલિંદીની રજા લેતાં બોલી, "કાલિંદી, તું સાજી થાય ત્યારે તમે આખું કુટુંબ એકવાર ગુમાન દેવ જઈને દર્શન કરી આવજો. પૂરી શ્રધ્ધાથી. સ્વયંભૂ મૂર્તિ છે. "

ત્યારબાદ મનમાં જ બોલી, "ગુમાન દેવ ના દર્શન કરવા જજો. જેથી તમારૂ ગુમાન ઉતરી જાય. પ્રભુ રાજી થશે. ભગવાનની પાસે જવું હોય તો તમારું ગુમાન ઉતારીને જજો. આટલો બધો દંભ શા કાજે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy