દિવાળીની ભેટ
દિવાળીની ભેટ
અમૃતાના લગ્ન થયા પછીની પહેલી દિવાળી સાસરે કરીને એ પિયર આવી. ભાઈ બીજનો દિવસ હતો. સમગ્ર પરિવાર એકઠો થયો હતો. તેના પપ્પા ગુજરી ગયાને પણ વર્ષ જ થયું હતું. અમૃતાના પિતાજીની જવાબદારી હવે એનો ભાઈ રાકેશ ઉપાડતો હતો. એનો ભાઈ પ્રેમ કરવામાં અને વહેવાર કરવામાં કોઈ કસર છોડતો નહોતો. હસી ખુશીથી આખો પરિવાર ભાઈ બીજ મનાવતો હતો. જમી લીધા પછી અમૃતાએ હસતા હસતાં ભાઈ પાસે દિવાળીની ભેટ માંગી. ભાઈએ કહ્યું ,"થોભ હમણાંજ આપું છું". કહી રૂમમાં ગયો અને કબાટમાંથી એક ઢીંગલી લઈ આવ્યો અને કહ્યું, " બેન લે તારી આ દિવાળીની ભેટ. ખરેખર તો આપણા પપ્પાએ વર્ષો પહેલા લઈ રાખી હતી અને એ તને એમના હાથે આપવા માંગતા હતાં પણ એમને અચાનક એટેક આવ્યો તારી વિદાય બાદ તરત જ. એટલે એ તો આપી શક્યા નહી. એટલે પિતા તરીકે હું જ તને આપું છું. "
અમૃતાને આશ્ચર્ય થયું. ઢીંગલી કેમ પપ્પા આપવા માંગતા હતા? અને ભાઈએ સાથે પપ્પાએ લખેલી એક ચિઠ્ઠી પણ આપી. એણે ખોલીને વાંચવા માંડી.
દીકરી અમૃતા,
યાદ છે, જ્યારે તું છ વર્ષની હતી ત્યારે હું તને મેળામાં ફરવા લઈ ગયો હતો. ત્યાં તારી નજર એક ઢીંગલી પર પડી હતી. માંજરી આંખો અને સોનેરી વાળવાળી ઢીંગલી માટે તે ખૂબ જ જીદ કરેલી. અને મેં તને નહિ અપાવેલી. તું ખૂબ જ રડેલી. ઘરે આવીને જમેલી પણ નહીં. યાદ છે? આજે કહું છું કે મેં તને કેમ ઢીંગલી નહિ અપાવેલી. પૈસાના અભાવે મેં નહોતી અપાવેલી એવું નહોતું. પૈસા તો હતાં પણ મારે તને તારી મનગમતી વસ્તુ વગર જિંદગીમાં જીવતા શીખવવું હતું. જેથી કરીને ભવિષ્યમાં તું દુઃખી ના થાય. અને બીજે દિવસે જ એ ઢીંગલી હું લઈ આવ્યો હતો. એ ઢીંગલી હું તને વિદાય વખતે જ આપવાનો હતો પણ એટેક આવી જતા નહિ આપી શક્યો એટલે કદાચ હું નહિ જીવું તો આ પત્રને ઢીંગલી તારો ભાઈ આપશે. અને આશા છે કે તને તારી મનગમતી ઢીંગલી મળી ગઈ હશે. વિદાય વખતે હું બીજો જીવનનો પાઠ શીખવું છું મારા દીકરા જે રીતે તું મનગમતી વસ્તુ વગર જીવતા શીખી ગઈ છે તે જ રીતે તારી આ મનગમતી વ્યક્તિ, તારા પપ્પા વગર પણ જીવતા શીખી લેજે. "
અને પત્ર પૂરો કરીને અમૃતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ભાઈએ એને છાની રાખી એટલું જ કહ્યું.." બેના ઢીંગલીમાં પપ્પાનું પ્રતિબિંબ જોઈ ને જિંદગી ગુજારજે. "
અને જિંદગીની સર્વશ્રેષ્ઠ દિવાળીની ભેટ લઈ એ સાસરે જવા નીકળી ત્યારે હજારો દીપ એને આવકારવા ઝળહળી ઉઠ્યા હતા. અને એક મંત્ર હવામાં ગુંજી ઉઠ્યો,
" તમસો મા જ્યોતિર્ગમય. "