દિવાળી
દિવાળી


મિત્રો આપણાં જીવનમાં કોઈને કોઈ તહેવારનું એક અલગ મહત્વ રહેલું છે, અલગ - અલગ તહેવારો આપણે ઉજવીએ છીએ, પણ આ બધાં તહેવારોમાંથી "દિવાળી" એ એવો તહેવાર છે કે જે મોટાભાગનાં લોકોને પસંદ હોય, નાના બાળકોથી માંડીને વૃધ્ધ લોકોને પણ દિવાળીનો તહેવાર ગમતો જ હોય છે! આ તહેવાર સાથે મારા નાનપણની એક યાદ જોડાયેલ છે, જે હાલમાં પણ મારા હૃદયમાં ધબકે છે..!
કાળીચૌદશનો દિવસ, લગભગ રાતનાં આઠ વાગ્યાં હતાં, હું અને મારો નાનો ભાઈ સાગર ઘરે હતાં અને પપ્પા દુકાનેથી આવે તેની રાહ જોઈ રહ્યાં હતાં, પપ્પા ઘરે આવે તે પહેલાં તો જેવી રીતે સરકાર બજેટ બહાર પાડે, તેમ અમે અલગ - અલગ ફટાકડાનું બજેટ તૈયાર કરી દીધું હતું, કયાં - કયાં ? કેટલાં - કેટલાં ? ફટાકડા લેવાં એની યાદી મારી રફ બુકનાં એક પેજમાં કરી લીધેલ હતી, બસ હવે એ બજેટ માટે મારા પપ્પાની જ પરવાનગી બાકી હતી...જો તે "હા" એવું બોલશે તો અમારૂ બજેટ ફાઇનલ થઈ ગયું સમજવાનું!
હું અને મારો નાનોભાઈ પપ્પાની એટલી બધી આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં, કે એ સમયે અમને એક એક સેકન્ડ પણ એક એક કલાક જેવી લાગી રહી હતી, હું અને મારો નાનો ભાઈ ઘરનાં દરવાજાની બહાર આવેલ ઓટલા પર કાચું બજેટ લઈને બેઠા હતાં, એવામાં મારા પપ્પાની સાઈકલની ટંકોરીનો અવાજ સંભળાયો, એ સાઈકલની ટંકોરીનો અવાજ સાંભળતાની સાથે જ અમારા બંનેમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ આવી ગયો, કદાચ હાલની પેઢી અને આવનાર પેઢી માટે "સાઈકલની ટંકોરીનો અવાજ" સાંભળવો એ એક સ્વપન જેવું જ હશે...કારણ કે હાલમાં પણ ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કે જેમાં સાઇકલ હશેઆથી અમે દોડીને પપ્પા પાસે ગયાં, અને ફટાકડા લેવાં માટે જીદ કરવાં લાગ્યાં, અને અમે ફટાકડા માટે જે બજેટ તૈયાર કરેલ હતું, તે બજેટ બતાવ્યું...જે જોઈને પપ્પાએ "ઓકે" એવું કહ્યું તો જાણે અમે હાઇકોર્ટ માં કેસ જીતી ગયાં હોય તેટલો આનંદ થયો!
કોઈ દિવસ શાંતિથી ન જમતાં હું અને મારો ભાઈ એકદમ શાંતિથી અને ઝડપથી જમવા લાગ્યાં, અને જમ્યા બાદ, મારો નાનો ભાઈ સાઈકલના આગળના ડાંડલા પર બેઠો, જ્યારે હું સાઈકલના પાછળના કેરિયર પર બેસી ગયો, જ્યારે પાયલોટની સીટ મારા પપ્પાએ સાંભળી, ત્યારબાદ જેવી રીતે કોઈ રાજાના રથની શાહી સવારી નીકળે તેમ મારા પપ્પાની સાઇકલની સવારી નીકળી અને આખા રોડ પર જાણે ચાર ચાંદ લગાવી દીધાં હોય તેવું લાગી રહ્યું હતું..જેમ જેમ મારા પપ્પા સાઈકલમાં પેન્ડલ મારતા જતાં હતાં, તેમ તેમ અમારો ઉત્સાહ પણ વધી રહ્યો હતો!
શહેરનો છેવાડાનો વિસ્તાર હોવાથી આખો રોડ સુમસામ હતો, કાચા રસ્તા પર અમારી સાઇકલ ધૂળની ડમરીઓ ચડાવી રહી હતી, જે સામેની તરફથી આવતાં વાહનોની લાઈટોના પ્રકાશને લીધે સ્પષ્ટ દેખાય રહ્યું હતું, આમ રસ્તો એકદમ સુમસામ હતો, ચારે બાજુએ માત્ર અંધકાર જ હતું, બસ માત્ર આવતાં - જતાં વહાનો પોતાનો પ્રકાશ રેલાવી રહ્યાં હતાં, આમપણ આપણાં હિન્દૂ ધર્મ પ્રમાણે કાળી ચૌદસને ભારે દિવસ ગણવામાં આવે છે, જેને લીધે મનમાં થોડોક ડર પણ લાગી રહ્યો હતો, પરંતુ ફટાકડા લેવાનો આનંદ જ એટલો હતો કે એ ડરને દબાવી જ દીધેલ હતો...!
એવામાં એકાએક એક ટ્રક સામેથી આવ્યો, રસ્તો પણ સાંકડો હતો, આ લાઈટનાં પ્રકાશને લીધે મારા પપ્પાની આંખો અંજાય ગઈ, તેમણે સાઇકલ પરથી પોતાનો કન્ટ્રોલ ગુમાવી દીધો, અને અમે ત્રણેય રોડની કિનારીએ જઈ પડ્યા, મારા પપ્પા અને નાનાભાઈને ખાસ કંઈ ઇજા થયેલ ન હતી, પરંતુ સાઈકલની પાછળનો ભાગ મારા પગ પર આવ્યો હતો, આથી મને મૂંઢમાર લાગ્યો હતો, આથી અમે ત્રણેય ધુળ ખંખેરતા ઉભા થયા, ફરીપાછા સાઇકલ પર સવાર થઈને ફટાકડાની બજારે પહોંચ્યા, અને મેં અને મારા નાનાભાઈએ જે પ્રમાણે લિસ્ટ બનાવેલું હતું, તે પ્રમાણે અમે હોંશે - હોંશે ફટાકડાની ખરીદી કરી...અને ઘરે પાછા પરત ફર્યા.
એ જ દિવસે રાતે 12 વાગ્યાની આસપાસ
અમે બધાં ભોજન લઈને બહાર ફળિયામાં બેઠા હતાં, ફળિયામાં મોટાભાઈ અને ભાભી રંગોળી કરી રહ્યાં હતાં, એવામાં મારા પગમાં એકાએક દુખાવો શરૂ થયો, ધીમે - ધીમે મારા પગમાં સોજો ચડવા લાગ્યો, આથી મારા પપ્પા મને નજીકની સરકારી હોસ્પિટલમાં લઇ ગયાં, ત્યાંના ડોકટરે મારો એક્સ - રે પાડ્યો, અને એક્સ - રે જોઈને મારા પપ્પા ને કહ્યું કે રાહુલના પગમાં તમે જેને મૂંઢમાર ગણી રહ્યાં હતાં, તે ખરેખર રાહુલના પગમાં હાડકામાં એક નાની એવી તિરાડ પડેલ છે, જેને અમારી ભાષામાં "હેર લાઇન ફ્રેક્ચર" કહેવામાં આવે છે આથી અમે રાહુલને પ્લાસ્ટર લગાવી દઈએ છીએ, અને એ વીસેક દિવસ પછી દૂર કરીશું...ત્યાં સુધી રાહુલને નીચે પગ માંડવાનો નથી જાણે પલાસ્ટરનાં પાટામાં મારા બધાં જ સપનાઓ વીંટળાય ગયાં હોય તેવું મને લાગતું હતું..મેં અને મારા નાનાભાઈએ દિવાળી ઉજવવા માટે જે કંઈ સપનાનો જોયેલાં હતાં, એ બધાં સપનાનો આ વર્ષ માટે તો સપના જ બનીને રહી ગયેલા હતાં.
દિવાળીને તેમ છતાંપણ મારે મનભરીને ઉજવવી હતી, તો મેં ખુરશીમાં બેઠા બેઠા જેટલાં ફટાકડા ફોડી શકાય, એ બધાં જ ફટાકડા જેવા કે ફુલઝર, ચાંદલિયા, બપોરિયા, દોરી વગેરે ફોડ્યા, જ્યારે એ સિવાયનાં બધાં જ ફટાકડા મારા નાના ભાઈએ ફોડયાં, આમ મારી આવી હાલત હોવાછતાં પણ "દિવાળીનું સેલિબ્રેશન કરવું એટલે કરવું" એવું નક્કી કરીને અંતે દિવાળી ઉજવી જ તે!
મિત્રો ત્યારથી માંડીને આજસુધીમાં મેં ઘણી બધી દિવાળીઓ ઉજવી છે, ઘણાં મોંઘા - મોંઘા ફટાકડા ફોડયાં છે, પરંતુ નાનપણમાં એ સમયે દિવાળી ઉજવવાની જે મજા આવી હતી તેવી મજા આવી જ નહીં, કાળી ચૌદસને દિવસે અમારી સાથે જે ઘટનાં બની એ ઘટના કાયમ માટે મારા માનસપટ પર છવાઈ ગઈ છે જે મને દર દિવાળી વખતે અચુક યાદ આવે જ છે!