STORYMIRROR

Ayushi Selani

Classics Inspirational

4  

Ayushi Selani

Classics Inspirational

ધૂંધળી સાંજે પાંખોનો ફડફડાટ

ધૂંધળી સાંજે પાંખોનો ફડફડાટ

7 mins
28K


“નિલિક્ષાવહુ, જરા મારી પાસે આવીને બેસોને. બધા તમને મળવા માંગે છે, તમને જોવા માંગે છે.. ફોનને થોડી વાર માટે સાઈડ પર મૂકી દો હં કે..!!”

સાસુમાના કટાક્ષપૂર્ણ શબ્દો સાંભળીને નિલિક્ષા તેમની બાજુમાં આવીને બેસી ગઈ.

દિવાળીની એ રાત હતી... દરેક ઘરના આંગણે પ્રગટાવેલો દીવડો જાણે સમાજની બદીઓને અને નબળાઈઓને ખાળતો હોય તેમ અડીખમ જ્યોતથી પ્રકાશિત હતો. અને કેમ ના હોય..! જમવામાં કોલેસ્ટ્રોલ વધી જાય તેવું કહીને ઘીનો વપરાશ ઓછો કરવાવાળા લોકો પણ દિવાળી આવતા જ શુદ્ધ ઘીનાદિવડા આંગણે મૂકે છે.. એક પછી એક લાંબી હરોળમાં ગોઠવાયેલા આ દિવડાઓ ભારતની ઉત્સવપ્રેમી પ્રજાનો સમાનાર્થ છે.. કંઈક આવી જ રીતેનિલિક્ષાના સાસરિયામાં પણ દિવડાઓ સજાવાયેલા હતા. નિલિક્ષા એટલે એક સામાન્ય ઘરની અસામાન્ય બુદ્ધિમતા ધરાવતી દીકરી. તેના પિતાજીને કરિયાણાની દુકાન અને માતા ગૃહિણી. બાળપણથી જ નિલિક્ષાને દરેક જગ્યાએ પોતાની બહાદુરી બતાવવી બહુ ગમતી...! શાળા હોય કે કોલેજ. દરેકજગ્યાએ તે ઍથ્લેટિક્સથી લઈને રેસલિંગમાં પ્રથમ આવી હતી. કોલેજ પુરી થતા જ તેણે પોતાના પિતાજીને કહ્યું કે તે પાઇલટ બનવા માગે છે. પોતાનાસપનાઓની દિશાને તે હકીકતની મંઝિલ આપવા માંગે છે. નિલિક્ષાના માતા-પિતા બન્ને આ વાતથી સહમત હતા. પરંતુ પાઈલટનું ભણતર કંઈ સહેલુથોડી હોય છે.. આર્થિક અને માનસિક મજબૂતી માંગતું આ પ્રોફેશન પસંદ કરવા માટે નિલિક્ષાને લગીર ચિંતા થતી હતી.

એક દિવસ તે તેના પિતાજીના ઓરડામાં ગઈ અને તેમની પાસે બેઠી. અસલ મુનીમજીના વેશમાં હંમેશ રહેતા તેના પિતાજી સ્વાભાવે તદ્દન કોમળ હતા..એકની એક દીકરીની સઘળી માંગણીઓ તેમણે પોતાની આવક મર્યાદા ભૂલીને પોષી હતી.. તેમણે પોતાના ચશ્મા સહેજ સરખા કર્યા અને નિલિક્ષાને પૂછ્યું,

“બોલ દીકરી... શું થયું?”

“પપ્પા તમે તો મારા મિત્ર જ છો.. મને વિશ્વાસ છે કે તમે મારી વાત માનશો. તમને ખ્યાલ જ છે ને કે મારી ડિગ્રીના પૈસા ખુબ વધારે છે.. હું જાણું છું કે મેંજ્યારથી તમને પાઇલટ બનવા વિષે કહ્યું છે ત્યારથી તમે પૈસાની તજવીજમાં લાગી ગયા છો.. પરંતુ તમારી કોશિશમાં તમને સત્તત નિષ્ફ્ળતા મળે છે તેપણ હું જાણું છું...

તો હેં પપ્પા આ જે તમે મારા લગ્ન માટે બેંકમાં પાંચ લાખ રૂપિયા બચાવી એ રાખ્યા છે તે વાપરી ના શકાય...? તમારી મુશ્કેલીનો પણ અંત આવી જશેઅને મારુ સ્વપ્ન પણ સાકાર થશે...

હું તમને ખાતરી આપું છું કે હું મારા લગ્ન મારી જાતે જ પૈસા એકઠા કરીને કરીશ અથવા તો એવો જ જીવનસાથી શોધીશ જે કોર્ટ મેરેજ કરવા તૈયારહોય..!”

હસીને નિલિક્ષાએ તેના પિતાજીને કહ્યું.

નિલિક્ષા નાની હતી ત્યારથી તેના પિતા નરોત્તમભાઇ પોતાની આવકમાંથી તેના લગ્ન માટે બેંકમાં પૈસા જમા કરી રહ્યા હતા.. દીકરીના લગ્ન માટેગોઠવણ તો એ જન્મે ત્યારથી જ કરવી પડે તેવી સામાજિક માન્યતાને તેઓ વરેલા હતા. પરંતુ અત્યારે નિલિક્ષાની આ વાત તેમને વ્યાજબી લાગી. તેમણેવિચાર્યું કે, “અત્યારના જમાનામાં આમ પણ દીકરીઓ જેટલી ભણેલી હશે એટલી વધુ ગુણવાન બનશે. દીકરીને આકાશમાં ઉડવા દો તો તે વાદળાંનેયપકડીને તેની સવારી કરે તેવું નરોત્તમ ભાઈનું માનવું હતું. તેઓ નિલિક્ષાની વાત સાથે સહમત થયા અને તેના આગળના ભણતર માટે ફિઝની વ્યવસ્થાલગ્ન માટે બચાવેલી રકમમાંથી કરી...

મહિનાઓ વીતતા ગયા તેમ તેમ નિલિક્ષા પણ ઉતરોતર અભ્યાસમાં પ્રગતિ કરતી ગઈ.. પહેલા બે સેમિસ્ટરમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યા બાદતેનું છાપાઓમાં નામ આવવા લાગ્યું. તેના ઉમદા ભવિષ્યની રેખાઓ મજબૂત બની રહી હતી. કે અચાનક એક દિવસ નરોત્તમભાઈએ તેને બોલાવી.

“નીલી, મને અને મમીને તારા પર બહુ ગર્વ છે.. તું જે રીતે આગળ વધી રહી છે તે જોઈને મારી છાતી ગજગજ ફૂલે છે... પણ જો તું માને તો હું તારી પાસેકંઈક માગવા ઈચ્છું છું...”

“હા પપ્પા બોલોને. તમારે તો મને ઓર્ડર કરવાનો હોય વિનંતી નહિ...!”

“તો દીકરા તું પરણી જા.. આપણા સમાજમાં દીકરીઓ વીસ વર્ષની થાય ત્યાં તો સાસરે વળાવી દેવાય છે અને તને પચીસ થયા.. એવું નથી કે તને અમેભણાવવા નથી માંગતા. પરંતુ તું સાસરે જઈને ભણે અને નોકરી કરે તેવી તારી કારકિર્દી બને તો વધારે સારું ને.. અને જો હું આ અમસ્તો નથી કહેતો...મારા ખાસ મિત્ર શંકરભાઇ ખરા ને એમના સાઢુભાઈ જેન્તિલાલનો દીકરો છે નર્તવ. દીકરો અમેરિકામાં એન્જીનીયરીંગ કરીને આવ્યો છે અને હવે અહીંતેના પપ્પાની સિરામિકની ફેક્ટરી સંભાળવાનો છે.. તે લોકોને એક સ્વતંત્ર વિચાર ધરાવતી ભણેલી ગણેલી વહુ જોઈએ છે.. તેમને તારા ભણવા સામે કોઈવાંધો નથી.. એટલે જો તું હા કે તો દીકરા આ લોકો રવિવારે આવવા માંગે છે.. એમને તારો ફોટો મોકલ્યો છે.. બહુ પસંદ છે તું.. એટલે લગભગ રવિવારેનક્કી કરવાનું જ રાખે!”

પિતાજીની વાત સાંભળી નિલિક્ષાને થોડું દુઃખ થયું. સમાજની વાતોમાં કદી ના આવનારા પિતા તેની પાસે આજે આવું કહી રહ્યા હતા.. તેણે વિચાર્યુંપિતાજીએ તેને ક્યારેય રોકી નથી તો આજે પોતે પણ તેમની ઈચ્છાઓને માન આપવું જ જોઈએ. અને આમ પણ તે લોકોને જો નોકરી અને ભણતર સામેવાંધો ના હોય તો પ્રોબ્લેમ શું છે લગ્ન કરી લેવામાં...!

ને પછીના રવિવારે જેન્તીલાલ, તેમના પત્ની જયાબહેન અને નર્તવ આવ્યા. તે જ દિવસે ગોળધાણા લેવાઈ ગયા.. અને બે મહિના પછીની લગ્નનીતારીખ પણ નક્કી થઇ ગઈ..

આજે લગ્નને જ્યારે એક મહિનાની વાર હતી ત્યારે દિવાળીએ સાસુમાએ પોતાની થનાર વહુને વ્યવહાર સાચવવા બોલાવી હતી... પહેલા તો નિલિક્ષાએના જ કહી કારણકે તેને દસ દિવસ પછી ફાઈનલ એક્ઝામની તૈયારીઓ કરવાની હતી પરંતુ તેમના આગ્રહને માન આપીને જવું પડ્યું.

હવે અહીં આવ્યા બાદ તેના કલીગ્સના સતત ફોન આવી રહ્યા હતા કે તેઓ અત્યારે વિશ્વ વિખ્યાત પાઇલોટ સાથે વિડીયો કોન્ફ્રન્સ કરી રહ્યા છે પરંતુસંબંધીઓથી ઘેરાયેલી અને જવાબદારીઓથી બંધાયેલી નિલિક્ષા માટે એ કોન્ફ્રન્સ અટેન્ડ કરવી અશક્ય હતી... સાસુમા પાસે આવીને બેઠા બાદ તેણે જોયુંકે સાસુમા બધા પાસે પોતાની વાતો વધારી વધારીને કરે છે.

“અમારે તો જો ગૃહિણીની અપેક્ષા હતી પણ આના પપ્પાને એમ કે મોડર્ન વહુ લાવીએ એટલે આ પાઇલોટને લાવ્યા છીએ.. હવે જમવાનું બનાવતા આવડતું હશે કે કોણ જાણે! એ તો લગ્ન પછી પહેલા એ જ શીખશે ને... નોકરી તો ભાઈ હવે કરતા કરશે...!”

આટલું કહીને સાસુએ નિલિક્ષાને બધા માટે પાણી લાવવાનું અને પછી રંગોળી કરવાનું કહ્યું. પાછો સાડીનો છેડો તો સહેજ પણ ના છૂટવો જોઈએ તેવીતાકીદ પણ કરી જ લીધી!

સાસુની આ વાત સાંભળી ને આ બધું જોઈ નિલિક્ષા ચમકી ઉઠી.. પપ્પાએ તો કંઈક અલગ જ ચિતાર આપેલો પરંતુ આ શું.. તે તરત જ ત્યાંથી ઉભી થઈનેનર્તવ પાસે ગઈ.. તે તેના કઝિન્સ અને મિત્રો જોડે “વુમન એમ્પાવરમેન્ટની વાતો કરતો હતો !”

“નર્તવ અહીં આવ તો... મારે વાત કરવી છે.”

નર્તવ નિલિક્ષાને જોઈને તેની પાસે ગયો અને કહ્યું,

“નિલિક્ષા, તું મારી પત્ની થવાની છો... બધાની હાજરીમાં મને તમે કહેતી જા...!”

“આ બધું છોડ... આ તારા મમી જે વાત કરે છે નોકરી ના કરવા દેવાની મને એ શું સાચું છે??”

“હાસ્તો બેબી. તું નોકરી કરશે તો ઘરની સંભાળ કોણ રાખશે?? અને કદાચ તું પાઇલટ બની પણ ગઈ તો હું તને એકલી થોડી જવા દઉ..?!?! આ બધી તોકહેવાની વાતો છે.. જો મારી ઉમર ત્રીસ વર્ષની થઇ ગઈ છે.. અને આપણી નાતમાં છોકરીઓ વીસ વર્ષે પરણી જાય તો કોઈ મોટી ઉંમરની ના મળે.. તારીખબર પડી કે તરત વાત ચલાવી. બાકી બેબી તારે શું જરૂર રૂપરડી કમાવાની.. હું છું ને.. તું બસ છોકરા છૈયા જણ ને એને સાચવ..”

નિલિક્ષા આ કહેવાતા અમેરિકન રિટર્નની ગમાર વાતો સાંભળી છળી પડી. શું વિચાર્યું હતું ને શું નીકળ્યું!

હજુ તો વિચારવાયુના આવેગમાંથી બહાર નીકળે ત્યાં જ તેના સાસુંએ તેને બોલાવી.

“વહુ આ બધા આપણી નાતના મુરબ્બીઓ છે.. બધાને પગે લાગો. અને સરખી ચરણરજ લેજો હો.. અને પગ ચોળી ( દાબી ) પણ દેજો.

નિલિક્ષાએ હસતું મોઢું રાખી બધાના પગ દબાવ્યા અને પગે પણ લાગી. તેનો ભાવિ ભરથાર ફટાકડા ફોડી રહ્યો હતો અને પોતે અંદર પારકી પંચાતમાં સ્ત્રીઓ જોડે કમને સાસુના આગ્રહને વશ થઈને બેસવું પડ્યું. તેને યાદ આવી ગયું નાનપણમાં પોતે કેવી શેરીના બધા છોકરાઓ કરતા વધારે ફટાકડાફોડતી. બધાને હરાવી દેતી. છોકરી થઈને પણ પોતે ક્યારેય દિવાળીના તહેવારમાં ડ્રેસ ને ચણિયાચોળી ના પહેરતી. છોકરાઓ પહેરે તેવા કુર્તા જ હંમેશા લેવડાવતી. અને આજે અહીં અડધી લાજ કાઢીને બેઠી હતી. સાડી પહેરવા સામે તેનો વિરોધ ના હતો પરંતુ એ ખોખલી દેખાડાની સ્પર્ધા તેને નાપસંદ હતી. થોડીવારે સાસુમાનું ધ્યાન હટતા જ પોતે ગુપચુપ રસોડામાં આવી ગઈ..! વિચાર્યું, “હાશ અહીં દંભ નથી..!”

તેને એ અમાસની રાત આજે ખરેખર કાળી લાગી રહી હતી.. ઉજાસ વિનાની કાળીડિબાંગ, સપનાઓ વગરની, રંગહીન એ રાત હતી..!

કેટલીય વાર તે એમજ બેસી રહી.. ચારેતરફથી ફટાકડાનો અવાજ આવી રહ્યો હતો.. ઠેરઠેર હસાહસ થતી હતી.. ક્યાંક કોઈકના સપનાઓની રંગોળી પુરાતી હતી તો ક્યાંક એ રંગ રેલાઈ રહયો હતો.. થોડીવારે તેણે કંઈક નિર્ણય કર્યો! એક અડગ નિર્ણય...!

જયાબહેનનું ધ્યાન પડ્યું કે નિલિક્ષા ક્યાંય દેખાતી નથી.. તેઓએ તરત જ શોરગૂલ મચાવીને બધાને એકઠા કર્યા. નરોત્તમભાઈના ખાસ મિત્ર શંકરભાઈપણ ત્યાં હાજર હતા.. બધાએ નિલિક્ષાને દરેક જગ્યાએ શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ક્યાંય નહોતી. અચાનક રસોડામાં ગયેલા જયાબહેનની નજર ઢાંકીને રખાયેલા વાસણો પર પડી. તેમાંથી બહુ જ સરસ સુગંધ આવતી હતી. ગરમાગરમ કાજુ-બદામ નાખીને બનાવાયેલી ઘીથી લથબથ લાપસી, મગ-ભાત ને ફુલ્કા રોટલી. તેમને નવાઈ લાગી કે આ બધું કોણે બનાવ્યું હશે ને વળી ક્યારે..! ત્યાં જ તેમણે જોયું તો લાપસીનાં વાસણ પાસે એક ચિઠ્ઠી પડી હતી.. બધાને તેઓએ રસોડામાં બોલાવ્યા અને તે ચિઠ્ઠી ખોલી.. તેમાં લખ્યું હતું,

“મારા એક સમયે થનાર સાસુમા મને બધી જ રસોઈ બનાવતા આવડે છે.. પણ અફસોસ સાસરિયામાં મારું બનાવાયેલું આ પેલું ને છેલ્લું જમણ છે..!

કદાચ તમે સાચું બોલ્યા હોત પિતાજી પાસે તો આ રીતે સગાઇ ના ફોક કરત... તમારે જે કહેવાતી “ગૃહિણી” જોઈએ છે તે હું ના બની શકું!

કુલવધૂ ચોક્કસ બનત.. પણ હવે તો એ પણ નહિ..!

આવજો.. તમારા દીકરાને કંઇ શીખવજો!

અને હા આ જમવાનું ખાઈને વખાણ કરવાની ઈચ્છા થાય તો કરજો હો..!”

મોટેથી બધાની વચ્ચે આ ચિઠ્ઠી વાંચ્યા બાદ જયાબહેનને લાગ્યું કે પોતાની બેઇજ્જતી તેમણે પોતાની જાતે જ થવા દીધી! સોગિયું મોં કરીને ઉભેલા જેન્તીલાલ, જયાબહેન અને નર્તવ ઘડીકમાં સુરસુરિયા રોકેટ તરફ જોતા તો ઘડીક આંગણે ઠરી ગયેલા દિવા તરફ....

નિલિક્ષા નર્તવના ઘરેથી ભાગીને રસ્તા પર આવી.. તેના ચહેરા પર આઝાદીની મુસ્કાન હતી અને ચાલમાં ખુમારી..!

વરસની છેલ્લી અમાસની એ રાતે તેણે પોતાના જીવનને અંધકાર બક્ષતા એક સંબંધને અલવિદા કહીને ઉજાસ પાથરતા નવા વર્ષના ભવિષ્યને આવકાર્યું..!


Rate this content
Log in

Similar gujarati story from Classics