STORYMIRROR

Ayushi Selani

Inspirational Classics

4  

Ayushi Selani

Inspirational Classics

મુળજીદાદાનો બગલથેલો

મુળજીદાદાનો બગલથેલો

4 mins
27.9K


"હાલો જલ્દી કરો બધા. હમણાં મૂળજીદાદા આવતા જ હશે આપણી હાટુ એમના બગલથેલાની બધી વસ્તુઓ લઈને...!"

મૂળજીદાદા એટલે સુખરામપુર ગામના સૌથી વડીલ પુરુષ. તેમની સલાહ અને માર્ગદર્શન વડે ગામના દરેક સદસ્યો પોતપોતાનું કાર્ય કરતા. પંચ્યાશીવર્ષના મૂળજીદાદા આટલી ઉંમરેય જુવાનિયાઓને શરમાવી દે એટલા સશક્ત. મૂળજીદાદા પરણ્યા જ નહોતા એટલે આગળ પાછળ કોઈ છોરું છૈયા. તેથી આખો દિવસ ગામને પાદર આવેલા ઓટલે બેસી રહે. મૂળજીદાદાની ઓળખાણ એટલે તેમનો બગલથેલો. તેમના ખભે હંમેશ લટકતો રહેતો સફેદ રંગનો આ થેલો હવે તેમનો દોસ્તાર બની ચુક્યો હતો. સફેદથેલામાં આગળ અશોકચક્ર જેવા બે ચક્ર દોર્યા હતા. કેસરી ને લાલ રંગના એ ચક્ર જાણે કોઈ વાર સુરજ હોય તેવો ભાસ પણ કરાવતા. મૂળજીદાદા તેમનો આ થેલો એકાંતરે "સર્ફ એક્સએલ"થી જ ધોવે એટલે હંમેશા દૂધ જેવો ધોળો જ રહેતો. મૂળજીદાદા રોજ સાંજે પાંચ વાગ્યે આખા ગામમાં લટાર મારવા નીકળે ત્યારે પોતાના એ બગલથેલામાંથી રસ્તે મળતા દરેક બાળકને અચૂક મીઠાઈઅને ભાગ આપે. એક વખત તો એવું થયું કે તે ગામમાં ચાલવા નીકળ્યા હતા ને રસ્તામાં જોયું તો એક બાઈ પોતાના છોકરાને તેડીને રડતી હતી. મૂળજીદાદા નજીક ગયા ને જોયું તો એ ટાબરિયાને ગોઠણમાં વાગ્યું હતું અને ગોઠણ છોલાઈ ગયો હતો. પેલી બાઈને તો હોસ્પિટલ જવાની કઈ ગતાગમ જ ના પડે. મૂળજીદાદા એની પાસે ગયા ને પોતાના બગલથેલામાંથી ડેટોલ કાઢી તેના વડે એ રૂઝને સાફ કરીને પછી સોફ્રામા-ઇસિન પણ લગાવી આપ્યું. પેલીબાઈ તો જાણે રડું રડું થઇ ગઈ. ખરા સમયે મૂળજીદાદા તેને ભેટી ગયા તે બદલ ભગવાનનો ધન્યવાદ કરતી કરતી તે ચાલી ગઈ.

ને હમણાં તો વળી કેવું થયું...! મૂળજીદાદા પોતાના ગામના સમૂહલગ્નમાં ગયા હતા. ગામના વડીલ એટલે તેમને તો નોતરું હોય જ. ત્યાં જઈને જોયું તો એકસાથે એકાવન કન્યાઓના દાન દેવાઈ રહ્યા હતા. બધી જ દીકરીઓ ખુશ હતી બસ એક દીકરીના મોઢા પર મુસ્કાન નહોતી. તેથી મૂળજીદાદા તેની પાસે ગયા અને પૂછ્યું કે શું થયું છે તેને ?

"મૂળજીદાદા મારા સાસુએ મને માતાજીને ચઢાવાના ૫૦૦૧ રૂપિયા આપ્યા હતા. અમારે અહીંથી તરત જ કુળદેવના દર્શન માટે જવાનું છે એટલે ગઈકાલે સાંજે જ આપી દીધેલા. પણ આજે જુઓને એ પૈસા મને જડતા જ નથી. મેં મારી તિજોરીમાં સાચવીને રાખેલા એ પૈસા આજે ગાયબ થઇ ગયા. હવે મારા સાસુ મને વઢશે દાદા. હું શું કરું...?"

દીકરીને મૂંઝવણમાં જોઈ મૂળજીદાદાએ તરત જ વિચાર્યા વગર પોતાના બગલથેલામાંથી કડકડતી ૧૦૦-૧૦૦ની ૫૦ નોટ તેના હાથમાં થમાવી દીધી ને ચુપચાપ તેને મૂક આશિષ આપીને ત્યાંથી ચાલ્યા ગયા. બસ આવા હતા મૂળજીદાદા. સદાય સૌની સેવા કરવા તત્પર એવા મૂળજીદાદા જાણે સુખરામપુરનું નાક હતા.

એક દિવસ ગામમાં ના થવાનું થઇ ગયું. મૂળજીદાદાને પોલીસ પકડવા આવી હતી ને ગામના મોટા મંદિરે હજારોની સંખ્યામાં માણસ ભેગું થયું હતું. બધાય જાણવા આતુર હતા કે મૂળજીદાદાએ એવો તો શું ગુનો કર્યો કે પોલીસ એને પકડવા આવી છે. ત્યાં જ મૂળજીદાદા પોતે આગળ મંદિરના ચોગાનમાં આવ્યા અને બધાને ઉદેશીને બોલ્યા, "સુખરામપુર વાસીયો આજે મને આ હવાલદાર પકડીને લઇ જાય છે કારણ કે મેં ચોરી કરી છે. આપણા ગામના પવિત્ર મંદિરની દાનપેટીમાંથી આજે ચોરી કરતા મને અહીંના પુજારીએ નજરોનજર નિહાળ્યો અને મેં પણ એ ચોરીની કબૂલાત કરી. પણ મને જરાય એનો અફસોસ નથી. કારણ કે મેં આ ચોરી કરીને સમાજનું ભલું જ કર્યું છે. આ મંદિરની દાનપેટીમાંથી હું રોજ રાતના ચોરી કરતો. મેં તેની ચાવી બનાવડાવી હતી અને તેના ઉપયોગ વડે હું તેને ખોલીને એમાંથી પૈસા લઇ લેતો. પણ મારા આ કનૈયાની સોગંદ મેં જો એમાંથી એકપણ રૂપિયો વાપર્યો હોય તો. આ તમને બધાંયને જરૂર પડ્યે જે હું પૈસા આપતો મારા બગલથેલામાંથી એ આ જ પૈસા હતા. જો મેં આ ચોરી ના કરી હોત તો આ મંદિરનો પૂજારી તેમાંથી પૈસા ચોરીને આંતકવાદના કામમાં નાખતો હતો. મેં મારી સગી આંખે એક વખત તેને આ પૈસાની હેરાફેરી કરતા જોયો હતો. આવુ જોયા પછી જ હું તેમાંથી બધાય રૂપિયા કાઢી લેતો કે જેથી એને કોઈ પૈસો જ ના મળે. અને હા, આ ચોરેલા પૈસામાંથી હજી ઘણાય નાણાં વધ્યા છે જે મેં આપણી નાગરિક બેંકમાં ખાતું ખોલાવી જમા કર્યા છે. જે પૈસા વડે ગામમાં ટ્રસ્ટબની શકશે અને તે ટ્રસ્ટ જરૂરિયાતમંદની સહાય કરશે. આજે હું તો જેલમાં જઈશ જ સાથે સાથે આ પુજારીને પણ ભેગો લઇ જઈશ. મને આ ચોરીનો અફસોસ જરાય નથી કારણકે તે સારા કામ માટે જથઇ હતી."

મૂળજીદાદાની આખી વાત સાંભળી ગામ આંખું અચંબિત થઇ ગયું. મૂળજીદાદા જેવા સમાજસેવી વડીલ આ ગામનો અંતરિમ ભાગ છે તે બદલ સૌને ગર્વ થયો અને કેટલાયની આંખમાંથી તો આંસુ પણ સરી પડ્યા.

બસ તે દિવસ પછી મૂળજીદાદા જેલમાં ગયા ને ત્યાં જ બે વરસમાં મૃત્યુ પામ્યા. ગામમાં તેમના નામે ટ્રસ્ટ બનાવામાં આવ્યું. જે દીકરીને તેઓએ ૫૦૦૧ આપેલા તે જ દીકરી આજે ટ્રસ્ટની ઓફિસે બેસે છે અને પોતાના જેવી જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરે છે. ટ્રસ્ટની ઓફિસની બહાર મૂળજીદાદાનો બગલથેલો રાખવામાં આવ્યો છે જેમાં દરેક વ્યક્તિ પોતાની નિષ્ઠા પ્રમાણે પૈસા પધરાવે છે.

સુખરામપુરનો દરેક માણસ મૂળજીદાદાને ચોર નહિ પર વીર તરીકે જોવે છે અને તેમને આરાધ્ય ગણે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational