Ayushi Selani

Inspirational Classics

3.1  

Ayushi Selani

Inspirational Classics

એક ગ્લાસના દસ રૂપિયા

એક ગ્લાસના દસ રૂપિયા

5 mins
14.3K


"સાહેબ એક ગ્લાસનાં દસ જ રૂપિયા છે. એક તો અમે અહીં સુધી ચાલીને દસ - વીસ કિલો લીંબુ લઈને આવીએ અને ભરતડકામાં તમારા હૃદયને ટાઢક વળે તે હાટુ ઠંડુ મસાલેદાર સ્વાદિષ્ટ લીંબુ શરબત બનાવીએ તો અમારી મહેનતના એટલા તો માગીએ ને અમે ! હેં સાહેબ એમાં કંઈ ખોટું છે? તમે જ કહો ને ! તમે તો દસ ગ્લાસનાં સીધા ૫૦ કહી દો છો તો ભાઈ જરીક વિચાર તો કરો..! મારા બાપલીયા !"

જૂનાગઢથી સોએક કિલોમીટર આગળ ગીરની નજીક જામવાળા પાસે જમજીરનો ધોધ આવેલો છે. શ્રુતવી તેના મિત્રો સાથે અહીં પ્રવાસ માટે આવી હતી. કોલેજમાં બે દિવસની રજા હતી એટલે બધા મિત્રોએ ભેગા મળીને પોતાની પોકેટમનીમાંથી અહીંની ટ્રીપ પ્લાન કરી હતી. આમ તો બધા ગર્ભશ્રીમંત પરિવારના બાળકો હતા પણ આ ટ્રીપ ખાસ પોકેટમનીમાંથી બચાવેલા પૈસામાંથી જ પ્લાન થયેલી. રાજકોટથી બાઈક લઈને દસેક મિત્રો અહીં આવી પહોંચ્યાં હતાં. કાર તો બધા પાસે હતી પણ બધાને બાઈકમાં પ્રવાસ કરવાનો અભરખો હતો. છ છોકરાઓ અને ચાર છોકરીઓ ચારેક કલાકનો પ્રવાસ કરીને રસ્તામાં જાતજાતની મસ્તી કરી અહીં પહોંચ્યા ત્યારે બધા થાકીને લોથોપોથ થઇ ગયેલા. ઉપરથી હજુ ધોધ સુધી પહોંચવા માટે બે કિલોમીટર જેટલો પગપાળા પ્રવાસ કરવો પડે તેમ હતો. બધા એકબીજાનો હાથ પકડીને ખભે ભરાવેલા બેગપેક્સને ઉંચકતા આગળ ચાલ્યા. ધોધ દૂરથી દેખાયો ત્યાં જ બધા ઉત્સાહમાં આવી ગયા. કદમ જલ્દીથી વધવા લાગ્યા અને ચહેરા પર તરવરાટ છવાઈ ગયો. બધા એકબીજા સાથે વાત કરતા હતા ત્યાં જ શ્રુતવીની નજર લીંબુ શરબતવાળા ભાઈ પર પડી. ધોધથી 700 મીટર પહેલા લીંબુ શરબતવાળા ભાઈ બેઠા હતા. રંગબેરંગી ફૂમતાં લગાવેલી સાઇકલ, બાજુમાં એક મોટા વાસણમાં પડેલા પીળા રંગના ગોળમટોળ લીંબુ, શરબતમાં નાખવા માટેનો મરી-મસાલો, પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ ગ્લાસ અને તે ભાઈના ચહેરા પરની મુસ્કાન. બસ આટલા સાધનો વડે એ માણસ થાકીને નંખાઈ ગયેલા વ્યક્તિને ઠંડુ લીંબુ શરબત પીવડાવી તેમના હૃદય ઠારતો. શ્રુતવીએ તેના મિત્ર સ્વીકૃતને કહ્યું કે તે લીંબુ શરબતના દસેક ગ્લાસ લઇ લે. બધા થાકી ગયા છે તો એનર્જી મળશે...!

"અરે કાકા, એક ગ્લાસનાં દસ તો બહુ વધારે કહેવાય હો... એક કામ કરો અમારે દસ ગ્લાસ જોઈએ છે... પચાસ રૂપિયા રાખી દો...!"

સ્વીકૃતના આ સવાલના જવાબમાં તે લીંબુ શરબતવાળાએ ઉપર પ્રમાણે જવાબ આપ્યો અને કહ્યું, "સાહેબ તમે મોટા માણસો.. ક્યાં દસ-વીસ રૂપિયા માટે આટલી કચકચ કરો છો.. અમારે તો ધંધો જ અહીં છે.. કોઈ વાર દિવસમાં ત્રણસો-ચારસો કમાઈ લઈએ તો કોઈ વાર ત્રીસ-ચાલીસના ફાંફા હોય.. અમારા જેવા ગરીબમાણસ પાસેથી તમે શું દસ-વીસ રૂપિયા બચાવી લેવાના. તોય બસ હાલો એશી રૂપિયા આલી દેજો દસ ગિલાશના...!"

તે ભાઈની વાત સાંભળી સ્વીકૃતને ખરાબ લાગ્યું. ક્યાં આવા નાના માણસ જોડે બાર્ગેઇનિંગ કરવું તેવું વિચારીને તેણે સો રૂપિયા આપીને દસ લીંબુના ગ્લાસ લીધા અને બધાએ પીને તે કાકાના બહુ વખાણ પણ કર્યા. સામેતે કાકાએ વાયદો કર્યો હતો તેમ ૧૦૦ની નોટ લઈને વીસ પાછા પણ આપ્યા. માણસની જયારે પ્રશંશા થાય ને ત્યારે તેને અત્યંત આનંદ આવતો હોય છે. તે પછી અમિતાભ બચ્ચન હોય કે લારીમાં શાક વેચતો સામાન્યમાણસ.. "અહાહા. શું લાલચટક ટમેટાં લાવ્યા છો..." એવું કહીને જો તમે કોઈ શાક્વાળાને પ્રોત્સાહિત કરશો તો એને બીજી વખત હસતા મોઢે તમને શાક વેંચતા નિહાળશો. કદાચ ત્યારે તમને દસ-વીસ રૂપિયા પોતાની મરજીથી ઓછા પણ કરી દેશે. અહીં સ્વીકૃતને પણ કંઈક એવી જ અનુભૂતિ થઇ એટલે તે ભાઈને પૈસા આપીને બધાએ ભરપેટ તે લીંબુ શરબતવાળાના વખાણ કર્યા.

લીંબુ શરબતવાળા ભાઈનો દસેક વર્ષનો છોકરો પણ ત્યાં હતો. એની સાથે પણ બધાએ ખૂબ વાતો કરી. પાંચમાં ધોરણમાં ગામની એકમાત્ર પ્રાથમિક શાળામાં ભણતા તે ટેણીયાની સાથે બધા જતી વખતે હાથ મિલાવીને ગયા. તે દિવસે બધા મિત્રોએ સાથે મળીને બહુ મજાકરી... ધોધમાં નાહ્યા અને પછી નાસ્તો કર્યો. એક આહલાદક ટ્રીપ પછી બધા મિત્રો સાંજના પાછા ફર્યા.. દિવસો સુધી એના એ ફોટોઝ જોયે રાખતા અને એ દિવસને યાદ કરીને મિત્રો મલકાતા.

ત્રણેક મહિના પસાર થઇ ગયા.. એક દિવસ સ્વીકૃત પોતાના પિતાજી જોડે તેમના ગેમિંગ અને ટોય સેન્ટર પર બેઠો હતો.. શોરૂમ પર આવીને તેના પપ્પા ક્યાંક કામસર બહાર ગયેલા.. વેકેશન ચાલતું હતું એટલે ક્યારેકક્યારેક સ્વીકૃત અહીં આવીને સેન્ટર પર બેસતો. આજે પણ તે વહેલો જાગી ગયેલો એટલે અહીં આવીને બેઠો હતો.. આવીને તે હંમેશા મેઈન કાઉન્ટર પર અથવા ઓફિસમાં જ બેસતો અને પોતાના મોબાઈલમાં ગેમમાં મચ્યા કરતો. ઘરાક આવતા-જતા રહે અને કેશ કાઉન્ટર પર બેઠેલો મેનેજર બિલ બનાવી આપે.. આજે ક્યારની કેશ કાઉન્ટર પર કંઈક રકઝક થઇ રહી હતી.. પહેલા તો સ્વીકૃતે ધ્યાન ના આપ્યું પરંતુ બહુ વધારે મોટો અવાજઆવતા તે એ તરફ ગયો અને જોયું તો એક સાવ નંખાઈ ગયેલી હાલતમાં લઘરવઘર કપડાં પહેરેલા એક ભાઈ મેનેજર જોડે લમણાં લઇ રહ્યા હતા.. તેમની પીઠ સ્વીકૃત તરફ હતી એટલે સ્વીકૃત નજીક ગયો અને મેનેજર પાસેજઈને ઉભો રહ્યો ને જોયું તો ચોંકી ગયો...

"અરે લીંબુ શરબતાવાળા કાકા તમે અહીં...?? શું થયું કેમ આ હાલતમાં છો તમે?"

ત્રણ મહિના પહેલા જમજીરના ધોધ પર મળેલા એ મીઠાશભર્યા લીંબુ શરબતના જાદુગરને કેમ સ્વીકૃત ભૂલી શકે ! અત્યારે અહીં તેમને જોઈને સ્વીકૃતને નવાઈ લાગી. સ્વીકૃતના મોંના હાવભાવ જોઈ તે ભાઈએ જવાબઆપ્યો.

"અરે બાપલીયા, આ મારા છોરાને કાઈ ટીવીમાં આવે ને એવું રમકડું જોતું'તું. તો એના માસી આંહીં રે ને એટલે અમે રાજકોટ આવેલા... તો એ માસીએ આ દુકાનનું નામ આપ્યું એટલે અહીં પોંચી ગિયા.. એમાં વળી હાલીનેઆવ્યા તડકાના એટલે થાકી ગિયા..!”

તે ભાઈની વાત સાંભળી સ્વીકૃતને થોડોઘણો તાળો મળ્યો પરંતુ કચકચનું કારણ ના સમજાયું એટલે તેણે પ્રશ્નાર્થસૂચક નજરે ભાઈ સામું જોયું. એ નજરનો તાગ મળી ગયો હોય તેમ તે ભાઈ બોલ્યા,

"હવે અમે અત્યારે લઇ તો લીધું આ ગેમ વાળું રમકડું પણ આ ભાઈ એના તૈણ હજાર કે છે.. એટલે મેં કીધું જરાક ભાવતાલ કરી આપે તો બેએક હજારમાં લઇ લવ.. અમારે તો શું દસ રૂપિયાની વસ્તુમાંય માણસો ભાવતાલકરાવે ને ઓછા કરાવે તો આ આટલી મોંઘી વસ્તુ એટલે મને એમ કે એ ઓછા તો કરી દેશે ને... અમને તો આવી રોજની ઓછા કરવાની આદત હોય..!! જો ને તમનેય કરી દીધા હતા ને ઓછા..!!"

ને અચાનક સઘળું સ્થિર થઇ ગયું હોય તેમ સ્વીકૃત ચૂપ થઇ ગયો.. સાવ શાંતિ છવાઈ ગઈ. તેને લાગ્યું બહુ ઓછા શબ્દોમાં આ માણસ કેટલી મોટી વાત કરી ગયો હતો.. તે કેશિયરને કઈ કહેવા જાય એ પહેલા જ કેશિયર બોલ્યા,

"શું કરું સાહેબ. આવા ગામડાના લોકો ચાલી આવે ને બાર્ગેઇનિંગ કરાવે... એમને શું ખબર આપણી આ એસી શોપમાં ફિક્સ રેટ્સ જ હોય.. તમે ચિંતા ના કરો... હું હમણાં બેય બાપ-દીકરાને બહાર કાઢું છું... તમે બેસો જઈને ગેમ રમો..."

મેનેજરની વાત સાંભળી સ્વીકૃતને ગુસ્સો તો બહુ જ આવ્યો પણ મગજ શાંત રાખીને કહ્યું,

"ના... મેનેજર અંકલ તમે કોઈ જ પૈસા લીધા વગર તેમને જે જોઈએ તે આપી દ્યો. પપ્પા સાથે હું વાત કરી લઈશ...!"

મેનેજરને અચંબો થયો પણ આ મોટા બાપના દીકરા શું કરે કઈ નક્કી નહિ એમ વિચારી તેણે સ્વીકૃતની વાત માનવાનું મુનાસીબ સમજ્યું.

સ્વીકૃતને જાણે તે દિવસે પેલા વીસ રૂપિયાના લીંબુ શરબતના ડિસ્કાઉન્ટનું ઋણ ઉતારતો હોય તેવી અનુભૂતિ થઇ..!!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational