ધોઉં ધોઉં છછલું
ધોઉં ધોઉં છછલું
ખુશી સિમંત ભરીને તેનાં પિયર આવી હતી. ઘરમાં સૌથી મોટી. નાના બે ભાઈઓ. જેથી પ્રથમવાર ઘરમાં નવાં મહેમાન આવવાનાં હોઈ સૌની ખુશીનો પાર નહોતો. ખુશીની મમ્મી દરરોજ તેનું ખાવા પીવામાં ધ્યાન રાખે. તેને ભાવતું ભોજન બનાવી આપે. ખુશીના પપ્પા દરરોજ રાત્રે રામાયણ વાંચી સંભળાવે. આ રીતે બધાં જ તેનું ખૂબ જ ધ્યાન રાખે.
ખુશી પોતે પણ ખૂબ જ ખુશ હતી. તે તેના આવનાર બાળકના શારીરિક માનસિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે. આખો દિવસ ગાયત્રીમંત્ર લેખન કર્યા કરે. સમાચાર પત્રમાં આવતી પઝલો સોલ્વ કરે. ટેપ રેકોર્ડર પર ખુશી તેની પસંદગીની પ્રાર્થનાઓ અને ભજનો સાંભળે અને તેનાં આવનાર બાળક સાથે વાતો કરતા કહે, " બેટા ! આ સંપૂર્ણ સૃષ્ટી કેટલી સુંદર છે. સૃષ્ટીની તમામ વસ્તુઓ અને બઘું જ કુદરતે આપણાં સૌના માટે બનાવ્યું છે. કેટલી અદ્ભુત રચના કરી છે ! માટે હે મારા બાળક તું જલ્દી જલ્દી આ પૃથ્વી પર આવ ! "
અને એક દિવસ અચાનક જ નવમો મહિનો બેઠાં પછી એક જ અઠવાડિયું પસાર થયુ અને ખુશીને પેટમાં દુઃખાવો શરૂ થઈ ગયો. ખુશીના લક્ષણો જોતાં તેની મમ્મીને ખ્યાલ આવી ગયો. તાત્કાલિક જ ગાડી બોલાવી અને તેને નજીકના દવાખાને લઈ ગયા. ડોકટરે તપાસ કરી અને સવાર સુધીમાં ડિલેવરી થઈ જશે તેમ જણાવ્યું. ખુશીને ખૂબ જ દર્દ હતું. આખી રાત તેની સારવાર ચાલી. તેને અલગ અલગ પ્રકારનાં ઈન્જેકશન અને બોટલો ચઢાવવામાં આવી. સવારે ત્રણ વાગે ડોકટરનો ફોન આવ્યો અને રાતપાળી કરતાં આસિસ્ટન્ટ ડોકટરે અને નર્સે સવારે પાંચ વાગ્યે ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું. ખુશીના પેટમાં બાળક ખૂબ જ તંદુરસ્ત હોઈ ખુશીની હાઇટ ઓછી હોઈ બાળક અંદર જાણે ફસાઈ ગયું હતું ! બાળક અંદર ફરી શકતું ન હતું. માટે જ કુદરતી જન્મ ન થતાં ઓપરેશન કરવાનો નિર્ણય લેવો પડ્યો.
સવારે સાડા ચાર વાગ્યા પછી ખુશીને ઓપરેશન થિએટરમાં લઈ ગયાં. અંદર ગયા પછી ખુશીના ઓપરેશનની તૈયારીઓ થઈ. ખુશી બઘું જ જોતી હતી. ખુશીને ફક્ત નીચેનો ભાગ જ બહેરો કરેલો હતો. ડોકટર ઓપરેશન માટે આવ્યા એ અગાઉ બધી જ તૈયારીઓ નર્સોએ કરી રાખેલી. ડોકટરે હાથમાં મોટો છરો લીધો. ખુશીને જોયો. ખુશીએ પૂછયું, ' હવે ઓપરેશન શરૂ ? 'નર્સે જવાબ આપ્યો, હા.એક નર્સે ખુશીની આંખોં પર કપડું ઢાંકી દીધું. ખુશીએ તે હટાવી લેવા કહ્યું અને જણાવ્યું કે તેને જોવું છે. નર્સે કહ્યું તમે નહીં જોઈ શકો. છતાં પણ ખુશીએ કહ્યુ એટલે કપડું હટાવી લીધું અને ખુશીને માથેથી સહેજ ઊંચું પણ કરી આપ્યું જેથી તે બરાબર જોઈ શકે. હવે ખુશીને બરાબર દેખાતું હતું. ખુશીએ જોયું કે ડોક્ટર છરા વડે તેના મોટા પેટ પર ઊભો ચીરો કરે છે. ડોકટર એકદમ શાંતિથી અને કાળજીથી કામ કરતા હતા. ખુશી બઘું જ જોતી હતી. અને એકદમ જ ડોકટરે ખુશીના પેટમાંથી એક હાથેથી નીચેથી પકડીને બાળકને બહાર કાઢ્યું. ખુશીને બાળક જોઈ આનંદ થયો. માથાના કાળા જથ્થામાં વાળ અને બાળકના શરીરનો પાછળનો ભાગ જોયો. ડોકટરે નાળ કાપી. બાળક એકદમ જ રડવા લાગ્યું. એક નર્સ તેને સાફ સૂફી માટે લઈ ગઈ. મને તે ન ગમ્યું. હજૂ મેં તો મારા બાળકને જોયું નથી ! પછી એમ થયું કે હમણાં લાવશે પણ ઘણો બધો સમય થઈ ગયો. બાળકને બહાર ખુશીના મમ્મી પપ્પા પાસે સોંપી દેવામાં આવ્યું હતું. ત્યાં સુઘી ઓપરેશનની બાકીની પ્રક્રિયા પૂર્ણ કરી ડોકટર ગયાંરવિવાર એટલે લેખનવાર એ પછી મારી આસપાસ કામ કરતી નર્સને ખુશીએ પૂછ્યું, " બાબો છે કે બેબી ?" કોઈએ જવાબ ન આપતાં પોતપોતાનું કામ ચાલુ રાખ્યું. થોડીવાર પછી પણ પૂછયું. નર્સો તેમનાં કામમાં જ. ત્રીજી વખત ખુશીએ જરા મોટેથી પૂછયું, " બહેન, તમને પૂછું છું જવાબ તો આપો. બાબો છે કે બેબી ? " પેલી નર્સે ઉદાસ ચહેરે જવાબ આપ્યો, " બેબી, તમને દુઃખ ન થાય માટે અમે તમને કહ્યું નહીં. " ખુશીએ જણાવ્યું, " શેનું દુઃખ? મારા માટે તો બંને સમાન જ છે. મારું આ પ્રથમ બાળક ઈશ્વરની અમૂલ્ય ભેટ છે. સર્વાંગ સુંદર બાળક એ જ મારે મન મોટી ભેટ છે."
ખુશી ખૂબ જ ખુશ હતી. પરંતું તે હવે તેની દીકરીને જોવા ખૂબ જ આતુર અને વ્યાકુળ હતી. ખુશીને હવે ઓપરેશન થિએટર માંથી બહાર સ્ટ્રેચર પર લઈ જતાં હતાં. બહાર તેની મમ્મીનાં ખોળામાં તેની દીકરી હતી. સ્ટેચર પરથી જ ખુશીએ મમ્મીને કહ્યું, " મમ્મી મને બતાવ ! !" તેની મમ્મી બાળકને લઈને ઊભી થઈ સ્ટેચર પાસે આવી. ખુશી તેની એકદમ તંદુરસ્ત અને ગુલાબી ગુલાબી ગાલવાળી તેની દીકરીને જોઈને ખૂબ જ ખુશ ખુશ થઈ ગઈ. તેનાં ગાલે પપ્પી કરી અને તેની મમ્મી સામે જોઈ ગાવા લાગી, " મમ્મી, ધોઉં ધોઉં છછલું ! " આ સાંભળી બધાંને કંઈ સમજ ન પડી. સમજ્યા હોય તો ફક્ત ખુશી અને તેની મમ્મી.
ખુશી તેનું બાળક પેટમાં હતું ત્યારે દરરોજ પ્રાર્થનાઓ અને ભજન ગાતી અને બાળગીતો તો નાના બાળકની જેમ કાલી ઘેલી ભાષામાં ગાતી. અને એ જ ખુશીનું પસંદગીનું બાળગીત:
ધોળું ધોળું સસલું,
આમ દોડે તેમ દોડે,
મને જોઇને નાસી જાય,
ગાજર ખાય પાણી પીવે,,
આ બાળગીત ખુશીએ સ્ટેચર પરથી તેની દીકરીને પપ્પી કરીને કાલી ઘેલી ભાષામાં ગાયેલું :
" ધોઉં ધોઉં છછલુ,
આમ દોલે તેમ દોલે,
લીછા લીછા ગાલ છે,
ગાજલ ખાય પાની પીએ.
