ન નગારાનો ન
ન નગારાનો ન


સ્મૃતિ મેડમને આજે સત્રની શરૂઆતમાં પહેલાં ધોરણમાં બેસવાનું થયું. નાના નાના નિર્દોષ ચહેરાવાળા બાળકોનાં ચહેરાઓ જોઈને ખુશ ખુશ થયાં. બાળકો પણ ટગર ટગર સ્મૃતિ મેડમ સામે જોઈ રહ્યા હતા.
બધાં જ બાળકોનાં વ્યક્તિગત નામ પૂછ્યા. અમુક વાતોડિયા બાળકોની સાથે ઘરની, શાળાની, મિત્રોની વાતો સાંભળી. તે સમયે કેટલાંક બાળકો અંદરોઅંદર વાતો કરતા હતા, કેટલાંક રમતાં હતાં, કેટલાંક વાતો કરતાં હતાં અને કેટલાંક ઝઘડતાં હતાં. વર્ગખંડનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું.
બાળકોને ચકો અને ચકીની વાર્તા કહી. મોટાભાગના બાળકોને આ વાર્તા આવડતી હતી.
આ કોરી સ્લેટ જેવાં બાળકો હજુ સાવ કોરા હતાં. કોઈને અક્ષરજ્ઞાન નહોતું. વર્ણમાલાની શરૂઆત ‘ ન, મ, ગ અને જ ‘ મૂળાક્ષરોથી થાય છે તો સ્મૃતિ બહેને પહેલાં
‘ ન ‘ શીખવવા માટે, નગારું, નભ, નમન જેવાં ‘ ન ‘ થી શરુ થતાં શબ્દો અને વચ્ચે કે અંતે ‘ ન ’ આવતાં શબ્દો અને ચિત્રો બતાવ્યાં.
ન - લખવા માટે, પોલું ગોળ, આડી લીટી અને દાદાની લાકડી દોરતાં શીખવી.
બાળકોને ગીત ગવડાવ્યું.
આ છે નગારું, જેમાં પહેલો અક્ષર ન,
નગારું ઢમ ઢમ બાજે ને હું લખું ન, ન, ન.
ખુલ્લા મેદાને જઈ ઊંચે જુવો આ નભ,
બે અક્ષરના નભનો પહેલો અક્ષર લખું હું ન, ન, ન.
નભ ને ગગન પણ કહેવાય, જેમાં છેલ્લો અક્ષર ન,
ગોળ ગોળ ગગને ઘૂમી હું લખું ન, ન, ન.
રોજ સવારે મમ્મી પપ્પાને બે હાથ જોડી કરું નમન,
નમનમાં આગળ ને પાછળ, હું લખું ન, ન, ન.